માઇક્રો ન્યુટ્રિઅન્ટ્સ કઇ રીતે વધારે છે ઇમ્યુનિટી

18 June, 2021 02:52 PM IST  |  Mumbai | Chirantana Bhatt

માઇક્રો-ન્યુટ્રિઅન્ટ્સ અને સપ્લીમેન્ટ્સની ભૂમિકાને પણ સમજવી જોઇએ કે જે મજબૂત ઇમ્યુનિટીની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માઇક્રોન્યુટ્રીઅન્ટ્સની મહત્વતા અને તેને કારણે શરીરમાં આવતા ફેરફાર અંગે ડૉ. પરાગ શાહે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે વાત કરી

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક મહામારીના ભયજનક દર સાથે ફેલાવાની સાથે વધુને વધુ લોકોને એવાં વિકલ્પો ઉપર વિચાર કરવા માટે ફરજ પડી રહી છે, જે સામૂહિક પ્રકારે એક સમાજ તરીકે આપણે પસંદ કર્યાં છે. હકીકતમાં મહામારીને કારણે વ્યક્તિગત આરોગ્ય અને મજબૂત ઇમ્યુનિટી હાલ સર્વોચ્ચ પ્રાથમિકતા હોવા અંગે ઘણાં લોકો માટે આંખ ઉઘાડનારી રહી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણામાંથી ઘણાં લોકો માટે વ્યક્તિગત આરોગ્ય ગૌણ બન્યું છે, જેનો દોષ જીવનશૈલીમાં પરિવર્તન અથવા આરોગ્ય સંભાળ પ્રત્યે આપણી નિષ્કાળજીને આપી શકાય. વર્તમાન પરિસ્થિતિએ આરોગ્ય અને સુખાકારી પ્રત્યેના આપણા અભિગમની ફરીથી સમીક્ષા કરવા આપણને ફરજ પડી છે અન તે પણ માત્ર કામચલાઉ ધોરણે નહીં, પરંતુ સ્થાયી દ્રષ્ટિકોણ સાથે. તેની સાથે ચાલો સ્વાસ્થ્યને અલગ રીતે જોવાનું શરૂ કરીએ. વજનમાં ઘટાડો અને પરફેક્ટ ફીગર તંદુરસ્ત શરીરનું પ્રતિક હોવું જરૂરી નથી, પરંતુ તમારા શરીર માટે પોષણની આવશ્યકતાઓને સંતુલિત રાખવી યોગ્ય અભિગમ છે. આ લક્ષ્યને હાંસલ કરવામાં ગુણવત્તાયુક્ત આહાર ખૂબજ જરૂરી છે ત્યારે આપણે કેટલાંક માઇક્રો-ન્યુટ્રિઅન્ટ્સ અને સપ્લીમેન્ટ્સની ભૂમિકાને પણ સમજવી જોઇએ કે જે મજબૂત ઇમ્યુનિટીની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માઇક્રોન્યુટ્રીઅન્ટ્સની મહત્વતા અને તેને કારણે શરીરમાં આવતા ફેરફાર અંગે ડૉ. પરાગ શાહે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે વિગતવાર વાત કરી.

માઇક્રો-ન્યુટ્રિઅન્ટ્સનું મહત્વ

વિશ્વભરમાં મેડિકલ પ્રોફેશ્નલ્સ હવે ઇમ્યુનો-ન્યુટ્રિશન ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે, જેનો અર્થ આહારમાં ફેરફાર અને જરૂરી ન્યુટ્રિઅન્ટ્સના ઉમેરા દ્વારા વ્યક્તિની ઇમ્યુનિટીને મજબૂત કરવી. આ ખ્યાલ શરીરને પોષણના સપ્લાયમાં પરિવર્તન લાવવામાં મદદરૂપ બને છે, જેનાથી સજાગ ઇમ્યુન રિસ્પોન્સ પ્રાપ્ત કરી શકાય છે. કમનસીબે, મોટાભાગે ગંભીર રીતે બિમાર દર્દીઓની સારવાર માટે તેને જોવામાં આવે છે. જોકે, ઉંડાણપૂર્વક રીતે સમજીએ તો વ્યક્તિની આરોગ્યની સ્થિતિને ધ્યાનમાં ન લેતાં તે દરેક માટે મહત્તમ ન્યુટ્રિશન જરૂરી છે.

ઇમ્યુન સિસ્ટમની અસરકારક કામગીરી માટે ઝિંક અને વિટામિન એ, સી અને ડી (ઝેડ, એ, સી, ડી) આવશ્યક સાબિત થયાં છે. હકીકતમાં તાજેકરમાં બ્રિટિશ મેડિકલ જર્નલ – ન્યુટ્રિશન એન્ડ હેલ્થમાં પ્રકાશિત અભ્યાસ મૂજબ મલ્ટી-વિટામિન કોવિડ-19 ઇન્ફેક્શન થવાનું જોખમ ઘટાડી શકે છે. આજ પ્રકારના બીજા એક અભ્યાસમાં પણ સાબિત થયું છે કે ઝેડ, એ, સી, ડીથી કોવિડ-19 સામેની ઇમ્યુનિટીને મજબૂત કરવામાં મદદ મળે છે.

ઝિંક અને વિટામિન સી ઇન્ફેક્શનની સામે લડવામાં મદદરૂપઃ ઝિંક તેની એન્ટી-વાઇરલ પ્રોપર્ટીઝ માટે જાણીતું છે તેમજ ક્લિનિકલ અભ્યાસ સૂચવે છે કે તે કોવિડ-19 ઇન્ફેક્શન રોકવામાં પણ મદદરૂપ થઇ શકે છે. આજ પ્રકારે એન્ટી-ઓક્સિડન્ટ વિટામિન સી માનવીના કોષોને ફ્રી રેડિકલ્સની અસરો સામે સુરક્ષિત રાખે છે તેમજ સારી ઇમ્યુનિટીની રચના કરે છે.

વધુ એક અભ્યાસમાં જણાયું છે કે ઝિંક અને વિટામિન સીની સંયુક્ત અસરોથી વાઇરસ ઇન્ફેક્શનની ગંભીરતાને મર્યાદિત કરી શકાય છે. ઝિંક બેક્ટેરિયા અને વાઇરસ જેવાં કોઇપણ ચેપી તત્વોની સામે અનુકૂળ ઇમ્યુનિટીમાં વધારો કરે છે. ઝિંક ન્યુટ્રોફિલ્સ રિલિઝ કરીને જન્મજાત ઇમ્યુનિટીના કોષો દ્વારા જીવાણુઓને મારવા માટે જરૂરી હોવાનું પણ સાબિત થયું છે.

વિટામીન એ અને તેની એન્ટીમાઇક્રોબાયલ ગુણધર્મોઃ વિટામિન એ ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસિઝ (સીઓપીડી) જેવાં ગંભીર કેસોમાં પણ પલ્મોનરી સિસ્ટમની તંદુરસ્ત કામગીરીને બળ આપે છે. વધુમાં ઘણાં તથ્યો સૂચવે છે કે વિટામિન એનું મૌખિક ઉપયોગ શ્વસન રોગોનું જોખમ ઘટાડે છે. આથી વિટામીન એ ના એન્ટી-માઇક્રોબાયલ ગુણધર્મો કોવિડ-19 સહિત વાઇરલ રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ સામે લડવામાં મજબૂત પરિબળ બની શકે છે.

એન્ટી-વાઇરસ શિલ્ડ તરીકે વિટામિન ડીઃ ઘણાં અહેવાલો મૂજબ વ્યક્તિના કોષોમાં કોવિડ-19 થવા બદલ કારણભૂત પ્રોટીન – સ્પાઇક પ્રોટિનના પ્રવેશને રોકવામાં વિટામીન ડી અસરકારક છે. બ્રિટિશ મેડિકલ જર્નલના અભ્યાસ પ્રમાણે વિટામિન ડી સપ્લીમેન્ટ્સ લેતાં વ્યક્તિઓમાં કોવિડ-19 પોઝિટિવ ટેસ્ટ થવાનું જોખમ ઘટે છે.

આપણે પરિસ્થિતિ સામાન્ય થવાની રાહ જોઇ રહ્યાં છીએ ત્યારે ઘરની અંદર રહીને તેમજ આપણા દૈનિક પૌષ્ટિક આહાર અને માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ સામેલ કરીને આપણી ઇમ્યુનિટીને મજબૂત કરવા જેવી કામગીરી મહત્વપૂર્ણ છે. આથી તમારા શરીર માટે જરૂરી પોષણ અંગે જાણકારી પ્રાપ્ત કરવા માટે તમારા ડોક્ટર અથવા ન્યુટ્રિશિયનિસ્ટની સલાહ લેવી જોઇએ, જેથી કોઇપણ ઇન્ફેક્શનની સામે મજબૂત સુરક્ષા હાંસલ કરી શકાય.

health tips