22 February, 2025 01:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડૉ. વિનોદ વૈષ્ણવ
ડૉ. વિનોદ વૈષ્ણવ એમસીએચ ઑર્થ (યુકે), એમએસ ઑર્થો, કન્સલ્ટન્ટ ઑર્થોપેડિક અને જૉઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જ્યન છે. તેઓ બ્રીચ કૅન્ડી, વૉકહાર્ટ અને એસ. એલ. રાહેજા (ફોર્ટિસ) હૉસ્પિટલ સાથે જોડાયેલા છે.
ઘૂંટણની ફેરબદલીની સર્જરી સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે જેમાંથી અમુક એવી પણ છે જે સાંભળી અને વિચારીને દરદીને ચિંતા થાય એ સ્વાભાવિક છે. એની ખરાઈ વિશે અમે ડૉ. વિનોદ વૈષ્ણવ સાથે થોડી પ્રશ્નોત્તરી કરી અને એ દંતકથાઓ વિશેની હકીકત જાણવાનો પ્રયત્ન કર્યો.
ની-રિપ્લેસમેન્ટ પહેલાં , ની-રિપ્લેસમેન્ટ પછી
માન્યતા 1 : શસ્ત્રક્રિયા પછી ઘૂંટણ યોગ્ય રીતે વાળી શકાતાં નથી.
હકીકત : સર્જરી પછી તમે આરામથી તમારા ઘૂંટણને વાળી શકો છો. તમારા ઘૂંટણની વળવાની રેન્જ કંઈક અંશે તમારા પ્રી-ઑપરેટિવ રેન્જ ઑફ મોશન પર આધારિત છે.
માન્યતા 2 : ઘૂંટણની ફેરબદલી પીડાદાયક છે. શસ્ત્રક્રિયા પછી પણ ઘણો દુખાવો થાય છે.
હકીકત : આધુનિક સમયની સર્જરીઓમાં પેઇન મૅનેજમેન્ટ એટલું ઍડ્વાન્સ છે કે દરદીને શસ્ત્રક્રિયા દરમ્યાન કોઈ જાતનો દુખાવો થતો નથી. સર્જરી પહેલાં દરદીને ઍનેસ્થેસિયા આપવામાં આવે છે જેથી તેને પીડાનો બિલકુલ અનુભવ થતો નથી. સર્જરી પછી પણ એપિડ્યુરલ ઇન્ફ્યુઝન અથવા નર્વ બ્લૉક દ્વારા પીડાને મૅનેજ કરવામાં આવે છે જેથી દરદીને પીડામાંથી ઘણે બધે અંશે રાહત રહે છે.
માન્યતા 3 : આ સર્જરીમાં ઘૂંટણમાં ઇમ્પ્લાન્ટ જેવાં ફૉરેન ઑબ્જેક્ટ નાખવામાં આવે છે જેની આડઅસર અથવા રીઍક્શન્સ થઈ શકે છે.
હકીકત : સર્જરી વખતે ઘૂંટણમાં જે ઇમ્પ્લાન્ટ નાખવામાં આવે છે એ એવી ધાતુનાં બનેલાં હોય છે જે આપણા શરીરને અનુકૂળ આવે એવાં હોય છે અને કોઈ પણ પ્રતિકૂળ અસરો કર્યા વિના ઘૂંટણને ચલાવવામાં મદદરરૂપ થાય છે.
માન્યતા 4 : સર્જરી પછી નિયમિત ફિઝિયોથેરપી જરૂરી છે અને સ્વસ્થ થઈને પોતાના પગ પર ફરીથી ઊભા થવામાં ઘણો લાંબો સમય લાગી જાય છે.
હકીકત : ૯૯ ટકા દરદીઓને ફિઝિયોથેરપિસ્ટની જરૂર પડતી નથી. રિપ્લેસમેન્ટ પછી ડૉક્ટરો જ દરદીઓને દરરોજની કસરત કેવી રીતે કરવી એની તાલીમ આપે છે. દરદી એ પ્રમાણે શીખીને જાતે જ કસરત કરી શકે છે. મોટા ભાગના દરદીઓ સર્જરી પછી એ જ દિવસે વૉકર સાથે ચાલવાનું શરૂ કરી શકે છે. બે-ચાર અઠવાડિયાંમાં તો તેઓ કોઈ પણ ટેકા વિના આરામથી ચાલતા થઈ જાય છે.
માન્યતા 5 : આ પ્રકારની સર્જરીમાં નિષ્ફળ જવાનું જોખમ ઊંચું છે.
હકીકત : સમગ્ર સર્જરીમાં એકમાત્ર જોખમ ચેપ લાગી જવાની શક્યતા હોય એનું છે અને એ પણ ખૂબ ઓછું. 1 ટકા કરતાં પણ ઓછું.
માન્યતા 6 : ઘૂંટણ બદલવાની સર્જરી પછી વાહન ચલાવી શકાતું નથી.
હકીકત : મોટા ભાગના દરદીઓ સર્જરી પછી લગભગ ૬થી ૮ અઠવાડિયાંની અંદર ડ્રાઇવિંગ કરવાનું શરૂ કરી શકે છે.
માન્યતા 7 : ડાયાબિટીઝ અને હાઈ બ્લડપ્રેશરની તકલીફ હોય એવા લોકો આ સર્જરી કરાવી શકતા નથી.
હકીકત : આ સર્જરી ડાયાબિટીઝ અને બ્લડપ્રેશરની તકલીફ હોય તો પણ કરાવી શકાય છે. માત્ર એક વાત જરૂરી છે કે બ્લડ શુગર અને બ્લડપ્રેશર કન્ટ્રોલમાં હોવાં જોઈએ. વ્યવસ્થિત દવા લેવામાં આવે તો એ શક્ય છે.
માન્યતા 8 : ઘૂંટણ બદલવાની સર્જરી કરાવ્યા પછી માત્ર દસેક વર્ષમાં જ ફરી તકલીફ શરૂ થઈ જાય છે.
હકીકત : આજના સમયમાં રિપ્લેસમેન્ટ માટે જે ઇમ્પ્લાન્ટ વાપરવામાં આવે છે એની ગુણવત્તા ખૂબ ઍડ્વાન્સ લેવલની હોય છે જે ૨૦થી ૨૫ વર્ષ સુધી ટકી શકે છે. ઘણા લોકોને તો જીવનભર કોઈ તકલીફ નથી થતી.
માન્યતા 9 : ઉંમર ખૂબ વધુ હોય એ લોકો આ સર્જરી કરાવી શકતા નથી.
હકીકત : આ સર્જરી માટે ઉંમરનો કોઈ બાધ નથી. કોઈ પણ ઉંમરમાં
ની-રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી શકાય છે. એવા પણ કેટલાક દરદીઓ છે જેમણે ૯૦ વર્ષની ઉંમરે ઘૂંટણ બદલાવ્યાં છે અને ઑપરેશનથી ખુશ છે.
માન્યતા 10 : ઘૂંટણ બદલવાની આ સર્જરી ખૂબ ખર્ચાળ છે.
હકીકત : અલગ-અલગ હૉસ્પિટલમાં આ સર્જરી કરાવવાનો ખર્ચો
અલગ-અલગ આવે એવું થઈ શકે છે. ઘણું કરીને એક ઘૂંટણ માટે 1.5 લાખથી 3.5 લાખ સુધીનો ખર્ચો આવી શકે છે.
માન્યતા 11 : બન્ને ઘૂંટણની સર્જરી એક જ સમયે થઈ શકતી નથી.
હકીકત : દરદીનું સ્વાસ્થ્ય એકંદરે કેવું છે એ જોઈ-તપાસીને ડૉક્ટર નક્કી કરે છે કે એક સમયે એક જ ઘૂંટણની સર્જરી કરવી હિતાવહ છે કે બેઉની એકસાથે થઈ શકશે. સાચું પૂછો તો બન્ને ઘૂંટણ એક જ સમયે બદલવાના ઘણા ફાયદા છે. જેમ કે એક જ વખતના હૉસ્પિટલમાં રોકાણમાં બન્ને ઘૂંટણ બદલાઈ જાય અને એકસાથે બન્ને સાજા પણ થઈ જાય. એ ઉપરાંત સર્જરીના ખર્ચમાં પણ ઘટાડો થાય છે.
ઘૂંટણ ફેરબલીની આ શસ્ત્રક્રિયા એટલે કે ની-રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવાથી સખત પીડામાંથી છુટકારો મેળવી શકાય છે. હાલવા-ચાલવામાં સુગમતા આવી જાય છે એથી રોજબરોજનું જીવન સરળ થઈ જાય છે. એટલે તમે જે સાચીખોટી દંતકથાઓ સાંભળી છે એના પર વિશ્વાસ ન કરીને ડૉક્ટરનો સંપર્ક કરો.