30 July, 2025 02:37 PM IST | Mumbai | Heena Patel
પ્રિયલ મહેતા, નમ્રતા કોઠારી
આજકાલ દરેકના જીવનમાં પ્રતિસ્પર્ધા, કામ પૂર્ણ કરવાની ડેડલાઇન્સ, કારકિર્દીનું પ્રેશર અને વ્યક્તિગત સંઘર્ષ એટલોબધો વધી ગયો છે કે લોકો ભાવનાત્મક રીતે થાકનો અનુભવ કરી રહ્યા છે. કિડલ્ટિંગ તેમના માટે એક મેન્ટલ ડીટૉક્સ જેવું કામ કરે છે.
કિડલ્ટિંગ એટલે શું?
આ એક એવો ટ્રેન્ડ છે જે યુવાનોમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મિલેનિયલ્સ અને જેન-ઝીમાં. કિડલ્ટિંગ એટલે કે મોટા થઈ ગયા છતાં પણ બાળકોની ઍક્ટિવિટીમાં એન્ગેજ્ડ રહેવું. જેમ કે રમકડાંઓ સાથે રમવું, ટૉમ ઍન્ડ જેરી જેવાં કાર્ટૂન કે હૅરી પૉટર જેવા જૂના શો જોવા, કૉમિક્સની બુક વાંચવી, બાર્બી ડૉલ કે સુપરમૅન-આયર્નમૅન જેવાં ઍક્શન ફિગર ખરીદવાં, વિડિયો-ગેમ્સ રમવી, લૂડો-ઉનો જેવી ગેમ્સ રમવી, કલરિંગ બુકમાં કલર કરવા, ડાયરી લખવી, ફુગ્ગાઓ ખરીદવા, બાળપણવાળી ચૉકલેટ-કૅન્ડી ખાવી, ટ્રૅમ્પોલિન પાર્કમાં જઈને ઊછળકૂદ કરવી, ઝૂલે ઝૂલવું વગેરે.
જાણો યંગસ્ટર્સના અનુભવો
દહિસરમાં રહેતી ૨૮ વર્ષની પ્રિયલ મહેતા વોરા પણ એવી જ એક યંગસ્ટર છે જે આ ટ્રેન્ડને ફૉલો કરે છે. પોતાનો અનુભવ શૅર કરતાં પ્રિયલ કહે છે, ‘મારાં લગ્નને હજી થોડો જ સમય થયો છે એટલે હું અત્યારે સાસરિયામાં સેટલ થઈ રહી છું. એટલે જૉબમાંથી એક શૉર્ટ બ્રેક લીધો છે. ઘણી વાર ઘરમાં બોર ફીલ થાય તો હું મારા જૂના દિવસો સાથે કનેક્ટેડ ફીલ કરવાની ટ્રાય કરું. હું ડોરેમૉન જોવા બેસું જે બાળપણમમાં મને જોવું બહુ ગમતું. ફ્રેન્ડ્સ સાથે બીચ પર જવાનો પ્લાન બનાવ્યો હોય તો અમે બધા ઘરેથી કંઈ ને કંઈ બનાવીને ડબ્બો લઈ આવીએ, માટીમાં રમીએ, બધા સાથે મળીને ખાઈએ. એટલે ફરી સ્કૂલના દિવસોની યાદો તાજી થાય. મારા બાળપણનાં ઘણાં રમકડાં મેં હજી સાચવીને રાખ્યાં છે, બધાં મારી મમ્મીના ઘરે પડ્યાં છે. પિયર જાઉં ત્યારે ત્યાંથી એક-બે રમકડાં ઉપાડી આવું. હજી ગયા વખતે જ હું મારી નાની ગિટાર ઉપાડીને સાસરે લઈ આવી. મેં મારા સ્કૂલ-કૉલેજ સમયનાં પુસ્તકો પણ સાચવીને રાખ્યાં છે. ચાલુ લેક્ચરમાં બુકના પાછળના પેજ પર લખીને વાતો કરી હોય એ પણ મારી પાસે છે. એટલે ઘણી વાર હું મોબાઇલમાં પિક્ચર ક્લિક કરીને મારા એ જૂના ફ્રેન્ડ્સને મોકલું. એ બહાને અમારી થોડી ચૅટ થાય. બાકી આજકાલ તો બધા જ ફ્રેન્ડ્સ તેમની લાઇફમાં વ્યસ્ત છે. મને બાળપણમાં ડાન્સ-ક્લાસ જૉઇન કરવાનું ખૂબ મન હતું પણ એ શક્ય બન્યું નહોતું. જોકે મોટા થયા પછી હું પોતે પણ ડાન્સ શીખી રહી છું અને બીજાને પણ શીખવાડી રહી છું. દિવસનો થોડો સમય હું મ્યુઝિક, ડાન્સ સાથે વિતાવું છું.’
આવું જ કંઈક કરતી વિક્રોલીમાં રહેતી ૨૯ વર્ષની નમ્રતા કોઠારી કહે છે, ‘અત્યારે જીવન એવું છે કે મિત્રો છૂટી ગયા છે. બહેનો પરણીને સાસરે છે. હું પોતે આખો દિવસ મારા કામમાં વ્યસ્ત રહું છું. એટલે ઘણી વાર એમ થાય કે બાળપણ જ સારું હતું. અત્યારે જેમ પર્સનલ અને પ્રોફેશનલ લાઇફનું સ્ટ્રેસ છે એ ત્યારે નહોતું. મારી બહેનની સાત વર્ષની દીકરી રાવ્યા છે. તેને હું જોઉં એટલે મને મારું બાળપણ યાદ આવી જાય. કિચન સેટ, બાર્બી ડૉલથી રમવાનું, મિત્રો સાથે પકડા-પકડી, લુકાછુપી રમવાનું, ગરમીમાં પેપ્સી ખરીદીને ખાવાની, સ્કૂલ બહારથી બોર, આમલી ખરીદીને ખાવાનાં. જીવનની આ ઉંમરે જવાબદારી ઘણી છે. એની વચ્ચે બાળપણ ક્યાંક ખોવાઈ ગયું છે. રાવ્યા સાથે હોય ત્યારે તેની સાથે રમવામાં હું એટલી મશગૂલ થઈ જાઉં કે હું પોતે બાળક બની જાઉં છું. તેની સાથે વરસાદમાં પલળવું, ગેમ્સ રમવી, કાર્ટૂન જોવું, ચૉકલેટ-કૅન્ડી ખાવી, બલૂન્સ ખરીદવાં, અરીસામાં જોઈને અજીબોગરીબ મોઢાં બનાવવાં મને ગમે.’
આ પાછળની સાઇકોલૉજી શું?
કિડલ્ટિંગ પાછળની માનસિકતા શું છે અને એ કઈ રીતે આપણા માનસિક સ્વાસ્થ્યને સારું રાખવામાં મદદ કરે છે એ વિશે જણાવતાં ૧૦ વર્ષનો અનુભવ ધરાવતાં ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ ડૉ. જાનવી દોશી સુતારિયા કહે છે, ‘સામાન્ય રીતે બાળપણ સાથે જોડાયેલી આપણી જેટલી પણ યાદો હોય એમાં આનંદ, સુરક્ષાની ભાવના વધુ હોય અને જવાબદારી એટલી ન હોય. મોટા થયા પછી જવાબદારીનો બોજ વધી જતો હોય. એવામાં બાળપણની મનગમતી ટીવી-સિરીઝ જોવી, જૂનાં ફોટો-આલબમ જોવાં, બાળપણમાં જે જગ્યાએ જતા હોઈએ ત્યાંની મુલાકાત લેવી વગેરે જેવી વસ્તુ મનમાં નોસ્ટૅલ્જિયા જન્માવે છે. એને કારણે બ્રેઇનમાં ડોપમીન નામનું હૉર્મોન રિલીઝ થાય છે જેનાથી વ્યક્તિ સારું ફીલ કરે છે. કિડલ્ટિંગના માધ્યમથી બાળપણમાં સરી પડવાની આદત આપણે વર્તમાનના પ્રેશરમાંથી થોડો બ્રેક આપીને પોતાની જાત સાથે ફરી જોડાણનો અનુભવ કરવામાં મદદ કરે છે. એકલતા અને ભાવનાત્મક બોજ ઓછો કરીને, સુરક્ષાની અને પોતાપણાની ભાવના આપે છે. કિડલ્ટિંગ જેવી ઍક્ટિવિટી વર્તમાન ક્ષણમાં પૂર્ણ રીતે જીવતાં શીખવાડે છે. બાળપણની મનગમતી વસ્તુ કરવામાં તમે મશગૂલ થઈ જાઓ તો એનાથી તમારું ઓવરથિન્કિંગ બંધ થઈ જાય. તમે બધું ભૂલીને વર્તમાન પળને માણવા લાગો. ઘણા લોકો કિડલ્ટિંગને જવાબદારી, માનસિક થાકમાંથી થોડા સમય માટે પલાયન થવાના માર્ગ તરીકે પણ અજમાવતા હોય છે. ઘણા લોકોને બાળપણમાં થયેલી એવી અમુક ઇચ્છાઓ અધૂરી રહી જતી હોય છે. કિડલ્ટિંગ એ ઇચ્છાઓને પૂરી કરવાની તક આપે છે. એટલે ઘણા લોકો મોટા થયા પછી પણ બાર્બી ડૉલ ખરીદે કે પછી બુકમાં કલરિંગ કરવું વગેરે જેવી ઍક્ટિવિટી કરતા હોય છે. કિડલ્ટિંગ વ્યક્તિમાં એક રીતે આત્મપ્રેમ અને આત્મસ્વીકૃતિની ભાવના જન્માવે છે, જે તેને માનસિક રીતે હીલ કરવાનું કામ કરે છે. સામાન્ય રીતે એમ કહેવાય કે તમારે તમારી અંદરના બાળકને હંમેશાં જીવતું રાખવું જોઈએ અને કિડલ્ટિંગ એનો એક માર્ગ છે. બાળકો તેમની ભાવનાઓ જેવી છે એવી જ રીતે દર્શાવે છે, પણ આપણે મોટા થતા જઈએ એમ ભાવનાઓ વ્યક્ત કરતાં પહેલાં બહુ બધું વિચારતા હોઈએ છીએ. એને કારણે ઘણી લાગણીઓ અવ્યક્ત રહી જતી હોય છે. એવા સમયે કિડલ્ટિંગ જેવી ઍક્ટિવિટીઝથી ભલે થોડા સમય માટે જ પણ આપણાં ઇમોશન રિલીઝ થાય છે અને આપણે અંદરથી હીલ થઈએ છીએ.’
કિડલ્ટિંગ ફક્ત એક ટ્રેન્ડ નથી, પણ આપણી અંદર રહેલા એક બાળકને હીલ કરવાની એક ટેક્નિક છે એમ જણાવતાં ડૉ. જાનવી કહે છે, ‘મારી પાસે આવેલા એક કેસની વાત કરું તો મારી એક ક્લાયન્ટ છે જે અત્યારે ૨૫-૨૬ વર્ષની હશે. તે શરીરથી થોડી ભરાવદાર છે અને ત્વચાનો રંગ થોડો શામળો છે એટલે બાળપણથી જ તેને તેના દેખાવને લઈને ખૂબ સારું-ખરાબ સંભળાવવામાં આવતું. તેનાં મમ્મી-પપ્પા પણ તેને ખૂબ ટૉન્ટ મારતાં. પેરન્ટ્સને રીઝવવા અને તેમની પાસેથી પ્રશંસા સાંભળવા તે ભણવામાં ખૂબ મહેનત કરતી. એટલે સારા માર્ક્સ આવે અને તેના પેરન્ટ્સ ખુશ થાય. અત્યારે તેને તેના દેખાવને લઈને કોઈ ટોકતું નથી એમ છતાં બાળપણના કડવા અનુભવે તેના મનમાં એવી ભાવના નાખી દીધી કે તે દેખાવડી નથી, તેને કોઈ પસંદ નથી કરતું, તે કોઈના પ્રેમને લાયક નથી. એટલે આવા વખતે અમે ઇનર ચાઇલ્ડ થેરપી આપીએ જેમાં વિવિધ ટેક્નિક્સનો ઉપયોગ કરીને વ્યક્તિમાં રહેલું એ બાળપણ કે જેમાં એને નકારવામાં આવ્યું હતું એને હીલ કરવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ તરીકે અમે તેમને માયસેલ્ફ પર નિબંધ લખવાનું કહીએ. આપણે બધાએ જ સ્કૂલમાં એ કર્યું છે. ઘણી વાર આપણને કોઈ પૂછે કે તમે કોણ છો? તો આપણને આપણા નામ અને કામ સિવાય આગળ શું કહેવું એ ખબર જ ન હોય. તમે જ્યારે પોતાની જાત પર નિબંધ લખો ત્યારે મનની લાગણીઓ જે બાળપણથી દબાયેલી છે એ બહાર નીકળે છે. આપણે લખીએ કે મને કયારેય પ્રેમ નથી મળ્યો, મારી વાત કોઈએ નથી સાંભળી, મને આ વસ્તુથી ખુશી મળતી વગેરે. જ્યારે તમે આ નિબંધ વાંચો ત્યારે તમારી અંદરના બાળકને એમ લાગે છે કે તેને કોઈ સાંભળી રહ્યું છે, સમજી રહ્યું છે. આમ કરવાથી તમારી અંદરના ચાઇલ્ડનું રીપેરન્ટિંગ થાય છે. એટલે આપણી અંદરના બાળપણને એ બધુ જ આપવું જેમ કે પ્રેમ, સુરક્ષાની અનુભૂતિ, માર્ગદર્શન, અભિવ્યક્તિની આઝાદી જે મળી નહોતી. એનાથી વ્યક્તિ હીલ થાય છે. તેનો આત્મપ્રેમ અને આત્મવિશ્વાસ વધે. ઇનર ચાઇલ્ડ થેરપીની બીજી પણ ઘણી ટેક્નિક છે જેમાં અરીસા સામે જોઈને વાતો કરવી, બાળપણના ફોટોનું આલબમ જોવું કે કોઈ પ્લે-બેઝ્ડ ઍક્ટિવિટી કરાવવી વગેરે. જેમ કે બાળપણમાં તમે તમારાં માતા-પિતાને ઝઘડતાં જોયાં હોય અને એનો ટ્રૉમા રહી ગયો હોય તો લેગોઝથી કોઈ સ્ટ્રક્ચર બનાવી તેમને એવી અનુભૂતિ થતી હોય કે તેમની દુનિયાનો કન્ટ્રોલ તેમના હાથમાં છે. આ બધી નાની-નાની ઍક્ટિવિટીઝ છે, પણ વ્યક્તિના માનસમાં એની ઊંડી અસર થતી હોય છે.’