હૉર્મોનલ અસંતુલન છે? તો સીડ સાઇક્લિંગ કરો

15 June, 2021 10:00 AM IST  |  Mumbai | Jigisha Jain

સ્ત્રીઓની અંતઃસ્રાવી ગ્રંથિઓને લગતી અનેક સમસ્યાઓ માટે હાલમાં બીજ પર આધારિત નેચરોપથી રેમેડી બહુ પૉપ્યુલર થઈ છે. આ નવી થેરપી કઈ રીતે હૉર્મોન્સને સંતુલિત કરવામાં મદદરૂપ થાય છે અને કઈ રીતે કામ કરે છે એ જાણીએ

પ્રતીકાત્મક તસવીર

આજના સમયમાં જે પ્રકારે જીવન બદલાયું છે, શારીરિક અને માનસિક પરિસ્થિતિઓ ઘણી બદલાઈ ગઈ છે. એને કારણે જ સ્ત્રીઓના જીવનમાં હૉર્મોન્સની ઊથલપાથલ વધી ગઈ છે. થાઇરૉઇડ, પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમ, માસિક દરમિયાન થતી તકલીફો, અનિયમિત માસિક, મેનોપૉઝ દરમ્યાન વધી જતી

ઘણી-ઘણી તકલીફોનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. આ હૉર્મોન્સને સંતુલનમાં રાખવાં ખૂબ જ જરૂરી છે જેના માટે આજકાલ સોશ્યલ મીડિયા પર સીડ સાઇક્લિંગની બોલબાલા વધતી જોવા મળી છે

એટલું જ નહીં, આજના દરેક ન્યુટ્રિશનિસ્ટ સ્ત્રીઓનાં હૉર્મોન્સ સંબંધિત તકલીફો

માટે સીડ સાઇક્લિંગનો પ્રયોગ કરી

રહ્યા છે.

સીડ સાઇક્લિંગ એટલે શું?

સીડ સાઇક્લિંગમાં મુખ્યત્વે ચાર

અલગ-અલગ બીજનો ઉપયોગ કરવામાં આવે છે જે વિશે વાત કરતા માટુંગા

અને વિલે પાર્લેનાં ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘સીડ સાઇક્લિંગ એક નેચરોપૅથિક

રેમેડી છે જેના માટે કહેવાય છે કે એ હૉર્મોન્સને સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે. બીજમાં જરૂરી ઓમેગા-૩, ઓમેગા ૬ ફૅટી ઍસિડ, મિનરલ્સ અને ફાયટોકેમિકલ્સ હોય છે જે હૉર્મોન્સને બૅલૅન્સ કરવામાં ઘણા મદદરૂપ બને છે. સ્ત્રીઓના શરીરમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આ બન્ને હૉર્મોન્સને બૅલૅન્સ રાખવાથી શરીર સ્વસ્થ રહે છે.

માસિકના પહેલા ૧૫ દિવસ

દરમિયાન એસ્ટ્રોજન અને બીજી ૧૫ દિવસ દરમિયાન પ્રોજેસ્ટેરોનના સ્રાવ પર નિયંત્રણ રાખવાનું સીડ

સાઇક્લિંગને કારણે સરળ બને છે જેને લીધે સ્ત્રીની હૉર્મોનલ હેલ્થ સારી

રહે છે.’

તલ, સૂર્યમુખી, કોળું અને અળસી આ ચાર પ્રકારનાં બીજ સીડ સાઇક્લિંગમાં વપરાય છે. આ સીડ્સ ખૂબ જ ગુણકારી છે. સીડ સાઇક્લિંગમાં એનો પ્રયોગ કઈ રીતે કરવો એ જણાવતાં ન્યુટ્રિશનિસ્ટ કેજલ શેઠ કહે છે, ‘સીડ સાઇક્લિંગમાં માસિકના પહેલા દિવસથી ૧૪મા દિવસ સુધી અળસીનાં બીજ અને પમ્પકિન એટલે કે કોળાનાં સૂકાં બીજ ૧-૧ મોટો ચમચો ભરીને ખાવાનાં. અને ૧૪મા દિવસથી ૩૦મા દિવસ સુધી તલ અને સૂર્યમુખીનાં બીજ ૧-૧ મોટો ચમચો ભરીને ખાવાં જરૂરી છે. દરેક બીજ આમ તો ગુણકારી છે પરંતુ હૉર્મોન્સના નિયંત્રણ માટે આ પ્રકારે એને વિભાજિત કરવામાં આવ્યાં છે. જે સ્ત્રીઓને અનિયમિત માસિકને કારણે આ દિવસો નક્કી ન હોય ત્યારે જ્યારે પણ પિરિયડ આવે એના પહેલા દિવસથી ગણતરી કરીને ૧૪-૧૪ દિવસના અંતરે બીજ બદલતાં રહેવાં.’

કેવી રીતે લેવાનાં?

આ ચારેય ગુણકારી બીજને જોડી બનાવીને ૧૫-૧૫ દિવસના ભાગ જે પાડવામાં આવ્યા છે એ જ સીડ-સાઇક્લિંગ છે. પરંતુ એને કઈ રીતે ખાવાં એ સમજાવતાં કેજલ શેઠ કહે છે, ‘આ બીજને શેકીને ભાવે તો એમ નહીંતર કાચાં પણ ખાઈ શકાય છે. આખાં ચાવીને અથવા વાટીને પણ ખાઈ શકાય છે. ૧-૧ ચમચો ખાવાનાં હોય અને બે ચમચા ભરીને એકસાથે ન ખાઈ શકાય તો દિવસના અલગ-અલગ સમયે પણ એ લઈ શકાય છે. જેમને બીજ ભાવતાં જ ન હોય તેઓ છાશ, દહીં કે સ્મૂધીમાં વાટીને લઈ શકે છે. આ સિવાય રોટલીના લોટમાં ભેળવીને પણ એ લઈ શકાય છે. ટૂંકમાં તમને જે રીતે, જે સમયે અનુકૂળ હોય એ રીતે તમે એને ખાઈ શકો છો. ફક્ત એને વધુપડતા રોસ્ટ ન કરવાં કે જેથી એની અંદરનાં જરૂરી તત્ત્વો નાશ પામે. સાદું રોસ્ટિંગ કરી શકાય જેવું આપણે મુખવાસ માટે કરીએ છીએ. બીજું જો મીઠા વગર તમે એને ખાઈ શકતા હો તો ખૂબ સારું. પરંતુ જો એવું ન થાય તો આવતું-જતું મીઠું નાખી શકાય.’

ક્યારે ઉપયોગી?

સ્ત્રીઓના કોઈ પણ પ્રકારના હૉર્મોન્સ સંબંધિત પ્રશ્નોમાં આ પદ્ધતિ ઉપયોગી સાબિત થઈ શકે છે. એ વિશે વાત કરતાં ધ્વનિ શાહ કહે છે, ‘સ્ત્રીઓની હેલ્થ તેનાં હૉર્મોન્સ પર ઘણી રીતે આધારિત રહેલી છે. જે સ્ત્રીને માસિક દરમિયાન કોઈ પણ જાતની તકલીફ થતી હોય, ઍક્ને, ખૂબ હેવી બ્લીડિંગ, ઓછું બ્લીડિંગ, ખૂબ વધારે દુખાવો, અશક્તિ, મૂડ સ્વિંગ્સ, અનિયમિત માસિક, મેનોપૉઝલ તકલીફો, હૉટ ફ્લશિસ, ખૂબ વધારે રક્તસ્રાવ, ઇન્ફર્ટિલિટી જેવા હૉર્મોનલ ઇશ્યુની સાથે વજન ઓછું કરવા માટે પણ સીડ સાઇક્લિંગ ઉપયોગી સાબિત થાય છે. ૨-૩ મહિના સળંગ એનો ઉપયોગ કરવાથી નિશ્ચિત રિઝલ્ટ જોવા મળી શકે છે.’

માત્ર સીડ સાઇક્લિંગ નહીં

સીડ સાઇક્લિંગ એક રેમેડી છે જે હૉર્મોનલ  સમસ્યાઓ માટે ઉપયોગી થઈ શકે છે. જોકે એ માટે ફક્ત સીડ સાઇક્લિંગ પૂરતું નથી. એ વિશે વાત કરતાં કેજલ શેઠ કહે છે, ‘જો કોઈ પણ સ્ત્રીને હૉર્મોન્સ સંબંધિત પ્રૉબ્લેમ હોય તો સૌથી મહત્ત્વનું છે લાઇફસ્ટાઇલ ચેન્જ. પ્રૉપર ડાયટ અને એક્સરસાઇઝનું મહત્ત્વ હૉર્મોનલ ઇમ્બૅલૅન્સમાં સૌથી વધુ છે. એની સાથે સ્ટ્રેસનું મૅનેજમેન્ટ અને પૂરતી રાતની ઊંઘ પણ અત્યંત મહત્ત્વની છે. આ બધું હોય એની સાથે સીડ સાઇક્લિંગ કરે તો ખૂબ સારા રિઝલ્ટ મળે છે. યાદ રાખવું કે સીડ સાઇક્લિંગ એક સપોર્ટિવ રેમેડી છે. એ કોઈ જાદુ નથી કે એનાથી બધું રાતોરાત પલટાઈ જશે.’

બીજની વિશેષતાઓ

સીડ સાઇક્લિંગમાં ઉપયોગી ચાર બીજ અત્યંત ગુણકારી છે. હૉર્મોન્સના હૉર્મોન્સ સિવાય પણ એના બીજા ઘણા ઉપયોગ છે.

અળસીનાં બીજ

અળસીનાં બીજમાં ભરપૂર માત્રામાં સારી કક્ષાના સોલ્યુબલ ફાઇબર જોવા મળે છે જેથી એ પાચન માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત એ કૉલેસ્ટરોલ ઘટાડવામાં, બ્લડ-પ્રેશર અને લોહીમાં શુગરનું પ્રમાણ જાળવી રાખવામાં પણ ઉપયોગી થાય છે. જે બીજા શાકાહારી ખોરાકમાંથી સરળતાથી મળતું નથી એ ઓમેગા ૩ ફૅટી ઍસિડ પણ તેમાંથી ભરપૂર માત્રામાં મળે છે જે હાર્ટની હેલ્થ વધારે છે.

તલ

કાળા અને સફેદ તલ ભારતીય વાનગીઓમાં ઘણીબધી રીતે વપરાય છે. આ તલ કૅલ્શિયમનો સૌથી મહત્ત્વનો સોર્સ ગણાય છે. કૅલ્શિયમ ઉપરાંત મૅગ્નેશિયમ, મૅન્ગેનીઝ, ફૉસ્ફરસ, પોટેશિયમ જેવાં ખનીજ તત્ત્વો પણ એમાં ભરપૂર માત્રામાં મળે છે, જેથી એ હાડકાંઓની મજબૂતી માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત આર્થ્રાઇટિસના દરદીઓ માટે તલ ઘણા ફાયદેમંદ છે. એથી પાચન માટે એ ખૂબ ઉપયોગી તત્ત્વ છે. આ ઉપરાંત એને કારણે ખોરાકમાંથી મળતાં પોષક તત્ત્વો પૂરેપૂરી રીતે શરીરને મળે છે.

સૂર્યમુખીનાં બીજ

લાંબા તરબૂચનાં બીજ જેવા દેખાતાં સૂર્યમુખીનાં બીજ વિટામિન Eનો મહત્ત્વનો સોર્સ ગણાય છે જેથી એ ત્વચા અને વાળ માટે ખૂબ ગુણકારી ગણાય છે. એમાં એક મહત્ત્વનું તત્ત્વ છે ફોલેટ, જે સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે

ખૂબ લાભદાયી છે. બીજમાં સેલેનિયમ નામનું તત્ત્વ છે જે કૅન્સર થતું અટકાવવા માટે જવાબદાર છે. સ્ટ્રેસ, માઇગ્રેન જેવી માનસિક અવસ્થાઓમાં પણ ઉપયોગી છે. 

કોળાનાં બીજ

પમ્પકિન સીડ્સ એ પ્રોટીનનો અદ્ભુત સ્રોત છે જે મસલ્સ મજબૂત બનાવે છે. વળી હાર્ટને મજબૂત બનાવનાર તત્ત્વ મૅગ્નેશિયમ પણ એમાં ભરપૂર માત્રામાં છે. કોળાનાં બીજમાં જે ફૅટ્સ રહેલા છે તે શરીરને ખુબ જરૂરી હોય તેવા ફેટ્સ છે જેને કારણે લીવર પણ તંદુરસ્ત રહે છે. આ ઉપરાંત તેમાં રહેલું ટ્રીપ્ટોફેન સારી અને ઊંડી આરામદાયક ઊંઘ માટે ઉપયોગી છે.

columnists Jigisha Jain