ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ શરૂ કરો એ પહેલાં આટલું સમજી લેજો

13 February, 2026 01:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એટલે કુદરત સાથેનો મેળ. સૂર્યોદય પછી ખાવું અને સૂર્યાસ્ત પછી ન ખાવું એને જ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કહેવાય છે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ હજારો વર્ષો જૂનું સાયન્સ છે જે માનવ શરીર માટે ઘણું જ ઉપયોગી છે. આ કોઈ ડાયટનો પ્રકાર કે વેઇટલૉસ માટે કરવામાં આવતી વ્યવસ્થા નથી. આ એક નીરોગી જીવન જીવવા માટે અપનાવવામાં આવતી લાઇફસ્ટાઇલ છે. સૂર્યોદયથી સૂર્યાસ્તની વચ્ચે જ નિશ્ચિત સમયે ખાવું જોઈએ અને બાકીના સમયે શરીરને બીજા કામે લગાડવું જોઈએ એ એક મૂળભૂત સમજણ છે જે અપનાવવા જેવી છે.

ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એટલે કુદરત સાથેનો મેળ. સૂર્યોદય પછી ખાવું અને સૂર્યાસ્ત પછી ન ખાવું એને જ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કહેવાય છે. ૧૨-૧૪-૧૬ કલાક ભૂખ્યા રહેવું જ મહત્ત્વનું નથી, રાત્રે પાચનતંત્રને આરામ આપવો ખૂબ જ જરૂરી છે. આપણા શરીરની ૮૦ ટકા એનર્જી ખોરાકના પાચન માટે વપરાય છે અને ૨૦ ટકા એનર્જી શરીરના રિપેરિંગ કામમાં વપરાય છે. જો રાત્રે પાચન પ્રક્રિયા બંધ રહેશે તો રાત્રે શરીર પોતાને રિપેર કરવાનું કામ સારી રીતે કરી શકશે. જો આ કામ સારી રીતે થયું તો તમે નીરોગી રહી શકશો. એટલે રાત્રે ખાવું યોગ્ય નથી. આદર્શ રીતે સૂર્યાસ્ત પહેલાં જમી લેવું અને એવું ન થાય તો મોડામાં મોડું સૂર્યાસ્ત પછીના ૧ કલાકમાં તમારું ડિનર પતી જવું જોઈએ.

ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગમાં કોઈ પણ ૧૨ કે ૧૪ કલાક ભૂખ્યા રહેવાનું એવું નથી હોતું. શરીરને એક સમયે ખાવાની અને એક સમયે ફાસ્ટિંગની આદત પાડવાની હોય છે. તમે આજે સવારે ૮ વાગ્યે ખાવાનું શરૂ કર્યું, બીજા દિવસે ૧૦ વાગ્યે શરૂ કરો, ત્રીજા દિવસે સીધું ૧ વાગ્યે જમો એમ ન ચાલે. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગમાં શરીરને શિસ્તબદ્ધ કરવાની વાત મુખ્ય છે. સવારે જો તમે ૯ વાગ્યે ખાવાનું શરૂ કરો છો તો દરરોજ સવારે ૯ વાગ્યે જ ખાવાનું શરૂ કરવું. એ જ રીતે સાંજે ૭ વાગ્યે ખાવાનું બંધ કરો છો તો એ જ સમયે બંધ કરવું, જેનાથી શરીરને ખબર પડે છે કે આ એનો ખોરાકનો સમય છે અને આ રેસ્ટનો. શરૂઆતમાં સમય ૫-૧૫ મિનિટ ઉપર-નીચે થાય તો ચાલે પરંતુ એ જ તો શીખવાનું છે કે તમારી બધી વસ્તુઓ તમે એ સમય અનુસાર જ પ્લાન કરો.

ઘણા લોકો એવા હોય છે જે ખાવાના કલાકો છે એ દરમિયાન પણ લો ફૅટ અને લો કાર્બ્સવાળો ખોરાક ખાય છે. એ સમયે લો કૅલરી પાછળ ન પડો. એ સમયે શરીરને પોષણયુક્ત ખોરાક આપો. તમને જ્યારે ભૂખ લાગે ત્યારે સરળ, સંપૂર્ણ અને પોષણયુક્ત આહાર તમારા શરીરને જરૂરી છે. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ વખતે દિવસ દરમિયાન તમને જે ભૂખ લાગે છે એ ભૂખનો ઉપયોગ તમારે કરવાનો જ છે. એ ભૂખ શરીરને ઉપયોગી છે. 

health tips healthy living diet life and style lifestyle news columnists