પલંગ પરની ચાદર કેટલા સમયાંતરે ધોવી જોઈએ?

13 May, 2020 10:40 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Correspondent

પલંગ પરની ચાદર કેટલા સમયાંતરે ધોવી જોઈએ?

ચાદર ધોવા માટે ગરમાગરમ વરાળ નીકળતું પાણી આવશ્યક છે. ડિટર્જન્ટ નાખીને ગરમ ઉકળતા પાણીમાં ચાદર પલાળી રાખવાથી એમાં કોઈ પણ પ્રકારની ફૂગ, મોલ્ડ, રજ કે સૂક્ષ્મ જીવો નાશ પામે છે.

અત્યારે આખો દિવસ લોકો પલંગમાં પડતું નાખ્યા કરતા હશે. વાંચવાનું તો પથારીમાં, ગેમ રમવાની તો પથારીમાં અને ટીવી જોવાનું પણ પથારીમાં આડા પડીને જ. ટૂંકમાં, કદી ન કર્યો હોય એટલો અત્યારે પલંગનો ઉપયોગ થઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આપણા ઘરોમાં જે જગ્યા આપણને ખૂબ સુકૂન આપનારી હોય છે ત્યાં અનેક રજકણો, ધૂળ, ફંગસ અને અત્યંત સૂક્ષ્મ જીવાણુઓનો પથારો થયેલો હોય છે. પથારીમાંની ચાદર એમાંની એક છે. પરસેવો, મેક-અપ, ત્વચા પર જમા થતું ઑઇલ, મેલ બધું જ ચાદર પર ચોંટે છે અને આપણા શરીરમાંથી રોજ પાંચ અબજ જેટલા કોષો ચાદર પર છૂયી જાય છે. જો ચાદરને નિયમિત સાફ કરવામાં ન આવે તો એનાથી ત્વચાની તકલીફો થઈ શકે છે. 

અમેરિકાના સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ દ્વારા બેડશીટ્સ કેટલા સમયાંતરે ધોવી જોઈએ એની ખાસ ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. સામાન્ય સંજોગોમાં જો પથારીનો ઉપયોગ માત્ર રાતના સૂવા માટે જ થતો હોય ત્યારે વીકમાં એક વાર ચાદર ધોઈએ તો ચાલે, પરંતુ હાલમાં મોટા ભાગનો સમય બેડ પર જ નીકળતો હોવાથી વીકમાં બેથી ત્રણ વાર ચાદર ધોવી જરૂરી છે. જો ઘરમાં કોઈક માંદું હોય, ઘરના બધા જ લોકો દિવસભર એક જ પલંગ પર બેસતા હોય ત્યારે રોજ ચાદર ધોવી જોઈએ.
ચાદર ધોવા માટે ગરમાગરમ વરાળ નીકળતું પાણી આવશ્યક છે. ડિટર્જન્ટ નાખીને ગરમ ઉકળતા પાણીમાં ચાદર પલાળી રાખવાથી એમાં કોઈ પણ પ્રકારની ફૂગ, મોલ્ડ, રજ કે સૂક્ષ્મ જીવો નાશ પામે છે. ચાદરને ખુલ્લા પાણીથી બરાબર સાફ કરીને ડિટર્જન્ટ ન કાઢી નાખવામાં આવ્યો હોય તો એ ડિટર્જન્ટના અંશો ફૅબ્રિકમાં પડી રહે છે જે સ્કિનને વધુ ઇરિટેટ કરી શકે છે.

health tips life and style