06 January, 2026 02:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જો તમને ઍસિડિટી, ગેસ, બ્લોટિંગ અને કબજિયાત જેવું હંમેશાં રહ્યા કરતું હોય તો એનો અર્થ એ છે કે તમારું પાચન નબળું છે. આજે તકલીફ એ થઈ છે કે સંપન્ન પરિવારના લોકો જેમના ઘરના કિચનમાં અન્નપૂર્ણા દેવીની કૃપા છે અને અઢળક પોષણયુક્ત વસ્તુઓ ખાવા માટે ઉપલબ્ધ છે છતાં તેમનામાં વિટામિન અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ ડેફિશ્યન્સી છે જેના માટે તેમને મલ્ટિવિટામિન અને પોષણ માટે સપ્લિમેન્ટ્સ લેવાની જરૂર પડે છે. ગમેતેટલો સારો ખોરાક તમે ખાતા હો પણ જો એને પચાવી ન શકો તો એનો કોઈ ફાયદો નથી. એટલે પાચન સશક્ત હોવું જરૂરી છે.
જો તમારા ખોરાકનો સમય ફિક્સ ન હોય, બે ભોજન વચ્ચેનું અંતર ખૂબ લાંબું હોય, જો તમે સવારે ઊઠીને કંઈ ન ખાતા હો, ફાઇબર ઓછું ખાતા હો, પાણી ઓછું પીતા હો, એક્સરસાઇઝ ઓછી અથવા ન જ કરતા હો, બેઠાડુ જીવન જીવતા હો, રાતની ઊંઘ પૂરી ન કરતા હો તો પાચન નબળું હોઈ શકે છે. આ કેટલાંક મૂળભૂત કારણો છે જેને લીધે વ્યક્તિનું પાચન નબળું પડતું હોય છે.
પેટને પાચન માટે સક્રિય રાખવા માટે એને થોડા-થોડા દિવસે આરામ આપવો પણ જરૂરી છે. દર અઠવાડિયે-પંદર દિવસે આપણા વડીલો જે ઉપવાસ કે એકટાણાં કરતા એની પાછળ આ જ સાયન્સ છુપાયેલું છે કે પેટને થોડો આરામ મળે અને પાચન સ્ટ્રૉન્ગ રહે. મુખ્ય વસ્તુ એ છે કે શરીરને આલ્કલાઇન કરવું જરૂરી છે. એટલે કે ઍસિડિક તત્ત્વોથી દૂર રહેવું પણ જરૂરી છે. આ આરામને જો આજની ભાષામાં ડીટૉક્સ કહીએ તો એ દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત અને ક્ષમતા મુજબ કે તેમને માફક આવે એ પ્રમાણે કરી શકે છે. આખો દિવસ ફ્રૂટ પર રહીને કે પછી સાત્ત્વિક ખોરાક ખાઈને કે આખો દિવસ કંઈ જ ન ખાઈને કોઈ પણ રીતે આ ડીટૉક્સ કરી શકાય છે, જે ખૂબ જરૂરી છે.
પાચન જેનું સ્ટ્રૉન્ગ ન હોય તેમને જે મૂળભૂત તકલીફો થતી હોય છે એ છે ઍસિડિટી, બ્લોટિંગ અને કબજિયાત. જો તમને ઍસિડિટી રહેતી હોય તો રાત્રે ૧ ગ્લાસ પાણીમાં ૧ ચપટી જીરું અને ૧ ચપટી વરિયાળી પલાળી દેવાં. સવારે ઊઠીને એ પી લેવું. જો બ્લોટિંગ હોય તો આખા ધાણાને રાત્રે ૧ ગ્લાસ પાણીમાં પલાળી દેવા અને સવારે ગાળીને એ પાણી પીવું. કબજિયાત જેને હોય તેણે રાત્રે સૂતા પહેલાંના ૪-૬ કલાક પહેલાં અડધી ચમચી ત્રિફળા પાણીમાં પલાળવા અને સૂતાં પહેલાં એ પાણી પી લેવું. દેખાવમાં સરળ લાગતા આ ઉપાયો નિયમિતપણે કરવાથી ઇચ્છિત રિઝલ્ટ મળે છે.
- ધ્વનિ શાહ (ધ્વનિ શાહ અનુભવી ન્યુટ્રિશનિસ્ટ છે. પ્રતિભાવ-માર્ગદર્શન માટે ઈ-મેઇલ કરી શકો છો.)