ડાયાબિટીઝ હોય તો ચોમાસામાં પેટનું ઇન્ફેક્શન ન થાય એનું ધ્યાન રાખવું

01 August, 2024 08:00 AM IST  |  Mumbai | Dr. Meeta Shah

ચોમાસું છે અને પાણી ગંદું થવાને કારણે પાણીજન્ય રોગોનો વ્યાપ વધે છે

પ્રતીકાત્મક તસવીર

ચોમાસું છે અને પાણી ગંદું થવાને કારણે પાણીજન્ય રોગોનો વ્યાપ વધે છે. ખાસ કરીને પેટની તકલીફો અને પેટને લગતાં ઇન્ફેક્શન્સ ઘણાં વધે છે. ચોમાસામાં લોકો બહારનું ખાય કે દૂષિત પાણીને કારણે જ માંદા પડે તો મોટા ભાગે પેટને લગતી સમસ્યાઓ હોય છે. પાચન મંદ પડી જાય, ઝાડા-ઊલટી થઈ જાય, પેટમાં કંઈ ટકે જ નહીં, બધું બહાર નીકળી જાય, નબળાઈ આવી જાય એવું બને. આ ફૂડ-પૉઇઝન પ્રકારની તકલીફ સામાન્ય માણસમાં બે-ત્રણ દિવસમાં ઠીક થઈ જાય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આવા સમયે વ્યક્તિ ડીહાઇડ્રેટ થઈ જાય છે. એટલે કે તેના શરીરમાં પાણી ઓછું થઈ જાય છે. આ બધી તકલીફ સામાન્ય વ્યક્તિને થાય ત્યારે તેની હાલત ખરાબ થઈ જાય છે. ખાસ કરીને નવજાત શિશુમાં અને વૃદ્ધોમાં પેટને લગતાં ઇન્ફેક્શન્સ ઘટક પુરવાર થઈ જાય છે. એટલે હંમેશાં ખાસ તેમનું ધ્યાન રાખવું જરૂરી છે. પેટનાં ઇન્ફેક્શન્સ કે ડીહાઇડ્રેશનનું જેટલું ધ્યાન એક નવજાત શિશુ કે એક વડીલનું રાખવું પડે એટલું જ ધ્યાન ડાયાબિટીઝના દરદીનું પણ રાખવું પડે છે, કારણ કે ડાયાબિટીઝના દરદીઓમાં ડીહાઇડ્રેશન એટલે કે પાણીની કમી જ્યારે સર્જાય છે ત્યારે એ ગંભીર હાલત ધારણ કરી શકે છે. સામાન્ય રીતે ડાયાબિટીઝમાં હાઈ પાવરની દવા કે ઇન્સ્યુલિનનાં ઇન્જેક્શન્સ લેતા લોકોના શરીરમાં જ્યારે ડાયેરિયા કે ઊલટીનું પ્રમાણ વધી જાય ત્યારે ખોરકા ઘટી જવાને કારણે શુગર વધતી નથી, પરંતુ એ લોકો ઇન્જેક્શન લેવાનું ચાલુ રાખે અથવા તો એટલા જ પાવરની દવા ચાલુ રાખે ત્યારે શુગર એકદમ વધારે પ્રમાણમાં ઘટી જાય એવું બને ખરું. મોટા ભાગે દરદીઓને એક આદત હોય છે ગોળીઓ કે ઇન્સ્યુલિન લેવાની. આ પરિસ્થિતિમાં તેઓ એમ નથી વિચારતા કે તબિયત ખરાબ છે તો ગોળીઓ કે ઇન્સ્યુલિન ન લેવું જોઈએ. આ પ્રકારની ભૂલો કરતા કેસ ઘણા સામે આવે છે. શુગર વધી જવાનો લોકોને ખૂબ ડર રહે છે, પરંતુ શુગર ઘટી જવાની તકલીફને લોકો અવગણે છે જેને હાઇપોગ્લાયસેમિયા કહે છે. વ્યક્તિને જ્યારે પણ પેટનું ઇન્ફેક્શન થાય ત્યારે એ માટે ડૉક્ટરને પૂછીને પોતાનો ડોઝ ઘટાડવો જોઈએ. જ્યારે ડોઝ ઘટાડ્યા વગર દવા ચાલુ રાખે ત્યારે હાઇપોગ્લાયસેમિયાને કારણે વ્યક્તિને તરત જ હૉસ્પિટલમાં દાખલ કરવી પડે અને જો એમ કરવામાં મોડું થયું તો શુગર ખૂબ વધારે ઓછી થઈ જાય તો પરિણામ ઘાતક સાબિત થઈ શકે છે. બીજું એ કે ડાયાબિટીઝના દરદીઓ માટે કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન વધુ પડતી હેરાનગ​તિ જ લાવે છે. એટલે રોડની સાઇડમાં લારી પર મળતું ખાવાનું ખાવાના બે ઘડીના આનંદના ચક્કરમાં તબિયત વણસે નહીં એનું ધ્યાન રાખજો.

diabetes health tips life and style columnists