પ્રેગ્નન્સી પ્લાન કરતા હો તો કોવિડની વૅક્સિનનું શું?

18 February, 2021 11:09 AM IST  |  Mumbai | Bhakti D Desai

પ્રેગ્નન્સી પ્લાન કરતા હો તો કોવિડની વૅક્સિનનું શું?

ફાઈલ તસવીર

વૅક્સિનેશનનો ફર્સ્ટ ફેઝ પૂરો થવામાં છે અને બીજા ફેઝમાં વલ્નરેબલ સિટિઝન્સને પણ આપવાનું શરૂ થાય એવી સંભાવના છે ત્યારે સ્ત્રીના જીવનના અતિમહત્ત્વના ગર્ભાવસ્થાના સમયમાં રસીકરણનું સમીકરણ કેવું રહેશે એ બાબતે હજી અસમંજસ પ્રવર્તી રહી છે. જે સ્ત્રીઓ ગર્ભવતી છે, બાળકને સ્તનપાન કરાવે છે કે પછી પ્રેગ્નન્સી પ્લાન કરી રહી છે તેમણે કોવિડની રસી લેવી જોઈએ? આવો જાણીએ નિષ્ણાતો પાસેથી આના જવાબ.

કોવિડને કારણે ઊભા થયેલા માહોલથી કંટાળેલા લોકો કાગડોળે કોવિડની રસી આવે એની રાહ જોતા હતા. જોકે રસી આવી ગયા પછી એ લેવા માટે જોઈએ એટલો ઉત્સાહ લોકોમાં જોવા મળી નથી રહ્યો. ભલે હાલમાં માત્ર ફ્રન્ટલાઇન કર્મચારીઓને જ આ રસી આપવાનો ફેઝ ચાલી રહ્યો છે પણ બીજા લોકો પણ પોતાનો વારો આવે ત્યારે રસી લેવી જોઈએ કે નહીં એવી ચર્ચાઓમાં લાગેલા છે. એની સાઇડ ઇફેક્ટ્સ તેમ જ લાંબા ગાળાની અસરકારકતા વિશે હજી નિષ્ણાત ડંકાની ચોટ પર કોઈ દાવો નથી કરી શક્યા.

સામાન્ય લોકોમાં અસમંજસ છે કે શું આ રસી તેમણે લેવી જોઈએ? સૌથી મોટો પ્રશ્ન એ છે કે આની શરીર પર કેવી અસર થશે? આમાં એક મોટો વર્ગ એવો છે જેમને કોવિડથી બચવાની અત્યંત જરૂર છે, પણ રસી લેવી તેમના માટે કેટલી સુરક્ષિત છે કે નહીં એ ડૉક્ટર્સ માટે પણ દાવા સાથે કહેવું મુશ્કેલ છે. આ વર્ગ છે ત્રણ પ્રકારની સ્ત્રીઓનો. એક વર્ગ છે જે મહિલાઓ પ્રેગ્નન્સી પ્લાન કરવા માગે છે. બીજો વર્ગ છે જે સ્ત્રીઓ ઑલરેડી હાલમાં પ્રેગ્નન્ટ છે અને ત્રીજો વર્ગ છે સ્તનપાન કરાવતી માતાઓનો. આ ત્રણે પ્રકારની સ્ત્રીઓ ચિંતિત છે કે તેમના ગર્ભસ્થ બાળક પર કોવિડની રસીની શું અસર થશે. એમાં પાછી અફવાઓનો રાફડો પણ ફાટ્યો છે કે આ રસી સ્ત્રીઓમાં વંધ્યત્વ લાવી શકે છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ રસી બનાવવામાં એવાં પ્રોટીન્સનો ઉપયોગ થયો છે જે અમુક અંશે પ્રેગ્નન્ટ મહિલામાં ગર્ભનાળ બનાવવામાં કામ લાગતી હોવાથી શરીરની ઇમ્યુન સિસ્ટમ ગર્ભનાળ પર જ અટૅક કરે તો ગર્ભ પડી જાય. અલબત્ત, વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને જાહેર કરેલા નિવેદનમાં આ વાતને સાવ જ રદિયો આપવામાં આવ્યો છે. રસીથી મહિલાઓમાં ટેમ્પરરી વંધ્યત્વ આવી શકે છે એવા દાવાઓને પણ કોઈ સાયન્ટિફિક બૅકઅપ નથી મળી રહ્યું. જોકે પ્રેગ્નન્સી જેવા નાજુક તબક્કામાં કોવિડની રસી લેવી કે ન લેવી, ક્યારે લેવી જેવા મૂંઝવતા સવાલો વિશે આજે જાણીએ નિષ્ણાત પાસેથી જવાબ અને આ વિષયને લગતી માહિતી ઊંડાણપૂર્વક.

ગર્ભાવસ્થામાં કોવિડની રસી

ગ્રાન્ટ મેડિકલ કૉલેજ અને સર જે. જે. ગ્રુપ ઑફ હૉસ્પિટલ્સના કોવિડ વૅક્સિનેશન વિભાગના નોડલ ઑફિસર અને કમ્યુનિટી મેડિસિનના પ્રોફેસર ડૉ. લલિત સંખે ગર્ભવતી સ્ત્રીઓ સંદર્ભમાં કોવિડની રસી વિશે મત આપતાં કહે છે, ‘સામાન્ય રીતે રસીની વાત કરીએ તો એના પર એટલું સંશોધન થતું હોય છે કે રોગચાળો ફાટી નીકળ્યા પછી ઘણાં વર્ષો સુધી એનો અભ્યાસ કર્યા બાદ જ રસી લોકો માટે બહાર ઉપલબ્ધ થાય છે પણ કોવિડ-19 એક સર્વવ્યાપી મહામારી હોવાથી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં વિવિધ કંપનીએ પોતપોતાની રીતે કોવિડની રસીઓ બનાવીને લોકોને કોવિડથી બચાવવાના હેતુથી માન્યતાપ્રાપ્ત રસીઓ ઉપલબ્ધ કરી છે. આમાં દરેકની રસી બનાવવાની રીત અલગ રહી છે, જેમ કે ઇનૅક્ટિવેટેડ રસી, mRNA વૅક્સિન, DNA વૅક્સિન અને લાઇવ વૅક્સિન પણ છે. પણ આમાંની કોઈ પણ રસી હાલમાં ગર્ભવતી સ્ત્રી માટે નથી. રસી આપ્યા પછી ગર્ભની અંદર રહેલા બાળક પર અને તેના વિકાસ પર આની શું અસર થશે એ બાબતે કોઈ જ સંશોધન નથી થયું. ગર્ભવતી સ્ત્રીને જ્યારે રસી આપવાની વાત આવે ત્યારે સૌથી પહેલી ચિંતા ગર્ભસ્થ બાળકના વિકાસ પર કોઈ આડઅસર ન થાય એની ખાતરીની હોવી જરૂરી છે, જે કોવિડની રસીમાં નથી. આ કારણથી હમણાં આપણી પાસે કોવિડ માટેની જે રસી ઉપલબ્ધ છે એ ગર્ભવતી સ્ત્રીઓને લેવા યોગ્ય નથી.’

ઇન્ફ્લુએન્ઝાની રસી લેવી

ભલે કોવિડની રસી ન લેવાય, પરંતુ એના જેવા જ અન્ય બેનિફિટ્સ માટે સ્ત્રીઓ શું કરી શકે એ વિશે ડૉ. લલિત ઇન્ફ્લુએન્ઝાની રસીનું ઉદાહરણ અને મહત્ત્વ સમજાવતાં કહે છે, ‘હું આગ્રહ રાખું છું કે દરેક ગર્ભવતી સ્ત્રીએ ઇન્ફ્લુએન્ઝા વૅક્સિન લેવી જ જોઈએ. ઇન્ફ્લુએન્ઝા મહામારી અને એની રસીનો સમયગાળો જોઈએ તો સમજાય કે વર્ષ ૧૯૧૮માં આ બીમારી આવી હતી અને એ સમયે રસી પર શરૂ કરવામાં આવેલા અભ્યાસ પછી વર્ષ ૧૯૩૩માં આની રસી લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવી. થોડાં વર્ષો પહેલાં સરકારે ગર્ભવતી સ્ત્રીઓને ઇન્ફ્લુએન્ઝાની રસી આપવાનો ઉપક્રમ લાગુ કર્યો હતો અને મને યાદ છે કે અમે જે. જે. હૉસ્પિટલમાં તમામ મહિલાઓને આ રસી આપી હતી. આ વૅક્સિનમાં ઘણા સુધારા થયા છે. આને કારણે હાલની ઇન્ફ્લુએન્ઝાની રસી ગર્ભવતી સ્ત્રીઓને તમામ વાઇરસથી બચાવી શકે છે. આ રસી દરેકને સુરક્ષા અર્પે છે. અહીં વધુ એક નોંધપાત્ર વાત એ છે કે શરૂઆતમાં જ્યારે કોરોના વાઇરસથી સુરક્ષા મેળવવા વારંવાર હાથ ધોવાનું જે તારણ આવ્યું હતું એ ઇન્ફ્લુએન્ઝાનાં વાઇરસને આધારે જ થયું હતું. મને ખાતરી છે કે આગળ જતાં ગર્ભવતી સ્ત્રી અથવા સ્તનપાન કરાવતી મહિલાઓ માટે પણ કોવિડની રસી પર અભ્યાસ જરૂર થશે. સ્વાભાવિક છે કે આની ટ્રાયલ પહેલાં ગર્ભવતી પ્રાણીના બચ્ચા પર લેવાશે અને એના વિકાસ પર આ રસીનું શું પરિણામ આવે છે એનો અભ્યાસ કરીને જ જો એ પ્રયોગ સફળ થાય અને બાળક પર કોઈ આડઅસર ન જણાય તો જ ગર્ભવતી સ્ત્રીઓને રસી આપવાની પરવાનગી મળશે. પણ આજની તારીખમાં ઉપલબ્ધ કોવિડની રસી ગર્ભવતી સ્ત્રીઓ માટે નથી એ ચોક્કસ છે.’

સ્તનપાન કરાવતી મમ્મીઓ

જેમ પ્રેગ્નન્સીમાં એ સેફ હોવાનું પુરવાર નથી થયું એમ સ્તનપાન કરાવતી મમ્મીઓ વિશે પણ અસ્પષ્ટતા છે એટલે તેમણે પણ રસી ન લેવી જોઈએ એમ જણાવતાં ડૉ. લલિત કહે છે, ‘માતાએ લીધેલી દવાઓ કે રસીની અસર તેના દૂધના માધ્યમથી બાળકને થઈ શકે છે. એટલે સ્તનપાન કરાવતી મહિલાઓએ સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવો, હાથ ધોવા, સૅનિટાઇઝ કરવા અને ઝાઝા લોકોના સંપર્કમાં ન આવવું જેવાં પ્રિવેન્ટિવ મેઝર્સ જ લેવાં. જો લોકોના સંપર્કમાં આવવું જ પડે તો પોતાની અને બાળકની સુરક્ષા માટે માસ્ક પહેરીને જ રહેવું આ જ તેમના માટે આજના સમયમાં કોરોના વાઇરસથી બચવાની રસી છે.’

વૅક્સિન પછી ૩ મહિનાનો બ્રેક

અધેરીમાં પ્રૅક્ટિસ કરતાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. પ્રીતિ વ્યાસ પણ હાલમાં પ્રેગ્નન્સીમાં વૅક્સિન ન આપવાનો મત ધરાવે છે. કોવિડની વૅક્સિન વિશે તેઓ કહે છે, ‘હાલમાં બહાર આવેલી કોવિડની રસીને એટલો સમય મળ્યો નથી કે એક ઊંડો અભ્યાસ થઈ શકે. ગર્ભાવસ્થામાં સ્ત્રીઓને કોઈ પણ લાઇવ વૅક્સિન આપી ન શકાય અને ઇનૅક્ટિવેટેડ વૅક્સિનમાંથી પણ અમુક જ રસી આપવાની પરવાનગી છે. ઘણા રોગોની રસી આમ તો ઉપલબ્ધ છે, પણ એ ગર્ભવતી સ્ત્રીઓને આપી શકાતી નથી. એક રીતે જોઈએ તો આ આખો જે સ્ત્રીઓનો વર્ગ છે તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે અને તેમને રોગનું સંક્રમણ થવાનું જોખમ પણ વધારે હોય છે તેથી અમે તેમને સોશ્યલ ડિસ્ટન્સિંગ, હાથ ધોવાની અથવા હૅન્ડ સૅનિટાઇઝર વાપરવાની અને માસ્ક પહેરવાની જ સલાહ આપીએ છીએ. હજી કોવિડની રસી પર એવો કોઈ અભ્યાસ થયો નથી કે માતા જો આ રસી લે તો તેના દૂધના માધ્યમથી એની અસર બાળક પર કેવી થશે, પણ સામાન્ય લોકો માટે રસી ઉપલબ્ધ થાય ત્યાં સુધીમાં આગળ સંશોધનો થવાની શક્યતા પણ છે. જ્યાં સુધી આ વિશે કોઈ ચોખવટ નથી થતી ત્યાં સુધી બાળકને સ્તનપાન કરાવનાર માતાઓએ પણ રસી ન લેવી જોઈએ.’

જે મહિલાઓ નજીકના ભવિષ્યમાં પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરવા માગે છે તેમણે કાં તો વૅક્સિન વિના જ પ્રેગ્નન્સી અને બ્રેસ્ટ-ફીડિંગનો ગાળો કાઢી નાખવાની તૈયારી રાખવી જોઈએ. બાકી જે ગર્ભાવસ્થા પહેલાં વૅક્સિન લેવાનું પ્રિફર કરતા હોય તેમના વિશે ડૉ. પ્રીતિ કહે છે, ‘કોવિડ વૅક્સિનને સામાન્ય જનતા સુધી પહોંચતાં સમય લાગશે, પણ જ્યારે પણ કોવિડ વૅક્સિન ઉપલબ્ધ થાય અને જો ગર્ભ ધારણ કરવાની ઇચ્છા ધરાવનાર સ્ત્રી આ વૅક્સિન લે તો તેમણે રસીના છેલ્લા ડોઝ પછી ત્રણ મહિનાની રાહ જોવી જરૂરી છે.’

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા બહાર પડેલી ગાઇડલાઇન્સમાં પણ કોરોના વૅક્સિનના બીજા ડોઝ બાદ આઠ વીક સુધી પ્રેગ્નન્સી પ્લાન ન કરવી જોઈએ એવું કહેવાયું છે. આ બધા પરથી કહી શકાય કે ગર્ભાવસ્થાથી લઈને બાળકને સ્તનપાન કરાવવા સુધીની યાત્રામાં તમે કોઈ પણ મુકામ પર હો તો તમારે કોવિડની રસી ન લેવી જોઈએ.

પ્રેગ્નન્સીમાં રસીની ગર્ભસ્થ બાળકના વિકાસ પર કોઈ આડઅસર ન થાય એની ખાતરી હજી હાલની વૅક્સિનમાં નથી એટલે ગર્ભવતી સ્ત્રીઓને એ આપવી ન જોઈએ- ડૉ. લલિત સંખે

જ્યારે પણ કોવિડ વૅક્સિન ઉપલબ્ધ થાય અને જો ગર્ભ ધારણ કરવાની ઇચ્છા ધરાવનાર સ્ત્રી આ વૅક્સિન લે તો તેમણે રસીના છેલ્લા ડોઝ પછી ત્રણ મહિનાની રાહ જોવી જરૂરી છે- ડૉ. પ્રીતિ વ્યાસ

health tips coronavirus covid19 bhakti desai life and style