ડાયાબિટીઝ બેકાબૂ હોય તો ચોમાસામાં ઇન્ફેક્શન ન થાય એનું ધ્યાન રાખવું

26 June, 2024 08:15 AM IST  |  Mumbai | Dr. Meeta Shah

ડાયાબિટીઝ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટાડી દે છે એટલે કે સામાન્ય વ્યક્તિ કરતાં ડાયાબિટીઝ ધરાવનાર વ્યક્તિ ખૂબ જલદી માંદી પડતી જણાય છે

પ્રતીકાત્મક તસવીર

ચોમાસામાં હેલ્થને લઈને ઇન્ફેક્શનનાં રિસ્ક ઘણાં વધી જાય છે; પછી એ વાઇરલ ઇન્ફેક્શન હોય, બૅક્ટેરિયલ ઇન્ફેક્શન હોય કે ફંગલ ઇન્ફેક્શન હોય; ચોમાસામાં એની માત્રામાં ઘણો વધારો થતો જોવા મળે છે. ખાસ કરીને પીવાના પાણી અને ખોરાક દ્વારા ફેલાતા ઇન્ફેક્શન કે વરસાદમાં ભેજવાળા વાતાવરણને કારણે હવાથી લાગતા ઇન્ફેક્શન, વરસાદને કારણે વધી જતા મચ્છર જેવા જંતુઓને લીધે ફેલાતા ઇન્ફેક્શન જેમ કે મલેરિયા કે ડેન્ગી વગેરેનું પ્રમાણ ખૂબ વધી જાય છે. સામાન્ય માણસે આ દરમ્યાન સાવચેત રહેવાની ખાસ જરૂર રહે છે, પરંતુ ચોમાસામાં ડાયાબિટીઝ ધરાવતા લોકોએ  સ્પેશ્યલ કાળજી રાખવી ખાસ જરૂરી છે. ખાસ કરીને જો ડાયાબિટીઝને કારણે તમને હાર્ટ, કિડની, લિવર કે બીજા કોઈ પ્રૉબ્લેમ હોય, હમણાં થોડો સમય પહેલાં જ તમે કોઈ સર્જરી કરાવી હોય તો ચોમાસામાં ઇન્ફેક્શન લાગતાં હેરાનગતિ થઈ શકે છે.

ડાયાબિટીઝ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટાડી દે છે એટલે કે સામાન્ય વ્યક્તિ કરતાં ડાયાબિટીઝ ધરાવનાર વ્યક્તિ ખૂબ જલદી માંદી પડતી જણાય છે. તેને ઇન્ફેક્શન લાગવાની શક્યતા ઘણી વધારે રહે છે. વાત એટલેથી અટકતી નથી. ડાયાબિટીઝના દરદીઓને જ્યારે ઇન્ફેક્શન લાગે છે ત્યારે એ ઠીક થતાં પણ ખૂબ વાર લાગે છે. દવાઓ દ્વારા પણ એ જલદી કાબૂમાં આવતું નથી. જેમને ડાયાબિટીઝ છે એ વ્યક્તિ ખૂબ સારી રીતે જાણે છે કે એક સામાન્ય શરદી-ખાંસી પણ તેમને કેટલા લાંબા સમય સુધી ચાલે છે. ઇન્ફેક્શનની વધી જતી ગંભીરતા અને ઇલાજમાં આવતી કઠણાઈને કારણે ડાયાબિટીઝના દરદીએ ઇન્ફેક્શન ન  થાય એનું ધ્યાન રાખવું.  દરેક પ્રકારના વાઇરલ, બૅક્ટેરિયલ કે ફંગલ ઇન્ફેક્શન ડાયાબિટીઝના દરદીને થવાનું રિસ્ક ચોમાસામાં વધુ જ રહે છે, પરંતુ જ્યારે ડાયાબિટીઝની સાથે બીજો કોઈ રોગ પણ સંકળાયેલો હોય તો હેરાનગતિ વધવાની પૂરી શક્યતા છે.  મોટા ભાગના ડાયાબિટીઝના દરદીઓ ફૅટી લિવરની સમસ્યાથી પીડાય છે એટલે કે તેમના લિવર પર ફૅટ્સ જામતા જાય છે અને લિવર જાડું થતું જાય છે. આ પરિસ્થિતિમાં લિવર પર ઇન્ફેક્શનની શક્યતા વધી જાય છે. ખાસ કરીને ચોમાસામાં આવી વ્યક્તિને કમળો થવાની પૂરી શક્યતા રહેલી હોય છે. આ કમળો ક્યારેક ઘાતક પણ સાબિત થઈ શકે છે, કારણ કે ડાયાબિટીઝ અને ફૅટી લિવર જેવી સમસ્યાની સાથે એનો ઇલાજ કરવો સરળ હોતો નથી. આથી ખુદને ઇન્ફેક્શનથી બચાવવાની કોશિશ કરો અને જો ઇન્ફેક્શન આવે તો રાહ જોયા વગર ડૉક્ટરને તરત મળો. 

diabetes health tips life and style columnists