માથાનો દુખાવો સહન નથી થતો, શું કરું?

26 December, 2022 06:47 PM IST  |  Mumbai | Dr. Shirish Hastak

તમારા માથાના દુખાવાનું કારણ જ તમારું સ્મોકિંગ અને આલ્કોહૉલ હોઈ શકે છે એટલે માથું દુખે ત્યારે સિગારેટ પીવાનો ઉપાય ન જ અજમાવો.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મારી ઉંમર ૪૪ વર્ષ છે અને છેલ્લાં ૨-૩ વર્ષથી મને સ્મોકિંગ અને આલ્કોહૉલનું વ્યસન છે. હું રેગ્યુલર ચેક-અપ કરાવું છું. મારાં ફેફસાં અને લિવર બન્ને સારાં છે, પણ હાલમાં મને માથાનો દુખાવો આવ્યો છે, જે દિવસમાં બે-ત્રણ વાર થાય છે, મારી આંખમાં કોઈ સોંય ભોંકતું હોય એવો દુખાવો થાય છે. મને એમ છે કે સ્મોકિંગથી એ દુખાવો જતો રહેશે. ક્યારેક એ કારગર નીવડે છે તો ક્યારેક નહીં. આ દુખાવો મને લગભગ અડધી રાતે એક જ સમયે આવે છે. દિવસ દરમ્યાન પણ એકદમ નિયત સમયે એ શરૂ થઈ જાય છે. પેઇનકિલર કામ કરતી નથી, શું કરું? 

આ પણ વાંચો : દરરોજ પૉટી ન થાય તો કબજિયાત કહેવાય?

તમારાં લક્ષણો કહે છે કે તમને ક્લસ્ટર હેડેક છે. જ્યારે ક્લસ્ટર હેડેક શરૂ થાય એ દરમ્યાન દિવસમાં એક કે બે વખત દુખાવો થતો હોય છે, પરંતુ અમુક દરદીઓમાં એ બેથી વધુ વખત જોવા મળે છે. તમને જે આંખની તકલીફ છે એ પણ એને લીધે જ છે, કેમ કે આ દુખાવો અતિશય પીડાદાયી હોય છે અને આંખની પાછળ કે એની આજબાજુ થતો હોય છે. આ પ્રકારનો માથાનો દુખાવો દરેક દરદીને જુદાં-જુદાં કારણસર થતો હોય છે, પરંતુ જોવા મળ્યું છે કે જે લોકો તમાકુનું સેવન કરતા હોય, સ્મોકિંગ કરતા હોય, આલ્કોહૉલ પીતા હોય, કેફિનનું પ્રમાણ જેમના ખોરાકમાં વધુ હોય એવા લોકોને પણ આ રોગ થવાનું રિસ્ક વધુ હોય છે. 

આ પણ વાંચો : ઍક્યુટ લિવર ફેલ્યર થયા પછી બચી શકાય?

તમે જે પેઇનકિલર લો છો એ ડૉક્ટરે આપી છે કે ખુદ જ લેવા લાગ્યા છો એ મને ખબર નથી, પરંતુ પેઇનકિલર તો એક ટેમ્પરરી ફિક્સ છે. આ દુખાવાનું કારણ શોધી એને દૂર કરવો જરૂરી છે. અમારા અનુભવ મુજબ આ રોગમાં લાઇફ-સ્ટાઇલમાં કરવામાં આવેલા બદલાવ ઘણા જ મદદરૂપ થઈ શકે છે. તમારા માથાના દુખાવાનું કારણ જ તમારું સ્મોકિંગ અને આલ્કોહૉલ હોઈ શકે છે એટલે માથું દુખે ત્યારે સિગારેટ પીવાનો ઉપાય ન જ અજમાવો. ઊલટું જોવામાં આવ્યું છે કે જે દરદીઓ સ્મોકિંગ બંધ કરી દે, આલ્કોહૉલ પીવાનું ઓછું કરી દે તેમને ભવિષ્યમાં આ અટૅક આવવાનું રિસ્ક રહેતું નથી, માટે તમે આ બન્ને આદત છોડીને જુઓ. તમને આ આદત પકડ્યાને વધુ સમય પણ નથી થયો. અત્યારે તમારાં ફેફસાં અને લિવર ઠીક છે એટલે ભવિષ્યમાં પણ રહેશે જ એવું તો છે નહીં. ખરાબ આદતો જેટલી વહેલી છૂટે એટલી સારી. 

columnists health tips life and style