08 January, 2026 03:35 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
ડોક અને બગલમાં કાળા ડાઘ અને ફાંદ આ બન્ને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનાં મુખ્ય લક્ષણો છે. એનું પ્રમાણ આજનાં બાળકોમાં વધી રહ્યું છે. આનો સીધો અર્થ એ થાય છે કે જો તમે આ ચિહ્નો પર ધ્યાન ન આપ્યું તો આ ૧૨-૧૫ વર્ષનાં બાળકો જ્યારે ૨૦ વર્ષનાં થશે ત્યારે તેમને ડાયાબિટીઝ આવી જ જશે. જો તમે ઇચ્છતા હો કે બાળક નાની ઉંમરે ડાયાબિટીઝ જેવા રોગનો ભોગ ન બને તો બાળકોને જે ભાવે એ ખાવા દો, તેમને જેમ જીવવું છે એમ જીવવા દોવાળી માનસિકતા બદલી તેમને હેલ્ધી લાઇફસ્ટાઇલ તરફ વાળવાં અનિવાર્ય છે
કેસ પ્રફુલભાઈના ૧૨ વર્ષના દીકરા જયને અચાનક પેટમાં દુખ્યું. ખબર પડી કે ઍપેન્ડિક્સ થયું છે. સર્જરી કરવી પડે એમ હતી એટલે શુગર ચેક કરી તો ખબર પડી કે શુગર તો ૨૮૦ સુધી પહોંચી ગઈ હતી. બીજી ટેસ્ટ થઈ અને ખબર પડી કે ૧૨ વર્ષના છોકરાને ડાયાબિટીઝ છે એ પણ ટાઇપ-ટૂ ડાયાબિટીઝ, જે મોટા ભાગે વયસ્ક લોકોમાં જોવા મળે છે. ફક્ત ૧૨ વર્ષના છોકરાને એ થયો છે. પ્રફુલભાઈને ૩૫ વર્ષે ડાયાબિટીઝ આવ્યો હતો અને તેમના સંતાનને ૧૨ વર્ષે આવી ગયો. અત્યારે જયને કડક રીતે લાઇફસ્ટાઇલ ચેન્જ પર રાખવામાં આવ્યો છે.
બાળકોમાં ટાઇપ-ટૂ ડાયાબિટીઝ જોવા મળતો નથી એવું માનવામાં આવતું હતું, પણ સમય આપણને ક્યાં લઈ જશે એ ખબર નથી. ૧૦-૧૨ વર્ષનાં બાળકોમાં પણ ડાયાબિટીઝ દેખાવા માંડ્યો છે. જો તમે ઇચ્છતા હો કે બાળકોમાં આ રોગ ન આવે તો અમુક વાતની તકેદારી રાખો. ડાયાબિટીઝ એક એવો રોગ છે જે સીધો આવી જતો નથી. એ રોગ પહેલાં વ્યક્તિના શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ થાય છે. જો વ્યક્તિ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને ઓળખી લે તો ખુદને ડાયાબિટીઝ સુધી પહોંચવા ન દે એ શક્ય બને. શું છે આ પરિસ્થિતિ અને કઈ રીતે એને ઓળખી શકાય એ આજે સમજીએ.
સૌથી પહેલાં એ સમજીએ કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે શું? ઇન્સ્યુલિન એક હૉર્મોન છે જે શરીરમાં શુગરના નિયંત્રણ માટે ઉપયોગી છે. એનું રેઝિસ્ટન્સ એટલે શું એ સમજાવતાં ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘સમજો કે શરીરમાં શુગરના મૅનેજમેન્ટ માટે ૪૦ યુનિટ જેટલું ઇન્સ્યુલિન જરૂરી છે, પરંતુ કોઈ પણ કારણસર ઇન્સ્યુલિન બરાબર કામ નથી કરી શકતું એટલે શુગર શરીરમાં વધે છે. વધતી શુગરના ઉપાય અર્થે મગજ પૅન્ક્રિયાસને આદેશ આપે છે કે વધુ ઇન્સ્યુલિન બનાવ. એટલે પૅન્ક્રિયાસ વધુ ઇન્સ્યુલિન બનાવે છે. એટલે સમજો કે શરીરમાં ૪૦ની જગ્યાએ ૬૦ યુનિટ ઇન્સ્યુલિન છે. હવે શરીરમાં ઇન્સ્યુલિન વધુ છે, પણ છતાં એ કામ બરાબર નથી કરી રહ્યું. આ અવસ્થાને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહેવાય છે. આ અવસ્થા આવી એનો અર્થ જ એ કે શરીરમાં ડાયાબિટીઝની શરૂઆત થઈ ગઈ છે એટલે ચેતવું જરૂરી છે. આજની તારીખે વયસ્ક કે બાળકો બન્નેમાં આ તકલીફ જોવા મળે છે. બાળકોમાં આ પ્રૉબ્લેમ જોવા મળવો એ ઘણું ચિંતાજનક પરિસ્થિતિ છે.
ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને ઓબેસિટી સાથે સીધો સંબંધ છે. ચાઇલ્ડહુડ ઓબેસિટી આજના સમયની એક મોટી તકલીફ છે. જે બાળકો જાડાં છે તેમને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થવાની શક્યતા ઘણી વધુ છે. આ વિશે વાત કરતાં ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘આજે દરેક ઘરમાં ડાયાબિટીઝ ઘર કરી ગયો છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી. જિનેટિકલી ભારતીયોમાં આમ પણ ડાયાબિટીઝ થવાની શક્યતા ઘણી વધુ છે. પરિવારમાં ડાયાબિટીઝ છે એટલે વારસાગત આ રોગ બાળકોને થવાની શક્યતા પણ ઘણી વધુ છે. એની સાથે આજે દરેક બાળકની જે લાઇફસ્ટાઇલ છે, જેમાં મેન્ટલ સ્ટ્રેસ વધ્યું છે, ગૅજેટના વધુ વપરાશને કારણે બાળકો બેઠાડુ જીવન જીવી રહ્યાં છે, તેમનો ખોરાક બગડ્યો છે. જન્ક ફૂડ, ફાસ્ટ ફૂડ અને પૅકેજ્ડ ફૂડે આપણાં બાળકોનું સ્વાસ્થ્ય ખરાબ કર્યું છે. આજે બાળકો ભાગ્યે જ કોઈ ફિઝિકલ ઍક્ટિવિટી તરફ આકર્ષાય છે. બેઠાડુ જીવન તેમના સ્વાસ્થ્ય પર ભારે પડી રહ્યું છે, જેને કારણે આ નાની ઉંમરમાં જેમાં તેમને કોઈ પણ તકલીફ થવાની શક્યતા નહીંવત છે તેઓ ફ્રી બનીને ખાઈ શકવાં જોઈએ, જીવી શકવાં જોઈએ પણ એવું થઈ નથી રહ્યું.’
આ રોગનો મુખ્ય ઇલાજ લાઇફસ્ટાઇલ સુધારવામાં જ રહેલો છે. બાળકનો ખોરાક ઠીક કરો, ઍક્ટિવ બનાવો; વજન તો જલદી નહીં ઊતરે પણ ધીમે-ધીમે નિરાશ થયા વગર પ્રયત્ન ચાલુ રાખો. બાળકને ઘરનું નૉર્મલ ખાવાનું આપો. બહારનું ખાવાનું અને પૅકેજ્ડ ફૂડ તદ્દન બંધ કરો. તમે જો તેની લાઇફસ્ટાઇલ ઠીક ન કરી તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ તમારા બાળકને ડાયાબિટીઝ તરફ ધકેલશે. જે બાળકોને ૧૨-૧૫-૧૭ વર્ષે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે અને એનો ઉપાય તમે ન કર્યો, તેની લાઇફસ્ટાઇલ ન બદલી, વજન ઓછું ન કર્યું તો એ બાળક ૧૮-૨૦ વર્ષનું થશે ત્યારે તેને ટાઇપ-ટૂ ડાયાબિટીઝ આવી જશે. આ બાળકને ફૅટી લિવર છે જ, એનું લેવલ વધતું જશે. એક નહીં, અનેક સમસ્યાઓ અતિ યુવાન વયે તેને શરૂ થાય એ પહેલાં ચેતવું જરૂરી છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના ઇલાજમાં ક્યારેક દવાઓનો ઉપયોગ પણ કરવો પડે છે.
આમાં જેટલા જલદી તમે જાગ્યા એટલું બાળક માટે સારું છે. બાળકોને યુવાન વયે ડાયાબિટીઝ ન આવે એવું તમે ઇચ્છતા હો તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને સમયસર ઓળખી એનો ઉપાય કરો.’
એક ભારતીય સ્ટડી અનુસાર ૬૮.૪ ટકા અને બીજા સ્ટડી અનુસાર ૩૨.૩ ટકા ઓબીસ છોકરાઓમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જોવા મળે છે. જે છોકરીઓ અર્લી પ્યુબર્ટીનો શિકાર છે એવી છોકરીઓમાં ૭૦.૭૩ ટકા છોકરીઓને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે.
તમારા બાળકને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે એ જાણવા માટે બે પ્રકારની ટેસ્ટ છે, એક C-પેપ્ટાઇડ અને બીજી ટેસ્ટ છે HOMA-IR. પરંતુ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જેને છે તેને અમુક ખાસ ચિહ્નો વડે શોધી શકાય છે એ ચિહ્નો ઓળખી કાઢો તો ટેસ્ટ કરાવવાની ખાસ જરૂર રહેતી નથી. ડૉ. પ્રદીપ ગાડગે પાસેથી જાણીએ કે આ ચિહ્નો કયાં છે.
જો બાળકની ડોક પર કાળા પૅચિસ આવી ગયા હોય તો એ એકેન્થોસિસ નેગ્રીકન્સ છે. આ કાળા પૅચિસ ફક્ત ડોક પર જ નહીં, આર્મ-પિટ એટલે કે બગલમાં પણ હોય છે. ડોક અને બગલ એ બન્ને જગ્યા માટે મોટા ભાગે માતા-પિતાને લાગતું હોય છે કે બાળક વ્યવસ્થિત નહાતું નથી એટલે ત્યાં કાળો મેલ જામી ગયો છે. તે બાળકને કહે છે કે ઘસીને નહાવું જરૂરી છે. બાળક તેની રીતે ઘસે છે પણ એ પૅચ જતા નથી. પછી મમ્મી કે પપ્પા ખુદ કોશિશ કરે છે અને ઘસવાથી એ ભાગ લાલ થઈ જાય છે પણ કાળા ડાઘ જતા નથી. આ સ્કિનની તકલીફ છે એમ સમજીને માતા-પિતા સ્કિન-સ્પેશ્યલિસ્ટ ડૉક્ટર પાસે જાય છે. સ્કિન-સ્પેશ્યલિસ્ટ જો જાણકાર હોય તો તે સમજાવે છે કે આ તકલીફ શું છે, નહીંતર કોઈ ક્રીમ આપીને બાળકને ઘરે મોકલી દે છે. હકીકતમાં આ ચિહ્ન એ નથી જણાવી રહ્યું કે તમને સ્કિન-પ્રૉબ્લેમ છે, પણ એ જણાવી રહ્યું છે કે બાળકને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે.
બાળકોને ઘણી વાર જન્મથી ફાંદ હોય છે પણ મોટાં થાય, ચાલવા-દોડવા લાગે એટલે ફાંદ જતી રહે છે. જે બાળકો કુપોષણનો શિકાર છે તેમને ફાંદ રહી જાય છે. બાકી જે બાળકો બેઠાડુ જીવન જીવે છે તેમને પણ ફાંદ રહી જાય છે. બાળકનું પેટ અચાનક જેટલું હોય એના કરતાં વધી જાય ત્યારે સમજવું કે તેના શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ થઈ રહ્યું છે. સેન્ટ્રલ ઓબેસિટી એટલે કે ફાંદ એ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનું ક્લાસિક ચિહ્ન છે.
એકેન્થોસિસ નેગ્રીકન્સ અને ફાંદ બન્ને મુખ્ય લક્ષણો છે પણ એ સિવાયનાં પણ અમુક લક્ષણો છે જેમ કે તરસ ખૂબ વધી જવી કે વારંવાર પેશાબ માટે જવું, ભૂખ વધી જવી, ખૂબ થાક લાગવો, વિઝન પર થોડી અસર થવી, ઝાંખું દેખાવું અને વારંવાર ઇન્ફેક્શનને કારણે માંદા પડવું. આ સિવાય આવાં બાળકોમાં ઇરિટેશન કે ચીડિયાપણું જોવા મળે છે, આવાં બાળકો મૂડી હોય છે. તેમને હથેળી અને પગના તળિયે થોડું ટિંગલિંગ થાય છે. આવાં બાળકોનું સરળતાથી વજન પણ ઊતરતું નથી.