ઇનગ્રોન હેરથી કેમ છુટકારો મેળવવો?

13 February, 2019 12:09 PM IST  | 

ઇનગ્રોન હેરથી કેમ છુટકારો મેળવવો?

પ્રતીકાત્મક તસવીર

ક્યારેક આવા વાળ બ્લડ-સ્પૉટ્સ તરીકે ઊપસી આવી ત્વચાની સુંદરતામાં ડાઘ લગાડે છે તો ક્યારેક પસ ભરેલી ફોડલીરૂપે ઊપસી આવી પીડા આપે છે. સ્કિનની નીચે વિકસતા વાળને દૂર કરવા માટે શું કરવું જોઇએ એની વાત કરીએ

શરીરના વિવિધ ભાગોના અવાંછિત વાળથી છુટકારો મેળવવા મહિલાઓ શું-શું નથી કરતી? શેવિંગ અને વૅક્સિંગથી માંડીને હેર-રિમૂવિંગ ક્રીમ અને લોશન સુધી કેટકેટલું અજમાવે છે. અલબત્ત આ બધાં સાધનો ત્વચાની સપાટીની ઉપર રહેલા વાળ જ દૂર કરે છે, ત્વચાની સપાટીની નીચે રહેલા વાળ દૂર કરવા આમાંનું કશું જ કામ આવતું નથી. ત્વચાની સપાટીની નીચે રહેલા વાળ ઇનગ્રોન હેર તરીકે ઓળખાય છે. આવા ઇનગ્રોન હેરની સમસ્યા વાસ્તવમાં સ્ત્રી કે પુરુષ બન્નેને સતાવી શકે છે. ક્યારેક આવા વાળ બ્લડ-સ્પૉટ્સ તરીકે ઊપસી આવી ત્વચાની સુંદરતામાં ડાઘ લગાડે છે તો ક્યારેક પસ ભરેલી ફોડલીરૂપે ઊપસી આવી પીડા આપે છે. વળી મુસીબત એ છે કે આવા ઇનગ્રોન હેરની સમસ્યામાંથી છુટકારો મેળવવો એટલો આસાન પણ નથી. તો આવો સ્કિન-સ્પેશ્યલિસ્ટ ડૉ. સ્વાતિ શ્રીવાસ્તવ પાસેથી જાણીએ એનો ઇલાજ.

ઇનગ્રોન હેર એટલે શું?

સામાન્ય રીતે આપણા વાળ ઊગવાની શરૂઆત ફોલિકલ્સ તરીકે ઓળખાતા વાળના મૂળમાંથી થાય છે. ત્યાર બાદ આ વાળ ત્વચાનાં રોમછિદ્રોમાંથી માર્ગ કરી બહાર આવી જાય છે. કેટલીક વાર વૅક્સિંગ કે શેવિંગની પ્રક્રિયામાં ખોટી દિશામાં ખેંચાયેલા વાળ રોમછિદ્રમાંથી બહાર આવવાને સ્થાને વળ વળી ત્વચાની સપાટીની નીચે જ વિકસવા માંડે છે. તો ક્યારેક ત્વચા પરના મૃત કોષો વાળના માર્ગમાં અવરોધ ઊભો કરે છે. તો ક્યારેક કુદરતી રીતે વાંકળિયા વાળના અણિયાળા છેડા રોમછિદ્રમાંથી બહાર નીકળી ફરી પાછા વળ વળી ત્વચાની અંદર પ્રવેશી ત્યાં વિકસવા માંડે છે. પુરુષોમાં આવા ઇનગ્રોન હેર મુખ્યત્વે શેવિંગ બાદ દાઢી તથા ગળાના ભાગમાં જોવા મળે છે; જ્યારે સ્ત્રીઓમાં આ સમસ્યા મુખ્યત્વે હાથ, પગ, અન્ડરઆર્મ્સ તથા પ્રાઇવેટ પાર્ટની ત્વચા પર જોવા મળે છે. આમ તો આવા ઇનગ્રોન હેર કોઈ ગંભીર સમસ્યા નથી છતાં કેટલીક વાર એ ત્વચાની સુંદરતામાં ડાઘ લગાડી આપણને શરમજનક સ્થિતિમાં મૂકી શકે છે. બીજી બાજુ જો એમાં ઇન્ફેક્શન થઈ જતાં પસનો ભરાવો થવા માંડે તો આપણે પીડા ભોગવવાનો વારો પણ આવી શકે છે.

વાળનો ઇનગ્રોથ કોને થઈ શકે?

મોટા ભાગના કિસ્સાઓમાં કુદરતી રીતે વાંકડિયા વાળ ધરાવનારાઓને ઇનગ્રોન હેરની સમસ્યા વધુ સતાવે છે. તેમના વાંકડિયા વાળ રોમછિદ્રમાંથી બહાર આવી ફરી પાછા ત્વચાની અંદર પ્રવેશી જાય છે. સાથે જ કેટલાક લોકોના શરીરમાં અમુક ચોક્કસ પ્રકારનાં સેક્સ-હૉર્મોન્સનું પ્રમાણ વધારે હોય છે, જેને પગલે તેમના શરીર પર વાળનું પ્રમાણ પણ વધારે હોય છે. શરીર પર વધુપડતા વાળ ધરાવનારી આવી વ્યક્તિઓને પણ ઇનગ્રોન હેરની સમસ્યા સતાવી શકે છે.

ઇનગ્રોન હેરની સારવાર

મહદંશે ઇનગ્રોન હેર કશું પણ કર્યા વિના જાતે જ પોતાનો માર્ગ શોધી ત્વચાની સપાટીની બહાર આવી જતા હોય છે. અહીં ડૉ. સ્વાતિ શ્રીવાસ્તવ જણાવે છે, ‘જ્યારે આવું ન થાય ત્યારે એ લાલ અથવા કાળી ફોડલી બની ત્વચાને ઇરિટેટ કરી શકે છે એટલું જ નહીં, જો એમાં ઇન્ફેક્શન થઈ જાય તો એમાં ખીલની જેમ પસ પણ થઈ શકે છે અને ત્યાં ખંજવાળ પણ આવ્યા કરે છે. એથી ડૉક્ટર આવા કિસ્સામાં સ્ટરિલાઇઝ કરેલી સોયની મદદથી ત્વચાના એ ભાગ પર કાપો મૂકી ઇનગ્રોન હેરને મૂળથી ખેંચી કાઢે છે. સોજો કે સ્કિન-ઇરિટેશનની સમસ્યા હોય તો મલમના રૂપમાં આવતી કેટલીક દવાઓની ભલામણ પણ કરી શકે છે. ઇન્ફેક્શન થયું હોય તો એને દૂર કરવા ઍન્ટિબાયોટિક્સનું સૂચન પણ કરવામાં આવે છે. સમસ્યા ત્વચાના મૃત કોષોને પગલે ઊભા થતા અવરોધનું પરિણામ હોય તો એને દૂર કરવા રેટિનૉઇડ્સ નામનું તત્વ ધરાવતી દવાઓ લગાડવાનું પણ કહેવામાં આવે છે.’

કેવી રીતે અટકાવશો?

આ સવાલનો જવાબ આપતાં ડૉ. સ્વાતિ શ્રીવાસ્તવ કહે છે, ‘ઇનગ્રોન હેરની સમસ્યા વૅક્સિંગ કે શેવિંગની પ્રક્રિયા દરમ્યાન ખોટી દિશામાં ખેંચાયેલા વાળના કારણે વધુ નિર્માણ થાય છે. આ માટે શેવ કરતી વખતે ચહેરાને ગરમ પાણીથી ભીનો કર્યા બાદ જ શેવિંગ ક્રીમ લગાડવી જોઈએ એટલું જ નહીં, શેવિંગ કરતી વખતે વાળનો ગ્રોથ જે દિશા તરફનો હોય એ જ દિશામાં રેઝર ફેરવવું જોઈએ. કેટલાક લોકો એકદમ ક્લીન શેવ મેળવવા માટે ઊંધી દિશામાં રેઝર ફેરવતા હોય છે, પરંતુ આ પદ્ધતિ ખોટી છે. સાથે જ શેવિંગ કર્યા બાદ ઠંડા પાણીમાં પલાળેલા ટૉવેલનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.’

આ પણ વાંચો : વધી રહ્યું છે નાની વયની મહિલાઓમાં ગર્ભાશયની થેલી કઢાવવાનું પ્રમાણ

ઉપરાંત શરીરના દરેક ભાગના વાળ વૅક્સિંગથી દૂર કરવાનો આગ્રહ રાખવો ઉચિત નથી. હાથ અને પગના વાળ પ્રમાણમાં જાડા હોવાથી વૅક્સિંગ કરાવો તો ચાલે; પરંતુ ચહેરા, છાતી અને પીઠના વાળ તો બહુ જ બારીક હોય છે. એને છુપાવવા શક્ય હોય તો વૅક્સિંગને સ્થાને બ્લીચિંગનો ઉપયોગ કરવાથી ઍટ લીસ્ટ શરીરના આ ભાગો પર ઇનગ્રોન હેરની સમસ્યાથી બચી શકાય છે. એ સિવાય હાથ-પગ પર જ્યારે આ સમસ્યા નિર્માણ થાય ત્યારે ત્યાં નિયમિત ધોરણે સ્ક્રબ વાપરવાથી ત્વચાના મૃત કોષો દૂર થાય છે અને અંદરના વાળનો બહાર નીકળવા માટેનો માર્ગ મોકળો બને છે. આ સિવાય ઇનગ્રોન હેરની સમસ્યામાંથી છુટકારો મેળવવાના બીજા કોઈ ખાસ વિકલ્પો નથી. હા, એક રામબાણ ઇલાજ છે. લેઝર હેર-રિમૂવલનો. આ ટ્રીટમેન્ટમાં વાળના ફોલિકલ્સ જ બાળી નાખવામાં આવતા હોવાથી એમાંથી વાળ ઊગવાનો અવકાશ જ રહેતો નથી, જેને પગલે ઇનગ્રોન હેરની સમસ્યા જ નિર્માણ થતી નથી. કેટલાકને હેર-રિમૂવલની આ પદ્ધતિ મોંઘી લાગે છે, પરંતુ વાસ્તવમાં તમે આખી જિંદગી વૅક્સિંગ, થ્રેડિંગ કે બ્લીચિંગ પાછળ જેટલા પૈસા ખર્ચી નાખો છો એનાથી તો ઘણા ઓછામાં આ ટ્રીટમેન્ટ પતી જાય છે. એથી વારંવાર થતા ઇનગ્રોન હેરની તકલીફ ધરાવનારાઓએ એક વાર આ ટ્રીટમેન્ટનો વિચાર ચોક્કસ કરવો જોઈએ.

life and style