શુગર ક્રેવિંગ ખૂબ થતું હોય ત્યારે એને કેવી રીતે કન્ટ્રોલ કરવું?

12 October, 2021 01:01 PM IST  |  Mumbai | Yogita Goradia

શુગર ક્રેવિંગ થવા પાછળ આમ તો ઘણાં કારણ હોઈ શકે છે, પરંતુ મુખ્ય કારણ ખોટી લાઇફસ્ટાઇલ જ હોય છે

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૩૨ વર્ષ છે અને મને છેલ્લા એક મહિનાથી સખત શુગર ક્રેવિંગ થયા કરે છે. રાત્રે હું ફ્રિજ ફંફોસ્યા કરું છું અને ચૉકલેટ ખાધા વગર મને ચેન નથી પડતું. ચૉકલેટ ન મળે તો હું આઇસક્રીમ ખાઉં છું અને એ પણ એકસાથે ૩-૪ સ્કૂપ તો પતાવી જ જાઉં છું. આટલું ગળ્યું અચાનક ખાવાનું મન કેમ થાય છે એ મને સમજાતું નથી. કદાચ મારું ખાવા-પીવા અને સૂવા-ઊઠવાનું શેડ્યુલ ઉપર-નીચે થઈ ગયું છે એટલે પણ હોઈ શકે. બાકી પહેલાં મને આટલી શુગર ક્રેવિંગ થતી નહીં. હું શું કરું?

શુગર ક્રેવિંગ થવા પાછળ આમ તો ઘણાં કારણ હોઈ શકે છે, પરંતુ મુખ્ય કારણ ખોટી લાઇફસ્ટાઇલ જ હોય છે. આ માટે તમારા તમામ મીલ્સનો સમય રેગ્યુલરાઇઝ કરવાની જરૂર છે.

તમે જો સવારે નાસ્તો ન કરતા હો તો મોટી ભૂલ કરો છો. એવું જોવા મળ્યું ચે કે સવારનો નાસ્તો જે લોકો સ્કિપ કરે છે એને શુગર ક્રેવિન્ગ્સ થયા જ કરે છે, કારણકે શરીરને જ્યારે અૅનર્જીની જરૂર હોય છે ત્યારે તમે એને એ આપતા નથી. એને કારણે શુગરની જરૂરિયાત ક્રેવિંગમાં પરિણમે છે. બીજું કારણ છે કે તમે સમય પર જમતા નહીં હો. જો તમે એક ફિક્સ સમય પર જમતા હશો તો તમને ક્યારેય ક્રેવિંગ નહીં થાય, પરંતુ જો તમે ક્યારેક ૧૨ વાગ્યે જમો તો ક્યારેક ૨-૩ વાગ્યે તો ક્યારેક જમો જ નહીં એવું થાય તો ક્રેવિંગ થઈ શકે છે. આ ઉપરાંત રાત્રે શુગર ખાવાને લીધે તમને ઊંઘ નથી આવતી. તમે સૂવો નહીં એટલે ક્રેવિંગ બીજે દિવસે વધુ વધે. આમ આ એક વિષચક્ર જેવી સાઇકલ છે જેને તોડવી જરૂરી છે.

સૌથી પહેલાં તમે તમારું શેડ્યુલ સુધારો. કંઈ પણ થાય, સવારે ઉઠ્યા પછીના બે કલાકની અંદર બ્રેકફાસ્ટ ચોક્કસ કરો. સમય પર જમો અને સમય પર સૂવો. આ મૂળભૂત નિયમોનું પાલન કરજો. જો આટલી કાળજી રાખશો તો ક્રેવિંગ પોતાની મેળે ઓછી થશે. જ્યારે ક્રેવિંગ થતું હોય એવું લાગે ત્યારે અમુક પ્રકારનો કન્ટ્રોલ શરૂઆતમાં રાખવો જરૂરી છે, કારણકે તમે શરીરને દરરોજ ક્રેવ કરવાની આદત નાખી છે તો એમાં સુધારો થવામાં પણ વાર તો લાગશે જ. શુગરનું ક્રેવિંગ થાય અને એ પૂરી કરી લેવાથી વધુ ક્રેવિંગ થાય છે. ધીરજથી કામ લેશો તો ક્રેવિંગ જતી રહેશે.

health tips