10 June, 2025 01:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
‘ઘરમાંથી ટીવીને કાયમ માટે અલવિદા જ કરી દો તો એ પહેલા નંબરનો શ્રેષ્ઠ વિકલ્પ છે એટલે પ્રયાસ કરો કે ટીવીને કાયમ માટે જીવનમાંથી દૂર કરો.’
ટીવી નામના દૂષણથી કેવી રીતે બચવું એવો સવાલ એક શ્રાવકે પ્રવચન દરમ્યાન પૂછ્યો એટલે પહેલો વિકલ્પ આ આપીને તરત જ બીજો વિકલ્પ પણ મેં સૂચવ્યો, ‘ટીવી રાખવું જ હોય તો એ કોઈની પણ સ્વતંત્ર રૂમમાં ન રાખતાં દીવાનખાનામાં લઈ આવો. દીવાનખાનામાં ટીવી લાવ્યા પછી પણ ટીવી જોવા માટે એક ચોક્કસ સમય નક્કી કરી દો અને સમસ્ત પરિવાર સાથે બેસીને જુઓ અને એ વાતનું ધ્યાન રાખો કે કોઈનામાંયે કુસંસ્કારો ન પ્રવેશી શકે એવી સિરિયલ જ જોવી. થોડાઘણા બચી શકશો તો આ રીતે બચી શકશો. બાકી રૂમે-રૂમે ટીવી જો ગોઠવાયેલાં રહ્યાં, પરિવારના કોઈ પણ સભ્યને કોઈ પણ સમયે, કોઈ પણ સિરિયલ જોવાની સ્વતંત્રતા આપી દીધી તો નિશ્ચિત્ત સમજી રાખજો કે પવિત્રતાની સ્મશાનયાત્રા નીકળી જવામાં માત્ર સમયનો જ પ્રશ્ન રહેશે. કોઈને પછાત લાગીએ તો ભલે લાગીએ, પણ મૉડર્ન બનવાના પૂરમાં સંસાર તણાતો હોય ત્યારે પછાત રહીને જ એ પૂરના પ્રકોપથી બચી શકાય.’
પ્રવચનના ચારેક દિવસ બાદ એક યુવક બપોરના સમયે મળવા આવ્યો. તેના ચહેરા પર પ્રસન્નતા હતી. પગે લાગી વાતની તેણે શરૂઆત કરી.
‘ગુરુદેવ, ઘરમાં અમે કુલ છ જણ છીએ. પપ્પા, મમ્મી, હું, મારી પત્ની અને બે બાળકો. સહુએ ભેગાં બેસીને ટીવી વિશે એક નિર્ણય કરી લીધો છે અને એનો અમલ પણ ચાલુ કરી દીધો છે.’
‘શું કર્યો નિર્ણય?’ મેં પૂછ્યું, ‘દીવાનખાનામાં લઈ આવવાનો?’
‘આપે એ તો સૂચવ્યું જ હતું પણ ગુરુદેવ, અમે તો ટીવીને લઈ ગયાં મમ્મી-પપ્પા જે રૂમમાં રહે છે ત્યાં અને નિર્ણય કરી દીધો કે મમ્મી-પપ્પા જે સમયે જે સિરિયલ જોતાં હોય એ જ સમયે એ જ સિરિયલ મમ્મી-પપ્પાના રૂમમાં જઈને અમારે સહુએ જોવી. ઘરના સૌ સભ્યો સાથે પણ એ જ નિયમ. અમારે કોઈએ ટીવી ચાલુ પણ નહીં કરવાનું અને કોઈએ મમ્મી-પપ્પાને ટીવી ચાલુ કરવા માટે કહેવાનું પણ નહીં. આ બાબતમાં તો અમે સૌએ પચ્ચકાણ પણ લઈ લીધાં. મમ્મી-પપ્પાને મન ન હોય તો તે આખો દિવસ ટીવી બંધ રાખે અને તેમને મન થાય તો તે ભજનનો કાર્યક્રમ જોતાં હોય તો અમારે એ જોવાનો.’
યુવકે હાથ જોડી આશીર્વાદ માગ્યા.
‘આશીર્વાદ આપ એવા આપો કે આજે મમ્મી-પપ્પાના રૂમમાં રહેલા ટીવીને જીવનભર માટે ઘરમાંથી જ રવાના કરી દઈએ. એક મોટા અનિષ્ટથી અમે સહુ કાયમ માટે બચી જઈશું. પહેલાં છોકરાઓ આખો દિવસ ક્રાઇમના ને એવા બીજા બધા શો જોતા પણ હવે રિમોટ તેમની પાસે નથી હોતું એટલે તે ઘરના કામમાં પણ મદદ કરે છે.’