બાળક કીમોથૅરપી કઈ રીતે સહન કરી શકશે?

18 June, 2021 02:49 PM IST  |  Mumbai | Dr. Priti Mehta

બાળકોનું મેટાબોલિઝમ વયસ્ક કરતાં વધુ પ્રબળ હોય છે એટલે કીમો એમને વધુ માફક આવે છે

પ્રતીકાત્મક તસવીર

મારા ૫ વર્ષના નાના દીકરાનું વજન છેલ્લા છ મહિનાથી ઘટતું જતું હતું. અમને લાગ્યું કે એ ખૂબ રમે છે એટલે કદાચ એવું થયું હશે, પરંતુ ધીમે-ધીમે એને ખૂબ અશક્તિ લાગવા લાગી હતી અને એક દિવસ એ બેભાન થઈ ગયો. એ પછી એને ડૉક્ટર પાસે લઈ ગયા અને કેટલાય રિપોર્ટ કઢાવ્યા. ત્યારે ખબર પડી કે મારા દીકરાને બ્લડ કૅન્સર છે. ડૉક્ટરે કહ્યું કે એને અક્યુટ લિમ્ફોબ્લાસ્ટિક લ્યુકેમિયા છે. આ પરિસ્થિતિમાં એ કીમોથૅરપી શરૂ કરવા માગે છે. મારા પિતાજીને પણ કૅન્સર હતું અને કીમોમાં એમની હાલત ખૂબ ખરાબ થઈ જતી. એ તો ૫૮ વર્ષના હતા અને એમની હાલત બગડતી. મારો દીકરો તો ફક્ત ૫ વર્ષનો છે. કીમો સિવાય ઇલાજ ન હોઈ શકે?       

તમારા બાળકને બ્લડ કૅન્સર છે અને એમાં કીમોથૅરપી એની મુખ્ય ટ્રીટમેન્ટ છે. તમારી ચિંતા બરાબર છે કે તમારા પિતાજીની હાલત ખરાબ થઈ ગઈ હતી તો ૫ વર્ષના બાળકની હાલત શું થશે. કીમો સ્ટ્રૉન્ગ થૅરપી છે પરંતુ એ ઘણી અસરકારક પણ છે. બીજી એની વિશેષતા એ છે કે વયસ્ક વ્યક્તિ કરતાં બાળકો પર કીમો વધુ સારું કામ કરે છે અને બાળકો એને વધુ સારી રીતે જીરવી શકે છે અને આ વાત હું તમને ફક્ત ધૈર્ય આપવા નથી કહેતી. એ હકીકત છે.

બાળકોનું મેટાબોલિઝમ વયસ્ક કરતાં વધુ પ્રબળ હોય છે એટલે કીમો એમને વધુ માફક આવે છે. બીજું એ કે બાળકોમાં કો-મૉર્બિડિટી હોતી નથી. એટલે કે જે વ્યક્તિને ડાયાબિટીઝ કે બ્લડ પ્રેશર કે હાર્ટ-ડીસીઝ હોય અને એની સાથે કૅન્સર નીકળે તો એને કીમો વધુ ભારે પડતી હોય છે, પરંતુ બાળકોને આવી કોઈ તકલીફ ન હોવાને કારણે એમનો ઇલાજ સરળ બને છે. વળી બાળકોને કૅન્સર અને કીમો વિશે ઘણી ઓછી ખબર હોય છે માટે મેન્ટલી એ લોકો પડી ભાંગતા નથી. કીમો લેતી વખતે માનસિકતા પણ અતિ મહત્ત્વની હોય છે. વયસ્ક લોકો ખુદ ગભરાઈ ગયા હોવાથી એમને વધુ તકલીફ થાય છે જ્યારે બાળકોમાં એવું નથી થતું. એના વાળ અને નખ પર અસર રહેશે પરંતુ એક વર્ષમાં એ પાછા આવી જશે, માટે ચિંતા નહીં કરો. બાકી બાળકને કીમો લેવાથી ઊલટી કે નોશીયા જેવી મૂળભૂત તકલીફો કદાચ થાય. પ્લેટલેટ ઘટી પડે એવું બને, પરંતુ એ મૅનેજ કરી શકાશે. આમ કીમોથી ગભરાશો નહીં.

columnists