✕

લોહીમાં વધેલી શુગર કિડની, બ્લેડર, ચેતાતંતુઓ અને આંખને પણ અસર કરે છે

09 October, 2026 04:24 PM IST  |  Mumbai | Dr. Meeta Shah

આંખના પડદા એટલે કે રેટિનાની નસો નબળી પડવાથી ઝાંખી દૃષ્ટિ, મોતિયો, કાચબિંદુ અને યોગ્ય સારવાર ન મળે તો કાયમી અંધાપો આવી શકે છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ડાયાબિટીઝને સાઇલન્ટ કિલર ગણવામાં આવે છે. લોહીમાં વધેલી શુગર સમય જતાં શરીરની લોહીની નસો અને ચેતાઓને નુકસાન પહોંચાડે છે. લાંબા ગાળાનો અને અનિયંત્રિત ડાયાબિટીઝ શરીરનાં વિવિધ મહત્ત્વપૂર્ણ અંગોને ગંભીર નુકસાન પહોંચાડે છે.

શરીરનાં વિવિધ અંગો પર ડાયાબિટીઝની આડઅસરો થાય છે. હૃદય અને લોહીની નસોની વાત કરીએ તો વધેલી શુગર ધમનીઓને જાડી અને સખત બનાવે છે. એનાથી હાઈ બ્લડ-પ્રેશર, હાર્ટ-અટૅક અને છાતીમાં દુખાવો જેને ઍન્જાઇના કહે છે એ થવાનું જોખમ બેથી ત્રણગણું વધી જાય છે. કિડનીની અતિશય ઝીણી નસો નુકસાન પામતાં પેશાબમાં પ્રોટીન જવાની સમસ્યા થાય છે.

લાંબા ગાળે કિડની-ફેલ્યર થતાં ડાયાલિસિસની જરૂર પડી શકે છે. આંખના પડદા એટલે કે રેટિનાની નસો નબળી પડવાથી ઝાંખી દૃષ્ટિ, મોતિયો, કાચબિંદુ અને યોગ્ય સારવાર ન મળે તો કાયમી અંધાપો આવી શકે છે. જો ચેતાતંત્રની વાત કરીએ તો ચેતાઓને ઑક્સિજન ઓછો મળવાથી હાથ-પગમાં બળતરા થવી, સોય ભોંકાતી હોય એવું લાગવું કે અંગો સુન્ન થઈ જવાની તકલીફ થાય છે. ડાયાબિટીઝના દરદીઓમાં પગની સમસ્યા અલગથી જોવા મળે છે જેને ડાયાબેટિક ફુટ કહે છે. પગ સુન્ન હોવાથી વાગવાનો અહેસાસ થતો નથી અને લોહીનું પરિભ્રમણ ઓછું હોવાથી ઘા રુઝાતો નથી. નાનો ઘા પણ ગંભીર ઇન્ફેક્શન કે ગૅન્ગ્રીન બની શકે છે, જેમાં આંગળી કે પગ કાપવાની નોબત આવી શકે છે.

મગજ તરફ જતી ધમનીઓમાં બ્લૉકેજ આવવાથી સ્ટ્રોક થવાનું કે યાદશક્તિ નબળી પડવાનું જોખમ રહે છે. ડાયાબિટીઝ દાંત અને પેઢાં પર પણ અસર કરે છે. રોગપ્રતિકારક શક્તિ ઘટવાથી પેઢાંમાંથી લોહી નીકળવું, સોજો આવવો અને દાંત વહેલા હલી જવા જેવી સમસ્યાઓ થાય છે.

આવું ન થાય એ માટે શુગરને નિયંત્રણમાં રાખવી જરૂરી છે.  દર ત્રણથી ૬ મહિને HbA1c ટેસ્ટ કરાવીને લોહીની સરેરાશ શુગર ૭ ટકાથી નીચે રાખવાનો પ્રયત્ન કરો. આ ઉપરાંત જીવનશૈલી પર ખાસ ધ્યાન આપો. રોજ ૩૦-૪૦ મિનિટ કસરત કે વૉકિંગ કરો. ખોરાકમાં મીઠાઈ, મેંદો અને પ્રોસેસ્ડ ફૂડ બંધ કરીને ફાઇબરયુક્ત શાકભાજી તથા કઠોળ ઉમેરો. આ ઉપરાંત નિયમિત તપાસ કરાવવી. વર્ષમાં એક વાર આંખના પડદાની તપાસ, કિડની માટે પેશાબ અને ક્રીઆટિનીન ટેસ્ટ અને ECG અવશ્ય કરાવો. ડાયાબિટીઝના દરદીઓએ પગની વિશેષ કાળજી રાખવી જોઈએ. રોજ રાત્રે પગનાં તળિયાં તપાસો જેથી કોઈ ઘા કે છાલો નજરચૂક ન થઈ જાય. બ્લડ-પ્રેશર અને કૉલેસ્ટરોલને કાબૂમાં રાખવું પણ એટલું જ જરૂરી છે. શુગરની સાથોસાથ બ્લડ-પ્રેશર અને કૉલેસ્ટરોલ પણ નિયંત્રણમાં રાખવું જરૂરી છે.

ડાયાબિટીઝ માત્ર શુગરનો રોગ નથી, સમગ્ર શરીરની કાળજી માગતી પરિસ્થિતિ છે. યોગ્ય શિસ્ત, નિયમિત તપાસ અને તંદુરસ્ત જીવનશૈલી વડે આ તમામ જટિલતાઓથી સંપૂર્ણપણે બચી શકાય છે.                            

diabetes health tips healthy living life and style lifestyle news columnists