25 July, 2025 01:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આજકાલ હૃદયરોગનું રિસ્ક ઘણું વધી રહ્યું છે. આ રોગ ઘર-ઘરમાં પહોંચી ગયો છે એમ કહીએ તો કંઈ ખોટું નહીં ગણાય. આ રોગ ન થાય એ માટે ઘણી સાવચેતી રાખવી પડે છે પરંતુ એક વખત આ રોગ થયો એના પછી પણ એવા ઘણા રોગો છે જેનાથી બચવાની ઘણી કોશિશ કરવાની છે કારણ કે કૉરોનરી આર્ટરી ડિસીઝ કે હાર્ટ-અટૅક પછી એને કારણે આવતા મોટા ભાગના રોગો જીવનું જોખમ ઊભું કરવાની ક્ષમતા ધરાવે છે.
જેમ કે મોટા ભાગના કૉરોનરી આર્ટરી ડિસીઝના દરદીઓ જે કારણસર મૃત્યુ પામે છે એ કારણ છે કાર્ડિઍક ફેલ્યર. હાર્ટ એક સ્નાયુ છે. જ્યારે એક વખત વ્યક્તિને હાર્ટ-અટૅક આવે તો એ વ્યક્તિના હાર્ટનો એક ભાગ ડૅમેજ થઈ જાય છે. સ્નાયુનો એક ભાગ જે ડૅમેજ થયો છે એ નકામો બની જાય છે અને પમ્પ કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે, જેને લીધે વ્યક્તિ કાર્ડિઍક ફેલ્યરનો ભોગ બને છે.
હાર્ટ જ્યારે પમ્પ કરે ત્યારે જ લોહી શરીરમાં આગળ વધે છે. અટૅક આવ્યા પછી પમ્પિંગ ઓછું થઈ જવાને લીધે હાર્ટ શરીરના દરેક ભાગમાં પૂરતા પ્રમાણમાં પહોંચતું નથી. ખાસ કરીને કિડનીમાં જેટલું લોહી જરૂરી છે એટલું પહોંચતું ન હોવાને લીધે લાંબા ગાળે દરદીની કિડનીને નુકસાન પહોંચે છે. ખાસ કરીને જે વ્યક્તિને લાંબા સમયથી હાર્ટ ડિસીઝ હોય તેમની કિડની ડૅમેજ થવાની શક્યતા ઘણી વધારે રહે છે અને કેટલાક કેસમાં કિડની ફેલ પણ થઈ શકે છે.
હાર્ટની ધમનીમાં જે વ્યક્તિને પ્રૉબ્લેમ હોય તેને મગજની નસોમાં પણ પ્રૉબ્લેમ હોવાની શક્યતા ઘણી વધારે હોય છે. હૃદયની રિધમ ખોરવાઈ જવાને લીધે શરીરમાં ક્લૉટનું નિર્માણ થવાની પૂરી શક્યતા છે. આ ક્લૉટ બને હાર્ટમાં પણ લોહી થકી ટ્રાવેલ કરીને એ બ્રેઇન સુધી પહોંચી જાય છે અને સ્ટ્રોક માટેનું કારણ બને છે. આવા સમયે દરદીને બચાવવા માટે લોહી પાતળું કરવાની દવાઓ આપવી પડે છે જેને લીધે ક્લૉટ ન બને. આ પ્રકારનો જે સ્ટ્રોક હોય છે એ નાનોસૂનો નહીં પરંતુ ખૂબ તાકતવર સ્ટ્રોક હોય છે જેને લીધે વ્યક્તિને લકવો થઈ શકે છે અને વ્યક્તિ મૃત્યુ પણ પામી શકે છે.
હાર્ટમાં પ્રૉબ્લેમને લીધે ક્યારેય ફેફસાંનું ઇન્ફેક્શન થતું નથી પરંતુ આ દરદીઓને ફેફસાંનું ઇન્ફેક્શન થાય ત્યારે એ ઘાતક પુરવાર થઈ શકે છે. જ્યારે આવા દરદીને બૅક્ટેરિયલ ઇન્ફેક્શન થાય છે ત્યારે આ ઇન્ફેક્શનની અસર ફેફસાં પર થાય છે જેમ કે ન્યુમોનિયા. હાર્ટ-અટૅકના દરદીઓ માટે ન્યુમોનિયા જીવલેણ સાબિત થઈ શકે છે એટલે આ દરદીઓને ન્યુમોનિયાની રસી અને ઇન્ફ્લુએન્ઝાની રસી આપવી ખૂબ જ જરૂરી છે.
-ડૉ. લેખા પાઠક