વજનદાર પર્સ સતત ઉપાડવાથી શું ખભા નબળા પડી શકે છે?

11 June, 2026 02:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેં તેમને કહ્યું કે આ તમારી નહીં, ઘણી સ્ત્રીઓની તકલીફ છે. સ્ત્રીઓનાં પર્સ આમ તો જાત-ભાતનાં આવે છે, જેમાં એક મોટો વર્ગ છે જે એક જ ખભા પર ટાંગી શકાય એવાં પર્સ કે બૅગ્સ વાપરતો હોય છે.

પ્રતીકાત્મક તસવીર

હમણાં મારી પાસે એક રસપ્રદ કેસ આવેલો. એ બહેન ૪૫ વર્ષનાં હતાં અને તેમને ખભાનો દુખાવો શરૂ થયો હતો. તેમણે મને કહ્યું કે તેમને જમણા ખભા પર પર્સ ટાંગવાની આદત છે, પણ અત્યારે તે ખભા પર ૧૦ મિનિટ પણ પર્સ ટાંગે તો એટલું પેઇન થાય છે કે સહન થતું નથી. એટલે તેમણે ડાબા ખભા પર પર્સ ટાંગવાનું શરૂ કર્યું. પરંતુ તેમને શંકા હતી કે આ સૉલ્યુશન ઠીક છે કે નથી? ઍક્ચ્યુઅલી ફક્ત ખભા નહીં, ગરદન પર પણ તેમને ખૂબ દુખાવો રહેતો હતો. સ્પ્રે કે ઑઇન્ટમેન્ટ લગાવે તો થોડું સારું લાગે, પણ ફરીથી પેઇન ઊપડે. 

મેં તેમને કહ્યું કે આ તમારી નહીં, ઘણી સ્ત્રીઓની તકલીફ છે. સ્ત્રીઓનાં પર્સ આમ તો જાત-ભાતનાં આવે છે, જેમાં એક મોટો વર્ગ છે જે એક જ ખભા પર ટાંગી શકાય એવાં પર્સ કે બૅગ્સ વાપરતો હોય છે. એનું વજન વધુ નહીં તો ૨ કિલોથી લઈને ૪ કિલો સુધીનું હોઈ શકે છે. આજકાલ લૅપટૉપ બૅગ પણ એવી આવે છે જે એક જ ખભે ટાંગીને લઈ જવાતી હોય. એનું વજન પણ આરામથી ૩-૪ કિલો જેટલું હોય જ છે. જે નિયમિત રીતે દરરોજ આ પ્રકારની બૅગ્સ વાપરતા હોય તેમને તકલીફ થઈ શકે છે. આમાં થાય છે એવું કે એક ખભા પર ૨-૪ કિલો વજન લદાય છે જ્યારે બીજો ખભો ફ્રી રહે છે. આ પરિસ્થિતિમાં એટલું વજન શરીરના એક ભાગ પર આવે છે. આ આદતમાં એ પણ મહત્ત્વનું છે કે તમે કેટલા કલાક પર્સ એક તરફ લટકાવો છો. જેટલો વધુ સમય ખભા પર જોર આવે એટલી તકલીફ વધશે. 

જ્યારે એક ખભા પર બૅગ ટાંગવામાં આવે ત્યારે એ ખભો અજાણતાં જ થોડોક ઉપર રહે છે, કારણ કે મગજને એમ હોય છે કે આ બૅગને પડવા ન દેવી, જેને લીધે આ ખભાના સ્નાયુઓ જકડાઈ જાય છે, ખેંચાઈ જઈ શકે છે અને એને લીધે કરોડરજ્જુનું બૅલૅન્સ ખોરવાય છે અને સ્પૉન્ડિલાઇટિસ જેવાં ચિહ્‍નો સાથે દુખાવો ઊપડે છે. જો એનો ઇલાજ કરવામાં ન આવે તો સ્પૉન્ડલાઇટિસ નાની ઉંમરમાં આવી શકે છે. આવું ન થાય એ માટે હંમેશાં એવી બૅગ પસંદ કરો જે પીઠ પર લઈ શકાય, જેમ કે બૅગપૅક. જો ખભા પર બૅગ ઉપાડવી જ પડે તો એને લાંબો સમય ન રાખો. ક્યારેક ઠીક છે, દરરોજ લઈ જવાની હોય તો આવી બૅગ ન રાખવી. આ સિવાય ખભાના અને ગરદનના સ્નાયુઓ સશક્ત થાય એ માટે પ્રયાસ કરવો જરૂરી છે. એ માટે કેટલીક એક્સરસાઇઝ કરવી જરૂરી છે જે રેગ્યુલર કરવાથી ખભા સશક્ત બની શકે છે. 

- ડૉ. વિભૂતિ કાણકિયા
લેખક અનુભવી ફિઝિયોથેરપિસ્ટ છે. 

healthy living health tips exclusive life and style lifestyle news