હેલ્થની કોઈ પણ નવી ચમત્કારી હેલ્થ-પ્રોડક્ટની જાહેરાત જુઓ ત્યારે પહેલાં પૂછી લો, યે કામ કૈસે કરતી હૈ?

07 April, 2026 03:57 PM IST  |  Mumbai | Jigisha Jain

આજના ‘વર્લ્ડ હેલ્થ ડે’ની થીમ સ્વાસ્થ્યની બાબતમાં સાયન્સને મોખરે રાખવાની સલાહ આપે છે ત્યારે સમજીએ કે હેલ્થ માટે વૈજ્ઞાનિક અભિગમ કેવી રીતે કેળવી શકાય

પ્રતીકાત્મક તસવીર

આજકાલ બદલાતી નવી-નવી ટેક્નૉલૉજી સાથે ઘણી નવી હેલ્થ-પ્રોડક્ટ્સ, નવી દવાઓ, નવા પ્રકારના ટ્રીટમેન્ટ ઑપ્શન્સ જેમ કે ફૂટ-પૅચ, જાત-જાતનાં સપ્લિમેન્ટ્સ, ડીટૉક્સ ડ્રિન્ક્સ, હેર અને સ્કિન ટ્રીટમેન્ટ્સ, ઝટપટ વજન ઓછું કરવા માટેની નવી-નવી દવાઓ જેવું ઘણું-ઘણું માર્કેટમાં આવ્યા જ કરે છે. એમની લોભામણી ઍડ્સ અને સારામાં સારું રિઝલ્ટ આપવાનો દાવો આપણને એ ટ્રાય કરવા તરફ લલચાવે છે. આજના ‘વર્લ્ડ હેલ્થ ડે’ની થીમ સ્વાસ્થ્યની બાબતમાં સાયન્સને મોખરે રાખવાની સલાહ આપે છે ત્યારે સમજીએ કે હેલ્થ માટે વૈજ્ઞાનિક અભિગમ કેવી રીતે કેળવી શકાય

તમે ફલાણું ડીટૉક્સ ડ્રિન્ક પીઓ અને તમારી ગટ હેલ્થ તમને થૅન્ક યુ કહેશે, તમે આ પ્રકારનું પાણી પીઓ તો તમારું લિવર એકદમ શક્તિશાળી થઈ જશે, ટૉક્સિન્સ બધાં ગાયબ થઈ જશે, લોહી શુદ્ધ થઈ જશે. આવી ઍડ્સ આજકાલ એકદમ કૉમન થઈ ગઈ છે. ડીટૉક્સના નામે અસંખ્ય પીણાંઓ બજારમાં વેચાય છે. ઘણી ટૅબ્લેટ્સ પણ હોય છે, ઘણા પાઉડર પણ હોય છે જે ઉપયોગી હોવાનો દાવો કરે છે. એમનું ધોમ માર્કેટ છે અત્યારે. આંકડાઓ સમજીએ તો ડીટૉક્સના નામે વેચાતી પ્રોડક્ટ્સનું માર્કેટ ભારતમાં ૨૦૨૩માં એક બિલ્યન ડૉલર હતું અને ૨૦૨૪માં એ ૧.૯૭ બિલ્યન ડૉલર જેટલું વધ્યું હતું. આજે બે વર્ષ પછી ધારી શકાય કે એ ચારગણું વધી ગયું હોવું જોઈએ. જોકે શું આ પીણાંઓ ખરેખર શરીરને ડીટૉક્સ કરવામાં મદદરૂપ છે ખરાં?

જો ડાયટરી સપ્લિમેન્ટ્સની વાત કરીએ જેમાં વેઇટ મૅનેજમેન્ટ, સ્પોર્ટ્સ ન્યુટ્રિશન અને ઇમ્યુનિટી બૂસ્ટર્સ સૌથી વધુ વેચાતાં સપ્લિમેન્ટ્સ છે જેમનું માર્કેટ ભારતમાં ૨૦૨૫માં ૨૦૧.૪ બિલ્યન રૂપિયાનું હતું. વજન ઉતારવા માટે મહેનત ન કરવી પડે કે ઓછી કરવી પડે અને કોઈ પ્રોડક્ટ લેવાથી વજન ઊતરી જતું હોય તો કોણ એ ટ્રાય ન કરે. જોકે શું એ લેતાં પહેલાં તમે પ્રોફેશનલ ડૉક્ટરની સલાહ લીધી? જો ન લીધી તો આ પ્રકારની પ્રોડક્ટ્સ લેવાથી તમને શું નુકસાન થઈ શકે એ બાબતે તમે અવગત છો ખરા? સ્કિન કૅર સપ્લિમેન્ટ્સનું માર્કેટ પણ ભારતમાં ૧૮૮.૯ મિલ્યન ડૉલરનું છે. એક નવી પ્રોડક્ટ માર્કેટમાં આવે એટલે લોકો એને ટ્રાય કરવામાં લાગી જાય. કોઈ એક પિમ્પલ ક્રીમ, વિટિલિગોની દવાઓ, ડાર્ક સર્કલ હટાવવા માટેની ઍપ્લિકેશન્સ જે પણ નવી વસ્તુ માર્કેટમાં આવે એનું રિઝલ્ટ જોઈને આપણે લલચાઈ જઈએ છીએ. એવું નથી કે ફક્ત જાહેરાત જોઈને આપણી કોઈ જાણીતી વ્યક્તિએ એ અપનાવ્યું અને તેને ફાયદો થયો એટલે આપણે ખરીદી લઈએ છીએ એમ વિચારીને કે આપણને પણ ફાયદો થશે જ, પણ શું ખરેખર એ થાય છે? ક્યારેક થાય અને ક્યારેક ભારે નુકસાન પણ થઈ જતું હોય છે.

આ રીતે આપણે હેલ્થને ઠીક કરવા માટે બજારમાં મળતી ઘણી નવી-નવી પ્રોડક્ટ્સ ખરીદી લેતા હોઈએ છીએ. જેમ કે આજકાલ એક ફૂટ-પૅચ આવે છે જે દાવો કરે છે કે એનાથી સ્ટ્રેસમાં રાહત મળે છે, શરીરમાંથી ટૉક્સિન્સ દૂર થાય છે, ઊંઘને એ વધુ સારી કરે છે, નાનાં-મોટાં પેઇનને એ દૂરે કરે છે અને કબજિયાત પણ દૂર થાય છે. આ વાંચીને કોઈ પણ વ્યક્તિ લલચાઈ જાય કે પગ પર જ તો એને લગાવવાનો છે તો ખરીદી લઈએ. જોકે આવી પ્રોડક્ટ ખરીદતી વખતે પહેલો વિચાર મગજમાં એવો આવવો જોઈએ કે એ ખરેખર કઈ રીતે કામ કરે છે? આટલા બધા ફાયદા મળશે કઈ રીતે? એવું તો એ શું કરે છે જેનાથી આટલા બધા ફાયદા થાય છે? આ પ્રશ્ન જ વૈજ્ઞાનિક અપ્રોચ છે. આજે વર્લ્ડ હેલ્થ ડે છે. આજના દિવસે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન સમગ્ર દુનિયામાં હેલ્થ સંબંધિત વિષયો પર જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે જેની થીમ ‘ટુગેધર ફૉર હેલ્થ, સ્ટૅન્ડ વિથ સાયન્સ’ છે. આજે સમજવાની કોશિશ કરીએ કે હેલ્થ માટે કોઈ પણ નવી વસ્તુ અપનાવતાં પહેલાં વ્યક્તિએ વૈજ્ઞાનિક અભિગમ કેળવવો જરૂરી છે. કોઈ પણ વસ્તુ ખરીદતાં કે વાપરતાં પહેલાં એ કઈ રીતે તમારા પર કામ કરે છે એની ઝીણામાં ઝીણી માહિતી મેળવવી જરૂરી છે. એવું નથી કે નવી પ્રોડક્ટ્સ બધી ખરાબ જ હોય, પણ તમે જો વાપરવા માગતા હો તો કોઈ બીજું વાપરે છે કે એનો ટ્રેન્ડ છે એટલે નહીં પણ તમને એની પાછળનું વિજ્ઞાન ખબર છે એટલે વાપરો.

કોઈ પણ હેલ્થ-પ્રોડક્ટ્સ કે ટ્રેન્ડને અપનાવતાં પહેલાં ખુદને આટલા પ્રશ્ન ચોક્કસ પૂછો...

વૈજ્ઞાનિક અભિગમ

એ કઈ રીતે કેળવી શકાય એ બાબતે વાત કરતાં ફૅમિલી ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘આપણે ત્યાં આજની તારીખે ડૉક્ટર કહે કે આ ખાઈ લો તો લોકો ગૂગલ પાસેથી ક્રૉસ ચેક કરે છે કે આ ખાવું કે નહીં, પણ ગૂગલ જો કોઈ નવી પ્રોડક્ટને પ્રમોટ કરતું હોય તો ડૉક્ટરને પૂછવા નથી જતા કે આનો ઉપયોગ કરવો કે નહીં. એવું જરાય નથી હોતું કે નવા-નવા આવતા ટ્રીટમેન્ટ-ઑપ્શન ખરાબ જ હોય. સાયન્સ જે હદે બદલાઈ રહ્યું છે ઘણી ઍડ્વાન્સ ટેક્નૉલૉજી સાથે તૈયાર થતી પ્રોડક્ટ્સ કે દવાઓ ઘણી રીતે મદદરૂપ થતી હોય છે. જોકે એ સમજવું જરૂરી છે કે આ પ્રોડક્ટ્સ કઈ રીતે કામ કરે છે, એ તમારા પર કામ કરશે કે નહીં, એ તકલીફનું કાયમી સૉલ્યુશન છે કે તત્કાલીન રાહત? એનો ઉપયોગ ક્યાં સુધી કરવો જોઈએ? એ લેવાથી કોઈ સાઇડ-ઇફેક્ટ થશે કે નહીં અને જો થાય તો શું કરવું? આવું કરવાથી ફાયદો એ છે કે તમે જે પણ કરી રહ્યા છો એ સમજીને કરી રહ્યા છો. ઘણા પ્રકારના ઇલાજ વ્યક્તિએ-વ્યક્તિએ જુદા હોય છે અને એની અસર પણ જુદી હોય છે. જો અપ્રોચ સાયન્ટિફિક હશે તો આ ફરક સમજી શકાશે અને અપનાવવો પણ સરળ થઈ જશે.’

અલગ-અલગ પ્રકારનાં સાયન્સ

આપણે ત્યાં ઘણાં અલગ-અલગ પ્રકારનાં સાયન્સ છે જે અલગ-અલગ રીતે કામ કરે છે. જેમ કે ઍલોપથી ડૉક્ટરો તમને કહી શકે કે આયુર્વેદ કે હોમિયોપથી ફાયદાકારક નથી કે ન્યુટ્રિશન સાયન્સના નિષ્ણાત કહે કે સપ્લિમેન્ટ્સ લેવાની જરૂર નથી. જિમ ટ્રેઇનર કંઈ બીજું કહે તો યોગગુરુ કંઈ બીજું. આમાં કોનું માનવું અને કોની વાતને વિજ્ઞાનની મદદથી સમજી શકાય એ સમજાવતાં આયુર્વેદિક નિષ્ણાત સંજય છાજેડ કહે છે, ‘જેટલા પ્રકારનાં સાયન્સ છે એ બધાં જ પોતાની રીતે સત્ય છે. એક સાયન્સની માહિતી બીજા નિષ્ણાત પાસેથી મેળવશો તો એ પોતાની માન્યતા મુજબ તમને જવાબ આપશે. એના પરથી તમે કોઈ ધારણા બાંધો એ ઠીક નથી. જે પ્રકાર વિશે તમારે જાણવું છે એના વિશે એના નિષ્ણાત પાસેથી જ અભિપ્રાય લેવો. મોટા ભાગના લોકોને બે સાયન્સ મિક્સ કરવાં પડે છે. જેમ કે ડાયાબિટીઝ હોય અને એની રેગ્યુલર ઍલોપથી દવાઓ ચાલતી હોય તો એની સાથે-સાથે કોઈ વ્યાધિ માટે આયુર્વેદ શરૂ કર્યું હોય તો પહેલી વાત એ કે બન્ને ડૉક્ટરોને ખબર હોવી જોઈએ કે તમે બીજા પ્રકારની દવાઓ પણ લઈ રહ્યા છો. બાકી તમને તમારા અનુભવ પરથી તારણો કાઢવાની છૂટ છે, પણ પૂરી જાણકારી મેળવીને તારણો કાઢશો તો વધુ સમજદારીપૂર્વક ઇલાજ થશે.’

દવાઓ અને ઇલાજ પાછળનું સાયન્સ

બીજી એક વસ્તુ પર ધ્યાન દોરતાં સંજય છાજેડ કહે છે, ‘આજકાલ બજારમાં આયુર્વેદિક કે હર્બલના નામે અઢળક પ્રોડક્ટ્સ મળે છે. ઘણા લોકો ઘરગથ્થુ ઉપચારોને પણ આયુર્વેદ જ સમજે છે. એવું છે નહીં. વળી આયુર્વેદ નુકસાન નથી કરતું એમ સમજીને લોકો એની દવાઓ જાતે લઈ લે છે. આવું બિલકુલ કરવું નહીં. વૈદ્યની સલાહ પ્રમાણે જ દવા લેવી. દવા અંતે દવા જ છે. એનું નુકસાન થશે જો એ તમારા શરીરને લાયક નહીં હોય અથવા તો જેટલા સમય માટે તમને આપવામાં આવી હોય એના કરતાં વધુ સમય માટે તમે એને વાપરવાના હો તો ચોક્કસ નુકસાન થઈ શકે. ઇલાજ અને દવાઓનું આ જ વિજ્ઞાન છે. એને સમજ્યા વગર, નિષ્ણાતની સલાહ વગર ઉપયોગમાં લેવી હાનિકારક છે.”

healthy living health tips mental health diet lifestyle news columnists life and style jigisha jain