કારમાં લાંબા સમયથી સ્ટોર કરેલી પ્લાસ્ટિકની બૉટલનું પાણી ધીમા ઝેર સમાન છે

05 March, 2025 06:26 PM IST  |  Mumbai | Kajal Rampariya

ગરમી શરૂ થઈ ગઈ છે ત્યારે કારમાં લૉન્ગ રૂટ ટ્રાવેલ કરતી વખતે પાણીની બૉટલ તો સાથે હોય જ છે ત્યારે સ્ટોર કરેલી બૉટલનું પાણી પીતાં પહેલાં થોડા અલર્ટ થવાની જરૂર છે, કારણ કે...

કારમાં લાંબા સમયથી સ્ટોર કરેલી પ્લાસ્ટિકની બૉટલનું પાણી ધીમા ઝેર સમાન છે

ગરમી શરૂ થઈ ગઈ છે ત્યારે કારમાં લૉન્ગ રૂટ ટ્રાવેલ કરતી વખતે પાણીની બૉટલ તો સાથે હોય જ છે ત્યારે સ્ટોર કરેલી બૉટલનું પાણી પીતાં પહેલાં થોડા અલર્ટ થવાની જરૂર છે, કારણ કે ગરમીની સીઝનમાં પ્લાસ્ટિકની બૉટલમાં સ્ટોર કરેલું પાણી ઘણી બીમારીઓને આમંત્રણ આપી શકે છે

શરીર માટે પાણી પીવું એ શ્વાસ લેવા સમાન જરૂરી છે. પાણીનો ઇન્ટેક શરીરની શારીરિક સ્થિતિને મેઇન્ટેન કરવામાં મદદ કરે છે. મૉડર્ન લાઇફસ્ટાઇલમાં પ્લાસ્ટિકની બૉટલમાં પૅક કરેલું પાણી એ પીવાનો સૌથી સામાન્ય સ્રોત બની ગયો છે. હરતાફરતા લોકો પાણીની બૉટલ ઘરેથી લઈ જવાનું ભૂલી જાય છે ત્યારે પળવારનો વિચાર કર્યા વિના પ્લાસ્ટિકની બૉટલનું પાણી ખરીદી લે છે. ટ્રાવેલિંગ દરમ્યાન આવું થવું બહુ જ કૉમન છે. ખાસ કરીને ગરમીની સીઝનમાં લોકો પોતાની કારમાં પાણી સ્ટોર કરીને રાખતા હોય છે. આખેઆખું કાર્ટન લઈને રાખી મૂકવાની આદત પણ હવે ઘણાને હોય છે. જોકે લાંબો સમય કારમાં સ્ટોર કરેલું પાણી સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે એ સમજવું જરૂરી છે.

બૅક્ટેરિયાનું જોખમ
ટ્રાવેલિંગ દરમ્યાન તડકાના સંપર્કમાં આવેલું પાણી શરીર માટે કઈ રીતે નુકસાનકારક છે એ વિશે જણાવતાં ડોમ્બિવલીમાં છેલ્લાં પચીસ વર્ષથી પ્રૅક્ટિસ કરતાં ડૉ. ભાવના ઠક્કર કહે છે, ‘એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે પ્લાસ્ટિકની બૉટલમાં સ્ટોર કરેલું પાણી જો ૨૪ કલાક કરતાં વધુ કારમાં પડ્યું રહે તો એ સ્વાસ્થ્ય માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. ઉનાળાના સમયે તડકામાં પાર્ક કરેલી કારમાં બૉટલનું પાણી તપે છે અને પ્લાસ્ટિકની બૉટલમાંથી ફ્થેલેટ્સ અને BPA (બિસ્ફેનોલ-એ) જેવા કેમિકલ રિલીઝ થાય છે જે શરીરનાં હૉર્મોન્સને ડિસ્ટર્બ કરે છે. જેમ-જેમ પાણીનું તાપમાન વધે એમ બૉટલમાંથી રિલીઝ થતા આ કેમિકલનું પ્રમાણ પણ વધે છે અને પ્લાસ્ટિકમાંથી ઝેરી તત્ત્વો અને રસાયણો રિલીઝ થાય છે અને આવું પાણી પીવાથી શ્વસન સંબંધિત સમસ્યા અને પાચનતંત્રમાં નબળાઈ આવી શકે છે. એટલું જ નહીં, ડિસેબિલિટી અને કૅન્સરનું જોખમ પણ વધે છે. આથી ટ્રાવેલિંગ દરમ્યાન જો પાણીની બૉટલ સાથે લો અને એ ડાયરેક્ટ સનલાઇટના કૉન્ટૅક્ટમાં આવે છે તો એને પીવાનું ટાળવું જ જોઈએ.’

આ રીતે રાખો સાવધાની
કારમાં કલાકો સુધી પડી રહેલી બૉટલમાંથી પાણી ન પીવું જોઈએ અને આ દરમ્યાન કઈ રીતે સાવધાની રાખવી એ વિશે જણાવતાં ડૉ. ભાવના કહે છે, ‘જો એ છેલ્લા ૨૪ કલાકથી કારમાં જ હોય તો પાણી ફેંકી દેવું જોઈએ. જો સારી ગુણવત્તાના પ્લાસ્ટિકની બૉટલ હોય તો એને સરખી સાફ કર્યા બાદ જ ફ્રેશ પાણી ભરવાની ભલામણ કરવામાં આવે છે. કારમાં પાણીની બૉટલ રાખવાનું ટાળવું જોઈએ. જો રાખવી જરૂરી જ હોય તો એને કોઈ ઠંડી જગ્યાએ રાખી શકાય, પણ ડાયરેક્ટ સનલાઇટના કૉન્ટૅક્ટમાં આવે એ રીતે સ્ટ્રિક્ટલી રાખવી જોઈએ નહીં અને જો ભૂલથી રખાઈ પણ જાય તો એને પીવાની ભૂલ કરવી નહીં. ઉનાળામાં તાજું પાણી પીવાનો જ આગ્રહ રાખવો જોઈએ. પ્લાસ્ટિકની બૉટલને ટોટલી અવૉઇડ કરીને એને બદલે કૉપર અને સ્ટીલની બૉટલનો વપરાશ કરવો હિતાવહ રહેશે. કારમાં ટ્રાવેલ કરતી વખતે કે પાર્કિંગ દરમ્યાન તડકો આવે તો પાણીની બૉટલને એના સંપર્કથી બચાવવા માટે એને કાપડની થેલીમાં પ્રોટેક્ટ કરી રાખવી. ઘણી વાર હાઇવે પર લૉન્ગ ડ્રાઇવિંગ દરમ્યાન ફ્રેશ ડ્રિ​ન્કિંગ વૉટર મળવું મુશ્કેલ છે એથી પાણીની બૉટલને થેલીમાં રાખીને પ્રોટેક્ટ કરવું બેસ્ટ સૉલ્યુશન છે, એમ કહેવું ખોટું નથી.’

health tips healthy living life and style columnists