શું તમે કોઈ એક નોકરીમાં ટકી નથી શકતા? તો તમને ADHD હોઈ શકે છે

20 December, 2018 09:38 AM IST  |  | Jigisha Jain

શું તમે કોઈ એક નોકરીમાં ટકી નથી શકતા? તો તમને ADHD હોઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર

જિગીષા જૈન

અટેન્શન ડેફિસિટ હાઇપર ઍક્ટિવિટી ડિસઑર્ડર એક એવો રોગ છે જેના વિશે થોડી જાગૃતિ શહેરોમાં આજકાલ આવી છે. શ્લ્ખ્ના એક આંકડા મુજબ કુલ ૮-૧૦ ટકા લોકોને આ રોગ થાય છે. લગભગ દરેક દરદીને આ રોગ નાનપણથી જ હોય છે, પરંતુ દુ:ખની વાત એ છે કે દરેક દરદીમાં આ રોગનું નિદાન નાનપણથી થતું નથી. આ પ્રકારનાં બાળકોને ઉદ્યમી બાળકો કહેવામાં આવે છે અને અમુક પ્રકારના સોશ્યલ પ્રેશરમાં આવીને તે હાઇપર ઍક્ટિવિટી કરવાનું એક ઉંમર પછી છોડી પણ દઈ શકે છે. એટલે ખાસ ખ્યાલ આવતો પણ નથી કે બાળકને આવી કોઈ તકલીફ છે. તકલીફો હોવા છતાં તે મોટું થઈ જાય છે. એક વયસ્ક વ્યક્તિના જીવનમાં ઘણીબધી વસ્તુઓ હોય છે. બાળક કોઈ વસ્તુમાં ઊણું ઊતરે તો ચાલી પણ જાય, પરંતુ વયસ્ક પર જવાબદારીઓ વધુ હોય છે. આવામાં ADHD ધરાવતી વ્યક્તિને ઘણી તકલીફ પડે છે. તેને જ નહીં, તેની આજુબાજુના લોકોને પણ ઘણી તકલીફો પડે છે. આજે જાણીએ કે વયસ્ક વયે એવાં કયાં ચિહ્નો છે જેના દ્વારા સમજી શકાય કે વ્યક્તિને ADHD હોઈ શકે છે. આ લક્ષણો વિશે આપણે જાણીએ સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અશિત શેઠ અને સાઇકિયાટ્રિસ્ટ ડૉ. શ્યામ મિથિયા પાસેથી. અહીં એ સ્પક્ટતા જરૂરી છે કે જેમને ADHD છે તેમનામાં આ લક્ષણો જોવા મળે જ છે, પરંતુ જેમનામાં આ લક્ષણો છે એ બધા ADHD ધરાવતા નથી. એટલે જો તમારામાં આ લક્ષણો હોય તો એક વખત ડૉક્ટરને મળી લેવું અને કન્ફર્મ કરવું કે આ લક્ષણો કેમ છે.

વ્યવસ્થિત આયોજનબદ્ધ કામ કરી નથી શકતા

દરેક વ્યક્તિના જીવનમાં આયોજનબદ્ધ કામ થતું હોય છે. રૂટીન નક્કી હોય, જીવનમાં ક્યારે શું કરવું, કેટલું કરવું એ નક્કી હોય, તેમની દરેક વસ્તુ ક્યાં રાખવીથી લઈને કોઈ પણ વસ્તુ કઈ રીતે વાપરવી એ બધું જ આયોજન કરતાં દરેકને આવડવું જરૂરી છે. ઑર્ગેનાઇઝ્ડ જીવન કહેવાય એને. ADHD ધરાવતી વ્યક્તિઓ આવું નથી કરી શકતી. તેમનું જીવન અને જીવનશૈલી વ્યવસ્થિત હોતાં નથી. બધું ફેલાયેલું હોય છે. રૂટીન પણ ગોઠવાયેલું નથી હોતું.

આવી વ્યક્તિ બધે મોડી જ પહોંચતી હોય

જેમને ADHD છે એ લોકો ઑર્ગેનાઇઝેશનમાં કાચા હોય છે. એટલે ટાઇમ મૅનેજમેન્ટ તેમને ફાવતું નથી. કોઈ પણ વસ્તુ એટલે જ તેઓ ટાઇમ પર કરી નથી શકતા. ઘણા લોકો ચાહીને મોડું કરતા હોય છે એ લોકો આમાં ગણાતા નથી, પરંતુ જે લોકો ગમે તેટલું ઇચ્છે તો પણ સમયસર પહોંચી નથી શકતા તેઓ આ કૅટેગરીમાં આવે છે.

આ વ્યક્તિ ભુલકણી હોય છે

મહત્વની તારીખો તેઓ ભૂલી જાય છે. તેમણે જ કહેલી વાત પર તેઓ ફેરવી તોળે છે કે મેં એવું કહ્યું જ નથી. લોકોને લાગે છે કે તે ખોટું બોલે છે, પરંતુ હકીકતમાં તેઓ ભૂલી જતા હોય છે. આવી વ્યક્તિ મહત્વનાં કામો ભૂલી જવાને કારણે નોકરી ખોઈ બેસતી હોય છે.

કામને સતત ટાળ્યા કરે

તેમને કોઈ કામ સોંપો તો તે દીધેલા કામને સતત કોઈ ને કોઈ બહાના હેઠળ ટાળ્યા કરે છે. કોઈ દિવસ એવું શક્ય નહીં બને કે તેમને કામ સોંપો અને એ તરત જ થઈ જાય. એનું કારણ એ છે કે આ વ્યક્તિઓ ફોકસ્ડ રહી શકતી નથી. એટલે એક જગ્યાએ મગજને પકડીને રાખે અને કામ કરે એવું શક્ય બનતું નથી. આથી ટાળમટોલ કર્યા કરે છે.

આ વ્યક્તિ સતત જૉબ બદલતી હોય છે

આ એ પ્રકારના લોકો છે જે એક જગ્યાએ ટકી શકતા નથી. તેઓ જૉબમાં એવું કંઈ કરે કે કંપની તેને કાઢી મૂકે અથવા પોતે જ વારંવાર રાજીનામું આપ્યા કરે અને નવી-નવી કંપનીઓ બદલ્યા કરે છે. એક જગ્યાએ એક કામમાં તેઓ સેટ થઈ શકતા નથી. આ વયસ્ક લોકોમાં ADHD હોવાનું ખૂબ મહત્વનું ચિહ્ન ગણી શકાય છે.

આવી વ્યક્તિના લગ્નજીવનમાં કે રિલેશનશિપમાં ઘણા પ્રૉબ્લેમ્સ હોય છે

લગ્નજીવનમાં ઝઘડાઓ કે પ્રૉબ્લેમ્સ ઘણા લોકોને હોઈ શકે છે. એનાં કારણો જુદાં-જુદાં હોય છે, પરંતુ આ પ્રકારના દરદીઓના જીવનમાં મોટા ભાગે પર્સનલ રિલેશનશિપ ડિસ્ટર્બ જ રહે છે. આવી વ્યક્તિઓ કોઈ એક વ્યક્તિ સાથે ટકી શકતી નથી. એટલે મોટા ભાગે આવી વ્યક્તિના એકથી વધુ સંબંધો હોય છે, જેને કારણે લગ્નજીવનમાં ઝઘડાઓ કે ભંગાણ જેવી શક્યતાઓ રહે છે.

ગુસ્સાને કન્ટ્રોલ નથી કરી શકતા

આ વ્યક્તિઓ અત્યંત ગુસ્સાવાળી હોય છે. સામાન્ય લોકો પોતાના ગુસ્સાને કન્ટ્રોલ કરી શકે છે, પરંતુ ADHDવાળા લોકો પોતાના ગુસ્સાને કન્ટ્રોલ નથી કરી શકતા અને એકદમ આક્રમક બની જતા હોય છે. એને કારણે તેમને સામાજિક સ્તરે ઘણા પ્રૉબ્લેમ્સ આવે છે.

આવેગશીલ

કોઈ પણ વસ્તુમાં તેઓ હંમેશાં જલદી-જલદી કર્યા કરતા હોય છે. એક કામ પકડ્યું એ કામ થયું કે ન થયું, બીજું પકડી લીધું. એ પૂરું થાય એ પહેલાં બીજાં બે કામ લઈ લીધાં અને અંતે એક પણ કામમાં ધ્યાન ન આપી શકાયું, જેને લીધે એક પણ કામમાં ભલીવાર ન રહી. આ લોકો મલ્ટિટાસ્ક જ કરવાની કોશિશ કર્યા કરે છે, પરંતુ એ સફળ રીતે કરી નથી શકતા. ઊલટું તેમને મલ્ટિટાસ્ક સોંપો તો તે ગભરાઈ જાય છે.

તેઓ એકધારું વાંચી નથી શકતા

એક જગ્યાએ ફોકસ કરવામાં તેમને તકલીફ પડે છે, એને કારણે જો તેમને કહો કે તે એકધારું વાંચી જાય તો એ કામ તેમનાથી થતું નથી. આવું કંઈ પણ કામ જેમાં ફોકસની જરૂર પડે એ તેમનાથી થતું નથી. એટલે જ તેઓ ખૂબ હોશિયાર હોવા છતાં, બધું આવડતું હોવા છતાં પરિણામ તેમનું ખરાબ જ આવતું હોય છે.

ખૂબ સરળતાથી ચિડાઈ જાય છે

આ લોકોમાં ધીરજનો અભાવ હોય છે એટલે તેઓ ખૂબ સરળતાથી ચિડાઈ જતા હોય છે. તેમના મૂડ સ્વિંગ્સ પણ ખૂબ વધારે હોય છે. ક્યારે તેમનું મગજ ફટકે ખબર ન પડે. આથી જ આવા લોકોના મિત્રો ઓછા હોય છે અને તેમની આજુબાજુના લોકોને ઘણું સહન કરવું પડે છે. આ લોકોને કંટાળો પણ ખૂબ આવે છે. સતત અવારનવાર બસ, તે કંટાળ્યા જ કરે છે.

ઇલાજ

ADHDનો ઇલાજ સરળ છે. આ રોગમાં પણ માઇલ્ડ, મોડરેટ અને સિવિયર એમ ત્રણ કૅટેગરી છે. માઇલ્ડના દરદીઓ પોતાની જાતે પોતાનાં લક્ષણો પર કન્ટ્રોલ મેળવતા હોય છે. કોશિશ કરતા હોય છે બૅલૅન્સ જાળવવાની. માઇલ્ડ અને મોડરેટને ઇલાજની જરૂર હોય છે જેમાં દવાઓ તો છે જ, પરંતુ એની સાથે લાઇફ-સ્ટાઇલમાં બદલાવ જરૂરી છે. ઇલાજ સિવાય પણ એક મહત્વની બાબત છે, જે વિશે વાત કરતાં ડૉ. અશિત શેઠ કહે છે, ‘આ દરદીઓએ પોતાની નબળાઈ જ પોતાની શક્તિ બનાવવી જોઈએ અને એ રીતે જીવવું જોઈએ. મોટા ભાગના ADHDના દરદીઓ માર્કેટિંગની જૉબ ઘણી સારી રીતે કરી શકતા હોય છે. આ સિવાય તે ખૂબ સારા સ્પોર્ટ્સમૅન પણ હોય છે. તમે તમારા રોગ મુજબ અને સ્વભાવ મુજબનું કામ પસંદ કરો તો તમારી નબળાઈ તાકાતમાં બદલાઈ જઈ શકે છે.

life and style