ઑમેગા 3 ફૅટી ઍસિડની ઊણપ તો નથીને તમને?

19 February, 2020 06:02 PM IST  |  Mumbai | Darshini Vashi

ઑમેગા 3 ફૅટી ઍસિડની ઊણપ તો નથીને તમને?

ઑમેગા 3 ફૅટી ઍસિડ

યુનિવર્સિટી ઑફ સાઉધર્ન ડેન્માર્કે ફિશ ઑઇલના ઉપયોગથી પુરુષોને કયા ફાયદા થાય છે એ જાણવા માટે એનો અભ્યાસ હાથ ધર્યો હતો, જે હેઠળ ૧૭૦૦ યુવાન ડૅનિશ પુરુષોની છેલ્લા ત્રણ મહિનાની લાઇફ-સ્ટાઇલ અને ડાયટ રેકૉર્ડને એકઠા કરવામાં આવ્યા હતા. તેમ જ છેલ્લા ત્રણ મહિનાની અંદર તેમણે કેટલાં વિટામિન્સ અને ફિશ ઑઇલ આરોગ્યાં છે એની માહિતી પણ મેળવી હતી. આ તમામ યુવાનોના શારીરિક પરીક્ષણ બાદ તેમના સ્પર્મ અને લોહીના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં જાણવા મળ્યું હતું કે ફિશ ઑઇલ લેનારા પુરુષોમાં સ્પર્મ-કાઉન્ટ વધારે છે એનું એક કારણ છે એની અંદર રહેલું ઑમેગા 3.

શું કામ જરૂરી?

ફિશ ઑઇલની અંદર ભારોભાર રહેલું ઑમેગા 3 દરેક વ્યક્તિ માટે આવશ્યક પણ છે, પરંતુ વેજિટેરિયન લોકોનું શું? શું તેઓ પાસે કોઈ બીજો વિકલ્પ નથી કે પછી અનેક વિકલ્પો છે પરંતુ અવેરનેસ નથી? આ બાબતે ડાયટિશ્યન શ્વેતા શાહ કહે છે, ‘સૌથી પહેલાં તો લોકોને ખબર જ નથી કે ઑમેગા 3 શરીર માટે શું કામ જરૂરી છે. એક ઉદાહરણ આપું તો આપણે રસ્તા પર કે ઘરમાં પડી જઈએ ત્યારે આપણા શરીર પર સોજો આવી જાય છે, જેના પર મલમ કે હળદર લગાડતાં એ મટી જાય છે અને રાહત મળે છે. પરંતુ જો સોજો શરીરની અંદર આવે તો? મતલબ કે બહારથી સોજાને સારો કરવા માટે ઇલાજ છે, પરંતુ અંદરથી સારું કરવા માટે કોઈ મલમ નથી. એના માટે ઑમેગા 3 મદદરૂપ થાય છે. આજનું પ્રદૂષિત વાતાવરણ, હાઈ રેડિયેશન, પૅકેજ્ડ ફૂડને લીધે શરીરમાં એક રીઍક્શન થાય છે જે ધીરે-ધીરે શરીરની અંદરના અવયવો પર સોજાનું નિર્માણ કરે છે. જેમ વર્ષો વીતતાં જાય તેમ-તેમ શરીરની અંદર આવેલાં આંતરડાં અને નસો બ્લૉક થવા લાગે. હાઇપરટેન્શન રહે, પૅન્ક્રિયાસ નબળું પડે, ઇન્સ્યુલિન ઓછું બને, ખાવાનું પચે નહીં જેવી અનેક સમસ્યાઓ વધવા લાગે. પરંતુ જો શરીરમાં પૂરતા પ્રમાણમાં ઑમેગા 3 હશે તો એ શરીરની અંદર મલમનું કામ કરશે અને શરીરને અંદરથી બગડતાં અટકાવશે.’‍

શાકાહારી પર્યાયો

હવે બીજો પ્રશ્ન એ કે આ અતિ મહત્ત્વનું એવું ઑમેગા 3 ફૅટી ઍસિડ મળે ક્યાંથી? એના કોઈ વેજ વિકલ્પ છે? તો એનો જવાબ હા છે. વેજિટેરિયન લોકો બે માધ્યમ થકી ઑમેગા 3 લઈ શકે છે. એક છે કૅપ્સુલ અને બીજું છે સીડ્સ. આ બાબતને વિસ્તારમાં સમજાવતાં ડાયટિશ્યન શ્વેતા શાહ કહે છે, ‘એક પ્રકારની શેવાળ (Algae) આવે છે જેમાંથી ઑમેગા 3ની કૅપ્સુલ બનાવવામાં આવે છે જે વેજિટેરિયન લોકો લઈ શકે છે. બાકી માર્કેટમાં મળતી ઘણી કૅપ્સુલની અંદર ફિશ ઑઇલ રહેલું હોય છે. જો કૅપ્સુલ ન લેવી હોય તો અળસી, સૂરજમુખીનાં બી, અખરોટ, ચિયા સીડ્સ, સોયાબીન, કિડની બીન્સમાંથી ભરપૂર માત્રામાં ઑમેગા 3 ફૅટી ઍસિડ મળી રહે છે. મોટા ભાગના વેજિટેરિયન લોકોમાં ઑમેગા 3 ફૅટી ઍસિડ ઓછું જ હોય છે કેમ કે આજના સમયનો ખોરાક પૂરતા પ્રમાણમાં ઑમેગા 3 ફૅટી ઍસિડ શરીરને પૂરું પાડતો નથી. એમાં સ્ત્રીઓ માટે આ ખૂબ જ જરૂરી છે જ્યારથી તેઓ માસિક ધર્મમાં આવે. દરેક સ્ત્રીએ રોજ ૧.૧ ગ્રામ અને પુરુષે ૧.૬ ગ્રામ ઑમેગા 3 ફૅટી ઍસિડ લેવું જ જોઈએ. એવું નથી કે ઑમેગા 3 ફૅટી ઍસિડ લેવાથી શરીરમાં કોઈ રીઍક્શન આવશે પરંતુ જો કોઈ મેજર પ્રૉબ્લેમ હોય તો એનાં સપ્લિમેન્ટ લેવા પૂર્વે ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.’

ઑમેગા 3 ફૅટી ઍસિડ સ્પર્મ-કાઉન્ટ વધારે છે એવું તાજેતરમાં થયેલું એક સંશોધન કહે છે. જોકે ઑમેગા 3નો આ એક નહીં પણ આવા ઘણા ફાયદા છે. મોટા ભાગે ફિશ ઑઇલ એનો મુખ્ય સોર્સ માનવામાં આવે છે, પરંતુ  શાકાહારીઓનું શું? શાકાહારી કઈ રીતે ઑમેગા 3 ફૅટી ઍસિડની ગરજ સારી શકે છે, એના કયા-કયા ફાયદા છે, એની ઊણપ કેવી સમસ્યા સરજી શકે છે વગેરે વિષય પર વિસ્તારપૂર્વક વાત કરીએ

ઑમેગા 3 ફૅટી ઍસિડથી બીજા કયા ફાયદા થાય?

યુનિવર્સિટી ઑફ અલ્બર્ટાની ફેકલ્ટી ઑફ મેડિસિનના એક સંશોધકે એક અભ્યાસ કર્યો હતો જેમાં એવું તારણ બહાર આવ્યું હતું કે ઑમેગા 3 ફૅટી ઍસિડથી યાદશક્તિ અને મગજની શક્તિમાં વધારો થાય છે.

વ્યક્તિની માનસિક સ્થિતિને સંતુલિત કરે છે. ડિપ્રેશન ઓછું કરે છે, ક્રૉનિક થાક ઓછો કરે છે.

બ્લડ-પ્રેશર નિયંત્રણમાં રાખે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને હૉર્મોન્સને લેવલમાં લાવે છે.

સ્ત્રીઓ માટે ઑમેગા 3 ફૅટી ઍસિડ કાયાકલ્પનું કામ કરે છે. સ્કિનને સારી બનાવે છે.

વાળને ચમકદાર અને મજબૂત બનાવે છે.

ઑમેગા 3 ફૅટી ઍસિડનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ સાંધાનો દુખાવો ઓછો કરે છે.

બૅડ કૉલેસ્ટરોલ ઘટાડે છે અને ગુડ કૉલેસ્ટરોલ વધારે છે, જેને લીધે હાર્ટ અટૅકનું જોખમ ઘટી જાય છે.

ઍથ્લીટ્સ માટે ઑમેગા 3 ફૅટી ઍસિડ ખૂબ જ જરૂરી છે, કેમ કે એ સ્નાયુઓને મજબૂત બનાવવાની સાથે શરીરને ખૂબ જ પોષણ આપે છે.

કોણે ન લેવાય?

ઑમેગા 3 ફૅટી ઍસિડના પુષ્કળ લાભો છે જેથી એ બધા લઈ શકે છે, પરંતુ કોઈ કેસમાં ઑમેગા 3 ફૅટી ઍસિડના સેવન કે વધુપડતા સેવનને કે એની કૅપ્સુલ લેવાની મનાઈ કરવામાં આવતી હોય છે. જેમાં નબળું યકૃત ધરાવતી વ્યક્તિ, ગંભીર ઈજા પામેલા, જટીલ રોગી, તાજું ઑપરેશન થયું હોય એવી વ્યક્તિ અને ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓનો સમાવેશ થાય છે.

ઑમેગા 3 ફૅટી ઍસિડના મુખ્ય સ્રોત

1. ફ્લેક્સ સીડ્સ : ઑમેગા 3નો મુખ્ય સ્રોત ગણાય છે જે હૃદયની સમસ્યાનો પણ સામનો કરે છે.

2. શણ બીજ : ઑમેગા 3 ફૅટી ઍસિડ ધરાવતાં શણનાં બીજ સંધિવા અને કૅન્સર જેવી બીમારીની સામે લડે છે.

3. અખરોટ : અખરોટને ઑમેગા 3 ફૅટી ઍસિડની ઊણપ ધરાવનાર લોકો માટે ખાસ સજેસ્ટ કરવામાં આવે છે.

4. બદામ : બદામમાં ચરબી હોય છે, પરંતુ શરીર માટે ફૅટી ઍસિડ પણ જરૂરી હોય છે એટલે ઓછી માત્રામાં બદામ લઈ શકાય છે.

5. ઑલિવ ઑઇલ : આમાં ઑમેગા 3 અને ઑમેગા સિક્સ પણ હોય છે જે રક્તવાહિનીના રોગો દૂર કરવામાં મદદરૂપ થાય છે.

6. લીલી શાકભાજી : તાજી લીલી શાકભાજીમાં પૂરતી માત્રામાં ઑમેગા 3 મળી રહે છે.

health tips darshini vashi