શાકાહારી છો? તો હાર્ટની હેલ્થ માટે આશ્વસ્ત થઈ જાઓ, પરંતુ...

30 September, 2019 04:27 PM IST  |  મુંબઈ | વર્ષા ચિતલિયા

શાકાહારી છો? તો હાર્ટની હેલ્થ માટે આશ્વસ્ત થઈ જાઓ, પરંતુ...

વેજિટેબલ્સ

અમેરિકન હાર્ટ અસોસિએશન કહે છે કે પ્લાન્ટ આધારિત આહારનું સેવન કરવાથી હાર્ટ-અટૅક, કાર્ડિઍક અરેસ્ટ અને હાર્ટ-ફેલ્યરનું જોખમ ચાળીસ ટકા સુધી ઘટી જાય છે. આવતી કાલે વર્લ્ડ વેજિટેરિયન ડે છે ત્યારે સંદર્ભે નિષ્ણાતોનું શું કહેવું છે તેમ જ હૃદયના સ્વાસ્થ્ય માટે કેવો આહાર લેવો જોઈએ એ જાણી લો

સ્વસ્થ રહેવા માટે કયો આહાર શ્રેષ્ઠ છે, એ બાબતે હંમેશાથી મતમતાંતર પ્રવર્તે છે. શાકાહાર અને માંસાહારને લઈને ઘણી ચર્ચા થયા કરે છે. ખાસ કરીને હૃદયના સ્વાસ્થ્ય માટે અત્યાર સુધી માંસાહારને પ્રાધાન્ય આપવામાં આવતું હતું. માછલી અને ઈંડાંમાં પ્રોટિનની માત્રા વધુ હોવાથી હૃદય માટે બેસ્ટ છે, એવી માન્યતાને ફગાવી દેતાં નવા રિસર્ચ હવે સામે આવ્યાં છે. અમેરિકન હાર્ટ અસોસિયેશન જર્નલમાં પ્રકાશિત અહેવાલમાં પ્લાન્ટ બેઝ્ડ ફૂડને હૃદય માટેનો શ્રેષ્ઠ આહાર ગણાવ્યો છે. ૧૨ હજારથી વધુ લોકોની આહાર પદ્ધતિનો અભ્યાસ કર્યા બાદ આ તારણ નીકળ્યું છે.

રિસર્ચ કહે છે કે પ્રાણીજન્ય આહારની તુલનામાં પ્લાન્ટ બેઝ્ડ શાકાહારી આહાર વધુ ફાયદેમંદ છે. એનો ઇનટેક વધારવાથી હૃદયરોગના હુમલાનું જોખમ ચાળીસ ટકા ઘટી જાય છે. સંશોધનકર્તાઓનું કહેવું છે કે લીલાં શાકભાજી, લીંબુ અને બદામ ખાવાથી હૃદયરોગના હુમલાથી થતું મૃત્યુનું જોખમ ટળી જાય છે. પૌષ્ટિક શાકાહારી આહારથી બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થવાથી હૃદય મજબૂત બને છે. જોકે તેમણે આ બાબતે સ્પષ્ટતા આપતાં કહ્યું કે ઓછી માત્રામાં એનિમલ ફૂડનું સેવન હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં હેલ્પ કરે છે, તેથી એને ટોટલી અવોઇડ કરવાની જરૂર નથી, પરંતુ તમારા આહારમાં પ્લાન્ટ આધારિત ફૂડની માત્રા વધારવાની આવશ્યકતા છે.

આજની હાડમારીભરી લાઇફમાં હાર્ટ એટેક અને હાર્ટ ફેલ્યોરથી થતાં મૃત્યુના દરમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દર વર્ષે વિશ્વભરમાં આશરે ૨૦ કરોડ લોકો હાર્ટ એટેક, કાર્ડિઆક અરેસ્ટ અને હાર્ટ ફેલ્યોરના કારણે મૃત્યુ પામે છે. હૃદયની બીમારીનું નિદાન થયા બાદ ૨૩ ટકા દરદીઓનું એક વર્ષની અંદર મૃત્યુ થઈ જાય છે. છેલ્લા બે દાયકામાં ભારતમાં પણ હૃદયની બીમારી ધરાવતા દરદીઓની સંખ્યામાં ૩૦૦ ટકા જેટલો વધારો થયો છે. હૃદયને મજબૂત બનાવવા વૈજ્ઞાનિકો એક્સરસાઇઝ જેટલું જ મહત્વ આહારને આપે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લાંબા સમય સુધી હૃદયને સ્વસ્થ અને એક્ટિવ રાખવા પ્રાણીજન્ય તમામ આહાર (ઈંડાં, માંસ અને દૂધ સહિત)ને ટાટા બાયબાય કરી પ્લાન્ટ આધારિત આહારનું સેવન કરો. પ્લાન્ટ આધારિત આહાર એટલે શું? ઉપરોક્ત રિસર્ચ સંદર્ભે હાર્ટ સ્પેશિયાલિસ્ટનું શું કહેવું છે, એ જાણીએ.

આડકતરો સંબંધ

હૃદય શરીરનું એવુ મહત્વપૂર્ણ અંગ છે, જેનાથી રક્તનો સંચાર થાય છે. શરીરના દરેક અંગને ઑક્સિજનયુક્ત રક્ત પહોંચાડવાની જવાબદારી જેના માથે હોય એની એક્સ્ટ્રા કૅર લેવી જ જોઈએ, પરંતુ ભાજી ખાઓ તો હાર્ટ એટેક ન આવે એવું કોઈ રિસર્ચ સામે આવ્યું નથી, એવો અભિપ્રાય આપતાં કાર્ડિઓલોજિસ્ટ ડૉ. નારાયણ ગડકર કહે છે, ‘તમે વેજિટેરિયન છો કે નોનવેજિટેરિયન એનાથી હૃદયના સ્વાસ્થ્યનું નિદાન ન થાય. આ રીતે બે ભિન્ન પ્રજાને જનરલાઇઝ્ડ ન કરી શકાય. વેજિટેરિયનમાં શું ખાઓ છો એ પણ મહત્વનું છે. ટાયરના પ્રેશર પ્રમાણે ગાડી ચાલે એ જ રીતે આપણું શરીર ચાલે છે. શાકભાજીની સાથે તેલ-ઘી પણ પેટ ભરીને ખાઓ તો કોઈ ફાયદો થાય નહીં. હાઈ બ્લડ-પ્રેશર, ડાયાબિટિઝ, ઓબેસિટી અને કોલેસ્ટ્રોલ જેવી બીમારીથી પીડાતી વ્યક્તિ શાકાહારી હશે તો એને હાર્ટ એટેક આવવાના ચાન્સિસ છે જ.’

હકીકતમાં પ્લાન્ટ બેઝ્ડ ડાયટને હૃદયની તંદુરસ્તી સાથે સીધો નહીં, આડકતરો સંબંધ છે, એમ જણાવતાં ડૉ. નારાયણ આગળ કહે છે, ‘હૃદય ત્યારે સ્વસ્થ રહે જ્યારે તમારું શરીર સ્વસ્થ હોય. પ્લાન્ટ બેઝ્ડ ડાયટ ઉપરોક્ત રોગોને કન્ટ્રૉલમાં રાખવામાં સહાયકની ભૂમિકા ભજવે છે. લીલી શાકભાજી, તાજાં મોસમી ફળો, ડ્રાય ફ્રૂટ્સ વગેરે ખાવાથી વજન કન્ટ્રૉલમાં રહે. વજન નિયંત્રણમાં રહે એટલે બ્લડ-પ્રેશર કન્ટ્રૉલમાં રહે અને હૃદય પર પ્રેશર ન આવે. એ જ રીતે શુગર અને કોલેસ્ટ્રોલનું સ્તર જાળવાઈ રહે તો હૃદય એનું કાર્ય સારી રીતે કરી શકે. કોઈ એમ વિચારતું હોય કે હું બારે મહિના શાકભાજી ખાઉં છું એટલે મને એટેક નહીં આવે તો આ માન્યતા ખોટી છે.’

ધ્યાન રાખો

હૃદયના રોગોથી બચવા ઉપરની તમામ બીમારીનાં લક્ષણો પ્રત્યે શરૂઆતથી જ ધ્યાન આપો એવી સલાહ આપતાં તેઓ કહે છે, ‘સામાન્ય રીતે પચાસની ઉંમર પછી લોકો કોલેસ્ટ્રોલ ચેક કરાવે છે. વાસ્તવમાં ૨૫ વર્ષની ઉંમરે તપાસ થવી જોઈએ. તમને યુવાનીમાં કોલેસ્ટ્રોલ હોય અને તપાસ કરાવો પ્રોઢાવસ્થામાં તો શું થાય? આટલાં વર્ષમાં તો તમારું શરીર અંદરથી ખરાબ થઈ જાય. બ્લોકેજની ખબર જ મોડી મોડી પડે પછી તમે ગમે એટલા ધમપછાડા કરો, હૃદય મજબૂત ન થાય. સામાન્ય વ્યક્તિએ દર વર્ષે એક વાર અને હાઈ રિસ્ક દરદીએ દર છ મહિને એક વાર કોલેસ્ટ્રોલનું ચેકઅપ કરાવવું જોઈએ. પ્લાન્ટ બેઝ્ડ ફૂડમાં લગભગ ઝીરો પર્સેન્ટ કોલેસ્ટ્રેલ છે તેથી એનો ઇનટેક વધારવાની સલાહ છે. હૃદયને નીરોગી રાખવું હોય તો જિનેટિક રોગોનું નિદાન વહેલામાં વહેલી તકે થવું જોઈએ, એવી મારી ખાસ ભલામણ છે. ઘણા લોકો એવું માને છે કે એક્સ્ટ્રા સપ્લિમેન્ટ લેવાથી હૃદય મજબૂત બને. હું નથી માનતો. જીવલેણ બીમારીથી પીડાતા દરદીનેસપ્લિમેન્ટ આપવી પડે. શરીરમાં બ્રેકડાઉન કેટલું છે એની ચકાસણી કર્યા વગર સપ્લિમેન્ટ પર જીવવાની આવશ્યકતા નથી. નીરોગી જીવન જીવવા માટે સારું ખાવા કરતાં સાચું ખાઓ એ વધુ જરૂરી છે.’

હૃદયને સ્વસ્થ રાખવા માટે ફૂડ જેટલું જ મહત્વ એક્સરસાઇઝનું છે એમ જણાવતાં ડૉ. નારાયણ કહે છે, ‘આખી જિંદગી લિફ્ટ અને કારનો ઉપયોગ કર્યો હોય તો તમને હૃદયની તંદુરસ્તી ખબર ન પડે. એ માટે રોજ વ્યાયામ કરવું જોઈએ. જો હાર્ટ એટેક આવી જ ગયો હોય તો ભારે એક્સરસાઇઝ ન કરતાં ચાલવાનું રાખો. સામાન્ય રીતે આપણું હદય ૬૦ ટકા પમ્પિંગ કરે ત્યાં સુધી વાંધો આવતો નથી. એટેક બાદ કેટલું પમ્પિંગ કરે છે, કેટલું ડેમેજ છે એ પ્રમાણે સારવાર થાય. હૃદયને સ્વસ્થ રાખવું હોય તો ફૂડ હેબિટમાં પરિર્વતન અને એક્સરસાઇઝ તો કરવાની સાથે આલ્કોહૉલ અને સ્મોકિંગ જેવાં વ્યસનો પણ છોડી દો.’

ડાયટિશ્યન શું કહે છે?

માત્ર વૃક્ષ-છોડમાંથી પ્રાપ્ત થાય એવા ફૂડને પ્લાન્ટ બેઝ્ડ ડાયટ કહે છે. એમાં તાજાં ફળ, શાકભાજી, લીલોતરી, અનાજ, દાળ, નટ્સ વગેરેનો સમાવેશ થાય છે. આ સંદર્ભે વધુ માહિતી આપતાં ગ્લોબલ હૉસ્પિટલના કન્સલ્ટન્ટ ડાયટિશ્યન ઝમરુદ પટેલ કહે છે, ‘સૌથી પહેલાં તો વેજ અને નોનવેજને હૃદય સાથે શું મતલબ છે, એ જાણી લો. નોનવેજ ફૂડમાં ફેટ્સનું પ્રમાણ વધુ હોય છે, તેથી કોલેસ્ટ્રોલ વધી જાય છે જ્યારે વેજિટેરિયન ફૂડથી કોલેસ્ટ્રોલ જનરેટ થતું નથી તેથી હાર્ટ માટે ફાયદાકારક છે. વાસ્તવમાં શાકાહારી આહારમાં દૂધ અને દૂધની બનાવટ સિવાયની તમામ વસ્તુ પ્લાન્ટ આધારિત જ છે. દૂધને સ્કિમ્ડ કરવાથી ફેટ્સ ઓછી થઈ જાય છે. આજકાલ માર્કેટમાં સ્કિમ્ડ મિલ્ક, સ્ક્મ્ડિ દહીં, પનીર વગેરે સરળતાથી ઉપલબ્ધ છે. આલમન્ડ અથવા સોયા મિલ્કનો ઉપયોગ પણ કરી શકાય. પ્લાન્ટ બેઝ્ડ ફૂડની બીજી વિશેષતા એ છે કે એમાં મોટા પ્રમાણમાં ફાઇબર હોય છે. આલમન્ડ અને વોલનટ્સમાંથી ઓમેગા-૩ અને ઓમેગા-૬ મળે છે જે હૃદયને મજૂબત રાખે છે.’

પ્લાન્ટ બેઝ્ડ ડાયટનો અર્થ એ નથી કે તમે ફક્ત શાકભાજી અને ફ્રૂટ્સ પર જ જીવો. શરીરમાં ફેટ્સ પણ જરૂરી છે એમ જણાવતાં ઝમરુદ આગળ કહે છે, ‘સામાન્ય હેલ્થ ધરાવતી નોર્મલ વ્યક્તિએ દરરોજ એક ચમચી ઘી અને બે ચમચી તેલ અથવા બન્ને વસ્તુ મળીને મહિને અડધો કિલો જેટલું ઑઇલ ખાવું જોઈએ, એનાથી વધુ લો તો નુકસાન કરે. હાર્ટને હેલ્ધી રાખવા તેલ અને શુગર ફ્રી ડાયટ પ્લાન ફોલો કરવાની સલાહ છે. ઘણી વાર પેશન્ટને કહીએ કે ફ્રૂટ વધુ ખાવાના તો એ લોકો ફ્રૂટ જૂસ પર વધુ મારો રાખે. આ ખોટી રીત છે. જૂસથી શુગર વધી જાય તેથી ફ્રૂટ્સને સમારીને અથવા આખાં જ ખાવાં જોઈએ.’

આ પણ વાંચો : નવરાત્રિમાં જોઈએ છે ગ્લોઇંગ સ્કિન?

હાર્ટની સંભાળ માટે દરેક વ્યક્તિની લાઇફસ્ટાઇલ અનુસાર પ્લાન કરવું પડે એમ જણાવતાં ઝમરુદ કહે છે, ‘એડલ્ટ વ્યક્તિએ દિવસના ચાર મિલની પેટર્નને યોગ્ય રીતે ફોલો કરવી જોઈએ. સવારના નાસ્તામાં સ્પ્રાઉટ્સ અને શાકભાજી નાખી બનાવેલો ઉપમા, ઈડલી અને ડોસા વિથ સંભાર બેસ્ટ છે. જમવામાં અને ડિનરમાં પણ દાળ-ભાત-શાક-રોટલી જેવી ઘરની સાદી રસોઈ ખાવી. એથ્લીટ્સ માટે તેમના વર્કઆઉટ અને સ્પોર્ટ્સના પ્રકાર પ્રમાણે કસ્ટમાઇઝ્ડ ચાર્ટ બને. નાનાં બાળકો માટે તો ફિઝિકલ એક્ટિવિટી જ હોવી જોઈએ. તેમના પર કોઈ જાતના ડાયટનું પ્રેશર ન રાખવું.’

health tips Varsha Chitaliya