સ્ટ્રેસ બહુ ના લેશો, માથે સફેદી આવી જશે

29 January, 2020 04:53 PM IST  |  Mumbai | Varsha Chitaliya

સ્ટ્રેસ બહુ ના લેશો, માથે સફેદી આવી જશે

સ્ટ્રેસ

પહેલાંના જમાનામાં પચાસ-પંચાવન વર્ષે પણ કાળા ભમ્મર જેવા વાળ ધરાવતા લોકો હતા, જ્યારે હવે તો ત્રીસીમાં પ્રવેશતાં જ સફેદ વાળની લટો દેખા દેવા લાગે છે.  

આપણે વડીલોના મોઢે ઘણી વાર સાંભળ્યું છે કે અમારા વાળ કંઈ તડકામાં ધોળા નથી થયા. આ વાત આમ તો અનુભવના સંદર્ભમાં કહેવાઈ છે, પરંતુ હવે એની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. વર્તમાન સમયમાં તડકાના કારણે નહીં પણ તાણના લીધે વાળ વહેલા પાકી જાય છે. વિજ્ઞાન કહે છે કે યુવાનીમાં તમારા વાળ સફેદ થઈ ગયા છે એનો અર્થ તમે ખૂબ જ સ્ટ્રેસફુલ લાઇફ જીવી રહ્યા છો.

માનવ શરીરમાં લાખો હેર ફોલિકલ્સ હોય છે જે વાળના ગ્રોથ અને વાળની નીચેની ત્વચાને અસર કરે છે. આ ફોલિકલ્સની અંદર મેલૅનિન નામનું રંજકદ્રવ્ય હોય છે જે વાળના રંગને જાળવી રાખવાનું કાર્ય કરે છે. જેમ-જેમ ઉંમર વધે આ મેલૅનિન પોતાની ક્ષમતા ગુમાવે છે. પરિણામે વાળ પાકી જાય છે. ઉંમરની સાથે વાળનો રંગ બદલાવો એ સામાન્ય બાબત છે, પરંતુ હવે કોઈ પણ ઉંમરે વાળ ધોળા થઈ જાય છે. ટીનેજર અને યુવાનોમાં ધોળા વાળની સમસ્યા હવે નવી વાત રહી નથી. નાની ઉંમરમાં મેલૅનિનની ક્ષમતા ધીમી પડવાનું કારણ સ્ટ્રેસ હોવાનું શોધી કાઢવામાં આવ્યું છે.

તાજેતરમાં નેચર જર્નલમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર સફેદ વાળ તાણગ્રસ્ત જીવનશૈલીનું પ્રાથમિક લક્ષણ છે. સ્ટ્રેસ હેર ફૉલિકલ અને રી-જનરેટિંગ સ્ટેમ સેલ્સને ડૅમેજ કરી નાખે છે. સ્ટ્રેસથી તમારા શરીરના હૉર્મોન કૉર્ટિઝોલ લેવલમાં વધારો થતાં વાળની કોશિકાઓને પારાવાર નુકસાન થાય છે. યુએસની હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધનકર્તાઓનું કહેવું છે કે વાળનાં રંગદ્રવ્યો (હેર પિગમેન્ટેશન)ની પ્રતિક્રિયા ટ્રૅક્ટેબલ સિસ્ટમ છે. સ્ટ્રેસની આ સિસ્ટમ પર કેવી અસર થાય છે એનો અભ્યાસ કર્યા બાદ તારણ નીકળ્યું છે કે તાણથી રંગદ્રવ્યો ઉત્તેજિત થાય છે પરિણામે વાળ વહેલા પાકી જાય છે. આ પ્રયોગો હાલમાં તો ઉંદરો પર કરવામાં આવ્યા છે. સ્ટ્રેસ દૂર કરવા માટેની દવાઓની અસરના લીધે ઉંદરોમાં પ્રોટીનનો સ્તર ઘટી ગયો. પ્રોટીનની માત્રા ઘટતાં હેર ફૉલિકલમાં પ્રતિક્રિયા જોવા મળી હતી ત્યાર બાદ સંશોધનકર્તાઓ આ તારણ પર આવ્યા હતા એટલું જ નહીં, તાણથી શરીરના અન્ય અવયવો પરના વાળ પર પણ માઠી અસર થાય છે એવું શોધી કાઢવામાં આવ્યું છે. 

મુખ્ય લક્ષણો

નાની ઉંમરે વાળ ધોળા થઈ જવાનાં જુદાં-જુદાં અનેક કારણોમાંથી સ્ટ્રેસ પણ એક કારણ છે. માત્ર સ્ટ્રેસના લીધે વાળ પાકી જાય એવું સ્પષ્ટપણે કહી ન શકાય એવો અભિપ્રાય આપતાં બાંદરાનાં ડર્મેટોલૉજિસ્ટ સોમા સરકાર કહે છે, ‘નાની વયમાં વાળ પાકી જવાનું કારણ હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ, ઈટિંગ હૅબિટ, લાઇફ-સ્ટાઇલ, હેરકૅરની ખોટી મેથડ, કાળજીનો અભાવ અને વારસાગત સમસ્યા જેવાં કારણો હોઈ શકે છે. વિટામિન ડી-૩, વિટામિન બી-૧૨, આયર્ન, કૉપર અને પ્રોટીનની ઊણપ પ્રી-મૅચ્યોર્ડ હેર ગ્રેયિંગનાં મુખ્ય લક્ષણો છે. એમાં તાણ અને ચિંતા ભળે એટલે વાળ સફેદ થવાની પ્રક્રિયા ઝડપી બને. હેર ફૉલિકલ અને હેર ડૅમેજમાં આ બધામાંથી કોઈ પણ એક અથવા વધુ લક્ષણો હોવાની શક્યતા છે.’

વિટિલિગોની બીમારી

અભ્યાસ કહે છે કે ટીબી, ન્યુરોફાઇબ્રોમેટાસિસ, ઍલોપીસિયા એરિયાટા, એનીમિયા અને વિટિલિગો જેવા રોગોમાં પણ વાળ ધોળા થઈ જાય છે. ધૂમ્રપાન અને આલ્કોહૉલની લત પણ ધોળા વાળનું કારણ બની શકે છે. સોમા કહે છે, ‘સામાન્ય રીતે બે કારણસર વાળ વહેલા ધોળા થઈ જાય છે. એક ફિઝિયોલૉજી અને બીજું કારણ વિટિલિગો નામની બીમારી. ઉપર જણાવેલાં લક્ષણો ફિઝિયોલૉજી છે. વિટિલિગોમાં સામાન્ય રીતે શરીરનાં અંગો પર સફેદ પૅચિસ જોવા મળે છે. કેટલાક કેસમાં આ પ્રક્રિયા વાળમાં પણ દેખાય છે. માથામાં જુદી-જુદી જગ્યાએ સફેદ પૅચિસ બનતા જાય. એટલા ભાગના વાળ ધોળા થઈ જાય અને ધીમે-ધીમે વધે. આવા કેસમાં મેડિકેશનની ખૂબ જરૂર પડે છે. લાંબી તબીબી સારવાર પછી પણ આ પ્રક્રિયા અટકે એ જરૂરી નથી. વિટિલિગો ઉપરાંત બીજા રોગના લીધે પણ અકાળે વાળ ધોળા થઈ જાય છે. યંગ પેશન્ટમાં હેરગ્રોથ અને હેરની ક્વૉલિટીમાં ખરાબી જોવા મળે તો પહેલાં કેટલાંક તબીબી પરીક્ષણ કરવાં પડે. ત્યાર બાદ દવા થાય. ડૉક્ટરે લખી આપેલાં સોલ્યુશન અપ્લાય કરવાથી વીસેક ટકા જેટલો ફરક પડી જાય છે. ત્યાર બાદ ડાયટ, સપ્લિમેન્ટ અને પછી જરૂર પડે તો દવાઓ લખી આપવામાં આવે છે.’

આનુવંશિક લક્ષણો

વાસ્તવમાં માથાના વાળ એકસાથે ધોળા થતા નથી. વાળના રોગો અને ઉંમરના લીધે મેલૅનિન નામનું રંજકદ્રવ્ય રંગનું ઉત્પાદન કરવાનું બંધ કરી દે છે ત્યારે વાળ પાકી જવાની પ્રક્રિયાનો પ્રારંભ થાય છે. અગાઉ વાળ ધોળા થવાની સરેરાશ ઉંમર ૪૫ પછી હતી. હવે ૩૦થી ૩૫ થઈ ગઈ છે. વર્તમાન સમયમાં યુવાનો જ નહીં, નાનાં બાળકોમાં પણ ધોળા વાળ જોવા મળે છે એમ જણાવતાં સોમા કહે છે, ‘મારી પાસે એવા અનેક કેસ આવે છે જેમાં અગિયાર-બાર વર્ષનાં બાળકોના વાળ ધોળા થઈ ગયા હોય. આ જિનેટિક લક્ષણ છે. પેરન્ટ્સના વાળ નાની ઉંમરે સફેદ થઈ ગયા હોય તો બાળકોના એનાથી વહેલા થવાના છે, કારણ કે તમારી અને તમારાં બાળકોની લાઇફ-સ્ટાઇલમાં જમીન-આસમાનનું અંતર છે. આહાર અહીં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પરિણામે મેલૅનિન નામના રંજકદ્રવ્યની વિપરીત અસર દેખાય છે. જિનેટિક પ્રૉબ્લેમમાં શરીરના અન્ય ભાગના વાળ પણ ધોળા થઈ જાય છે.’

ખોટી માન્યતા

શું માથામાં તેલ ન નાખવાને લીધે આમ થાય? આજની જનરેશન વાળમાં તેલ નાખતી નથી તેથી નાની ઉંમરે વાળ ધોળા થઈ જાય છે એ વાતમાં કેટલી સચ્ચાઈ છે? તેલને વાળ ધોળા થઈ જવા સાથે કંઈ લેવાદેવા નથી એમ જણાવતાં સોમા કહે છે, ‘આ માત્ર માન્યતા છે. આપણા વડીલો વાળમાં કાયમ તેલ નાખતા તેથી તેઓ એવું કહે છે. જોકે તેલના લીધે વાળને પોષણ મળે છે ખરું, પરંતુ ન નાખો તો ધોળા ન થાય. આગળ કહ્યું એમ વાળની પ્રૉપર કૅર ન લેવાથી એની ક્વૉલિટી બગડી શકે છે. વાળની માવજતમાં ગાફેલ રહો તો વાળ પાતળા કે રૂક્ષ થઈ જાય છે, ખરવા લાગે છે. વાળમાં રોગ થાય પણ ધોળા ન થાય. હા, હેરકલર કર્યા બાદ મેઇન્ટેન ન કરો તો કલર ઊડી જાય અને વાળને નુકસાન પહોંચે. કલર કર્યા બાદ રેગ્યુલર શૅમ્પૂ ન વાપરી શકાય. કન્ડિશનરની ગુણવત્તા પર ધ્યાન ન આપો ત્યારે વાળ ધોળા થવાની પ્રક્રિયા ઝડપી બને.’

આટલું કરો

જિનેટિક સમસ્યા અથવા કેટલાક ગંભીર રોગોમાં વાળને અસર થાય ત્યારે તબીબી સારવાર ફરજિયાત બની જાય છે, પરંતુ પોષકતત્ત્વોની ઊણપ અને તાણના લીધે વાળ ધોળા થવા લાગ્યા હોય તો જાગી જવાની જરૂર છે. સ્વસ્થ વાળ માટે ડાયટ પર ફોકસ રાખવું અત્યંત જરૂરી છે. શરીરમાં પ્રોટીન, આયર્ન, વિટામિન્સની પર્યાપ્ત માત્રા જવી જોઈએ. પૂરતી ઊંઘ લેવી જોઈએ. વાળ માટે ઉપયોગી પ્રોડક્ટની ગુણવત્તા પર ખાસ ધ્યાન આપવું. સમયાંતરે વાળના રોગોનું પરીક્ષણ કરાવી લેવું. જરૂર જણાય તો ડૉક્ટરની સલાહથી કેટલાંક સપ્લિમેન્ટ્સ લેવાં. સૌથી મહત્ત્વનું, જો તમે ઇચ્છતા હો કે તમારા વાળ કુદરતી રીતે કાળા રહે અને હેરકલર પર નિર્ભર રહેવું ન પડે તો તાણમુક્ત જીવનશૈલીને સર્વાધિક પ્રાધાન્ય આપો.

health tips tips Varsha Chitaliya