દર મિનિટે પાંચ દર્દી મેડિકલ કૅરની મિસ્ટેકને લીધે પોતાનો જીવ ગુમાવે છે

17 September, 2019 03:06 PM IST  |  મુંબઈ | સેજલ પટેલ

દર મિનિટે પાંચ દર્દી મેડિકલ કૅરની મિસ્ટેકને લીધે પોતાનો જીવ ગુમાવે છે

મેડિકલ કૅર

આ આંકડો ખરેખર ડરામણો છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા મેડિકલ ક્ષેત્રને વધુ સુસજ્જ અને સુવ્યવસ્થિત બનાવવાના પ્રયત્નોના ભાગરૂપે જ આજે વિશ્વભરમાં સૌપ્રથમ વાર વર્લ્ડ પેશન્ટ સેફ્ટી ડેની ઉજવણી થઈ રહી છે ત્યારે આવો જાણીએ પેશન્ટ તરીકે આપણી પોતાની કાળજી કઈ રીતે રાખીશું.

ગાંધીજી માનતા કે માંદા પડવું એ જાત સાથે કરેલો સૌથી મોટો ગુનો છે. શરીર માંદું પડે અને કામ કરતું બંધ થઈ જાય ત્યાં સુધી તમે એને સમજો નહીં એ જાત સાથેનો ગુનો જ થયોને! જોકે કદાચ આજની તારીખે જે હદે વાતાવરણમાં હજારો બૅક્ટેરિયા, વાઇરસ અને ચેપી જીવાણુઓ ફેલાયેલા છે ત્યારે ગાંધીજી હયાત હોત તો શું કહેત એની ખબર નથી. કદી સાંભળ્યા પણ ન હોય એવા રોગ પણ મગજ ચકરાવી દે એ હદે વધ્યા છે. મેડિકલ સાયન્સ ખૂબ વિકસ્યું છે અને રોગોનો તોડ કાઢી રહ્યું છે. ડૉક્ટર એ ભગવાનનું રૂપ કહેવાય છે, પણ આખરે તો તે પણ માણસ જ છે અને તેમની ભૂલને કારણે પણ ઘણી વાર દર્દી વધુ હેરાન થાય છે અથવા તો જીવ ગુમાવે છે.

ડૉક્ટરો દ્વારા થતી ચૂક, હૉસ્પિટલો દ્વારા આચરાતી બેદરકારી તેમ જ સર્જરી વખતે આંધળેબહેરું કુટાઈ મરવા જેવો ઘાટ આજે પણ વિશ્વભરમાં થાય જ છે. ‘કમબખ્ત ઇશ્ક’ ફિલ્મમાં જેમ ડૉક્ટરનું પાત્ર ભજવી રહેલી કરીના કપૂર તેના દર્દી અક્ષયકુમારના પેટમાં પોતાની કાંડા ઘડિયાળ ભૂલી જાય છે એવું માત્ર ફિલ્મોમાં જ બને છે એવું નથી. રિયલ લાઇફમાં પણ એવું થાય જ છે. ૨૦૧૫માં બ્રિટનમાં ડિલિવરી કરાવતી વખતે ડૉક્ટર મહિલાના પેટમાં મોબાઇલ ભૂલી ગયેલો અને હજી ફેબ્રુઆરી મહિનામાં જ હૈદરાબાદની એક હૉસ્પિટલમાં સર્જરી વખતે એક ડૉક્ટર પેટમાં ૬ ઇંચની મોટી કાતર ભૂલી ગયેલા. આવા કેસમાં ડૉક્ટર જ જવાબદાર છે એવું કહેવા છતાં દર્દીની હેરાનગતિ ઓછી તો નથી જ થતી. સર્જરીના આવા છબરડા તો છાપાંમાં ચગે છે એટલે જગજાહેર થાય છે, પરંતુ દવાઓના મામલે સાચા રોગનું નિદાન થવાના મામલે પણ ઘણી ગરબડ થતી હોય છે. બે-બે મહિના સુધી અમુક ચોક્કસ રોગની સારવાર કર્યા પછી ખબર પડે કે દર્દીને આ રોગ છે જ નહીં, બલકે બીજી સમસ્યા છે એવું પણ બને જ છે. આ બાબતે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન જાગ્યું છે અને એણે ડૉક્ટરો દ્વારા થતા છબરડાઓના જે અંદાજિત આંકડાઓ બહાર પાડ્યા છે એ કમકમાવી નાખનારા છે. WHOના કહેવા મુજબ દર વર્ષે ૧૩.૪ કરોડ લોકો અનસેફ હેલ્થ કૅર સર્વિસને કારણે મેડિકલ વિષચક્રમાં ફસાય છે અને લગભગ ૨૬ લાખ લોકો આ જ કારણે મૃત્યુ પામે છે. એમાંથી ૮૦ ટકા મૃત્યુને તમે ખાળી શકો એમ હો છો. આ આંકડાઓ લૉ અને મિડલ ઇન્કમ ધરાવતા દેશોના છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના ડિરેક્ટર જનરલ ડૉ. ટડ્રોસ ગેબ્રિયસિસ સ્વીકારે છે કે ‘હેલ્થ કૅર એવી હોવી જોઈએ જે કોઈને જરાય હાર્મફુલ ન હોય અને છતાં આજે ગ્લોબલી એવી હાલત છે કે દર એક મિનિટે પાંચ દર્દીઓ અનસેફ મેડિકલ કૅરને કારણે જીવ ગુમાવે છે. આપણે પેશન્ટની સેફ્ટીનું કલ્ચર વિકસાવવાની જરૂર છે અને દર્દી સાથે મળીને દરેક ભૂલમાંથી શીખીને સેફ સિસ્ટમ ઊભી કરવાની જરૂર છે. જો એમ થશે તો જ હેલ્થ વર્કર્સને ભૂલ વિના કામ કરતાં શીખવાની તાલીમ પણ આપી શકાશે અને એકબીજા પર બેજવાબદારીનો ટોપલો ઢોળાશે નહીં.’

દર ૧૦માંથી ૪ દર્દીઓને પ્રાઇમરી હેલ્થ કૅર દરમ્યાન નુકસાન પહોંચે છે. મોટા ભાગની ભૂલો રોગનું નિદાન અને દવાનું પ્રિસ્ક્રિપ્શન નક્કી કરવા બાબતે હોય છે. દર વર્ષે મેડિકલ ભૂલોને કારણે વિશ્વને અંદાજિત ૪૨ મિલ્યન ડૉલર એટલે કે ૩૦૦ કરોડ રૂપિયાનો બોજ વેંઢારવો પડે છે. સર્જિકલ પ્રોસીજર પછીની કૅરમાં ૨૫ ટકા દર્દીઓમાં કૉમ્પ્લીકેશન્સ ઊભાં થાય છે જેને કારણે સર્જરી પછીના પહેલા જ વર્ષમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વર્ષે લગભગ ૧૦ લાખ લોકોની છે. આ આંકડા એટલા ડરામણા છે કે મેડિકલ ક્ષેત્રના લોકો પણ એકત્ર થઈને એને કઈ રીતે ઘટાડી શકાય એની મથામણમાં લાગેલા છે અને એટલે જ પહેલી વાર આજે વિશ્વભરમાં પેશન્ટ સેફ્ટી ડે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. હૉસ્પિટલો, ડૉક્ટરો, હેલ્થ-પ્રોફેશનલ્સ, હેલ્થ-વર્કર્સ એમ દરેક લેવલ પર પેશન્ટ સેફ્ટી માટેની વ્યવસ્થાઓને કડક બનાવવાની પેશકશ થઈ છે. જોકે પેશન્ટ્સની સેફ્ટીની વાત છે એટલે ડૉક્ટરો ગમેએટલા સજ્જ હોય દર્દીએ જાતે પણ એજ્યુકેટ થવું બહુ જરૂરી છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના કહેવા મુજબ દર્દીઓ જો જાગી જાય તો આ પરિસ્થિતિમાં લગભગ ૧૫ ટકા જેટલો સુધારો તરત થઈ શકે છે.

દર્દી તરીકે શું કરી શકાય?

તો આવો ન્યુ એજ વૉકહાર્ટ હૉસ્પિટલના હેડ ડૉ. પરાગ આર. રિંદાણી  અને જસલોક હૉસ્પિટલ ઍન્ડ રિસર્ચ સેન્ટરના કન્સલ્ટન્ટ ચીફ ઇન્ટેન્સિવિસ્ટ અને  ક્રિટિકલ કૅર સ્પેશ્યલિસ્ટ ડૉ. વરુણ દેશમુખ પાસેથી જાણીએ કે મેડિકલ કૅરમાં થતી ભૂલોનો આપણે ભોગ ન બનીએ એ માટે શું કરવું.

૧. ડૉક્ટરની પસંદગી : તમે જે ડૉક્ટર પાસે જાઓ છો એ પૂરતો ક્વૉલિફાઇડ છે કે નહીં એ જાણવું બહુ જરૂરી છે. તમે તમારી જિંદગી જેના હાથમાં મૂકી રહ્યા છો એ તેના કામમાં નિપુણ હોય અને જરૂરી ડિગ્રી ધરાવતો હોય એ જોવું મસ્ટ છે. કદીયે આયુર્વેદ ‌ડૉક્ટર પાસેથી ઍલોપથીની અને ઍલોપથિક ડૉક્ટર પાસેથી આયુર્વેદની દવાઓ ન લો. જે જેનું નિષ્ણાત હોય એનું જ તેને શ્રેષ્ઠ જ્ઞાન હોય. સહેજ માથું દુખે એટલે સીધા ન્યુરોલૉજિસ્ટ પાસે જવાની જરૂર નથી, પરંતુ જો ૧૫-૨૦ દિવસ સુધી દવા લીધા પછી પણ માથું દુખ્યા કરતું હોય તો નિષ્ણાતને કન્સલ્ટ કરવા જરૂરી બની જાય છે.

૨. ડૉક્ટરથી કશું જ છુપાવવું નહીં : તમારાં શારીરિક-માનસિક લક્ષણો, તમારી આદતો, તમારી મેડિકલ હિસ્ટરી, તમે જે દવા લો છો એ બધા વિશે ડૉક્ટરથી કશું જ છુપાવવું નહીં. જો તમને મેડિકલ ટર્મિનોલૉજીમાં સમજણ ન પડતી હોય તો અત્યાર સુધી તમે જ્યારે પણ માંદા પડ્યા છો અને એમાં જે પણ સારવાર કે નિદાન માટેનાં પરીક્ષણો કરાવ્યાં હોય એ બધાની એક ફાઇલ મેઇન્ટેન કરી રાખો જેથી ડૉક્ટરને તમારા રોગની હિસ્ટરી પૂરી સમજાય. ઘણી વાર દર્દીઓ પોતાને બીપી છે અથવા તો અમુકતમુક ચીજની ઍલર્જી છે એની વાત પણ ડૉક્ટરને નથી કહેતા. ડાયાબિટીઝ છે પણ એ તો દવાથી કાબૂમાં છે એમ માનીને જો તમે ડૉક્ટરને નહીં કહો તો સાચું નિદાન થવામાં મુશ્કેલી થવાની જ. દારૂ પીવાની, સિગારેટ ફૂંકવાની કે એવી કોઈ પણ હાનિકારક આદત હોય તો એ પણ છુપાવો નહીં. ઘણી વાર આ ચીજોથી નિદાનમાં મદદ થાય છે અને સારવારમાં પણ અમુક રીઍક્શન્સથી બચી શકાય છે. ટૂંકમાં છાશ લેવા જાઓ ત્યારે દોણી ન સંતાડાય એટલું યાદ રાખીને ડૉક્ટરને તમારા નાનામાં નાના લક્ષણની વાત કહેવાનું ચૂકવું નહીં.

૩. સવાલ કરો અને સમજો : તમને શું થયું છે એ જાણવાનો તમારો હક છે. એમ જ કોઈ દવા આપી દે તો એ ન સ્વીકારી લો. તમારો રોગ શું છે અને કેમ થયો છે એ સમજો. દવા ઉપરાંત બીજી શું પરેજી રાખવાની છે એ વિશે પણ ડૉક્ટર પાસેથી સ્પષ્ટતા કરો. જો ડૉક્ટર તમારા સવાલના સંતોષકારક જવાબ ન આપે અને માત્ર દવા આપીને તમને ‘સારું થઈ જશે’ એવું સાંત્વન આપતો હોય તો બીજાં ઓપિનિયન લેવાં જ જોઈએ.

૪. હૉસ્પિટલમાં જાઓ ત્યારે તમારા હકો વિશે જાગ્રત રહો : દર્દીને જ્યારે કોઈ પણ ક્રિટિકલ પરિસ્થિતિ માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારે દર્દીના પરિવારજનોની જવાબદારી વધી જાય છે. દર્દીના રિપોર્ટ્સથી લઈને તેને શું સારવાર અપાઈ રહી છે એ તમામ કાગળિયાં જોવાનો તમને હક છે. ઘણી વાર અમુકતમુક કન્ડિશનમાં સારવારના ત્રણથી ચાર ઑપ્શન્સ અવેલેબલ હોય ત્યારે ડૉક્ટરને જ બધું નક્કી કરી લેવાનું કહેવાને બદલે તમે પણ નિર્ણય લેવામાં ઇન્વૉલ્વ થાઓ. ઘણી વાર દર્દીના સામાજિક, આર્થિક અને પ્રોફેશનલ બૅકગ્રાઉન્ડને આધારે સારવારમાં ચોક્કસ બદલાવ કરવો પડે એવું પણ બની શકે છે.

૫. ડૉક્ટરની ઇન્સ્ટ્રક્શનને ફૉલો કરોઃ જો તમે ડૉક્ટરની પસંદગી બરાબર કરો, રોગનું નિદાન બરાબર થાય તો પછી સારવારમાં કોઈ જ વાંધો ન આવવો જોઈએ. સિવાય કે તમે ડૉક્ટરના કહ્યા મુજબની દવાઓ અને સૂચનોનું પાલન ન કરો. ડૉક્ટરે જો અમુક એક્સરસાઇઝ દિવસમાં સાત વાર કરવાની કહી છે તો એ કરવાની જ. જો સર્જરી પછી ડૉક્ટરે અમુક દવાઓ લખી આપી હોય તો એ લેવાની જ હોય. હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લેતી વખતે કઈ દવાઓ કેટલો સમય ચાલુ રાખવાની છે એની સમજણ મેળવી લેવી ઘણી મહત્વની છે. ઘણી વાર દર્દીઓ જે દવા પાંચ દિવસ લેવાની હોય એ મહિના સુધી લીધે રાખે છે અને જ્યારે ફૉલોઅપ માટે આવે ત્યારે ખબર પડે છે.

૬. નો સેલ્ફ-મેડિકેશન : ઓવર ધ કાઉન્ટર દવાઓ હવે બધે જ મળવા લાગી છે એને કારણે દર્દીઓ જાતે જ ઍન્ટિ-બાયોટિક્સનો કોર્સ કરી લે છે. જાતે જ હાઇપરટેન્શન કે ડાયાબિટીઝની ગોળીઓનો ડોઝ વધારે કે ઘટાડે છે. આ બધું તેમના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. બીજાને અમુક દવાથી જુલાબ અટકી ગયેલા એટલે તમે પણ એ દવા લઈ લો એ કદાચ એકાદ વાર ચાલે, પણ જો એનાથી જુલાબ ન અટકે તો તરત ડૉક્ટરને બતાવવું મસ્ટ છે.

health tips