ભરઉનાળે તાવ, શરદી, ખાંસી થાય છે તમને?

22 May, 2019 01:54 PM IST  |  | રુચિતા શાહ

ભરઉનાળે તાવ, શરદી, ખાંસી થાય છે તમને?

કફ, સરદી અને તાવ

શિયાળામાં ઠંડી વધુ હોય એટલે શરદી થાય એ સમજાય, પણ ઉનાળામાં થાય તો સહેજ નવાઈ લાગેને? જોકે આપણી બદલાયેલી લાઇફ-સ્ટાઇલ, હવામાના કેટલાક વાઇરસ અને ખોટી હૅબિટને કારણે અત્યારના સમયમાં વાઇરલ ઇન્ફેક્શનના ઘણા કેસ જોવા મળી રહ્યા છે. શરદી, ખાંસી, તાવ, ઊલટી જેવી તકલીફો થઈ રહી છે. આ સીઝનમાં થતા વાઇરલ ઇન્ફેક્શન પાછળનાં મુખ્ય કારણો કયાં અને એને કઈ રીતે તેને અટકાવી શકાય એ વિશે ઍલોપથી અને આયુર્વેદ બન્ને દૃષ્ટિકોણના નિષ્ણાંતો સાથે વિગતવાર વાત કરીએ.

ઍલોપથીની દૃષ્ટિએ

અત્યારના સમયમાં જ નહીં, પણ કોઈ પણ સીઝનલ ચેન્જની અસર શરીર પર થતી હોય છે. હવે ઉનાળા પછી ચોમાસું આવશે તો ત્યારે પણ આ પ્રકારની તકલીફો હશે. જનરલ પ્રૅક્ટિશનર ડૉ. સુશીલ શાહ કહે છે, ‘વેધર ચેન્જ થાય એટલે વાઇરસની તીવþતાઓ બદલાય. વાઇરસની માત્રા વધે એટલે વાઇરસ દ્વારા થતા ઇન્ફેક્શનની માત્રા પણ વધે. હવામાં રહેલા વાઇરસ નબળી ઇમ્યુન એટલે કે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવનારાને વધુ અસર કરે. બીજું, આ સીઝનમાં આપણી લાઇફસ્ટાઇલ પણ બદલાય. જેમ કે ઉનાળામાં આપણે ઠંડં-ઠંડું ખાવા અને પીવા માટે પ્રેરાતા હોઈએ, જે રોગપ્રતિકારક શક્તિને વધુ નબળી કરીને વાઇરસની એન્ટ્રીને વધારે. આજે તમે બહાર જે પણ ઠંડાં પીણાં પીઓ છો એ તમારી બૉડીના નૅચરલ ડિફેન્સ મેકૅનિઝમને અસર કરે. આપણી શ્વાસનળીમાં સિલિયા નામના ઝીણા-ઝીણા વાળ હોય છે જે કોઈ પણ પ્રકારના ફૉરેન પાર્ટિકલને, ડસ્ટને, વાઇરસને ફેફસાંમાં અંદર જતાં રોકે. વધુપડતો ચિલ્ડ આહાર અને લિક્વિડ આ નૅચરલ ડિફેન્સ સિસ્ટમને અસર કરે છે. એથી પણ વાઇરસ આપણને જલદી અફેક્ટ કરે છે. આખું વર્ષ તમે ઠંડું ન પીતા હો અને અચાનક ગરમીમાં પીવાનું શરૂ કરો તો એની પણ અસર થાય જ.’

ડૉ. સુશીલના કહેવા મુજબ આ પ્રકારનાં ઇન્ફેક્શન દવા ન કરો તો પણ આપમેળે અમુક સમયમાં મટી જતાં હોય છે. તેઓ કહે છે, ‘આ પ્રકારના વાઇરસ તરત લક્ષણો નથી દેખાડતાં, પણ ઇન્ફેક્શન લાગ્યાના ચોવીસથી બોતેર કલાક પછી એનાં લક્ષણો દેખાય છે જેને વાઇરસનો ઇન્ક્યુબિશન પિરિયડ કહેવાય છે. નાકમાંથી પાણી આવવું, ખાંસી અને છીંક દ્વારા વાઇરસને શરીર બહાર કાઢવાની કોશિશ કરે છે. આ પ્રકારના અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શનને સામાન્ય સંજોગોમાં બહુ હેવી ઍન્ટિબાયોટિક મેડિસિનના ડોઝની જરૂર નથી હોતી. જનરલી તાવ હોય તો બે દિવસમાં, શરદી, ગળાની ખરાશ અને ખાંસી સાતથી દસ દિવસમાં રિકવર થઈ જાય છે.’

શું કરવું, શું નહીં

ઉનાળામાં શરીરમાં નૉર્મલ ટેમ્પરેચરવાળું પાણી વધુ પ્રમાણમાં પીવાનું શરૂ કરી દેવું. ડીહાઇડ્રેશન ન થાય એનું ધ્યાન આ સીઝનમાં રાખવું જરૂરી છે, કારણ કે ડીહાઇડ્રેશન પણ તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી કરવામાં કારણભૂત હોય છે.

આર્ટિફિશ્યલ કલરવાળાં પીણાં, કોલ્ડ ડ્રીન્ક, આઇસક્રીમ વગેરે અનહાઇજિનિક હોય એવી ઠંડી વસ્તુઓ અવૉઇડ કરવી.

શાકભાજી, ફળો, આખું ધાન જેવા સંતુલિત આહારને સ્થાન આપો

નિયમિત કસરત કરો. આટલું કરવાથી જ તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે જે તમને આ પ્રકારનાં ઘણાં ઇન્ફેક્શનથી કુદરતી રીતે જ બચાવશે.

આયુર્વેદની દૃષ્ટિએ

આપણું શરીર વાત, પિત્ત અને કફનું બનેલું છે. ઉનાળામાં આટલી ગરમીમાં કઈ રીતે કફ સાથે સંકળાયેલી શરદી થઈ શકે છે એ વિશે આયુર્વેદાચાર્ય ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘આપણે ત્યાં બે જાતની શરદી છે, ગરમીની અને ઠંડીની. ગરમીમાં અતિશય ઠંડા પદાથોર્નું સેવન કરવાને કારણે થનારી શરદી ગરમીની શરદી કહેવાય. બહારના ટેમ્પરેચરની પણ શરીર પર અસર તો પડતી જ હોય છે. ગરમીમાં થતી શરદીમાં પિત્તજન્ય સુકો કફ થતો હોય છે.’

ગરમીમાં આપણો અગ્નિ મંદ પડ્યો હોય, જેને કારણે આપણને ખોટી ભૂખ લાગતી હોય છે. એ વિશે ડૉ. મહેશ કહે છે, ‘ગરમીમાં આપણે બરફ નાખેલાં પીણાં વધુ પીતા હોઈએ છીએ. હવે આ પીણાં તમે પેટમાં નાખો એટલે સૌથી પહેલાં તમારી હોજરી સંકોચાઈ જાય બરફને કારણે. જેમ બરફ હાથમાં લાંબો સમય પકડો તો હાથની ચામડી સંકોચાઈ જાય એ જ રીતે. હવે થોડીક વાર પછી એ હોજરી ફરી ખૂલે એટલે એમાંથી ઍસિડ પેદા થાય અને ખોટેખોટી ભૂખ લાગે. તાવ, શરદી કે ખાંસી જ નહીં, અન્ય બીમારીઓ પણ આને લીધે થાય છે. બીજું, ગરમીમાં વાઇરસનું પ્રમાણ વધુ હોય એનું એક કારણ એ પણ છે કે ગરમીમાં ઠેર-ઠેર પડેલા કચરામાં ફર્મેન્ટેશન થાય અને એ હવામાં વાઇરસ પણ વધારે. તમે ઉનાળામાં દુર્ગંધ વધુ આવે એ પણ અનુભવ્યું હશે. એની પાછળનું કારણ પણ એ જ છે.’

શું કરવું, શું નહીં

ગરમીમાં વાઇરસ આપણા પર હાવી ન થાય એ માટે તમારે નાકની અંદર ઘી અથવા તેલ ચોપડવું જોઈએ. વરસાદમાં કાટ ન લાગે એટલે દરવાજા પર જેમ ગ્રીઝ લગાડો એ રીતે. એનાથી શ્વાસ દ્વારા કોઈ વાઇરસ શરીરમાં નહીં જાય

આ સીઝનમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા અને વાઇરસથી રક્ષણ મેળવવા સવાર-સાંજ સૂંઠ નાખી નવશેકું પાણી પીવું.

તરત જ ઠંડકમાંથી ગરમીમાં અથવા ગરમીમાંથી ઠંડા ટેમ્પરેચરમાં આવજાવ ન કરવી

બને એટલું શરીરને કવર કરીને રાખવું

બરફનાં પીણાં પીવાને બદલે શરીરની અંદરનું ટેમ્પરેચર કન્ટ્રોલ કરવા માટે દેશી પીણાં ટ્રાય કરવાં. આમ પન્ના, ખસનું શરબત, ગોળ-વરિયાળીનું પાણી વગેરે પીવાં. કાચી કેરી, કાકડી અને કાંદાનું કચુંબર પણ આ સીઝનમાં તમારી બૉડીને હીટ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.

આ પણ વાંચો : શું હવે બાયોપ્સી જેવી જટિલ પ્રક્રિયાનો અંત આવશે?

નિષ્ણાત વૈદ્યની સલાહ લઈને દવાઓમાં જમતાં પહેલાં અવિત્તિકર ચૂર્ણ અડધી અથવા એક ચમચી, જમ્યા પછી લક્ષ્મીવિલાસ રસ અને આમપાચન વટી લેવી. એ સિવાય સૂકી ખાંસી અને વાઇરસને લગતી કોઈ પણ બીમારી હોય તો એમાં સુકતિનની આખી ગોળી દિવસમાં બેથી ત્રણ વાર લઈ શકાય અને સાથે અડધી ગોળી દિવસમાં ત્રણ ટાઇમ ડી કૉફિનની પણ લઈ શકાય.

health tips