કામનું છે કે નહીં તમે ખરીદેલું હૅન્ડ-સૅનિટાઇઝર?

18 March, 2020 05:25 PM IST  |  Mumbai | Arpana Shirish

કામનું છે કે નહીં તમે ખરીદેલું હૅન્ડ-સૅનિટાઇઝર?

હૅન્ડ-સૅનિટાઇઝર

હાલમાં આખું વિશ્વ જો કોઈ વાતથી ભયભીત હોય તો એ છે કોરોના વાઇરસ અને એનાથી બચવા માટે લોકો જે કંઈ શક્ય હોય એ કરી રહ્યા છે. લોકોના આ ભયમાં જો કોઈ બે પ્રોડક્ટના વેચાણમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હોય તો એ છે માસ્ક અને હૅન્ડ-સૅનિટાઇઝર. એટલી હદે કે હવે દુકાનો અને મૉલમાં આ ચીજોનો સ્ટૉક ખૂટી ગયો છે અને કેટલીક કંપનીઓએ કિંમતો વધારી દીધી છે. જોકે ડૉક્ટરોનું કહેવું છે કે બજારમાં મળતાં બધાં જ હૅન્ડ-સૅનિટાઇઝર હાથ પરના જીવાણુ અને વિષાણુઓને મારવા માટે સક્ષમ નથી. આ વિશે વાત કરતાં વૉકહાર્ટ હૉસ્પિટલના ઇન્ટરનલ મેડિસિન એક્સપર્ટ ડૉ. પ્રીતમ મુન કહે છે, ‘લોકો અહીં પૅનિક થઈ રહ્યા છે જેને કારણે ઇન્ટરનેટ પર જે કોઈ ઉપાય બતાવે એ કરવા માટે તૈયાર થઈ જાય છે. અને એમાંથી જ એક એટલે સૅનિટાઇઝર. કોરોના વાઇરસ કફ કે છીંક દરમ્યાન નીકળતા ડ્રૉપ્લેટ્સથી ફેલાય છે અને એટલે જ એના પર સૅનિટાઇઝર એટલી અસર નથી કરતાં. સૅનિટાઇઝરનાં પણ અમુક આલ્કોહૉલ કન્ટેન્ટ પૅરામીટર્સ છે જે એમાં ન હોય તો એની કોઈ અસર નથી.’

કેટલો આલ્કોહૉલ હોવો જરૂરી?

મોટા ભાગની કંપનીનાં સૅનિટાઇઝરના પૅકિંગ પર લખેલું હોય છે કે એ ૯૯.૯૯ ટકા જર્મ્સનો સફાયો કરે છે. એ જોતાં જ લોકો અટ્રૅક્ટ થાય છે અને હાથ ધોવાની સુવિધા હોય એવાં સ્થળોએ પણ સૅનિટાઇઝર લગાવી કામ નિપટાવે છે. આ વિશે ડૉ. પ્રીતમ મુન કહે છે, ‘ધ સેન્ટર ઑફ ડિસીઝ કન્ટ્રોલ અને પ્રિવેન્શનની ગાઇડલાઇન પ્રમાણે જે સૅનિટાઇઝરમાં ૬૦ ટકાથી વધુ આલ્કોહૉલ કન્ટેન્ટ હોય એ જ સ્કિન પર રહેલા જર્મ્સને મારી શકે છે. જોકે એ પણ પૂરી રીતે તો નહીં જ. અહીં આલ્કોહૉલથી દૂર રહેતા લોકો સૅનિટાઇઝર પણ આલ્કોહૉલ વિનાનું લઈ રહ્યા છે જે તદ્દન નકામું છે.’

કેટલીક કંપનીઓ આલ્કોહૉલને બદલે બેન્ઝલકોનિયમ ક્લોરાઇડ જર્મ કિલર તરીકે વાપરી રહી છે. આવાં સૅનિટાઇઝર હથેળી પર રહેલા જર્મ્સના ગ્રોથને રોકી શકે છે, પણ મારી નથી શકતા. જો કંઈ ન મળે તો આ સૅનિટાઇઝર વાપરી શકાય. પણ કોરોના વાઇરસની વાત આવે ત્યારે એના પર આધાર ન રાખી શકાય. આવા સૅનિટાઇઝરની બૉટલ પર સામેના ભાગમાં એ આલ્કોહૉલ-ફ્રી છે એ નથી લખવામાં આવતું પણ પાછળના ભાગમાં કન્ટેન્ટ ચેક કરશો ત્યારે ખ્યાલ આવશે કે એમાં આલ્કોહૉલને બદલે  બેન્ઝલકોનિયમ ક્લોરાઇડ છે, જે કોરોના વાઇરસ પર બેઅસર છે.

શું કરવું જોઈએ?

આઇડિયલી સૅનિટાઇઝર કરતાં પાણી અને સાબુ વધુ ઇફેક્ટિવ છે એ સમજાવતાં ડૉ. પ્રીતમ કહે છે, ‘જ્યાં પાણીની સગવડ હોય ત્યાં સૅનિટાઇઝરને બદલે હાથ પાણી અને સાબુથી જ ધોવા. હાથ પાણી અને સાબુથી ધોઈએ ત્યારે પાણીનો રંગ બ્રાઉનિશ થઈ જતો હોય છે, જેનો અર્થ કે હાથ પર ધૂળ અને માટી હતી જે હાથ ધોવાથી સાફ થઈ ગઈ. અહીં જો તમે સૅનિટાઇઝરનાં બે ટીપાં લઈ હાથ પર રબ કરી લો તો તમારા સંતોષ માટે તમે હાથમાંથી જીવાણુ અને વિષાણુ દૂર કર્યા પણ ધૂળ અને માટીનું શું? એ તો હાથ પર એમ જ રહી જશે. એટલે હાથ ધોવાથી આ વાઇરસ સામે જેટલું પ્રોટેક્શન મળશે એ સૅનિટાઇઝર ક્યારેય નહીં આપી શકે. સૅનિટાઇઝરનો ઉપયોગ એવી જગ્યાઓએ જ કરો જ્યાં પાણીના અભાવે હાથ ધોવા શક્ય ન હોય. કોઈ પણ મેડિકેટેડ સાબુ વાપરી શકાય.’

ઇમ્યુનિટી વધારો

કોરોના વાઇરસ સામે લડવા માટે ફક્ત સૅનિટાઇઝર લગાવવાથી કામ નહીં ચાલે. એની સામે લડવા માટે શરીરને અંદરથી સ્ટ્રૉન્ગ બનાવવું પડશે એવું જણાવતાં ડૉ. પ્રીતમ ઉમેરે છે, ‘રોજિંદા ખોરાકમાં વધુમાં વધુ પ્રમાણમાં પ્રોટીનનો સમાવેશ કરો. પ્રોટીન્સ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને કોઈ પણ પ્રકારના વાઇરસને ટકવા નથી દેતાં. એ સિવાય વિટામિન સીનો ઉપયોગ પણ આ સીઝનમાં વધુ ને વધુ કરવો જોઈએ જે શરીરમાં નૅચરલ ઍન્ટિબૉડીઝ પેદા કરી વાઇરસને દૂર રાખશે. જોકે આ બધાની ઇફેક્ટ લાંબે ગાળે થાય છે. એટલે દરરોજ ખોરાકમાં એ હોવાં જરૂરી છે.’

શરીરને ગરમ રાખો

કોઈ પણ વાઇરસ ઠંડા વાતાવરણમાં વધુ ફેલાય છે. વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ૨૫ ડિગ્રીથી ઉપર જાય અથવા હ્યુમિડિટી વધી જાય ત્યારે વાઇરસ અસર કરતો નથી. એટલે વાઇરસથી દૂર રહેવું હોય તો ઉનાળામાં ગરમી લાગે તોય ઠંડા પદાર્થો ખાવાનું ટાળવું જોઈએ.

સ્કિન પર સૅનિટાઇઝરની અસર

વધુપડતું સૅનિટાઇઝર સ્કિન માટે હાનિકારક નીવડી શકે છે. આ વિશે જણાવતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. રિન્કી કપૂર કહે છે, ‘૧૯૯૦માં સૅનિટાઇઝર પહેલી વાર બજારમાં આવ્યાં ત્યારે એ મેડિકલ ફીલ્ડમાં વધુ લોકપ્રિય બન્યાં હતાં, કારણ કે વારંવાર હાથ ધોવાનું શક્ય નહોતું. જ્યારે પાણી અને સાબુ હાજર ન હોય ત્યારે વાપરવા માટે આ હૅન્ડ-સૅનિટાઇઝર બેસ્ટ છે. પણ એનો વધુપડતો ઉપયોગ સ્કિન પર માઠી અસર કરી શકે છે.’

ત્વચા પરનું કુદરતી આવરણ તોડે છે -  સૅનિટાઇઝરમાં ૬૦ ટકાથી બધુ આલ્કોહૉલ હોવાને કારણે જો વારંવાર એનો ઉપયોગ કરવામાં આવે તો એ ત્વચાના ઉપરના કુદરતી આવરણને નુકસાન પહોંચાડે છે, જેના કારણે ત્વચાની બહારના ઇન્ફેક્શન સામે લડવાની શક્તિ સમાપ્ત થઈ જાય છે.

સ્કિનને સૂકી બનાવી દે છે – સૅનિટાઇઝરમાં રહેલો આલ્કોહૉલ ત્વચાને સૂકી અને ખરબચડી બનાવી દે છે. ક્યારેક ત્વચામાં તિરાડ પડી જાય છે, જેના લીધે ઇન્ફેક્શન પણ થઈ શકે.

સનબર્ન – વારંવાર સૅનિટાઇઝરના ઉપયોગથી સ્કિન પરનું નૅચરલ પીએચ બૅલૅન્સ ખોરવાય છે અને સૂર્યનાં હાનિકારક કિરણો ડાયરેક્ટ ત્વચામાં પ્રવેશવાને લીધે સ્કિન લાલ થઈ જાય છે.

ઍલર્જી – કેટલીક પ્રોડક્ટ્સ આલ્કોહૉલ-ફ્રી હોવાનો દાવો કરે છે અને એમાં ટ્રાયક્લોસન નામનું કેમિકલ વાપરે છે. એ ક્લીનિંગ અને પેસ્ટિસાઇડની બનાવટમાં વપરાય છે. આ કેમિકલની સ્કિન પર ઍલર્જી થઈ શકે. 

સૅનિટાઇઝરનો ઉપયોગ હથેળી સુધી જ સીમિત રાખવો

સૅનિટાઇઝર ક્યારેય શરીરની નાજુક સ્કિન પર લગાવવું ન જોઈએ, કારણ કે વાઇરસને મારવા માટે જરૂરી એવું ૬૦ ટકાથી વધુ આલ્કોહૉલનું પ્રમાણ નાજુક ચામડી માટે નથી.

સૅનિટાઇઝરને બદલે જો હૉસ્પિટલમાં વાપરવામાં આવતું બ્લુ રંગનું લિક્વિડ એટલે કે સ્ટરેલિયમ મળે તો એ વાપરી શકાય. એ સૅનિટાઇઝર કરતાં વધુ ઇફેક્ટિવ હોય છે,

કારણ કે એમાં આલ્કોહૉલનું પ્રમાણ ઊંચું હોય છે.

health tips arpana shirish