કોઈ પણ પ્રકારના વાઇરસથી બચવા માટે યોગ કેવી રીતે ઉપયોગી છે

12 March, 2020 02:55 PM IST  |  Mumbai | Ruchita Shah

કોઈ પણ પ્રકારના વાઇરસથી બચવા માટે યોગ કેવી રીતે ઉપયોગી છે

પ્રતીકાત્મક તસવીર

કોરોનાએ અત્યારે દુનિયાભરના લોકોની ઊંઘ હરામ કરી દીધી છે. થોડીક ક્ષણ માટે પણ તમે કોરોનાને ભૂલ્યા હો અને કોઈને ફોન લગાડ્યો કે ફરી વાર સામેવાળાની કૉલર ટ્યુનમાં ખાંસી ખાતી વ્યક્તિ ફરી કાતિલ કોરોનાની યાદ અપાવી દે છે. કેટલાક યોગગુરુઓ કોરોનાને નાથવા યોગ કરો એવી ડંફાસો હાંકી રહ્યા છે ત્યારે ખરેખર યોગથી કોરોના કે ઋતુસંધિકાળમાં ઉદ્ભવતા અન્ય વાઇરસોથી બચી શકાય કે કેમ એ વિશે જાણવાની કોશિશ કરીએ. એમાં યોગના વિષયને વૈજ્ઞાનિક અભિગમ સાથે પ્રચલિત કરી રહેલાં પતંજલિ યોગ ફાઉન્ડેશનનાં ડિરેક્ટર ડૉ. શર્લી ટેલસ શૅર કરે છે કેટલીક મહત્વપૂર્ણ વાતો. 

વિજ્ઞાનની વાત

સાઇકોન્યુરોઇમ્યુનોલૉજી નામની હવે ઝડપથી ડેવલપ થઈ રહેલી મેડિકલ સાયન્સની એક શાખા કહે છે કે આપણી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક શક્તિ કનેક્ટેડ છે અને એકબીજાને અસર કરે છે. આ સાયન્સ અનુસાર આપણાં ચેતાતંત્ર અને રોગપ્રતિકારક શક્તિ વિવિધ હૉર્મોન્સ, એન્ઝાઇમ્સ વગેરે દ્વારા એકબીજા સાથે વાતો કરે છે. જ્યારે વ્યક્તિ સ્ટ્રેસમાં હોય ત્યારે શરીરમાં જન્મતા ખાસ એન્ઝાઇમ્સ શરીર, ચેતાતંતુ અને રોગપ્રતિકારક શક્તિ ગણાતા વાઇટ બ્લડ સેલ્સને પણ પ્રભાવિત કરે છે જે લો ઇમ્યુનિટી માટે કારણભૂત હોઈ શકે છે. સૉરાયસિસ, કૅન્સર અને હાર્ટ ડિસીઝમાં પણ આ સ્ટ્રેસ હૉર્મોન્સનો મહત્વનો ફાળો સાઇકોન્યુરોઇમ્યુનોલૉજીએ સાબિત કરી આપ્યો છે. અહીં ડૉ. શર્લી ટેલસ કહે છે, ‘સાઇકોન્યુરોઇમ્યુનોલૉજી પ્રમાણે જ આપણી મેન્ટલ સ્ટેટ અને આપણને ઇન્ફેક્શન લાગવાની સંભાવના વચ્ચે પણ સ્ટ્રૉન્ગ કનેક્શન છે. રિસર્ચરોએ ઑબ્ઝર્વ કર્યું છે કે પરીક્ષાને કારણે ચિંતામાં હોય એવાં કેટલાંક બાળકોને એક્ઝામ પહેલાં ગળું ખરાબ થઈ જતું હતું. સ્ટ્રેસ, ફિયર, ઇન્સિક્યૉરિટી જેવાં નેગેટિવ ઇમોશન્સ વધુ હોય એ સમયે કોઈ પણ વાઇરસ ઝડપથી અટૅક કરી શકે છે; કારણ કે એ મેન્ટલ સ્ટેટ આપણી રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. એ દૃષ્ટિએ યોગ ઘણી હેલ્પ કરી શકે છે. જેમ કે અવેરનેસ સાથે યોગિક ક્રિયાઓ કરો તો તમે માનસિક રીતે રિલૅક્સ થાઓ છો. સ્ટ્રેસ ઓછું થાય એટલે ઇમ્યુનિટી વધે. યોગિક લાઇફસ્ટાઇલ ધરાવતા લોકોના જીવનમાં ડિસિપ્લિન હોય અને એ ડિસિપ્લિનને કારણે કોઈ પણ રોગચાળા માટે મનમાં ચિંતા નથી થતી. વધારે પડતી ચિંતા પણ ઇમ્યુનિટીને નબળી પાડે.’

એવિડન્સ છે

યોગયુક્ત જીવનશૈલી હોય તો આપણે નિયમિત એક્સરસાઇઝ કરીએ, પૂરતી ઊંઘ લઈએ, સાત્ત્વિક આહાર લઈએ. એથી કુદરતી રીતે જ કોઈ પણ પ્રકારનાં ઇન્ફેક્શન આપણાથી દૂર રહે. આ માત્ર વાતો નથી, ભૂતકાળમાં આવું થયું છે એમ જણાવીને ડૉ. શર્લી કહે છે, ‘યોગને કારણે ભૂતકાળમાં ઘણાં બૅક્ટેરિયલ ઇન્ફેક્શન દૂર થયાનાં સંશોધનો છે. ટીબી જેવાં ઇન્ફેક્શન હોય એવા દરદીઓને પણ યોગને કારણે લાભ થયો હોવાનું સાબિત થયું છે. બ્રેસ્ટ-કૅન્સર ધરાવતા પેશન્ટમાં પણ અમુક કિલર સેલ્સનું પ્રમાણ યોગ ઍક્ટિવિટી બાદ ઘટ્યું હોવાનું રિસર્ચરો નોંધી ચૂક્યા છે. ટૂંકમાં યોગને કારણે, પ્રાણાયામને કારણે ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રૉન્ગ થવાનાં ભૂતકાળમાં ઘણાં રિસર્ચ ઑલરેડી થઈ ચૂક્યાં છે.’

શું કરવાનું?

બે-ચાર દિવસ યોગ ક્લાસમાં ગયા એટલે કામ પત્યું એમ નહીં ચાલે. અહીં યોગિક લાઇફસ્ટાઇલની વાત ચાલે છે. સાત્ત્વિક અને પ્રમાણસર ખાવાનું, પૂરતું સૂવાનું, નિયમિત આસનો અને પ્રાણાયામ કરવાનાં જેને ફૉલો કરવું પ્રૅક્ટિકલી પણ શક્ય છે. ડૉ. શર્લી કહે છે, ‘યોગમાં જે પ્રૅક્ટિસ રિલૅક્સેશનને પ્રમોટ કરતી હોય, સ્ટ્રેસ રિડક્શન કરતી હોય અને ડીપ સ્લીપ માટે મદદ કરતી હોય એ બધું જ કરવાથી લાભ થશે. તમે ઇમોશનલી અને સાઇકોલૉજિકલી રિલૅક્સ્ડ હશો એટલે રોગપ્રતિકારક શક્તિ અડધી તો લાઇન પર આવી ગઈ. બાકીનું પચાસ ટકા કામ તમારી કસરતો, ડાયટ અને પ્રૉપર ઊંઘથી થઈ જશે. બેસીને, ઊભા રહીને, પેટ પર અને પીઠ પર સૂઈને એમ તમામ પ્રકારનાં આસનો કરી શકાય. જે પણ આસનો કરો એમાં તમારી રિલૅક્સેશન માટેની અવેરનેસ અકબંધ રહે એ ખૂબ જરૂરી છે. જેમ કે તમે યોગમાં જ્યારે પ્રાણાયામ કરો છો ત્યારે એ તમારા શરીરની સિસ્ટમને રેસ્ટ ઍન્ડ ડાઇજેસ્ટ મોડ પર લઈ જાય છે એટલે કે આપણા શરીરની પૅરાસિમ્પથેટિક સિસ્ટમને ઍક્ટિવેટ કરે છે જેનું કામ છે શરીરને હળવાશ આપવાનું. બીજું, અનુલોમ-વિલોમ પ્રાણાયામના પાંચ મિનિટનાં ત્રણ રાઉન્ડ અને વચ્ચે એક-એક મિનિટનો બ્રેક લઈ કુલ અઢાર મિનિટ કરવાનાં. એવી જ રીતે ભ્રામરી પ્રાણાયામ અને ઓમ ચૅન્ટિંગ પણ કરી શકાય. આ બધું જ રોગપ્રતિકારક શક્તિ વધારનારું છે. અત્યારના સમયમાં પૅનિક થયા વિના સાચી માહિતી મેળવો એટલું જ કરવા જેવું છે.’

આ તો આજથી જ ચાલુ કરો

રોજ પાંચ મિનિટના ત્રણ અને વચ્ચે એક મિનિટનો બ્રેક એમ ૧૮ મિનિટ અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરો. એક નાસિકામાંથી શ્વાસ લેવો અને બીજી નાસિકામાંથી બહાર છોડવો. પછી બીજી નાસિકામાંથી લઈને પહેલી નાસિકામાંથી છોડવો. આ રીતે અનુલોમ-વિલોમ પ્રાણાયામ કોઈ શિક્ષક પાસે શીખીને નિયમિત ધોરણે ચાલુ કરશો તો એનાથી શરીરમાં સંતુલન કેળવાશે. આ પ્રાણાયામ કોઈ પણ કરી શકે છે. કોરોના જેવા કોઈ પણ વાઇરસ આપણને ન પજવે એ માટે આ પ્રાણાયામની ઉપયોગિતા વિશેષ છે. અનુલોમ-વિલોમની જેમ જ કોઈ પણ કરી શકે તેમ જ માનસિક રીતે રિલૅક્સેશન આપીને સ્ટ્રેસને ભગાડતું ભ્રામરી પ્રાણાયામ અને ઓમકારનું રટણ પણ કરી શકાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવા શું કરશો?

સૂર્યનમસ્કાર

આ એક કમ્પ્લીટ વ્યાયામ છે. અનુભવી શિક્ષકની હાજરીમાં શ્વાસોચ્છ્વાસની સભાનતા સાથે સૂર્યનમસ્કાર કરો તો આખા શરીરને સ્ટ્રેચિંગ મળી શકે છે.

સાઇડના ભાગમાં બેન્ડિંગ કરવાનું આ આસન છે જે તમારાં ફેફસાંની તંદુરસ્તી વધારે છે અને તમારા શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા વધારે છે. તમારા હિપ્સની ફ્લેક્સિબિલિટી વધારવામાં અને કમર ફરતેની ચરબી ઘટાડવામાં પણ એ ઉપયોગી છે. 

ભુજંગાસન : પેટ પર સૂઈને પેટથી ઉપરનો ભાગ ઊંચકવો અને કરોડરજ્જુને પાછળની તરફ ખેંચાણ આપવું. પેટના સ્નાયુઓને ઉત્તેજિત કરે, થાક અને સ્ટ્રેસ દૂર કરે, ફેફસાં, બાહુપાશ અને છાતીના ભાગને મજબૂતી આપે. આ આસનમાં ફેફસાંના સ્નાયુઓ ખૂલતા હોવાથી શ્વાસ બહેતર બને, જેથી અસ્થમા માટે આ બેસ્ટ આસન ગણાય છે. પ્રાચીન પુસ્તકો કહે છે ભુજંગાસનથી શરીરમાં ઊર્જા વધે છે એટલે ગમેતેવા રોગો નષ્ટ પામે છે.

ભુજંગાસનની જેમ જ પેટની બાજુ સૂઈને છાતી અને પગનો હિસ્સો ઊંચો કરવાનો. આ આસનથી પેટના, પીઠના, સાથળના, નિતંબના સ્નાયુઓને બળ મળે છે. આ હિસ્સામાં વધારાની ચરબી હોય તો એ દૂર થાય છે. સંપૂર્ણ શરીરને ઉત્તેજિત કરીને રિલૅક્સ કરે છે. પૉશ્ચર સુધારે છે. કરોડરજ્જુમાં લચીલાપણું લાવે છે અને ડિપ્રેશનમાં પણ ઉપયોગી આસન મનાય છે.

પીઠની બાજુ ચત્તા સૂઈને બન્ને પગનાં ઘૂંટણને વાળીને ડાબે અને જમણે ઝુકાવવાં અને એ સમયે વિરુદ્ધ દિશામાં ગરદનને લઈ જવાના આ આસનને પણ સ્પાઇનની હેલ્થ માટે, શ્વસન પ્રક્રિયા બહેતર બનાવવા માટે, પેટના રોગોને દૂર કરવા અને શરીરનો થાક ઉતારવા માટે ઉપયોગી મનાય છે.

health tips coronavirus ruchita shah