દાદા-દાદી, તમને ખબર છે કેમ ડેન્ચર જરૂરી છે?

12 February, 2020 12:47 PM IST  |  Mumbai | Varsha Chitaliya

દાદા-દાદી, તમને ખબર છે કેમ ડેન્ચર જરૂરી છે?

ડેન્ચર

સ્વસ્થ અને નીરોગી જીવન માટે પૌષ્ટિક આહાર લેવો જોઈએ અને એ આહારને ચાવવા દાંતની જરૂર પડે છે. શરૂઆતથી જ કુદરતી દાંતની સંભાળ લીધી હોય તો બેસ્ટ છે, પરંતુ કોઈ કારણસર દાંત પડાવવાનો વારો આવે તો ચોકઠું બેસાડવું અત્યંત જરૂરી છે. દાંતનું ચોકઠું કઈ રીતે તમને મદદરૂપ થાય છે તેમ જ એની કાળજી કઈ રીતે લેવી જોઈએ એ જાણી લો.

સ્માઇલ તમારા વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. સ્મિત કરતી વ્યક્તિ સૌને ગમે. સ્માઇલ આપતી વખતે દાડમની કળી જેવા દાંત સામેવાળી વ્યક્તિ પર પ્રભાવ છોડી જાય છે. જોકે એ માટે મોઢામાં દાંત હોવા જરૂરી છે. દાંત આપણા શરીરનું એવું અંગ છે જેના વગર એક ક્ષણ પણ ચાલે નહીં. ખોરાક ચાવવામાં અને શબ્દો બોલવામાં ઉપયોગી દાંત તમારા યુવાન હોવાની સાબિતી છે. ડેન્ટલ કૅરમાં આપણે ઘણી પ્રગતિ કરી છે તેમ છતાં આજે પણ મોટા ભાગના લોકો દાંતને હેમખેમ સાચવી રાખવામાં નિષ્ફળ જાય છે.

દાંતમાં સડો, પેઢામાંથી લોહી નીકળવું, દાંતની ઈજા જેવાં અનેક કારણોસર દાંત પડાવી નાખવા પડે છે. સામાન્ય રીતે સિત્તેરની વય સુધીમાં મોટા ભાગના લોકો પોતાના ઓરિજિનલ દાંત ગુમાવી બેસે છે. આપણી આસપાસ એવા ઘણા વડીલો છે જેઓ ચોકઠું અથવા બત્રીસી પહેરે છે. આજે આપણે આ ડેન્ચર વિશે વિગતવાર વાત કરીશું.

ડેન્ચર એટલે શું?

આપણા મોઢામાં દરેકેદરેક દાંતનું આગવું મહ‌ત્વ છે. ભગવાને આપેલા કુદરતી દાંતોની નાનપણથી સંભાળ લીધી હોય તો એંસી વર્ષ સુધી ડેન્ચર વાપરવાની જરૂર પડે નહીં. કોઈ કારણસર દાંત કઢાવવો જ પડે એમ હોય તો એને રિપ્લેસ કરવો જોઈએ એમ જણાવતાં અંધેરી અને કિંગ્સ સર્કલમાં પ્રૅક્ટિસ કરતા તેમ જ લીલાવતી હૉસ્પિટલ સાથે જોડાયેલા ઑર્થોડોન્ટિસ્ટ ડૉ. રાજેશ કામદાર કહે છે, ‘દાંત પડાવ્યા બાદ એની જગ્યાએ નવો દાંત ન બેસાડો તો મોઢાનું બૅલૅન્સ બગડી જાય છે. સામાન્યપણે ડેન્ચર એટલે બધા ખોટા દાંત એવી માન્યતા છે. વાસ્તવમાં ડેન્ચરની વ્યાખ્યા ઘણી જુદી છે. સાદી ભાષામાં કહીએ તો ડેન્ચર એટલે રિમૂવેબલ પ્લેટ જે તમારા દાંતને ટેકો આપે છે. એ એક-બે દાંત, પાંચ કે પછી ત્રીસ દાંત હોઈ શકે છે. ઓછા દાંતનું ચોકઠું હોય એને પાર્શલ ડેન્ચર કહેવાય અને તમામ દાંત પડાવ્યા બાદ ચોકઠું પહેરો એને ફુલ ડેન્ચર કહેવાય.’

ડેન્ચરની અનિવાર્યતા

આયુર્વેદ અને યુનાની ગ્રંથો અનુસાર મોટા ભાગના રોગો પાચનતંત્રની તકલીફના કારણે થાય છે. દાંત પડાવ્યા બાદ દરદીઓને જમવાની પડતી તકલીફના લીધે પેટનાં દર્દોથી પીડાવું પડે છે. દાંત પડાવ્યા બાદ ચોકઠું બનાવવું શરીરની સંપૂર્ણ તંદુરસ્તી માટે અત્યંત જરૂરી છે જેથી ચાવવાની સમસ્યા દૂર કરી શકીએ. આ સંદર્ભે માહિતી આપતાં તેઓ કહે છે, ‘હવે જીવનનાં કેટલાં વર્ષ બાકી રહ્યાં છે એવું માનીને દાંત વગર ચલાવી લેવામાં જરાય સમજદારી નથી. ઘણી વાર સિનિયર સિટિઝન્સને એવું કહેતા સાંભળીએ છીએ કે હવે આ ઉંમરે મોઢામાં પાંચ-સાત દાંત ન હોય તો ચાલી જાય. કેટલાક લોકો અડધા તૂટેલા દાંતથી પણ ચલાવી લેતા હોય છે. વડીલોને ખાસ કહેવાનું કે આ કન્સેપ્ટને મગજમાંથી કાઢી નાખો. હજી કેટલી આવરદા બાકી છે એ આપણે જાણતા નથી. જેટલી પણ લાઇફ બાકી છે એમાં નીરોગી રહીએ એ અગત્યનું છે. શરીરને સ્વસ્થ રાખવા દરેક પ્રકારનાં પોષક તત્ત્વો પેટમાં જવાં જોઈએ અને એ આપણને ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે. ખોરાકને ચાવવા દાંતની આવશ્યકતા પડે છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે પાણી ખાવું જોઈએ અને ખોરાક પીવો જોઈએ. એનો અર્થ ખોરાક પાણી થાય એટલી વાર (૩૨ વખત) ચાવવો જોઈએ, કારણ કે પેટમાં દાંત નથી. ખોરાક એકરસ થઈ પેટમાં જાય તો આપણી પાચનશક્તિ સારી રહે. પાચનશક્તિને વ્યવસ્થિત રાખવા દાંતની અનિવાર્યતા છે પછી એ કુદરતી દાંત હોય કે ચોકઠું. કેટલાક લોકો શું કરે છે? ડાબી બાજુના દાંત પડાવી નાખ્યા હોય તો જમણી બાજુના દાંતથી ચલાવી લે અથવા આગળ-પાછળ જે દાંત બચ્યા હોય એનાથી ચાવીને ચલાવી લે. તમે બે પગની સહાયથી ચાલો છોને? એક પગ હોય તો ચાલવાનું બૅલૅન્સ રહે? તો દાંતમાં બાંધછોડ કેમ? ચાવવા માટે બન્ને બાજુ દાંત જોઈએ.’

 

ચોકઠું ક્યારે બને?

દાંત પડાવ્યા બાદ ત્રણ મહિનામાં ફરીથી ડૉક્ટર પાસે આવવું જોઈએ એવી ભલામણ કરતાં ડૉ. રાજેશ કહે છે, ‘ધારો કે સાઠ વર્ષે તમે એક દાંત પડાવ્યો છે. ત્રણ મહિના બાદ એની જગ્યાએ નવો દાંત બેસાડવો પડે. જોકે નવો દાંત બેસાડવાનો સાચો સમય, દાંત બેસાડી શકાશે કે નહીં, પેઢાં અને હાડકાં સપોર્ટ કરશે કે નહીં, ડેન્ચર બેસશે કે ફિક્સ્ડ દાંત બેસાડવો પડશે, બ્રિજ બનાવવાનો છે, ઇમ્પ્લાન્ટ કરાવવું જેવા ઘણા ઑપ્શન હોય છે. આ તમામ બાબતો પર ડૉક્ટર સાથે ચર્ચા કરી લેવી. આપણા દેશમાં ડેન્ટલ ટ્રીટમેન્ટમાં ઇન્શ્યૉરન્સ કવર થતું નથી તેથી વડીલો સારવાર ટાળે છે. આવું ન કરવાની સલાહ છે. દાંતની જગ્યા ખાલી રહે તો આજુબાજુના બીજા દાંત ધીમે-ધીમે શિફ્ટ થવા લાગે છે. આ પ્રક્રિયાને અટકાવવા માટે પણ નવો દાંત બેસાડવો જરૂરી બને છે. તમારી પાસે ઘણાબધા વિકલ્પો છે, એમાંથી તમને પરવડે અને ડૉક્ટરને અનુકૂળ લાગે એ પ્રમાણે નિર્ણય લઈ નવો દાંત બેસાડવો. અક્કલની દાઢ સિવાયના દરેક દાંતને રિપ્લેસ કરવા જોઈએ.’

ડેન્ચર કૅર

ડેન્ચર કૅર વિશે જાણકારી આપતાં તેઓ કહે છે, ‘રિમૂવેલબલ ડેન્ચર ક્લેન્ઝિંગ પેસ્ટ આવે છે. રાત્રે ડેન્ચરને કાઢી એમાં મૂકી દો એટલે પેઢાંને આરામ મળે. પહેરતાં પહેલાં એને પાણીથી વ્યવસ્થિત સ્વચ્છ કરી લેવું. ઘણાને આ બધું કંટાળાજનક લાગે છે, પરંતુ આળસ ન કરવી. કદાચિત ચોકઠું તૂટી જાય તો પોતાની મેળે રિપેર કરવાનો પ્રયાસ ન કરવો. એક વાર ચોકઠું બનાવી લો પછી જિંદગીભરની નિરાંત, આ માન્યતા ખોટી છે. ઘણા દરદીઓ એક વાર ચોકઠું બનાવ્યા બાદ પંદર-વીસ વર્ષ સુધી વાપર્યા કરે છે. હાડકાં અને પેઢાં ઘસાઈ જવાથી કેટલાક સમય બાદ ડેન્ચરનું ફિટિંગ બગડી જાય છે. લાંબા ગાળે આ બાબત નુકસાનકારક સાબિત થાય છે. કેટલાક કેસમાં ચોકઠાને સેટ થતાં સમય લાગે છે તેથી ધીરજ રાખવી અને ડૉક્ટરની સલાહ મુજબ કરવું. ચોકઠું બનાવડાવી લીધા બાદ પણ વર્ષમાં એક વાર ડેન્ટલ ચેકઅપ કરાવવું જરૂરી છે.’

 

ઓરિનિજલ દાંતની જનરલ કૅર

શરૂઆતથી જ દાંતની ઉપયોગિતાને સમજી કાળજી લેવામાં આવે તો ડેન્ચરની આવશ્યકતા ન રહે એમ જણાવતાં ડૉ. રાજેશ કહે છે, ‘નાનપણથી જ ઓરલ કૅવ‌િટી પર ધ્યાન આપો. બ્રશિંગ કરતાં માત્ર બે મિનિટ લાગે છે તેમ છતાં આપણે આળસ કરીએ છીએ. પરિણામે દાંત જીવનપર્યંત સાથ આપતા નથી. જેમ તમે રાત્રે સૂતા પહેલાં નાઇટ ડ્રેસ પહેરો છો એ જ રીતે બ્રશિંગની હૅબિટ પાડવી જોઈએ. બ્રશના બ્રિસલ વાંકા વળે ત્યારે અથવા દર ત્રીજા મહિને બ્રશ બદલવું પણ એટલું જ અગત્યનું છે. બ્રશની પસંદગીમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું. બ્રશનું હેડ વધુ મોટું ન હોવું જોઈએ. હેડ એટલે કે આગળનો ભાગ તમારા છેલ્લા દાંત સુધી પહોંચવો જોઈએ. દાંતની આવરદા માટે પર્યાપ્ત માત્રામાં પાણી પીવું. ખોરાકમાં શુગરની માત્રા કન્ટ્રોલમાં રાખવી. સાત વર્ષની ઉંમરથી જ વર્ષમાં ઓછામાં ઓછું એક વાર દાંતની તપાસ કરાવવી. ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશરના દરદીનાં પેઢાં જલદી નબળાં પડી જાય છે. આ રોગના દરદીએ દાંતની કાળજીમાં વધુ ધ્યાન આપવું.’

 

ડેન્ચરનો આ પણ ફાયદો

દાંત પડાવ્યા બાદ જમવામાં જ તકલીફ થાય છે એવું નથી, મોઢામાં દાંત ન હોવાના લીધે ચહેરાનો ઘાટ બદલાય જાય છે અને વૃદ્ધાવસ્થાની કરચલીઓ વધુ દેખાવા લાગે છે. દાંત તમારા ગાલ તથા હોઠની માંસપેશીઓને ટેકો આપી સુડોળ બનાવે છે તેથી ચહેરાનો ઘાટ જળવાઈ રહે છે. કેટલાક દરદીઓને દાંત ન હોવાના કારણે બોલવામાં ઘણી અડચણોનો સામનો કરવો પડે છે. શબ્દોના ઉચ્ચારણ માટે પણ ચોકઠું મદદરૂપ થઈ શકે છે.

 

હવે જીવનનાં થોડાં વર્ષ બાકી રહ્યાં છે એવું માનીને દાંત વગર ચલાવી લેવામાં જરાય સમજદારી નથી. વડીલોએ આવી માન્યતાને મગજમાંથી કાઢી નાખવી જોઈએ. શરીરને સ્વસ્થ રાખવા દરેક પ્રકારનાં પોષક તત્ત્વો પેટમાં જવાં જોઈએ અને એ આપણને ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે. ખોરાકને ચાવવા દાંતની આવશ્યકતા પડે છે. કુદરતે આપેલા દાંતને સાચવી રાખવા શ્રેષ્ઠ છે, પરંતુ કોઈ કારણસર દાંત પડાવી નાખવા પડે એમ હોય તો ડેન્ચરનો વિકલ્પ રાખવો જ જોઈએ

- ડૉ. રાજેશ કામદાર, ઑર્થોડોન્ટિસ્ટ

health tips Varsha Chitaliya