તમે કેવાં કેળા ખાઓ છો? ગ્રીન, યલો કે પછી બ્રાઉન?

03 October, 2019 03:44 PM IST  |  મુંબઈ | દર્શિની વશી

તમે કેવાં કેળા ખાઓ છો? ગ્રીન, યલો કે પછી બ્રાઉન?

કેળા

કેળાંમાં ભરપૂર માત્રામાં કૅલ્શિયમ હોય છે. દરેક વ્યક્તિએ કેળાં તો ખાવાં જ જોઈએ એવું આપણે સાંભળતા આવ્યા છીએ, પરંતુ શું તમે જાણો છો કે કાચા કેળાની પાકા બનવા સુધીની સફર દરમિયાન એની અંદર રહેલાં વિટામિન્સ અને મિનરલ્સ દરરોજ બદલાતાં રહે છે જેને લીધે આ કેળાં હેલ્થ માટે ક્યારેક મિત્રનું કામ કરે છે તો ક્યારેક શત્રુનું કામ પણ કરે છે. તો ચાલો, એના વિશે જાણી લઈએ.

થોડા સમય અગાઉ એક પ્રસિદ્ધ ન્યુઝપેપર દ્વારા એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોટા ભાગના લોકોએ તૈયાર હોય એવાં કેળાં ખાતાં હોવાનું કહ્યું છે, જ્યારે ખૂબ પાકી ગયાં હોય એવાં કેળાંને પસંદ ન કરતા હોવાનું જણાવ્યું હતું. પરંતુ હકીકતમાં માત્ર તૈયાર કેળાં જ નહીં પરંતુ તમામ પ્રકારનાં કેળાં હેલ્થ માટે ખૂબ ગુણકારી છે. કેળાંનો સમાવેશ સૌથી સસ્તાં અને ખાવામાં સરળ એવા ફળમાં થાય છે, જેને લીધે આ ફ્રૂટ ખાનાર વર્ગ પણ મોટો છે દરેક વ્યક્તિ તેની પસંદગીની મુજબ કેળાં ખાવાનો આગ્રહ રાખે છે. કોઈને થોડાં પાકેલાં કેળાં ખાવા ગમતાં હોય તો કોઈને પૂર્ણ રીતે પાકી ગયેલાં કેળાં તો કોઈને ખૂબ પાકીને કાળાં પડી ગયેલાં કેળાં ભાવતાં હોય છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે આ અલગ-અલગ કેળાંની અંદર રહેલાં વિટામિન્સ અને મિનરલ્સ પણ અલગ-અલગ હોય છે. કેળાં એકદમ કાચાં હોય ત્યારથી લઈને ખૂબ પાકાં થઈને કાળાં થઈ જાય ત્યાં સુધીના દરેક તબક્કામાં એની અંદર રહેલાં વિટામિન્સ અને મિનરલ્સમાં પણ બદલાવ આવતો રહે છે, જે હેલ્થ પર પણ અનેક રીતે અસર કરી શકે છે જેથી કેળાં આરોગતાં પહેલાં એના વિશે જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે.

કેળાં એક એનર્જીથી ભરપૂર હોય છે. માત્ર તૈયાર કેળાં જ નહીં, પરંતુ કાચાં કેળાં પણ ખાવા માટે બેસ્ટ હોય છે. એમ જણાવીને ન્યુટ્રિશનિસ્ટ ડિસ્ટી વીરા કહે છે, ‘કાચાં કેળાંમાં ભરપૂર ફાઇબર હોય છે જે શરીર માટે ખૂબ ઉપયોગી હોય છે, જેથી આવાં કેળાં આરોગવા માટે બેસ્ટ ગણી શકાય છે. પરંતુ આજે આવાં કેળાં કોઈ ખાવા જલદીથી તૈયાર થતું નથી અને સંપૂર્ણ રીતે પાકી ગયેલાં કેળાં જ લોકોને પસંદ છે. જોકે એની અંદર પણ ફાઇબરનું પ્રમાણ હોય છે, પરંતુ ન્યુટ્રિશન થોડાં ઓછાં થઈ ગયાં હોય છે. ઘણા કાચાં કેળાંને ફ્રૂટ તરીકે ગણતાં પણ નથી, પરંતુ હેલ્થની દૃષ્ટિએ એ સારાં હોવાથી એનો અન્ય રીતે ઉપયોગ કરીને ખાઈ શકાય છે. કાચાં કેળાંમાં ફાઇબરની સાથે પ્રોબાયોટિક પણ હોય છે જેને લીધે પાચનશક્તિ મજબૂત બને છે જે હેલ્થ માટે બેસ્ટ છે. વધુ સંખ્યામાં કાચાં કેળાં અને વધુ પાકી ગયેલાં કેળાં આરોગવા પણ શરીર માટે સારાં નથી જેથી એક લિમિટ રાખવી જોઈએ. કાચાં કેળાં ઘણી વખત ગૅસ કરે  છે જ્યારે વધુ પડતાં પાકી ગયેલાં કેળાંમાં શુગર લેવલ ઘણું હાઈ હોય છે, જેને લીધે એને અવૉઇડ કરવાં જોઈએ.’

કયા કેળાના કેવા ગુણ?

૧. ગ્રીન બનાના

આમ તો જ્યારથી કેળાં થાય ત્યારથી લઈને એકદમ પાકીને પીચક થઈ જાય ત્યાં સુધીમાં તો એ અનેક રૂપ અને ગુણ બદલે છે, પરંતુ કેળાંનાં પાંચ મુખ્ય રૂપ મહત્વનાં ગણાય છે. એમાં સૌથી પહેલાં આવે છે લીલાં કેળાં, જે એકદમ કાચાં હોય છે અને એનો ઉપયોગ ચિપ્સ બનાવવા માટે થાય છે. આવાં કેળાંની અંદર વધુ માત્રામાં હાઈ રેઝિસ્ટન્સ સ્ટાર્ચ હોય છે અને શુગર ઓછી હોય છે એથી ડાયાબિટીઝના દરદીઓને પણ ખાવાની સલાહ અપાય છે.

૨. યલો બનાના

કાચાં અને થોડાં પાકાં કેળાં પણ ફાઇબરયુક્ત હોય છે અને એમાં શુગરનું લેવલ ઓછું હોય છે જેથી ડાયાબિટીઝના દરદીઓ એને ખાઈ શકે છે. કાચાં કેળાં થોડાં પાકાં થવા લાગે એટલે એનો રંગ બદલાઈને પીળો થવા લાગે છે જે હજી પૂર્ણપણે તૈયાર થયેલાં હોતાં નથી, પરંતુ સ્વાદમાં થોડાં મીઠાં લાગે છે. આવાં કેળાંમાં ફાઇબર વધુ હોય છે અને શુગર ઓછી હોય છે.

૩. યલો અને લાઇટ ટપકાંવાળાં કેળાં  

આવાં કેળાંની ગણતરી તૈયાર કેળાંમાં થાય છે જેને સામાન્ય રીતે લોકો ખાતા હોય છે, જેની અંદર ઍન્ટિ-ઑક્સિડન્ટ લેવલ ઊંચું હોય છે તેમ જ ફાઇબર પણ હોય છે. કેળાં તૈયાર થવાની સાથે એની અંદર રહેલી કૉમ્પ્લેક્સ શુગરનું રૂપાંતર સિમ્પલ શુગરમાં થાય છે, જેને લીધે એ પચવામાં સરળ બને છે. કેળાં કાચામાંથી પાકાં બને ત્યારે કુદરતી પ્રોસેસ દરમિયાન એ કેટલાંક માઇક્રો ન્યુટ્રિશન ગુમાવી દે છે. એવું પણ કહેવામાં આવે છે કે તૈયાર કેળાંની અંદર TNF નામક ઍક્ટિવ સબસ્ટન્સનું પણ નિર્માણ થાય છે ને કૅન્સરના કોષોને તોડી પાડવામાં મદદરૂપ થાય છે. તેમ જ આ કેળાંમાં રોગપ્રતિકારક શક્તિ પણ અનેકગણી વધી જતી હોય છે.

આ પણ વાંચો : દિવસ દરમ્યાન કોફી પીવાથી પથરીનું જોખમ ઘટે છે

૪. ઘટ્ટ બ્રાઉન ટપકાંવાળાં કેળાં

પાકી ગયેલાં કેળાંને એક દિવસ રાખી મૂકવામાં આવે તો એની છાલ પર બ્રાઉન કલરના મોટા- મોટા ડૉટ દેખાવા લાગે છે. આ કેળાંમાં શુગરનું પ્રમાણ પણ વધવા લાગે છે સાથે મિનરલ્સ અને વિટામિન પણ ઓછાં થવા
લાગે છે. પરંતુ એનાથી પાચનશક્તિ મજબૂત બને છે. જો એને વધુ એકબે દિવસ બહાર રાખવામાં આવે તો એ એકદમ બ્રાઉન અને બ્લૅક થઈ જાય છે 

૫. બ્રાઉન બનાના

કેળાં વધુપડતાં પાકી જાય એટલે એનો રંગ ડાર્ક બ્રાઉન થઈ જાય છે અને દબાઈ પણ જાય છે, જેને લીધે આવાં કેળાંને લોકો ફેંકી દેતા હોય છે. પરંતુ આપણામાં એવી કહેવત છેને જૂનું એટલું સોનું. બસ, આ કેસમાં પણ એવું જ છે. આવાં કેળાં ઍન્ટિ-ઑક્સિડન્ટનાં પાવરહાઉસ હોય છે અને પચવામાં અને ચાવવામાં એકદમ હલકાં હોય છે, પરંતુ ડાયાબિટીઝના દરદીઓ માટે આ જોખમી બની શકે છે કેમ કે આ કેળાંમાં પુષ્કળ પ્રમાણમાં શુગર વધી જાય છે અને ફાઇબર એકદમ ઘટી જાય છે.

health tips