દૂધ-કેળાં ખૂબ ભાવે છે? તો આ જરૂર વાંચી જાઓ

31 January, 2020 03:25 PM IST  |  Mumbai | Arpana Shirish

દૂધ-કેળાં ખૂબ ભાવે છે? તો આ જરૂર વાંચી જાઓ

દૂધ-કેળાં

ઉપવાસ હોય કે નાસ્તો બનાવવાનો સમય ન હોય ત્યારે બહુ હાથવગાં હોય છે દૂધ-કેળાં. દૂધમાં કેળાં સમારીને કે ક્રશ કરીને બનાના મિલ્કશેક બનાવીને લેવાનું બહુ જ કૉમન છે. જોકે આયુર્વેદ કહે છે કે બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાનું ફેવરિટ આ કૉમ્બિનેશન શરીરને ખૂબ નુકસાન પહોંચાડી શકે છે.

દૂધ અને કેળાંની જોડી મિલ્કશેકથી લઈને ફ્રૂટ સૅલડ સુધી બધે જ લોકપ્રિય છે. બપોરના સમયે ગરમી થતી હોય, ઉપવાસ હોય કે પછી વધુ કંઈ ખાવાની ઇચ્છા ન હોય તો લોકો દૂધ-કેળાં ખાવાનું પસંદ કરે છે. બાળકોને વજન વધે એ માટે પણ બનાના મિલ્કશેક અપાતો હોય છે, પણ બધાનાં આ માનીતાં દૂધ-કેળાં અસલમાં શરીરમાં દોષમાં ઊથલપાથલ કરીને નુકસાન કરી શકે છે. ચાલો જાણીએ એક્સપર્ટ્સ આ સંદર્ભે શું કહે છે.

દૂધ સાથે ફળ વર્જ્ય

આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે કોઈ પણ દૂધ સાથે કોઈ પણ ફળનું સેવન ન કરવું જોઈએ. આપણે ત્યાં બધાં જ ફ્રૂટને દૂધ સાથે મિક્સ કરીને બનાવવામાં આવતું ફ્રૂટ સૅલડ પણ ખૂબ લોકપ્રિય છે, પણ એ નુકસાન કરે છે. આ વિશે વાત કરતાં આયુર્વેદિક કન્સલ્ટન્ટ ડૉ. સૂર્યા ભગવતી કહે છે, ‘દૂધ એક પૂર્ણ આહાર છે અને માટે જ દૂધમાં જ્યારે કોઈ બીજી ચીજ ભેળવો ત્યારે એની ન્યુટ્રિશનલ વૅલ્યુ ઘટી જાય છે. કેળાં જ નહી, કોઈ પણ ફળને દૂધ સાથે ન લેવાં જોઈએ. દરેક ફળમાં ઓછા-વધારે પ્રમાણમાં ખટાશ હોય છે, જે દૂધમાં ભળે એટલે પાચનતંત્રમાં બગાડ થાય. દરેક ખાદ્ય પદાર્થોમાં રસ હોય છે અને દરેક રસ એકમેક સાથે ભળે એવું નથી.’

દૂધ અને કેળાં

દૂધ અને કેળાં બન્ને પદાર્થ પચવામાં ભારે ગણાય. કેળાં અને દૂધ સાથે લેવાથી શું નુકસાન થઈ શકે એ વિશે જણાવતાં ડૉ. સૂર્યા ભગવતી કહે છે, ‘દૂધ એ મધુર રસ છે, જ્યારે ફળોમાં ખટાશ હોય છે. કેળાં ભલે સ્વાદમાં મીઠાં હોય તોયે આ બન્ને ચીજો ભેગી થાય એટલે શરીરમાં દોષમાં ઊથલપાથલ થાય છે. કેળાં અને દૂધ એકસાથે રાખવાનું સંયોજન ખરાબ છે અને એને વિરુદ્ધ આહાર તરીકે ઓળખવામાં આવે છે. કેળાં અને દૂધ ભેગું થાય એટલે આમ જેવો ઝેરી પદાર્થ પેદા કરે છે જે શરીરમાં થતા અસંતુલન અને મોટા ભાગના રોગોનું કારણ બને છે. આ મિશ્રણ જઠરાગ્નિને ઠંડી પાડે છે જેને લીધે પાચનક્રિયા મંદ પડે છે. એને કારણે ઊલટી-ઝાડા જેવી તકલીફો થઈ શકે. એ સિવાય વિરોધ આહાર હોવાને લીધે કફ, શરદી, ઉધરસ, શરીર પર ચાંઠાં પડવા જેવા ઍ‌લર્જિક રીઍક્શન પણ થઈ શકે. આ સંયોજનને લીધે શરીરમાં નકારાત્મક રીઍક્શન થાય છે જેનાથી વધારાનું પાણી જનરેટ થાય છે જે હૃદયરોગ, ઊલટી અને અતિસારમાં પરિણમી શકે છે.’

આ વાતને સમર્થન આપતાં ન્યુટ્રિશનિસ્ટ હેતલ છેડા કહે છે, ‘દૂધ અને કેળાં આ બન્ને ચીજો જુદી-જુદી છે, પણ પચવામાં ખૂબ ભારે છે અને જ્યારે સાથે ભેગી થાય ત્યારે શરીરની બધી જ એનર્જી ખર્ચી નાખે છે. દૂધ ઇન્ફ્લેમેટરી છે, ઍસિડીટીને વધારે છે, જ્યારે કેળાંથી ચીકાશ વધે છે જેને લીધે કફનું પ્રમાણ વધતાં શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે. દૂધ-કેળાંનું આ મિશ્રણ કોઈએ ન લેવું જોઈએ અને ડાયાબિટીઝના દરદીઓ તેમ જ વેઇટવૉચર્સે તો નહીં જ નહીં. દૂધ અને કેળાં બન્નેમાં નૅચરલ સાકરનું પ્રમાણ વધુ હોય છે અને એનાંથી બ્લડ ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે. ઘણી વાર પ્રી-વર્કઆઉટ કે પોસ્ટ વર્કઆઉટ ડ્રિન્ક તરીકે બનાનાશેક લેવાની સલાહ આપવામાં આવે છે. જોકે આ મિશ્રણમાં કાર્બોહાઇડ્રેટ ભરપૂર પ્રમાણમાં હોવાને લીધે એ વધુ ઇન્સ્યુલિન પેદા કરે છે અને તમને ફરી પાછું સ્વીટ ખાવાની ઇચ્છા થતી રહે છે. ઓવરઑલ આ બન્ને પદાર્થ એકસાથે મિશ્રણ તરીકે લેવામાં આવે ત્યારે શરીરને ગેરફાયદો જ થાય છે.’

ખાવાં જ હોય તો શું કરવું?

દૂધ અને કેળાં જોકે જુદાં-જુદાં લેવામાં આવે ત્યારે શરીરને અનેક પ્રકારે પોષણ પૂરું પાડે છે. આયુર્વેદમાં દૂધ એક સંપૂર્ણ આહાર છે જ્યારે કેળાંમાં પણ અનેક માઇક્રો ન્યુટ્રિશિયન્ટ્સ, મિનરલ્સ અને વિટામિન્સ હોય છે. આ વિશે જણાવતાં ડૉ. સૂર્યા ભગવતી કહે છે, ‘કેળાંને બધાં ફળો કરતાં ઉત્તમ ગણવામાં આવ્યુ છે એટલે કેળાં જરૂર ખાવાં જોઈએ. દિવસમાં અડધું કે એક કેળું જરાય નુકસાન નથી કરતું એટલે એનો સમાવેશ આહારમાં કરવો જ જોઈએ. શરત એટલી જ કે એની સાથે દૂધ ન હોવું જોઈએ અને જો દૂધ લેવાઈ જ ગયું હોય કે લેવાનું જ હોય તો કેળાં અને દૂધના સેવન વચ્ચે ઓછામાં ઓછી ૨૦ મિનિટનું અંતર હોવું જોઈએ. એ સિવાય કેળાં ખાવા માટેનો બેસ્ટ સમય બપોરનો છે. વહેલી સવારે કે રાતે કેળાં લેવાનું ટાળવું જોઈએ. જેઓ ઠંડી ચીજોથી ઍ‌લર્જિક હોય તેમને વાતાવરણમાં ઠંડક હોય ત્યારે કેળાં ખાવાથી કફ, શર્દી જેવી તકલીફ થઈ શકે.’

બીજી બાજુ દૂધ પીવા માટે કોઈ સમયની બાધા નથી. દૂધ ગમે તે સમયે લઈ શકાય. બસ શક્ય હોય ત્યાં સુધી એ એકલું જ લેવું. દૂધ અને કેળાં બન્નેના પોતાના રસ, ગુણધર્મો અને પોષક તત્ત્વો છે જે એને એકલાં લેવામાં આવે તો યથાવત્ રહે છે, જ્યારે એકસાથે મિશ્ર કરીને લેવામાં આવે તો એ પોષક તત્ત્વો તો નાશ પામે જ છે અને સાથે શરીરમાં નકામાં ઝેરી તત્ત્વો બનવાને કારણે નુકસાન કરે છે.’

દૂધ સાથે ફળ નહીં જ

દૂધમાં કોઈ પણ ખટાશ ઉમેરવામાં આવે ત્યારે એ બગડી જાય છે. ફળોનો સ્વાદ ભલે મીઠો હોય અને એને ઉમેરવાની સાથે તરત જ દૂધ ન બગડે, પણ શરીરની અંદર જ્યારે આ ચીજો એકસાથે જાય ત્યારે દૂધનો બગાડ થાય છે અને પાચનતંત્રને અસર થાય છે. દૂધ સાથે કેળાં સિવાય સ્ટ્રૉબેરી, સફરજન, શક્કરટેટી, તરબૂચ જેવાં ફળ પણ ન લેવાં જોઈએ.

દૂધ સાથે કયાં ફળ ખાવાં?

મોટા ભાગનાં બધાં જ ફળમાં થોડીઘણી ખટાશ હોય જ છે. અહીં ખૂબ પાકેલી મીઠી કેરી કે ચીકુ દૂધ સાથે લઈ શકાય. એ સિવાય સૂકા મેવા કે ડ્રાયફ્રૂટને પણ દૂધ સાથે લઈ શકાય. અવાકાડો પણ એક એવું ફળ છે જેને દૂધ સાથે લેવામાં આવે તો ફૅટ ટિશ્યુને ફાયદો થાય છે.

દહીં અને કેળાંની સ્મૂધી

કેળાને દૂધ સાથે લેવાની મનાઈ છે, પણ એ દહીં સાથે લઈ શકાય. આ વિશે જણાવતાં ન્યુટ્રિશનિસ્ટ હેતલ કહે છે, ‘દૂધમાં લેક્ટોઝ હોય છે જે કેળાં સાથે શરીરને પચવામાં ભારે પડે છે, પણ જ્યારે દૂધમાંથી દહીં બને ત્યારે લેક્ટોઝ લેક્ટેઝમાં ફેરવાય છે અને શરીરમાં પ્રોબાયોટિક તરીકે કામ કરે છે. એટલે કેળાં સાથે દહીં લેવાથી કોઈ સાઇડ ઇફેક્ટ પણ નથી થતી. કેળાં અને દહીંની સ્મૂધી બનાવીને લઈ શકાય.’

health tips tips arpana shirish