બાળકોને બહુ પેઇનકિલર્સ આપો છો? તો સાવધાન!

17 January, 2020 03:01 PM IST  |  Mumbai | Arpana Shirish

બાળકોને બહુ પેઇનકિલર્સ આપો છો? તો સાવધાન!

ફાઈલ ફોટો

હાલ જ અમેરિકામાં બે લાખ જેટલા પીડિયાટ્રિક કેસનો અભ્યાસ કરતાં જાણવા મળ્યું હતું કે મોટા ભાગના કેસ બાળકોને વધુ પાવરવાળી પેઇનકિલર્સ આપવાને લીધે થતી સાઇડ-ઇફેક્ટ અને ઇમર્જન્સીના હતા. જર્નલ ઑફ ક્લિનિકલ ટૉક્સિકોલૉજીમાં છપાયેલા આ તારણ પ્રમાણે બાળકોમાં પેરન્ટ્સ અથવા ડૉક્ટરોની નજરઅંદાજીને લીધે થતા આવા કેસમાં ૨૦૦૫ પછી વધારો જોવા મળ્યો છે અને બાળકોને દુખાવામાંથી રાહત આપવા માટે આપવામાં આવતી આ હાઈ પાવર પેઇનકિલર બાળકોને અનેક પ્રકારનું નુકસાન પહોંચાડી શકે છે તેમ જ જીવનું જોખમ પણ થઈ શકે છે. બાળકોને ઈજા થાય કે પછી કોઈ ઇન્ફેક્શન થાય ત્યારે દુખાવો થવો સામાન્ય છે. જોકે આવામાં બાળકોને અવારનવાર અપાઈ દેવાતી આઇબુપ્રોફેન અને પૅરાસિટામૉલ જેવી પેઇનકિલર્સનો ઉપયોગ કરતા સમયે કઈ તકેદારી લેવી જોઈએ એ જાણીએ.

બાળકનું વજન અને ડોઝ

બાળક જ્યારે એક વર્ષથી નાનું હોય ત્યારે ટીપાંના માપ વડે દવા આપવામાં આવે છે અને થોડું મોટું થાય એટલે આ માપ મિલીમાં અપાય છે. જોકે આ માપ પેરન્ટ્સ જાતે નક્કી ન કરી શકે. આ વિષે વાત કરતાં ઝેન હૉસ્પિટલનાં પીડિયાટ્રીશ્યન કવિતા ગોહિલ કહે છે, ‘બાળકોને સામાન્ય રીતે દુખાવો કે ઇન્ફેક્શન થાય ત્યારે પેઇન રિલીવર્સ આપવામાં આવે છે. અહીં જો બાળક એક વર્ષથી નાનું હોય તો તેને આવી પેઇનકિલર્સ આપવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ. થોડાં મોટાં બાળકોમાં પણ ડૉક્ટરે સલાહ આપી હોય એ પ્રમાણે અને એટલા જ ડોઝમાં દવા આપવી જોઈએ. બાળકોને કેટલી દવા આપવી એ તેમના વજન પરથી નક્કી થાય છે અને જો એ માપદંડ ફૉલો ન કરવામાં આવે તો એનાં ગંભીર પરિણામો આવી શકે છે. ઓવર ધ કાઉન્ટર મળી જતી પૅરાસિટામૉલ અને આઇબુપ્રોફેન બન્ને દવાઓ વધુ પ્રમાણમાં લેવામાં આવે તો કિડની અને લિવર પર ખરાબ અસર કરી શકે છે.’

બાળકો સાથે રિસ્ક નહીં

ઘરમાં રાખેલી પેઇનકિલર્સ લઈ લેવાની અને બાળકોને પણ આપી દેવાની આદત વિષે મધરહૂડ હૉસ્પિટલનાં નિયોનેટોલૉજિસ્ટ અને પીડિયાટ્રિશ્યન ડૉ. સુરેશ બિરાજદાર કહે છે, ‘પૅરાસિટામૉલ ઍન્ટિપાયરેટિક મેડિસિન છે, જ્યારે આઇબુપ્રોફેન અને ઍસ્પિરિન ઍનલ્જિઝક દવાઓ છે. જ્યાં સુધી શક્ય હોય બાળકો માટે પૅરાસિટામૉલનો જ ઉપયોગ કરવો, જે દુખાવામાં રાહત આપે છે. ઍનલ્જિઝક મેડિસિન વધુ ઇન્ફેક્શન હોય ત્યારે અપાય છે, કારણ કે એનાથી બાળકના શરીરમાં પ્લેટલેટ્સ ઘટી જાય છે અને બાળકનો જીવ જોખમાય છે.’

જરૂર છે?

પાંચ વર્ષનું બાળક પોતાને થતા દુખાવા વિષે તમને કહી શકશે અને બે વર્ષથી નીચેનાં કે બોલી ન શકતાં બાળકોને જ્યારે દુખાવો થાય ત્યારે એ દુખાવો જ છે કે પછી એનું કારણ મૂખ કે ઊંઘ હશે એ કહેવું મુશ્કેલ છે. અહીં જો બાળક ચીસો પાડીને રડતું હોય, ચહેરો ખેંચતું હોય, એકાએક ખાવાનું કે દૂધ પીવાનું છોડી દે, રમવાનું બંધ કરે કે હંમેશ કરતાં ઍક્ટિવ ન જણાય તો સમજવું કે બાળક પેઇનમાં છે. આવામાં બાળકને જો ખૂબ દુખાવો થાય છે એવું લાગતું હોય તો પ્રાથમિક સારવાર તરીકે ડૉક્ટરે પહેલાં સૂચવેલો કે બૉટલ પર લખેલી સલાહ પ્રમાણે પેઇન રિલીવર મેડિસિનનો ડોઝ આપી શકાય. આ વિષે ડૉ. કવિતા કહે છે, ‘એકાદ ડોઝ આપ્યા બાદ તરત જ ડૉક્ટરને દેખાડી આગળની સલાહ લેવી. આવી દવાઓ વધુ લેવામાં આવે તો પુખ્ત વયની વ્યક્તિઓને પણ નુકસાન કરે છે ત્યારે બાળકોને આ દવાઓ એક દિવસથી વધુ ન આપવી જોઈએ. આફ્ટર ઑલ આ દવાઓ પેઇન રિલીવર છે. એ ફક્ત દુખાવાનાં લક્ષણોને ઘટાડશે, પણ દુખાવાનું કારણ શું છે એ જાણી એની સારવાર કરવી જરૂરી છે.’ 

વાત સાથે સહમત થતાં ડૉ. બિરાજદાર કહે છે, ‘સ્વાઇન ફ્લુ અને ડેન્ગી પણ વાઇરલ ફીવર છે અને એનાં લક્ષણો શરૂઆતમાં સામાન્ય વાઇરલ ફીવર જેવાં જ હોય છે. સામાન્ય વાઇરલ ફીવર જાતે જ બે દિવસમાં જતો રહે છે. પણ બીજું ઇન્ફેક્શન હશે તો તાવ આવતો રહેશે. આવામાં પૅરાસિટામૉલનો ઉપયોગ તાવ ઘટાડશે, પણ વાઇરસ શરીરની અંદર ફેલાતા જશે. એટલે ગમે તે કારણે તાવ આવતો હોય તો એની પુષ્ટિ કર્યા સિવાય દવાઓ આપવી નહીં.’

કઈ રીતે આપવી દવા?

પૅરાસિટામૉલના બે ડોઝ વચ્ચે ચારથી ૬ કલાકનું અંતર હોવું જોઈએ અને ૨૪ કલાકમાં ચારથી વધુ વાર આ દવા આપી શકાય નહીં. જો ૨૪ કલાક બાદ પણ દવા આપવી પડશે એવું જણાય તો ડૉક્ટરની સલાહ લેવી.

આઇબુપ્રોફેન હાઈ ડિગ્રી દવા છે. એના બે ડોઝ વચ્ચે ૬થી ૮ કલાકનું અંતર હોવું જોઈએ અને એક દિવસમાં ત્રણથી વધુ વાર આ દવા ન આપવી.

આડઅસર

દવાઓની આડઅસરો જગવિખ્યાત છે અને બાળકોમાં એ મોટાઓમાં થાય એના કરતાં વધુ ઝડપથી અને ગંભીર રીતે થઈ શકે છે. અહીં જો પેઇન રિલીવર દવાઓ ભૂખ્યા પેટે લેવામાં આવે તો પરિણામ વધુ સિરિયસ આવી શકે છે. જો બાળકને દવા આપવી હોય તો તેનું પેટ ભરેલું હોય એ જરૂરી છે. ખાલી પેટે દવા આપવાથી વૉમિટિંગ, સ્ટૂલમાં બ્લડ, અપસેટ સ્ટમક જેવી સાઇડ- ઇફેક્ટ્સ થઈ શકે છે. જો અવારનવાર પેઇનકિલર્સ આપવામાં આવતી હોય તો લાંબે ગાળે કિડની અને લિવર પર પણ માઠી અસર થઈ શકે છે. ઘણી વાર બાળકને શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ શકે. દવાનો ઓવરડોઝ બાળક માટે જીવલેણ સાબિત થઈ શકે.

બાળકોથી દવાઓ રાખો દૂર

બાળકોને દુખાવાને લીધે રડતાં ન જોઈ શકાય એ સત્ય છે પણ દરેક દુખાવા માટે પેઇનકિલર આપવાની ભૂલ ઘાતકી સાબિત થઈ શકે છે.

શરીરમાં ઇન્ફેક્શન થાય ત્યારે તાવ આવે છે અને એ સામાન્ય વાત છે. તાવ એ નિશાની છે કે બાળકનું શરીર એ ઇન્ફેક્શન સામે લડી રહ્યું છે. તાવ આવે એટલે તરત જ પૅરાસિટામૉલનો ડોઝ આપી દેવાને બદલે કપાળ પર પાણીનાં પોતાં મૂકવાં તેમ જ બાળકના શરીરને ભીના કપડાથી લૂછી લેવાના ઘરેલુ ઉપચાર કરી શકાય. જોકે જો તાવ ૧૦૦ ડિગ્રી સેલ્સિયસથી વધુ હોય તો દવા આપવી જરૂરી છે.

બાળકો જ ઍક્સિડન્ટલી દવાની બૉટલ ઉપાડીને પીલે અને ઓવરડોઝને લીધે હૉસ્પિટલ પહોંચવું પડે એવા કેસ ખૂબ જોવા મળે છે. આવું ન થાય એટલે દવાનું બૉક્સ અને બૉટલ્સ બાળકની પહોંચથી દૂર રાખવાં અને જો બાળક એ વધુ પ્રમાણમાં પી લે તો તરત જ હૉસ્પિટલમાં ઇમર્જન્સી સારવાર લેવી.

બાળક ૧૫ વર્ષનું ન થાય ત્યાં સુધી તેને ઓવર ધ કાઉન્ટર પેઇનકિલર્સ ન આપવી જોઈએ. કેટલાક પેરન્ટ્સને પોતાની દવાને અડધી કરી બાળકોને આપવાની ટેવ હોય છે. આવું ન કરવું, એ જીવલેણ સાબિત થઈ શકે. ખાસ કરીને માથાના દુખાવા માટે અપાતી ઍસ્પિરિન. એનાંથી લોહી પાતળું થઈ ઇન્ટરનલ બ્લીડિંગની તકલીફ થઈ શકે છે.

ધ્યાનમાં રાખો

બાળકને પૅરાસિટામૉલ કે આઇબુપ્રોફેન ડૉક્ટરે જણાવેલા ડોઝમાં જ આપવી. બૉટલ પર પણ વજન પ્રમાણે કેટલો ડોઝ આપવો એ લખેલું હોય છે. ડોઝ માટેની કૅપથી એ માપીને જ દવા આપવી જોઈએ. આ દવાઓ દુખાવો અને એનાં લક્ષણો ઓછાં કરશે, પણ એનું કારણ નહીં મટાડે એટલે વહેલી તકે ડૉક્ટર પાસે જઈ દુખાવાના કારણની જાણકારી મેળવવી. પૅરાસિટોમૉલ અને આઇબુપ્રોફેન આ બન્ને દવાઓ ૪૮ કલાકથી વધુ સમય માટે ન આપવી.

health tips arpana shirish