ક્યારેક સાતમા આસમાન પર તો ક્યારેક ડિપ્રેશનની ઊંડી ગર્તામાં

18 September, 2019 02:56 PM IST  |  મુંબઈ | અર્પણા શિરીષ

ક્યારેક સાતમા આસમાન પર તો ક્યારેક ડિપ્રેશનની ઊંડી ગર્તામાં

બાયપોલર ડિસઑર્ડર

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને એક રિપોર્ટ પ્રસ્તુત કર્યો હતો. આ રિપોર્ટ પ્રમાણે જે દેશમાં પૉલ્યુશનનું પ્રમાણ ખૂબ વધુ હોય ત્યાં રહેતા લોકોને કેટલાક જીવલેણ શારીરિક અને માનસિક રોગ થઈ શકે છે. ફેફસાંનું કૅન્સર, લકવો વગેરે. આ રિપોર્ટમાં વધુ એક માનસિક રોગનું નામ આપવામાં આવ્યું છે, એ એટલે બાયપોલર ડિસઑર્ડર. વૈજ્ઞાનિકો કહે છે કે જ્યાં પ્રદૂષણ હોય ત્યાંના લોકોને ડિપ્રેશન અને બાયપોલર જેવા ન્યુરોલૉજિકલ ડિસઑર્ડર થઈ શકે છે. સ્ટડીમાં જણાવ્યા પ્રમાણે એકલા અમેરિકામાં જે પ્રદેશોમાં પ્રદૂષણનું પ્રમાણ નૉર્મલ કરતાં વધુ હતું ત્યાં બાકીના પ્રદેશોની સરખામણીમાં બાયપોલારના દરદીઓની સંખ્યા ૨૭ ટકા વધુ જોવા મળી હતી. જોકે મનોવૈજ્ઞાનિકોએ આ અહેવાલને સંપૂર્ણપણે ખોટો ઠરાવ્યો છે. આ વિશે સમજાવતાં સાયકિયાટ્રિસ્ટ ડૉ. કેરસી ચાવડા કહે છે, ‘બાયપોલર એ એક જેનેટિક ડિસઑર્ડર છે. પ્રદૂષણ હોય કે ન હોય, આ માનસિક બીમારી જો થવાની હોય તો થાય જ છે.’

શું છે બાયપોલર?

ક્યારેક જેનેટિક ખામીઓને લીધે અને ક્યારેક ન્યુરોટ્રાન્સમિટર અને હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ, સ્ટ્રેસ કે ટ્રોમાને લીધે થતા બાયપોલરના ભોગ બની શકાય છે. લાઇફમાં ઉતાર-ચડાવ આવવા સામાન્ય છે પણ જેમને બાયપોલર હોય તેમના જીવનમાં આ સામાન્ય વાત નથી. બોયપોલરથી પીડિત વ્યક્તિ જ્યારે ઉત્સાહી હોય તો અતિઉત્સાહી હોય છે અને જ્યારે ઉદાસ થાય ત્યારે ડિપ્રેશનમાં સરી પડે એટલી હદે ઉદાસ થાય છે. વધુમાં બાયપોલરવાળી વ્યક્તિઓના સ્વભાવ કે મૂડના આ ઉતાર-ચડાવ જેને મૂડ સાઇકલ્સ કહેવાય છે એ ક્યારેક દિવસ તો ક્યારેક અઠવાડિયા અને મહિનાઓ સુધી પણ ચાલે છે. સામાન્ય મૂડ સ્વિંગ કરતાં જુદા એમ બાયપોલર ડિસઑર્ડરના મૂડ સ્વિંગ્સ તેમને પોતાને માટે તેમ જ આસપાસના લોકો માટે જોખમી નીવડી શકે છે. જો બાળક આ માનસિક તકલીફથી પીડાતું હશે તો તેનો સ્કૂલ પર્ફોર્મન્સ બગડી શકે છે અને જો ઍડલ્ટ વ્યક્તિ હોય તો તેનાં કામ અને રોજિંદા જીવનમાં તેનાં નકારાત્મક પરિણામો જોવા મળી શકે છે.

દિશાહીન લક્ષ્ય

બાયપોલર ડિસઑર્ડરનાં લક્ષણો વિશે સમજાવતાં ડૉ. કેરસી ચાવડા કહે છે, ‘આ રોગથી પીડાતી દરેક વ્યક્તિનાં લક્ષણો જુદાં-જુદાં હોઈ શકે. સાવ સામાન્ય કે ખુશ લાગતો માણસ બીજી જ પળે ડિપ્રેસ્ડ કે વાયલન્ટ બની શકે. તેમનું એનર્જી-લેવલ એટલુંબધું વધી જાય કે તેઓ દિશાહીન ગૉલ સેટ કરવા લાગે તેમ જ દેશમાં ચાલતા મોટામાં મોટા પ્રૉબ્લેમ્સનો હલ તેમની પાસે જ છે, એવો અતિઆત્મવિશ્વાસ દેખાડે. ક્યારેક વધુ પડતી ઇમોશનલ થઈ જાય તો ક્યારેક ખુશીમાં કૂદકા મારવા લાગે. આ માનસિક બીમારીના દરદીઓ ક્યારેય કોઈ પણ પ્રસંગને સામાન્ય વ્યક્તિ આપે એ રીતે પ્રતિભાવ નથી આપી શકતી. ક્યારેક ટૉપ ઑફ ધ વર્લ્ડ હોવાનું ફીલ કરવું તો ક્યારેક સુસાઇડ કરવાના વિચારો બાયપોલરથી પીડિત વ્યક્તિને આવી શકે છે.’

રોજિંદા જીવન પર અસર

આ એક મૂડ સ્વિંગને લગતી બીમારી હોવાને લીધે રોજિંદા જીવનનાં કામ તેમ જ સંબંધો પર આની માઠી અસર થઈ શકે છે. આ સંદર્ભમાં એક કેસ વિશે વાત કરતાં ડૉ. કેરસી કહે છે, ‘એક વાઇફ તેના હસબન્ડના હાઈપર બિહેવિયરથી પરેશાન હતી. હસબન્ડ બૅન્કર હતો અને તેના ક્યારેક અગ્રેસિવ તો ક્યારેક ડિપ્રેસિવ મૂડને લીધે તેની બૅન્કના સહકર્મચારીઓ પણ પરેશાન હતા. એટલે સુધી કે બૉસે તેને રજા લઈ પોતાનો ઇલાજ કરાવવાની સલાહ આપી, ઘરે મોકલી દીધા હતા, કારણ કે ગમે ત્યારે કંઈ ને કંઈ બોલી દેવું, જરૂર ન હોય એ પ્રમાણે નિર્ણય લેવા, મીટિંગમાં ધાર્યા કરતાં વિપરીત વર્તવું વગેરે લક્ષણોને લીધે ડૉક્ટર પાસે ગયા તો શરૂઆતના બ્લડ તેમ જ બીજા રિપોર્ટ કરાવ્યા, જે નૉર્મલ હતા, પણ પછી લક્ષણોને લીધે બાયપોલરનું નિદાન થયું અને હવે છેલ્લાં પાંચ વર્ષથી તેઓ આ માટેની મેડિસિન લે છે, જેના લીધે તેમની કન્ડિશન હવે કન્ટ્રોલમાં છે.’

બાયપોલરમાં આવતા મૂડ સ્વિંગથી વ્યક્તિ પોતાને જ નહીં, પણ તેની આજુબાજુ રહેલા સહકર્મચારીઓ અને સંબંધીઓને પણ નુકસાન પહોંચાડી શકે છે. ક્યારેક હતાશા કે ઓવર કૉન્ફિડન્સને લીધે વ્યક્તિ ડ્રગ્સ, અબ્યુઝ જેવું રિસ્કી બિહેવિયર પણ અપનાવે છે. 

દવા લેવી આવશ્યક

બાયપોલરનું નિદાન જો ખૂબ શરૂઆતના સ્ટેજમાં જ થઈ જાય તો ૬૦થી ૭૦ ટકા પ્રૉબ્લેમ કાઉન્સેલિંગથી હલ થઈ જાય છે. જોકે મેડિકેશન અનિવાર્ય છે એવું કહેતાં ડૉ. કેરસી ઉમેરે છે કે ‘મેડિસિન ત્યાં સુધી ચાલુ રાખવાની હોય છે જ્યાં સુધી ડૉક્ટર એને બંધ કરવાની સલાહ ન આપે. મોટા ભાગના કેસમાં દરદીને એવું લાગવા લાગે છે કે તે હવે સારો થઈ ગયો છે અને મેડિકેશન લેવાનું છોડી દે છે. આવા કેસમાં બાયપોલર ફરીથી ઍક્ટિવ થઈ શકે છે. ક્યારેક એવું પણ બને કે મૂડ સ્વિંગ અને બ્રેઇન કેમિકલને બૅલૅન્સ રાખવા માટે ઓછામાં ઓછી એક વર્ષ અને વધુમાં વધુ આજીવન દવા લેવી પડે.’

કોને થઈ શકે બોયપોલર ડિસઆૅર્ડર?

બાયપોલર ડિસઑર્ડર ગમે તે વયની વ્યક્તિને થઈ શકે છે. જેમની ફૅમિલીમાં આ ડિસઑર્ડરની હિસ્ટરી હોય તેમના પેરન્ટ કે સિબલિંગને બાયપોલર હોય, એ વ્યક્તિને આ માનસિક બીમારી થવાની શક્યતા વધુ પ્રમાણમાં હોય છે. એ સિવાય વધુપડતી તાણ જેમ કે લાઇફમાં કોઈ બનાવ બનવો, કોઈ અતિપ્રિય વ્યક્તિની ડેથ કે બીજા કોઈ ટ્રોમા થયો હોય તો બાયપોલર ડિપ્રેશન આવી શકે છે. આ સિવાય વધુપડતા ડ્રગ અને આલ્કોહૉલના સેવનથી પણ આ માનસિક બીમારી થઈ શકે છે.

બાયપોલર ધરાવતી વ્યક્તિની સંભાળ

બાયપોલર ધરાવતી વ્યક્તિ સાથે એક ઘરમાં રહેતાં ઘરની દરેક વ્યક્તિ માટે તાણ પેદા થઈ શકે છે. આવા ફૅમિલી-મેમ્બરના મૂડ સ્વિંગ્સ સાથે ડીલ કરતી વખતે બીજા સભ્યોમાં પણ અપરાધભાવ, ડર, ગુસ્સો અને વધુમાં કંઈ જ કરી ન શકતા હોવાને કારણે લાચારીની ભાવના આવી શકે છે, પણ જો બાયપોલરવાળી વ્યક્તિને સંભાળવામાં થોડી તકેદારી લેવામાં આવે તો રિકવરી પણ ઝડપી બને છે.

જો બાયપોલરનાં લક્ષણો હોય તો એ વ્યક્તિને તરત જ સાયકોલૉજિકલ મદદ લેવાની સલાહ આપવી અને તેમને પ્રોત્સાહન આપવું. આપણે ત્યાં મોટા ભાગના લોકો સાયકિયાટ્રિસ્ટ પાસે જવાની વાત આવતાં જ ‘શું હું પાગલ છું?’ એવો પ્રશ્ન કરે છે. જોકે પ્રોફેશનલ હેલ્પ જ બાયપોલર ડિસઑર્ડરનો ઇલાજ છે. એટલે વગર કોઈ મેડિસિન કે સાયકિયાટ્રિસ્ટની મદદે વ્યક્તિ સારી થઈ જશે એવી આશા ન રાખવી.

જો લાઇફપાર્ટનર કે મિત્ર બાયપોલરથી પીડિત હોય તો તેમને સાંત્વન આપો કે જ્યારે પણ તેમને જરૂર પડે ત્યારે તમે હંમેશાં તેમની સાથે છો. મોટા ભાગે જેમને આ બાયપોલર ડિપ્રેશન હોય તેઓ પોતે તેને જાણી જ શકતા નથી. વધુમાં પોતાને કોઈ પ્રકારની તકલીફ છે એવું તેઓ માનતા જ નથી. આવામાં તેમના મૂડ સ્વિંગને સમજી લેનારું કોઈ હોય તો તેમની માનસિક સ્થતિ કાબૂમાં રહે છે.

આ પણ વાંચો : ચા, દૂધ, સંતરાનો જ્યૂસ પાણીની સરખામણીમાં શરીરને વધુ હાઈડ્રેટ કરે છે

બાયપોલર ડિસઑર્ડરને પૂરી રીતે સારો થતાં મહિનાઓ પણ લાગી શકે છે અને વર્ષો પણ. આવામાં વ્યક્તિ ટ્રીટમેન્ટને કમિટેડ રહે એ જરૂરી છે. આ સમસ્યાનો કોઈ પર્મનન્ટ ઇલાજ નથી એટલે પીડિત વ્યક્તિ અને તેની સાથે તેની આસપાસના લોકોએ પણ ધીરજ રાખવી પડે છે. બાયપોલર ડિસઑર્ડર સાથેની આ લડત એ લાઇફલૉન્ગ પ્રોસેસ છે.

health tips