ઉનાળાનું સુપર ફૂડ : કાંદા

08 May, 2019 01:52 PM IST  |  | અર્પણા શિરીષ

ઉનાળાનું સુપર ફૂડ : કાંદા

કાંદા

સંસ્કૃતમાં ફલાન્દુ તરીકે ઓળખાતા કાંદાના ગુણ ગવાય એટલા ઓછા છે. ઘણા તો એવું પણ કહે છે કે ગરમીમાં બહાર નીકળતી વખતે જો કાચો કાંદો ખિસ્સામાં પણ રાખવામાં આવે તો લૂ લાગવાથી બચી શકાય છે. જોકે આ વાતનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી, પણ વિજ્ઞાન એ જરૂર કહે છે કે કાંદો ખાવાથી શરીરને ઘણા ફાયદા થઈ શકે છે. સમારતી વખતે પળભર માટે રડાવતી આ ડુંગળી લાંબા ગાળે શરીરને ખુશખુશાલ કરે છે. કાંદાથી હિટ સ્ટ્રોકથી પણ બચી શકાય છે. ઉનાળામાં જેમ વાતાવરણમાં ગરમ હવાનું પ્રમાણ વધતું જાય છે, તેમ આપણા શરીરનું તાપમાન વધે છે, અને શરીર પસીનારૂપે પાણી બહાર ફેંકે છે કે જેના લીધે ડીહાઇડ્રેશન થાય છે, અને આમ જ્યારે શરીરનું તાપમાન ખૂબ વધી જાય ત્યારે વ્યક્તિ બીમાર પડે છે. લૂ લાગવા જેવી તકલીફ મુંબઈ જેવા શહેરમાં ભલે ના થતી હોય, પણ તોય ગરમીને લગતા બીજા ઘણા રોગો આ સીઝનમાં થાય છે. લાલ, સફેદ અને લીલાં પાનવાળી એમ ત્રણ પ્રકારની ડુંગળીઓ ઉનાળામાં ખાવા માટે સવર્શ્રેવષ્ઠ છે. જાણીએ એવું તો શું છે આ નાનકડા કાંદામાં.

પોષક તત્વોથી ભરપૂર

કાંદાના હેલ્થ બેનિફિટ્સ સમજાવતાં જુહુનાં ડાયટિશ્યન ડૉ. યોગિતા ગોરડિયા કહે છે, ‘કાંદો એ મૅગ્નેશિયમ, પોટૅશિયમ, વિટામિન સીથી ભરપૂર છે. અને કાંદો ઍન્ટિ-ઑક્સિડેન્ટ પણ છે, જે ગરમીમાં શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રૉન્ગ બનાવે છે, પણ એની સૌથી પાવરફુલ પ્રૉપર્ટી એટલે એમાં રહેલું સલ્ફરનું પ્રમાણ. કાંદો સલ્ફરથી ભરપૂર છે, અને માટે જ ઇન્ફેક્શનથી લડવા માટે કાંદો અકસીર ઇલાજ છે. આ સીઝનમાં શરીરને અંદરથી સ્વચ્છ રાખવું હોય તો વધુમાં વધુ કાંદા ખાઓ.’

પાચનમાં મદદરૂપ

ઉનાળામાં જેમ શરીરની ગરમી વધે છે એમ શરીરમાં ઍસિડિટી અને પિત્તનું પ્રમાણ પણ વધતું જાય છે, જેના લીધે છાતીમાં બળતરા, ખાધા પછી પેટમાં અનઇઝી લાગવું, ખાટા ઓડકાર આવવા જેવી અનેક સમસ્યાઓ થાય છે, અને આ સમસ્યાઓનું નિવારણ કાંદાથી લાવી શકાય. આ વિશે વધુ સમજાવતાં ડૉ. યોગીતા ગોરડિયા કહે છે, ‘કાંદો ખોરાક પચાવવામાં મદદ કરે છે. ખોરાક જ્યારે ભારે હોય ત્યારે સાથે કાચો કાંદો અચૂક ખાવો. તમે જોયું હશે કે પંજાબી છોલે કે રાજમા સાથે હંમેશાં કાચો કાંદો પીરસવામાં આવે છે, અહીં છોલે અને રાજમા પચવામાં ભારે હોય છે.

અને સાથે કાંદો ખાવાથી એ સમસ્યા હલ થઈ જાય છે અને ખોરાક સારી રીતે પચે છે. ઉનાળામાં પાચનશક્તિ મંદ પડી જાય છે અને ખોરાક યોગ્ય રીતે પચતો નથી. અહીં સાથે કાચો કાંદો કચુંબર તરીકે ખાવામાં આવે તો ખોરાક સારી રીતે પચશે અને ખાધા પછી થનારી સમસ્યાઓમાં રાહત મળશે.

નસકોરી ફૂટે ત્યારે

ખૂબ તડકામાં જઈએ ત્યારે ઘણાને નાકમાંથી નસકોરી ફૂટીને લોહી નીકળવાની તકલીફ થાય છે. આ તકલીફમાં પણ ડુંગળી લાભ આપે છે. નસકોરી ફૂટે ત્યારે જો કાચી ડુંગળી કાપીને એ સૂંઘવામાં આવે તો લોહી વહેતું રોકાય છે. કાંદાને જો રોજબરોજના ખોરાકનો એક ભાગ બનાવી દેવામાં આવે તો ઉનાળામાં થતી આ સમસ્યા પણ ટાળી શકાય છે.’

કઈ રીતે ખાવા કાંદા?

ખોરાકમાં કાંદાનો ઉપયોગ ગમે તે રીતે કરવામાં આવે તો એનો ફાયદો ચોક્કસ થાય છે, પણ ખાસ ગરમીમાં, કાચા કાંદા વધુ ઉપયોગી છે. આ વિશે જણાવતાં ડૉ. યોગિતા ગોરડિયા કહે છે, ‘ગરમીમાં કાંદાનું કચુંબર બનાવીને ખાવું જોઈએ. કાંદા અને કાચી કેરી ખમણી અથવા ઝીણી સમારી એમાં મીઠું, આખું જીરુ અને જો તીખું જોઈતું હોય તો લાલ મરચું ભભરાવી આ કચુંબર જમવાની સાથે લેવી. એ સિવાય ફક્ત કાંદાની કચુંબર પણ ખાઈ શકાય. દિવસમાં બે વાર ખાવામાં આવે તોય વાંધો નર્હી. કાંદા-કેરીની આ રીતે બનાવેલી ચટણી, ફ્રિજમાં સ્ટોર કરીને પણ રાખી શકાય. અને આ રીતે જો કાંદાની કચુંબર ન ખાવી હોય કાંદાનો રસ પણ લઈ શકાય, જેમાં એક ચમચી જેટલો કાંદાનો રસ લઈ તેમાં થોડું મધ ભેળવી પી લેવું. જોકે આ પ્રયોગ ખાલી પેટે ન કરવો.’

કયા કાંદા વધુ ઉપયોગી?

કાંદા ત્રણ પ્રકારના મળે છે : લાલ, સફેદ અને લીલાં પાનવાળાં સ્પ્રિંગ અન્યન. ત્રણેય પ્રકારના કાંદા ઉપયોગી છે જ, પણ લીલાં પાનવાળા કાંદામાં વિટામિન સીનું પ્રમાણ સારું હોવાથી એ વધુ હેલ્ધી ગણી શકાય. એ સિવાય સફેદ કાંદાની અત્યારે સીઝન છે. બજારમાં લટકતી સફેદ કાંદાની લડીઓ એપ્રિલ-મે મહિના દરમ્યાન લિમિટેડ સમય માટે જોવા મળે છે, અને માટે જ એ મળે ત્યારે ખરીદી લેવા જોઈએ. આ કાંદાને સ્ટોર પણ કરી શકાય. સફેદ કાંદા રેગ્યુલર લાલ કાંદાની સરખામણીમાં સ્વાદમાં ઓછા તીખા હોય છે. માટે એનો વપરાશ સલાડ તરીકે વધુ થાય છે.

સ્વાદ અને ગંધમાં તેજ એવા લાલ કાંદામાં કૅન્સર સામે પણ લડી શકે એવાં તત્વો છે. કાંદામાં રહેલું ક્યુરસેટિન નામનું તત્વ શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાન સામે રક્ષણ આપે છે, અને ઍન્ટિ-ઑક્સિડેન્ટથી ભરપૂર એવા કાંદા રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.

કાંદાને કેટલા છોલવા

મોટા ભાગે કાંદાને છોલતી વખતે આપણે લગભગ એક આખું જાડું લેયર કાઢી નાખતા હોઈએ છીએ. જોકે આ રીત તદ્દન ખોટી છે, એવું જણાવતાં ડૉ. યોગિતા ગોરડિયા કહે છે, ‘કાંદાની ઉપરની સૌથી પતલી છાલ જે સૂકી હોય છે, એ જ કાઢવી જોઈએ. એના પછીનું જે પહેલું લેયર હોય એમાં પોષક તત્વો સૌથી વધુ હોય છે. એટલે એ લેયર ક્યારેય ન કાઢવું. જેટલી જાડી છાલ કાઢશો એટલા જ એ કાંદાને ખાવાનો કોઈ અર્થ નહીં રહે, કારણ કે એમાં કોઈ પોષક તત્વ બચશે જ નહીં.’

કાંદાના બીજા કેટલાક ઉપયોગ

કાંદામાં રહેલું સલ્ફરનું પ્રમાણ તેને ઍન્ટિ-બૅક્ટેરિયલ અને ઍન્ટિ-ઇન્ફ્લેમેટરી બનાવે છે. શરીરમાં જ્યારે કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય ત્યારે ડુંગળી ખાવાથી એ ટ્રીટમેન્ટ ઝડપી થાય છે.

આ પણ વાંચો : વિશ્વ અસ્થમા દિવસે જાણો શ્વાસને લગતી તકલીફો વિશે

બજારમાં હેર ગ્રોથ માટે કાંદાનું તેલ ખૂબ પૉપ્યુલર થઈ રહ્યું છે. કાંદામાં રહેલો સલ્ફર વાળને ખરતા અટકાવી નવો ગ્રોથ આપે છે.

વિટામિન એ, સી અને ઈથી ભરપૂર એવી ડુંગળી નિયમિત ખાવાથી ચહેરા પર આવતી વૃદ્ધત્વની નિશાનીઓ એટલે કે કરચલીઓને પણ દૂર રાખી શકાય છે. કાંદામાં રહેલું વિટામિન સી સ્કિનને ચમકદાર બનાવવા માટે ખૂબ મહત્વનું છે.

indian food