ફ્રૂટ્સ ખાવાનો બેસ્ટ સમય કયો?

19 July, 2019 12:54 PM IST  |  | સેજલ પટેલ

ફ્રૂટ્સ ખાવાનો બેસ્ટ સમય કયો?

ફ્રૂટ્સ ખાવાનો બેસ્ટ સમય કયો?

રોજ દિવસમાં બે સર્વિંગ્સ ફ્રૂટ્સ લેવાં જ જોઈએ. જેટલાં વરાઇટીવાળાં ફળ ડાયટમાં સમાવીએ એટલું સ્વાસ્થ્ય સારું રહે છે એવીબધી ડાહી-ડાહી વાતો તો આપણે ઘણા સમયથી સાંભળીએ છીએ. ફળોમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર્સ અને અન્ય માઇક્રોન્યુટ્રિયન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે જેને કારણે મોટા ભાગના દરેક પ્રકારના ડાયટમાં ફ્રૂટ્સનો વધતેઓછે અંશે સમાવેશ થતો જ હોય છે. જોકે જ્યારે કોઈ ચીજ બહુ હેલ્ધી છે એવું આપણે માનવા લાગીએ ત્યારે એના સેવનમાં બેકાળજી દાખવવા લાગીએ છીએ. ઘણા લોકો ડિઝર્ટમાં પણ ફળો લે છે, કેટલાક જમવામાં પણ સાથે ફળો લેતા હોય છે અને કેટલાક તો ચાવવાની જફા જ ન રહે એ માટે ફળોનો જૂસ કાઢીને પી લે છે. એવા સમયે સમજવું જરૂરી છે કે ફળોનો યોગ્ય ફાયદો જોઈતો હોય તો એનો સાચો સમય પારખતાં શીખવું પડે. જેમ દવા પણ યોગ્ય સમયે લેવામાં આવે તો જ એનો ફાયદો થાય છે એમ ફ્રૂટ્સ પણ ત્યારે જ હેલ્ધી બને છે જો એને યોગ્ય સમયે પેટમાં ઓરવામાં આવ્યાં હોય. બાકી, ફળો પણ નુકસાન કરી શકે છે. ફળોમાં ફૅટ અને સોડિયમ ખૂબ જ લો હોવાથી ડાયાબિટીઝના દરદીઓથી માંડીને હાર્ટ-પેશન્ટ્સ પણ એનો છૂટથી ઉપયોગ કરી શકે છે. વજન ઘટાડવું હોય તો પણ ડાયટમાં મોટો ભાગ ફળોનો હોય એ જરૂરી છે. જોકે એ કયા સમયે લેવામાં આવે તો બેસ્ટ ફાયદો મળે?

લંચ કે ડિનર સાથે નહીં

થોડા સમય પહેલાં લાઇફસ્ટાઇલ કોચ લ્યુક કુટિન્હોએ ઇન્સ્ટાગ્રામ પર વિડિયો શૅર કરીને જણાવ્યું હતું કે ફ્રૂટ્સ લંચ કે ડિનરમાં નહીં, પરંતુ હંમેશાં ખાલી પેટે ખાવાથી એ સરસ રીતે પચે છે અને એના ફાયદા પણ મૅક્સિમમ થાય છે. તેમના કહેવા મુજબ ભોજન સાથે અથવા તો ડિઝર્ટમાં ફ્રૂટ્સ લેવાને બદલે દિવસની શરૂઆત જ ફ્રૂટ્સ ખાવાથી શરૂ કરવી જોઈએ. જોકે આપણે ત્યાં ઊલટી ગંગા છે. સવારે ઊઠીને ચા-કૉફી વિના તો ચાલતું જ નથી. એવામાં સવારે ફળ લેવાનું કેટલું યોગ્ય છે? આપણી ભારતીય જીવનશૈલીને ધ્યાનમાં રાખતાં ફળો ખાવાનો બેસ્ટ સમય બે મીલની વચ્ચેનો છે એમ જણાવતાં સંતુલિત ડાયટિંગ હૅબિટનાં હિમાયતી અંધેરીનાં ડાયટિશ્યન અંજુમ શેખ કહે છે, ‘આજકાલ લંચ કે ડિનર સાથે ફળો ન લેવાનું કહેવામાં આવે છે એનાં ઘણાં કારણ છે. સૌથી પહેલું કારણ છે પૉર્શન કન્ટ્રોલ. ૯૦ ટકા લોકોમાં જોવા મળ્યું છે કે લોકો પેટ ભરીને લંચ કે ડિનર લે છે. એ પછી ડિઝર્ટ તરીકે ફળ લઈએ. તમને એમ થતું હશે કે તમે બીજી શુગરથી લથબથ આઇટમોને બદલે ફ્રૂટ્સ જેવી હેલ્ધી આઇટમ ડિઝર્ટ તરીકે પસંદ કરી, પણ એ પસંદગીથી તમને કોઈ જ હેલ્થ-બેનિફિટ્સ ન થાય એવું બને. તમે પાંચ-છ વાનગીઓથી ભરપૂર આખું ભાણું જમવામાં લીધું હોય અને એમાં એટલી કૅલરી ઠાંસી લીધી છે એ પછી તમે ફળો એટલે કે ફ્રુક્ટોઝ શરીરમાં નાખો છો એ કૅલરીવાઇઝ ઠીક નથી રહેતું. ભારત એ ડાયાબિટિક કૅપિટલ થઈ ગયું છે ત્યારે પૉર્શન કન્ટ્રોલ બહુ જ મહત્ત્વનો છે. જો તમે લંચ-ડિનરમાં બીજી ચીજો ઓછી ખાઈને સાથે એકાદ ફળ લો તો એમાં બહુ વાંધો નથી આવતો. લંચ-ડિનરમાં ફળ ન જ લેવાય અને લેશો તો કંઈ નુકસાન થશે એવું નથી, પરંતુ જો પ્રમાણભાન સાથે તમારા રેગ્યુલર ફૂડમાં થોડો કાપ મૂકીને પછી એટલો પૉર્શન ફળો ઉમેરો તો વાંધો ન આવે.’

ફ્રૂટ્સ સોલો ફૂડ હોવું જોઈએ

જ્યારે પણ ફળ ખાવામાં આવે છે ત્યારે એમાંથી મળતાં પોષક તત્ત્વો શરીરમાં ઍબ્ઝોર્બ થાય એ માટે એની સાથે તમે શું ખાઓ છો એ બહુ મહત્ત્વનું થઈ જાય છે. બેટર ફાયદા માટે ફ્રૂટ્સ હંમેશાં સોલો ખાવાં જોઈએ એમ જણાવતાં અંજુમ શેખ કહે છે, ‘જ્યારે તમે અન્ય કોઈ ફૂડ સાથે ફ્રૂટ્સ લો છો તો એમાં રહેલાં ફૉલેટ્સ અને ઑક્ઝલેટ્સને કારણે ફળોમાંનાં પોષક તત્ત્વોનું લોહીમાં શોષણ થવામાં અવરોધ પેદા થઈ શકે છે. બને ત્યાં સુધી ચા કે કૉફી સાથે પણ ફળો ન લેવાં જોઈએ. ચામાં ટેનિન હોય છે જે ન્યુટ્રિયન્ટ્સમાં‌ વિક્ષેપ પેદા કરે છે. જો તમે ભોજનમાં સોયાબીનની ચીજો લીધી હોય તો એમાં રહેલાં કેટલાંક ઇન્હિબિટર્સ પણ ફળોના ગુણોને શોષવામાં અડચણરૂપ બની જાય છે.’

આ વાત સાથે સહમત થતાં મુલુંડનાં ડાયટિશ્યન ઉર્વી વખારિયા કહે છે, ‘આપણે ગુજરાતીઓ જમવામાં કેળાં અને કેરી જેવાં ફળો સાથે લેતા હોઈએ છીએ. એવા સમયે ડાયજેસ્ટિવ જૂસ અને ફળોમાંનાં પોષક તત્ત્વો મિક્સ થાય છે. ફ્રૂટ્સ એક જ એવી ચીજ છે જેનાં પોષક તત્ત્વો શરીરમાં ૪૦થી ૪૫ મિનિટમાં પચી જાય છે. એ કોઈ પણ પ્રકારનાં પીણાં કે ખોરાક સાથે ન મેળવવામાં આવે તો એનાં ઝીણામાં ઝીણાં પોષક તત્ત્વો કોઈ જ પ્રકારના અવરોધ વિના ડાયરેક્ટ બૉડી ઍબ્ઝોર્બ કરી શકે છે.’

મિડ-સ્નૅક્સમાં બેસ્ટ

સિંગલ ફૂડ તરીકે ફળ લેવાથી એનો બેસ્ટ ફાયદો થતો હોવાથી એ બેસ્ટ મિડ-સ્નૅક્સ બની શકે છે એમ જણાવતાં ઉર્વી વખારિયા સમજાવે છે, ‘સામાન્ય રીતે તમે સવારે સાડાઆઠ વાગ્યે બ્રેકફાસ્ટ કરતા હો અને બપોરે એક-દોઢ વાગ્યે જમતા હો તો સાડાદસ-અગિયાર વાગ્યે વચ્ચે ફ્રૂટ-ડિશ લીધી હોય તો બેટર રહે. એનાથી બન્ને મીલ વચ્ચેનો ગૅપ પણ સચવાઈ જાય છે. એવી જ રીતે લંચ અને ડિનર વચ્ચેના બપોરના સ્નેક્સમાં પણ ફ્રૂટ-ડિશ લઈ શકાય.’

મિડ-સ્નૅક્સમાં જો ફ્રૂટ્સ લીધાં હોય તો એનો બીજો ફાયદો ભૂખ પરનો કન્ટ્રોલ પણ છે એમ જણાવતાં અંજુમ શેખ કહે છે, ‘બે મીલ વચ્ચે લાંબો ગૅપ હોય તો તમને વધુ ભૂખ લાગે છે. એવા સમયે કાં તો લોકો જન્ક અથવા તો અનહેલ્ધી ફૂડ પર પસંદગી ઉતારે છે. લંચ-ડિનર વચ્ચેના ગૅપમાં એટલે જ લોકો વડાપાંઉ, સૅન્ડવિચ, સમોસાં, ચાટ જેવી ચીજો પર તૂટી પડે છે. આવા સમયે જન્કને રિપ્લેસ કરીને ફ્રૂટ્સ ઉમેરવામાં આવે તો એ બન્ને રીતે હેલ્ધી બને છે. જરૂરી પોષક તત્ત્વો મળે, ભૂખ પણ સંતોષાય છે અને જન્ક-ફૂડ ટળી જાય છે. ઘણા લોકો જન્ક નહીં જ ખાવાનું એમ નક્કી કરીને વચ્ચે કશું જ નથી ખાતા. એને કારણે તેઓ લંચ કે ડિનર સમયે એટલા ભૂખ્યા થયા હોય કે તેઓ તેમના શરીરની જરૂરિયાત કરતાં દોઢ ગણું ખાઈ લે છે અને તેમને

ખબર પણ નથી પડતી. સવારના અને બપોરના મિડ-સ્નૅક્સમાં ફ્રૂટ-ડિશનો સમાવેશ કરવાથી ભૂખ કન્ટ્રોલમાં રહે છે અને ફ્રૂટ્સનો બેસ્ટ લાભ શરીરને મળે છે અને લંચ-ડિનરમાં પૉર્શન-કન્ટ્રોલ પણ રહે છે.’

ફ્રૂટ ખાવાની ટિપ્સ

ફળ ખાવાના સમય ઉપરાંત એ કઈ રીતે ખાવાં એ વિશેની ટિપ્સ ઉર્વી વખારિયા પાસેથી જાણીએ

હંમેશાં ફળ આખેઆખાં જ ખાવાં, જૂસ કરીને નહીં. જૂસમાં ફાઇબર ગળાઈ જતું હોવાથી અને સિમ્પલ શુગરનો ડોઝ વધી જતો હોવાથી એ હેલ્ધી ઑપ્શન નથી.

બને ત્યાં સુધી સીઝનલ ફળો ખાવાં. દરેક સીઝનમાં ચોક્કસ ફળ ઊગે છે એનું કારણ એ છે કે એ સીઝનમાં શરીરને એમાં રહેલાં પોષક તત્ત્વોની જરૂર છે. હાલમાં પીચ, પ્લમ, પેર, ડ્રેગનફ્રૂટ, ચેરીઝ જેવાં ફળ ભરપૂર મળે છે એ ખાવાં.

બારેમાસ મળતાં હાઇબ્રીડ ફળ ઉગાડવામાં જંતુનાશકનો વપરાશ હોય ઋતુથી‌ વિરુદ્ધ જઈને પકવવામાં આવ્યાં હોઈ શકે છે જેને કારણે ફાયદા કરતાં નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો : ઈયરફોનનો વધુ પડતો ઉપયોગ લાવી શકે બહેરાશ, થઈ શકે હ્રદયને અસર

રોજેરોજની ફ્રૂટ-ડિશમાં વરાઇટી જાળવવી. કોઈ એક-બે ફ્રૂટ્સ ભાવે છે એટલે એ જ ખાવાનું ઠીક નથી. રોજ બે અલગ-અલગ ફળ લેવાં જ જોઈએ. જે પોષક તત્ત્વો મોસંબીમાં છે એ સ્ટ્રૉબેરીમાં નહીં હોય અને જે સક્કરટેટીમાં છે એ મૅન્ગોમાં નહીં હોય એટલે વેરિયેશન ઈઝ મસ્ટ.

health tips