મેનોપૉઝ પછી બ્રેસ્ટ-કૅન્સરનું જોખમ ટાળવા વજન ઘટાડો

11 June, 2019 11:47 AM IST  | 

મેનોપૉઝ પછી બ્રેસ્ટ-કૅન્સરનું જોખમ ટાળવા વજન ઘટાડો

પ્રતીકાત્મક તસવીર

હેલ્થ બુલેટિન

મેનોપૉઝનો સામનો કરી રહેલી મહિલાઓએ મગજમાં નોંધી લેવા જેવું રિસર્ચ સામે આવ્યું છે. કૅન્સર નામની પત્રિકામાં રજૂ કરવામાં આવેલા અહેવાલ અનુસાર મેનોપૉઝ બાદ બ્રેસ્ટ-કૅન્સરના જોખમથી બચવા મહિલાઓએ વજનને નિયંત્રણમાં રાખવું અત્યંત જરૂરી છે. સામાન્ય રીતે મેનોપૉઝના વિવિધ તબક્કામાં મહિલાઓનું વજન વધી જતું હોય છે. આ એવી અવસ્થા છે જ્યારે બ્રેસ્ટ-કૅન્સર થવાની શક્યતા અનેકગણી વધી જાય છે. હેલ્થ ઇનિશિયેટિવ ઑબ્ઝર્વેશનલ સ્ટડી માટે કૅલિફૉર્નિયાના નૅશનલ મેડિકલ સેન્ટરે એકસઠ હજારથી વધુ મહિલાઓ પર સતત અગિયાર વર્ષ ફૉલોઅપ સ્ટડી અને તબીબી પરીક્ષણ બાદ તૈયાર કરેલા રિપોર્ટ મુજબ ઓબેસિટી બ્રેસ્ટ-કૅન્સરનું મુખ્ય લક્ષણ હોવાનું તારણ નીકળ્યું છે. છેલ્લા એક દાયકામાં કરવામાં આવેલાં વિવિધ સંશોધનો બાદ જાણવા મળ્યું છે કે પોસ્ટ- મેનોપૉઝ વજનને નિયંત્રિત રાખનારી મહિલાઓની સરખામણીએ સ્થૂળ મહિલાઓમાં બ્રેસ્ટ-કૅન્સર થવાનું રિસ્ક વધુ હોય છે. ક્લિનિકલ ટ્રાયલ માટે મેડિકલ સેન્ટરે મહિલાઓ પર લો ફૅટ્સ ડાયટરી પૅટર્ન પણ અપનાવી હતી.

આ પણ વાંચો : કુકીઝ ખાઓ, ચિંતા ભગાવો

માઇગ્રેનના દરદીઓ માટે સ્માર્ટ ઍપ

ન્યુ યૉર્કસ્થિત મેડિકલ સ્કૂલ યુનિવર્સિટી ઑફ એનવાયયુના પ્રોફેસરોએ માઇગ્રેનથી પીડાતા દરદીઓ માટે સ્માર્ટફોન આધારિત નવી ટેક્નૉલૉજી વિકસાવી છે. ‘રિલૅક્સ અ હેડ’ નામની ઍપથી દરદીઓને રાહત મળશે એવો દાવો કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના પ્રોફેસર મિઆ મીનેનનું કહેવું છે કે આ ઍપમાં એવી થેરપી છે જે માઇગ્રેનના મુખ્ય લક્ષણ ઊલટી, માથાનો દુખાવો અને પ્રકાશ તેમ જ ધ્વનિ સંબંધિત સંવેદનશીલતામાંથી દરદીને બહાર લાવવામાં મદદ કરશે. માઇગ્રેનથી પીડાતા દરદીએ અઠવાડિયામાં બે વાર આ ટેક્નિકનો ઉપયોગ કરવો જોઈએ એવી ભલામણ કરવામાં આવી છે. કેટલાક દરદીઓ પર આ ઍપનો પ્રયોગ કર્યા બાદ તેમને મહિનામાં ઓછામાં ઓછા પાંચ દિવસ માઇગ્રેનથી રાહત મળી હોવાનું તારણ નીકળ્યું હતું. નેચર ડિજિટલ મેડિસિન જર્નલમાં પણ આ ઍપ સંદર્ભે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે.

health tips