થોડી સી જો પી લી હૈ....

31 December, 2019 03:09 PM IST  |  Mumbai | Sejal Patel

થોડી સી જો પી લી હૈ....

ફાઈલ ફોટો

આજે થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં નમક હલાલ ફિલ્મનું આ ગીત યાદ કરીને જો તમે છાંટોપાણી કરી લેવાના હો તો જરા સંભલ કે રહેજો. જો એક દિવસ માટે પાર્ટી-શાર્ટીની મજા માણી લેવાના હો તો પણ તમારા સ્વાસ્થ્યને નજરઅંદાજ ન કરશો. દોસ્તો સાથેની મોજમસ્તીમાં તમારે જાતને કઈ લિમિટમાં બાંધવી, શું કરવું કે જેથી ઓછામાં ઓછો આલ્કોહૉલ પેટમાં જાય અને ધારો કે જાય તો એનો હૅન્ગઓવર માથે ન ચડે એ માટે શું કરવું એ પહેલેથી જ જાણી લો .

દારૂથી દૂર રહેવામાં જ સાર છે એ વાતમાં કોઈ મીનમેખ નથી. એમ છતાં પશ્ચિમના દેશોના રવાડે ચડીને આજના યુવાનો માટે લિકરનું સેવન એ સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બની રહ્યું છે. વરસમાં એક વાર પીએ તો-તો ચાલે, એમાં વળી શું? લોકોની વચ્ચે ફૉર્વર્ડ હોવાનો દેખાવ કરવા માટે પણ એકાદ પેગ પી લેવો જોઈએ એવું લોકો માનવા લાગ્યા છે. સોશ્યલ પ્રેશરને કારણે એકાદ દિવસની છૂટમાંથી શરૂ થયેલી પીવાની આદત ક્યારે ઓકેશનલ અને ક્યારે રેગ્યુલર બની જાય છે એની ખબર પણ નથી રહેતી. છેલ્લા ૧૪ વર્ષમાં દારૂનું સેવન ભારતમાં બમણું થઈ ગયું છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના અંદાજ મુજબ પ્રત્યેક ભારતીય ૫.૭ લિટરથી વધુ દારૂ ઢીંચી જાય છે. આ આંકડો ૨૦૦૫ની સાલમાં ૨.૪ લિટરથી ઓછો હતો.

૨૦૧૮ના વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા મુજબ દર વર્ષે દારૂ ૨.૬ લાખ લોકોનો ભોગ લે છે. આ આંકડાઓમાં માત્ર લિવરની સમસ્યા, લિવર-કૅન્સર અને ડ્રન્ક-ડ્રાઇવિંગને કારણે રોડ ઍક્સિડન્ટના આંકડા જ છે. આલ્કોહૉલને કારણે લાઇફસ્ટાઇલ ડિસીઝનું જોખમ અનેકગણું વધી જાય છે એ વાત સાબિત થઈ હોવાથી હવે નૅશનલ આલ્કોહૉલ કન્ટ્રોલ પૉલિસી લાવવાની દિશામાં કામ કરવું જરૂરી બન્યું છે. માત્ર ભારતની જ નહીં, વિશ્વની હાલત આવી જ છે. દર વર્ષે ૬૦૦૦ લોકો દારૂને કારણે મૃત્યુ પામે છે. એમાંથી ૨૮ ટકા લોકોને દારૂ પીધા પછી થયેલી ઇજાઓ મોત કારણ બને છે. ૨૧ ટકાને ડાયજેસ્ટિવ ડિસઑર્ડર્સ, ૧૯ ટકાને હૃદયની સમસ્યાઓ અને બાકીના લોકોનો ભોગ કૅન્સર તેમ જ મેન્ટલ ડિસઑર્ડર્સ લે છે.

આ આંકડાઓ વાંચીને જો તમે આજે પણ છાંટોપાણી તો ન જ કરવો જોઈએ એવું નક્કી કરી શકો તો બેસ્ટ. એમ કરવું એ માત્ર તમારા પોતાના સ્વાસ્થ્ય માટેની જ નહીં, સામાજિક સ્વાસ્થ્યની જવાબદારીનો ભાગ પણ છે. દારૂથી દૂર રહેવામાં જ સાર છે એવું સમજ્યા પછી પણ જો તમે જાત પર કન્ટ્રોલ રાખી શકો એમ ન હો તો સેકન્ડ બેસ્ટ ઑપ્શન શું છે એ વિશે પણ વાત કરીએ.

ભૂખ્યા પેટે પાર્ટી નહીં

આમ કદીયે દારૂને હાથ ન લગાડનારા લોકો પણ થર્ટી-ફર્સ્ટની પાર્ટીમાં થોડુંક ચાખી લેવા માટે લલચાતા હોય છે. આવા ક્યારેક જ દારૂ પીનારા અથવા તો ફર્સ્ટ-ટાઇમ દારૂ પીનારાઓને જ થોડા દારૂમાં વધુ તકલીફ થતી હોય છે એટલે પહેલેથી જ સેફ્ટી જાળવવી જરૂરી છે એમ સમજાવતાં ન્યુટ્રિશનિસ્ટ કેજલ શેઠ કહે છે, ‘સૌથી પહેલાં તો તમે પાર્ટીમાં જતા હો ત્યારે કદી ખાલી પેટે ન જવું. હંમેશાં કંઈક ખાઈને પછી જ જવું. એમ કરશો તો ભૂખ ઓછી હશે એટલે તમે સીધા ડ્રિન્ક પર તૂટી પડવાને બદલે પાર્ટીના માહોલને એન્જૉય કરી શકશો. જતાં પહેલાં જે ખાઈને જાઓ એમાં સૂપ, પનીર-સૅન્ડવિચ, સ્પ્રાઉટ્સ ભેળ જેવી પણ પ્રોટીનયુક્ત ચીજો લીધી હોય તો ઉત્તમ.’

ન્યુ યર પાર્ટીઓમાં મોટા ભાગે ડિનરની શરૂઆત ૧૧-૧૨ વાગ્યા પછી જ થતી હોય છે અને એ પહેલાં તો માત્ર સ્ટાર્ટર્સ અને કોકટેલ, મૉકટેલ અને હાર્ડ-ડ્રિન્ક્સનો જ મારો થતો હોય છે. આવા સંજોગોમાં જો તમે ખાઈને મોડેથી પહોંચ્યા હશો તો ઘણુંખરું સોશ્યલ પ્રેશર ટાળી શકશો.

પુષ્કળ પાણી પીઓ

આલ્કોહૉલ એ એક પ્રકારનું ટૉક્સિન છે જે પેટમાં જશે એટલે ધમાલ મચાવશે જ. એને ઝડપથી તમારી સિસ્ટમમાંથી કાઢી નાખવો હોય તો પાણી ઉત્તમ છે એમ સમજાવતાં કેજલ શેઠ કહે છે, ‘પાર્ટીમાં જતાં પહેલાં, પાટીમાં અને ત્યાંથી આવ્યા પછી આ ત્રણેય સમયે પૂરતું પાણી પીધા કરવું બહુ જ જરૂરી છે. આલ્કોહોલ એ પીણું છે, પરંતુ એ પીણાથી બૉડી હાઇડ્રેટ નહીં, ડીહાઇડ્રેટ થતું હોય છે. જેમ ડ્રિન્ક્સની વચ્ચે-વચ્ચે કંઈક સ્નૅક્સ લેવો મહત્ત્વનો છે એટલું જ મહત્ત્વનું છે પાણી પીવાનું. બીજું, ચખનામાં પણ ફ્રાઇડ ચીજો લેવાને બદલે બાઇટ-સાઇઝ પનીરનું સ્ટાર્ટર, બૉઇલ્ડ પીનટ્સ કે પ્રોટીનથી ભરપૂર ચીજ વચ્ચે-વચ્ચે લેવામાં આવે તો બહેતર રહે છે.’

બધું મિક્સિંગ નહીં

ઘણા લોકો ભૂલ એ કરતા હોય છે કે એક દિવસ જ તો પીવાનું છે એમ સમજીને બધું જ ટ્રાય કરી લે છે. આ સૌથી જોખમી આદત છે એમ જણાવતાં કેજલ શેઠ કહે છે, ‘ક્યારેક અથવા તો વન્સ ઇન અ વ્હાઇલ ડ્રિન્ક લેનારાઓ ટેસ્ટ માટે બે-ત્રણ ચીજોનું મિશ્રણ કરી નાખે તો વધુ તકલીફ થઈ શકે છે. વોડકા, જિન, વાઇન, બિયર, વ્હિસ્કી... એમ તમે વારાફરતી બધું જ પેટમાં ઠાલવી ન શકો. થોડીક વ્હિસ્કી પીધી, થોડોક રમ પીધો, થોડોક વાઇન કે બિયર લીધો એમ વિવિધ પીણાંને એકસાથે પેટમાં ભેગા ન કરાય. એનાથી બૉડીને મૅક્સિમમ તકલીફ થશે. તમે જે પીણું લો એના જ બે કે મૅક્સિમમ ત્રણ પેગથી વધુ નહીં જ પીઓ એવું નક્કી કરો. કોઈ પણ ડ્રિન્કને સોડા કે સૉફ્ટ-ડ્રિન્ક સાથે મિક્સ કરીને પીવાને બદલે પ્લેન પાણીમાં જ લેવાથી ઓછી તકલીફ થાય છે. કાર્બોનેટેડ પીણાંની સાથે લીધેલો આલ્કોહૉલ વ્યક્તિને ઝડપથી બેચેન બનાવે છે. બીજું, તમે ગ્લાસ હાથમાં

લઈને પાર્ટીમાં ફરો અને જસ્ટ ચિલ કરો. ધીમે-ધીમે નાના-નાના સિપ લેવાનું રાખશો તો એક ડ્રિન્ક લાંબુ ચાલશે. બીજું, લાઇટ કલર્ડ ડ્રિન્ક્સથી હૅન્ગઓવરની તકલીફ ઓછી આવે છે. વાઇન કે વ્હિસ્કી જેવાં પીણાંને બદલે વોડકા અને જિન જેવાં ટ્રાન્સપરન્ટ ડ્રિન્ક્સને ફ્રૂટ-જૂસની સાથે લઈ શકાય. ’

ડ્રિન્ક્સની પસંદગીમાં શું ધ્યાન રાખવું

૧૦૦ ટકા ફ્રેશ ફ્રૂટ-જૂસ લેવાનું રાખો તો બેસ્ટ.

કાર્બોનેટેડ અથવા તો ઍરેટેડ ડ્રિન્ક્સ અને ફ્રૂટ-જૂસ મિક્સ ન કરો.

જિન્જર, લેમન, કૉફી જેવાં હેલ્ધી ઇન્ગ્રેડિયન્ટ્સ ધરાવતાં પીણાં લઈ શકાય.

બેરીઝ અને તુલસી ફ્લેવરનું હની આવે છે એને પાણીમાં ઓગાળીને એનું ડ્રિન્ક ચુસકીઓ મારીને માણી શકાય.

કૅલરી કાઉન્ટ યાદ રાખો

૧ ગ્લાસ રેડ વાઇન = ૧ પીસ થિન-ક્રસ્ટ પીત્ઝા

બે પિન્ટ બિયર = એક મોટો બાઉલ ભરીને ફ્રાઇસ

૧ લાર્જ વોડકા ટૉનિક = એક બાઉલ રેગ્યુલર પૉપકૉર્ન

એક ગ્લાસ વ્હિસ્કી સોડા = અડધો કપ ભૂજિયા

હૅન્ગઓવર ક્યૉર માટે શું બેસ્ટ?

પુષ્કળ પાણી પીઓ. પાર્ટી પૂરી થયા બાદ પણ પુષ્કળ પાણી પીઓ. એમ કરવાથી વધુ યુરિન પાસ કરવા જવું પડશે. એનાથી આલ્કોહૉલ બૉડીમાંથી ફ્લશ-આઉટ થઈ જશે.

ઘરે પહોંચીને શાવર લઈને સૂઈ જવું. ઊંઘ ખેંચી લેવી એ બેસ્ટ હૅન્ગઓવર ક્યૉર છે.

વૉમિટિંગ કે ઉબકા આવતા હોય તો આદુંની ચીરી મોંમાં રાખવી.

બીજા દિવસે સવારે પણ દારૂની અસર વર્તાતી હોય તો બ્લૅક કૉફી અથવા તો જિન્જર ટી ચુસકી લઈને પીવી.

જો ડાયાબિટીઝ હોય અથવા તો વારંવાર દારૂ પીવાની આદત હોય તો માથું ન દુખે એ માટે મૅગ્નેશિયમની ૪૦૦ મિલીગ્રામનાં સપ્લિમેન્ટ્સ લેવાં. આલ્કોહૉલને કારણે મૅગ્નેશિયમની ઊણપ થઈ શકે છે. એટલે જ હૅન્ગઓવર માટે કેળું ખાવાનું કહેવામાં આવે છે.

બીજા દિવસે સવારે હેવી બ્રેકફાસ્ટ લો. બને તો પ્રોટીન અથવા તો આખા ધાન્યોથી બનેલી ચીજોનો બ્રેકફાસ્ટ લો.

દારૂ પીધાના બીજા દિવસે ફ્રૂટ જૂસ અથવા તો સાદું પાણી વધુ પીવાનો રાખો. 

હૅન્ગઓવરનાં લક્ષણો જલદી જાય એ માટે વિટામિન બી૬નાં સપ્લિમેન્ટ્સ લો.

આલ્કોહૉલ ઝડપથી બૉડીમાંથી ફ્લશઆઉટ થઈ જાય એ માટે ૧૫૦ મિલીગ્રામ જેટલું મિલ્ક-થિસલ તરીકે ઓળખાતું હર્બ લેવું.

health tips