હેલ્ધી લાઇફસ્ટાઇલથી ન્યુટ્રિશન મળે કે હેલ્ધી ફૂડથી?

01 September, 2023 12:20 PM IST  |  Mumbai | Sejal Patel

આ પણ પહેલાં મરઘી કે ઈંડું જેવો સવાલ છે

પ્રતીકાત્મક તસવીર

સારી, પોષણયુક્ત ચીજો ખાવાથી જ શરીરને પોષણ મળે એવું માનવું એ અર્ધસત્ય છે. પૂરું સત્ય એ છે કે એ હેલ્ધી ચીજો સાચા સમયે, સાચી રીતે, સાચા કૉમ્બિનેશન સાથે અને સારી લાઇફસ્ટાઇલ આદતોની સાથે લેવામાં આવે ત્યારે જ એમાંથી પૂરતું પોષણ મળે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી જન્ક ફૂડની લોકપ્રિયતામાં બેફામ વધારો થયો છે. જોકે એની સામે પોષણયુક્ત ખોરાકની જરૂરિયાત બાબતે પણ જાગૃતિ સારીએવી આવી છે. ખાંડ સારી નથી એ હવે લગભગ બધા જ જાણે છે. ખાંડના બદલે ગોળ, ખજૂર, હની અને શુગર-ફ્રી વિકલ્પો બાબતે હવે બધા વિચારતા થઈ ગયા છે. મેંદાને બદલે હોલ વ્હીટ કે મલ્ટિગ્રેન ચીજો વધુ હેલ્ધી છે એવું ગાઈવગાડીને આપણે બોલતા થઈ ગયા છીએ. ભલે પછી બ્રાઉન બ્રેડ કે મલ્ટિગ્રેન પાંઉ જેવી ચીજોમાં ઘઉં કે ગ્રેન સમખાવા પૂરતું જ હોય, આપણે ચૉઇસ કરતી વખતે હેલ્ધી શું છે અને અનહેલ્ધી શું છે એ બાબતે જાગ્રત તો થઈ જ ચૂક્યા છીએ. ‍એમ છતાં ડાયટને લગતી અનેક સમસ્યાઓનો ઉકેલ એમ ઝટપટ નથી મળી રહ્યો. ખૂબ ડાયટિંગ કરવા છતાં વજન નથી ઊતરતું, કૉલેસ્ટરોલમાં ઘટાડો સરળતાથી નથી થઈ રહ્યો, ખૂબ હેલ્ધી ગણાતી ચીજો ખાવા છતાં પાચનમાં અને એનર્જી લેવલમાં સુધારો નથી થઈ રહ્યો. આ મુદ્દાને આ વર્ષે નૅશનલ ન્યુટ્રિશન વીકની થીમ બનાવવામાં આવી છે. થીમ મુજબ હેલ્ધી લાઇફસ્ટાઇલ કેળવવામાં ન્યુટ્રિશનની ભૂમિકા વિશે જાગૃતિ આણવાની નેમ છે. પોષણયુક્ત ખોરાક એ હેલ્ધી લાઇફસ્ટાઇલનો એક ભાગ છે, પણ આપણી અનહેલ્ધી લાઇફસ્ટાઇલ એ ખોરાકનું પૂરતું પોષણ શરીરને આપવામાં અવરોધ પેદા કરે છે એ વાત પણ સમજવી જરૂરી છે. આયુર્વેદમાં કહેવાયું છે કે ‘અન્ન એવો ઓડકાર. આહારની સાથે વિહારની પણ એટલી જ ગહેરી અસર પડે છે એમ જણાવતાં હોલિસ્ટિક હીલિંગ ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘એ વાત સાચી કે તમારી ફૂડ ચૉઇસ હેલ્ધીઅર હોય તો એનાથી તમને લાઇફસ્ટાઇલમાં ચેન્જ કરવાનો હોય તો સરળતા રહે. જોકે હેલ્ધી ફૂડમાંથી પોષણ પણ પૂરું મળે એ માટે એ સાચા કૉમ્બિનેશન અને સાચા સમયે પણ લેવાનું હોય. જ્યારથી લોકોમાં હેલ્થને લઈને જાગૃતિ આવી છે ત્યારથી ફૂડ ચૉઇસ બાબતે ભલે જાગ્રત થઈ ગયા હોય પણ ક્યારે, કેટલું અને કેવીરીતે ખાવું એ બાબતે સ્પષ્ટ નથી હોતા. ’

રાઇટ ફૂડ, રાઇટ ટાઇમ

તમે જો સુપરફૂડ ગણાતી ચીજોની યાદી બનાવીને માત્ર એ ચીજો જ ખાવાની એવું નક્કી કરી દો તો પણ એ શરીરને પૂરતું ન્યુટ્રિશન પૂરું ન પાડે એવું બની શકે છે. એનું કારણ સમજાવતાં ધ્વનિ કહે છે, ‘ચાલો માની લઈએ કે દૂધ બહુ હેલ્ધી ઑપ્શન છે. પણ દૂધ તમારું શરીર પચાવી શકે છે કે નહીં એ પણ એટલું જ જરૂરી છે. આપણે બાળકોને સવારે સ્કૂલે જતાં પહેલાં અથવા તો કામે નીકળતાં પહેલાં ગ્લાસ ભરીને દૂધ પીવાનો આગ્રહ રાખીએ છીએ, પણ એ દરેક માટે ઠીક નથી. પાચનશક્તિ જેમની નબળી છે તેમને સવારના પહોરમાં ગ્લાસ ભરીને દૂધ પીવાથી બ્લોટિંગ અને અપચો થઈ શકે છે. આયુર્વેદ મુજબ દૂધ પીવાનો શ્રેષ્ઠ સમય રાતનો સૂતા પહેલાંનો છે. જો સૂતાં પહેલાં દૂધ પીઓ તો એમાંથી જરૂરી પોષકતત્ત્વો પણ મળે અને પાચનની સમસ્યાઓ પણ ન થાય. અલબત્ત, અહીં એ પણ એટલું જ સાચું છે કે તમે રાતના બાર-એક વાગ્યે પ્યાલો ભરીને દૂધ પીને સૂઈ જાઓ એ પણ ઠીક નથી. કહેવાનો મતલબ એ છે કે રાતનો સૂવાનો સમય પણ મોડો ન હોય એ પણ એટલું જ જરૂરી છે. દરેક વ્યક્તિની પ્રકૃતિ અને પાચનક્ષમતા જુદી હોય છે એટલે હેલ્ધી ચીજ પણ તમારે કયા સમયે લેવી એ પણ વિચારીને લેવાનો નિર્ણય છે.’

ઍસિડિક રીઍક્શન

હેલ્ધી ચીજોનું પૂરતું પોષણ નથી મળતું એનું કારણ બૉડી વધુપડતું ઍસિડિક હોય એ પણ રહ્યું છે એમ જણાવતાં ધ્વનિ કહે છે, ‘રાતના ઉજાગરા, સ્ટ્રેસ, જન્ક ફૂડ, પૂરતું પાણી ન પીવાતું હોવાને કારણે બૉડી ઍસિડિક હોય છે. ઇમોશનલ અસંતુલન હોય ત્યારે પણ શરીર ઍસિડિક થઈ જાય છે અને પછી તમે હેલ્ધી ખાઓ તો પણ તકલીફ પડે. ઍસિડિક વાતાવરણમાં ગમેએટલું હેલ્ધી તમે ખાઓ, એમાંથી જરૂરી ન્યુટ્રિશન શોષાવાનાં જ નથી. એવી જ રીતે વાત પ્રકૃતિવાળાને જો તમે દહીં તો બહુ સારું એમ કહીને દહીં વધુ આપો તો એનાથી તેની પાચનશક્તિ વધુ નબળી પડશે. તેમને કદાચ દૂધ સારું સદશે.’

જેટલું દેશી વધુ સારું

બહારથી આયાત થયેલી ચીજોને સુપરફૂડ માની લેવામાં આપણે બહુ ઉતાવળા થઈ જઈએ છીએ. વિદેશમાં શરૂ થયેલા હેલ્થ ટ્રેન્ડને ફૉલો કરવામાં પણ આપણને મૉડર્ન હોવાનું મહસૂસ થવા લાગે છે, પરંતુ લોકલ ફૂડ અને પરંપરાગત આદતો જેટલું હેલ્ધી તમને બીજું કશું જ નહીં મળે એમ સમજાવતાં ધ્વનિ એક દાખલા સાથે કહે છે, ‘સહુ જાણે છે કે જપાનમાં સૌથી વધુ શતકવીરો રહે છે. એનું કારણ શું એ સમજવા માટે અમેરિકન રિસર્ચરોએ તેમના પર પ્રયોગ કર્યો. એ પ્રયોગના આધારે ખબર પડી કે તેઓ ઑમેગા-૩ ફૅટીઍસિડ રિચ ખોરાક લે છે. એમાં ફિશ વગેરે વધુ હોય. આ જ પ્રયોગમાંથી જે નિષ્કર્ષ નીકળ્યો એ મુજબ અમેરિકામાં કેટલાક લોકો પર પ્રયોગ કરવામાં આવ્યો તો પરિણામ સારું તો નહીં, અવળું આવ્યું. આ લોકોને હાર્ટ-ડિસીઝનું પ્રમાણ વધ્યું. કહેવાનો મતલબ એ કે જે-તે આબોહવા, જે-તે જીવનશૈલી, જનીનગત બૅકગ્રાઉન્ડ સાથે આપણને આપણા દેશની જે પરંપરાગત બાબતો છે એ વધુ માફક આવશે.’

અફૉર્ડેબલ ન્યુટ્રિશન

નૅશનલ ન્યુટ્રિશન વીકથી ભારતમાં અફૉર્ડેબલ ન્યુટ્રિશનની પણ પહેલ થઈ રહી છે. હેલ્ધી ખાવાની સાથે હેલ્ધી જીવનશૈલી કેળવવી પણ એટલી જ જરૂરી છે અને એ કરવાનું અઘરું જરાય નથી એવું માનતાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘આપણે હેલ્ધી ફૂડને બહુ કૉમ્પ્લિકેટેડ કરી નાખ્યું છે. રોજિંદા જીવનમાં જે દાળ, ભાત, શાક અને રોટલી ખાવામાં આવે છે એ પૂરતું જ છે. તમારે એમાં કોઈ ખાસ એક્ઝૉટિક મોંઘી સામગ્રીઓ વાપરવાની જરૂર નથી. લાલ-લીલાં કૅપ્સિકમ નહીં વાપરો તો ચાલશે, સાદું લીલું કૅપ્સિકમ પણ પૂરતું ગુણકારી છે. મોંઘાદાટ કિવી કે કીન્વાની જરૂર નથી. કેળાં, પપૈયું, પેરુથી પણ એટલું જ ન્યુટ્રિશન મળે છે. સીઝનલ ફળો અને શાકભાજી તમે ખરીદો તો એ અફૉર્ડેબલ જ હોય છે. જ્યારે આપણે સીઝન વિનાની કેરી, ફ્રોઝન ઍપલને બારેમાસ ખાવાની હોંશ રાખીએ છીએ ત્યારે તકલીફ થાય છે. બાકી આ સીઝનમાં તરબૂચ ખાવાની જરૂર નથી. અત્યારે મસ્ત આલૂબુખારા મળે છે. કોદરી, કાંગણી, સામો, કુટ્ટુ, બાજરી-જુવાર, નાચણી જેવાં મિલેટ્સ રોજિંદા જીવનમાં વાપરી જ શકાય છે. રોજ ભોજનમાં એક વાર લીફી ગ્રીન વેજિટેબલ હોવું જોઈએ, મુઠ્ઠીભર ચણા-ગોળ લેવાં કે એક ગ્લાસ દૂધ પીવું જેવી નાની-નાની આદતો પણ ન્યુટ્રિશન બૅલેન્સ કરી જ શકે છે.’

હેલ્ધી ચૉઇસની સાથે આદતો સુધારવી બહુ જરૂરી છે એમ જણાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘ન્યુટ્રિશન પૂરું મળે એ માટે હેલ્ધી ખાવાની સાથે સમયસર સૂવું, સમયસર ઊઠવું, પૂરતી ઊંઘ લેવી, શરીરને રોજ એક કલાકની કસરત આપવી જેવી આદતો કેળવવી બહુ જ જરૂરી છે. આ બધી જ આદતો મેટાબોલિઝમ પર અસર કરે છે. મેટાબોલિઝમ સારું હોય તો જ ખાધેલાં સુપરફૂડ્સનો ફાયદો મળે. બેઠાડુ જિંદગી, સ્ટ્રેસ, ઇમોશનલ અસંતુલનથી અનહેલ્ધી અને જન્ક ખાવાનું ક્રેવિંગ વધે છે અને પછી એમાંથી શરૂ થતું વિષચક્ર તૂટી નથી શકતું.’

health tips nutrition life and style columnists sejal patel