જુલાબ સાથે તાવ આવે તો શું કોરોના હોઈ શકે છે?

07 April, 2021 02:06 PM IST  |  Mumbai | Dr. Chetan Bhatt

ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સમસ્યા સાથે આવનારા મોટા ભાગના પેશન્ટ્સમાં કોરોના જોવા મળે છે

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૬૪ વર્ષ છે અને બ્લડપ્રેશર સિવાય બીજી કોઈ સમસ્યા નથી. હમણાંથી ગરમીને કારણે ભૂખ નથી લાગતી. એમાં પાછું મને અવારનવાર લૂઝ મોશન્સ થઈ જાય છે. અત્યારે તો ઝાડા એ પણ કોરોનાનું એક લક્ષણ કહેવાય છે એટલે ચિંતા થઈ જાય છે. જુલાબ રોકવા માટેની બે ગોળી સાથે લઉં ત્યારે જ જુલાબ રોકાય. બાકી પાણી જેવા પાતળા ઝાડા થઈ જાય. એ વખતે શરીરમાં થોડુંક તાવ જેવું પણ લાગે, પણ એક દિવસ પેટને આરામ આપું તો પાછું તાવ અને પેટ બધું નૉર્મલ થઈ જાય. પેટમાં આવી ગરબડ હોય તો કોરોના બાબતે ચિંતા કરવી જોઈએ?

આજકાલ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સમસ્યા સાથે આવનારા મોટા ભાગના પેશન્ટ્સમાં કોરોના જોવા મળે છે એટલે યસ, તમારાં આ લક્ષણોને હળવાશથી ન લેવાં. જુલાબની સાથે વીકનેસ અને તાવ પણ હોય તો કોરોનાની ટેસ્ટ કરાવી જ લેવી. અમે એ પણ જોયું છે કે આવાં લક્ષણો દેખાય એના બીજાથી પાંચમા દિવસ દરમ્યાન કોરોનાની ટેસ્ટ કરાવો તો એ નેગેટિવ આવે છે અને છતાં દરદી પૉઝિટિવ હોય એવી સંભાવના રહે છે. છેક દસમા દિવસ પછી પણ RTPCR ટેસ્ટ પોઝિટિવ આવી હોય એવું જોવા મળ્યું છે. જો ઝડપથી નિદાન કરવું હોય તો જીન ટેસ્ટ કરાવવી જેનું રિઝલ્ટ એક જ કલાકમાં મળે છે અને એ પ્રમાણમાં એક્યુરેટ પર હાેય છે.

બને ત્યાં સુધી ઘરમાં આઇસોલેટ થઈને જ રહેવું. પેટને હળવાશ આપવી. ખીચડી-છાશ, મગનું પાણી, ઓસામણ-ભાત જેવી હળવી ચીજો લો. દૂધ અને ઘઉંની તમામ પ્રોડક્ટ થોડાક સમય માટે બંધ કરી દો. પાણી પૂરતું પીવાનું રાખો. ઘણી વાર લૂ લાગવાને કારણે પણ ડાયેરિયા થઈ જતા હોય છે. પાણી ઓછું પીશો તો ડીહાઇડ્રેશનને કારણે બીજી સમસ્યા થશે.

બીજું, તમે બ્લડપ્રેશર માટેની કઈ દવા લો છો એ પણ જુઓ. જો તમારી દવામાં ટેલમીસાર્ટન ડ્રગ હોય તો ફૅમિલી ડૉક્ટરને મળીને એ દવા ચેન્જ કરાવો. આ દવાને કારણે પણ ઘણી વાર ગરમીમાં લુઝ મોશન્સ થાય છે. જો રિપોર્ટ નૉર્મલ હોય તો આ સંજોગોમાં સ્મૉલ ઇન્ટેસ્ટાઇનનું ઇન્ફેક્શન હોવાની સંભાવના વધુ છે. 

columnists