આસ્થા સાથે કરાતા ઉપવાસ સ્વાસ્થ્ય માટે ઔષધિ સમાન છે

11 September, 2019 08:25 PM IST  |  Mumbai

આસ્થા સાથે કરાતા ઉપવાસ સ્વાસ્થ્ય માટે ઔષધિ સમાન છે

Mumbai : વ્રત દરમિયાન ઉપવાસ રાખવામાં આવે છે. આમ તો, વ્રત અને ઉપવાસનો સંબંધ આસ્થા સાથે જોડાયેલો છે પરંતુ તેનાથી સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે. તે ઉપરાંત ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મમાં ઉપવાસનું વધારે મહત્ત્વ રહેલું છે. સ્વાસ્થ્ય માટે તેને સૌથી સારી ઔષધિ પણ માનવામાં આવે છે. આયુર્વેદમાં શરીરમાંથી ઝેરી તત્ત્વો કાઢવાની (ડિટોક્સિફિકેશનની) વાત કરવામાં આવી છે. ધાર્મિક માન્યતાથી કરવામાં આવતા ઉપવાસ શરીરને સ્વસ્થ રાખે છે.


શરીર સ્વસ્થ રહે છે
વ્રત કે ઉપવાસમાં એક ટાઈમ ભોજન કરવામાં આવતું હોવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. જો આપણે એક દિવસનો ઉપવાસ રાખીએ અને માત્ર પાણી જ પીએ તો આપણું આયુષ્ય બીજાની સરખામણી કરતાં 5 ટકા વધી જાય છે. જે લોકો દરરોજ ભોજન કરતા હોય છે અને ઉપવાસ નથી કરતા તેમનું આયુષ્ય ઉપવાસ કરનારાઓની સરખામણીમાં ઓછું રહે છે. જે લોકો ઉપવાસ કરતા હોય છે તેમનું શરીર સૌથી વધારે સ્ફૂર્તિલું રહે છે. ઉપવાસથી તમારામાં આત્મવિશ્વાસ પણ વધે છે. ઉપવાસ કરવાથી શારીરિક અને માનસિક શાંતિ પણ મળે છે. પેટની બીમારી માટે ઉપવાસનું વિશેષ મહત્ત્વ હોય છે. ઉપવાસ કરવાથી પેટ સંબંધી બીમારીમાંથી જલ્દી છૂટકારો મળે છે. દરેક વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે સપ્તાહમાં એક વખત ઉપવાસ કરવો જોઈએ.


ઉપવાસથી કેન્સર જેવી બીમારીને પણ દુર રાખી શકો છો
સાત્વિક ખોરાકથી કેન્સરનું જોખમ ઓછું રહે છે. ઉપવાસથી તમે કેન્સર જેવી બીમારીને પણ દૂર રાખી શકો છો. ઉપવાસ કરવાથી કેન્સર ટ્યુમરમાં પણ ઘટાડો નોંધાયો છે. જેટલા ઉપવાસ કરીએ એટલી શરીરમાં એનર્જી વધે છે. ઉપવાસના દિવસે સાત્વિક ભોજન કરતી વખતે લસણ-ડુંગળી અને માંસાહારથી દૂર રહેવું અને બને ત્યાં સુધી ફ્રૂટનું સેવન કરવું. ઉપવાસ કરવાથી મનુષ્યનું આયુષ્ય વધે છે અને ડાયાબિટિસ - કેન્સર જેવી બીમારીનું જોખમ ઘટી જાય છે.


વજન ઓછું થાય છે
વ્રત રાખવાથી શરીરમાંથી એવા હોર્મોન્સ નીકળતા હોય છે જે ફેટી ટિશ્યૂને તોડવામાં મદદ કરે છે, જેથી તમારું વજન ઘટે છે. થોડાક સમય માટે ઉપવાસ રાખવાથી શરીરનું મેટાબોલિઝમ ઝડપથી વધે છે જે વજન ઓછું કરવામાં મદદ કરે છે. તેમજ પાચનતંત્ર પણ સુધરે છે. તે ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

health tips