23 June, 2023 04:01 PM IST | Mumbai | Falguni Jadia Bhatt
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા કેટલાક સમયથી જે પ્રકારની હત્યાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે એ જોતાં કોઈ પણ સામાન્ય માણસને આ પ્રશ્ન થયા વિના ન રહે. શું આ બધા જ હત્યારા માનસિક રીતે અસ્વસ્થ હતા કે પછી તેમની આ પ્રકારની બર્બરતા આપણા સમાજમાં આવી રહેલા કોઈ ખતરનાક પરિવર્તનની નિશાની છે? એક્સપર્ટ્સ સાથે આ મુદ્દે થયેલી વાતચીતમાં બહાર આવેલા કેટલાક મુદ્દાઓ પર આવો આજે નજર કરીએ...
મે, ૨૦૨૨. દિલ્હીમાં રહેતી શ્રદ્ધા વાલકર નામની ૨૭ વર્ષની યુવતીને તેના લિવ-ઇન પાર્ટનર આફતાબ પુનાવાલાએ ગળું દબાવીને મારી નાખી. ત્યાર બાદ તેના શરીરના ૩૫ ટુકડા કરી આગલા છ મહિના સુધી દિલ્હીના વિવિધ વિસ્તારોમાં જઈ એનો નિકાલ કરી દીધો.
મે, ૨૦૨૩. દિલ્હીમાં સાક્ષી દીક્ષિત નામની ૧૬ વર્ષની છોકરીની તેના ભૂતપૂર્વ બૉયફ્રેન્ડે ભર રસ્તાની વચ્ચે ૨૦ વાર ચપ્પુ મારીને હત્યા કરી નાખી. ત્યાર બાદ તે પાસેથી એક કૉન્ક્રીટનો સ્લૅબ લઈ આવ્યો, જેને માથા પર મારી-મારીને સાક્ષીનો આખો ચહેરો કચડી નાખ્યો.
જૂન, ૨૦૨૩. મુંબઈના મીરા રોડમાં રહેતી ૩૨ વર્ષની વિદ્યાના તેના લિવ-ઇન પાર્ટનર મનોજ સાનેએ ૫૬ ટુકડા કરી કેટલાક પ્રેશર કુકરમાં બાફીને કૂતરાઓને ખવડાવી દીધા તો કેટલાક ગૅસ પર શેકીને ફેંકી દીધા.
કેટલાક ગુના એટલા બર્બરતાભર્યા હોય કે અખબારો કે ટીવીમાં એના સમાચાર વાંચી કે સાંભળીને પણ આપણાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે. અન્ય સમાચારોની જેમ આવા ગુનાઓ વિશે જાણ્યા બાદ આપણો આખો દિવસ ખરાબ થઈ જતો હોય છે. આવા ગુના વિશે વાંચીએ ત્યારે મનમાં ખરેખર એવો પ્રશ્ન થતો હોય છે કે કોઈ વ્યક્તિ આટલું ક્રૂર કૃત્ય કરી જ કેવી રીતે શકે? શું આ હદ સુધીની હિંસા આચરનારા ગુનેગારો માનસિક રીતે અસ્વસ્થ છે કે તેમના મગજની રચનામાં જ કંઈક ગરબડ છે કે પછી તેમની આ પ્રકારની વર્તણૂક આપણા સમાજમાં આવી રહેલા કોઈ ખતરનાક પરિવર્તન તરફ અંગુલિનિર્દેશ કરી રહી છે? અમે નિષ્ણાતો સાથે જ્યારે આ વિશે વાત કરી ત્યારે નીચે મુજબના કેટલાક મુદ્દા બહાર આવ્યા.
મીડિયા મસાલો પૂરો પાડે છે
એ વાત સાચી છે કે આ હદ સુધીની હિંસા કોઈ સ્વસ્થ મગજવાળી વ્યક્તિ ન જ કરી શકે. મનોવિજ્ઞાનમાં આવા લોકોને અમે સાઇકોપૅથ તરીકે ઓળખીએ છીએ, જેઓ એક નહીં તો બીજી ગંભીર માનસિક બીમારીથી પીડાતા હોય છે તથા પોતાની કે અન્યો સાથે હિંસાત્મક વ્યવહાર કરી શકે છે. એ મ સમજાવતાં બૉમ્બે સાઇકિયાટ્રિસ્ટ સોસાયટીના પ્રેસિડન્ટ ડૉ. હિના મર્ચન્ટ કહે છે, ‘ આવા લોકોમાં સંવેદનશીલતાનો સંપૂર્ણ અભાવ હોય છે, જેને પગલે તેમને પોતાના કોઈ પણ પ્રકારના કૃત્ય માટે ગ્લાનિનો અનુભવ થતો નથી. સિરિયલ કિલર, સિરિયલ રેપિસ્ટ વગેરે આ કક્ષાના લોકો હોય છે. મોટા ભાગના કિસ્સામાં આવા લોકો બાળપણમાં પારાવાર માનસિક તનાવમાંથી પસાર થયા હોય છે. તેમણે કાં તો ખૂબ હિંસા જોઈ હોય છે અથવા એમાંથી પસાર થયા હોય છે, જેને પગલે બાળપણથી જ તેમનામાં હિંસાત્મક વૃત્તિ આકાર લેવામાં માંડે છે. તેમને લોકોને હેરાન કરવામાં, રંજાડવામાં તથા ટૉર્ચર કરવામાં વિકૃત આનંદ મળતો હોય છે.’
આટલું કહી ડૉ. હિના વધુમાં ઉમેરે છે, ‘આ સાથે આપણે એ સત્ય તરફ પણ આંખ આડા કાન ન કરી શકીએ કે હવેના સમયમાં લોકો વધુ આક્રમક અને હિંસક બની રહ્યા છે. આવું થવા પાછળ મીડિયાનો બહુ મોટો હાથ છે. ટીવી, અખબારો, ફિલ્મો, સિરિયલો, ઓટીપી પર આવતી સિરીઝ, મોબાઇલ, વિડિયો ગેમ્સ, સોશ્યલ મીડિયા વગેરે જેવા સંચાર માધ્યમના કોઈ પણ પ્રકાર તમે લઈ લો, બધે જ પારાવાર હિંસા દેખાડવામાં આવી રહી છે. મીડિયા જાણતાં-અજાણતાં હિંસાને પ્રમોટ કરી રહ્યું છે, કારણ કે હિંસા જ વધારે વેચાય છે અને આપણે બધા ઘરે ટીવી પર, થિયેટરોમાં તથા મોબાઇલમાં પૂરા પરિવાર સાથે બેસીને આ હિંસા જોઈ રહ્યા છીએ. શ્રદ્ધા વાલકરના ખૂનીએ કબૂલાત કરી હતી કે તેને આ હત્યાનો આઇડિયા અમેરિકન સિરીઝ ‘ડેક્સટર’ પરથી મળ્યો હતો. ‘સ્ક્વિડ ગેમ’ નામની સિરીઝમાં પણ લોકોને જે રમત રમતા દેખાડવામાં આવ્યા છે એમાં તેમને પોતાને જિતાડવા અન્યોને મારી નાખતા દેખાડવામાં આવ્યા છે. એમ છતાં આ સિરીઝ ખૂબ લોકપ્રિય બની અને એને અનેક અવૉર્ડ્સ પણ મળ્યા. દિલ્હીમાં રસ્તા પર સાક્ષી દીક્ષિતને ૨૦ વાર ચપ્પુ મારીને મારી નાખવામાં આવી એનાં ફુટેજ બધાએ મીડિયામાં જ જોયાં. તાજેતરમાં થયેલા મીરા રોડ મર્ડર કેસમાં મનોજ સાનેએ કેવી રીતે પોતાની ગર્લફ્રેન્ડના બૉડી પાર્ટ્સને પ્રેશર કુકરમાં રાંધી કૂતરાઓને ખવડાવી દીધા એની જાણકારી પણ મીડિયા દ્વારા જ લોકોને મળી. મીડિયામાં કોઈની હત્યા, બળાત્કાર, આત્મહત્યા તથા ફાંસી વગેરેની એટલી ઊંડાણપૂર્વક ચર્ચા થાય છે કે લોકોને જરૂર કરતાં વધારે જાણકારી મળી જાય છે, જેનો ઉપયોગ ઘણા કૉપીકૅટ મર્ડરર્સ અને સુસાઇડર્સ કરતા હોય છે. ચારે બાજુથી આપણા પર હિંસાનો એટલો બધો મારો થઈ રહ્યો છે કે આપણી સંવેદનશીલતા મરી પરવારી છે. આ જ કારણ છે કે રસ્તે ચાલતા કોઈ માણસનું ખૂન થઈ જાય છે છતાં બધા ઊભા રહી જોતા રહે છે, પણ મદદ કરવા કોઈ આગળ આવતું નથી. લોકોની આ વર્તણૂક સમાજમાં વ્યાપી રહેલી ઉદાસીનતા તરફ ઇશારો કરે છે.’
એલિયન્સ બની રહ્યા છીએ ....
ડિસ્કનેક્ટ આધુનિક યુગનો સૌથી મોટો રોગ છે. આજે પરિવારો વિભાજિત થઈ ગયા છે. ન્યુક્લિયર ફૅમિલીમાં માતાપિતા પાસે બાળકો સાથે વાત કરવાનો સમય નથી. એ મ જણાવતાં નામાંકિન સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘જેમની પાસે આપણે દિલનો બળાપો કાઢી શકીએ એવા મિત્રો હવે આપણી પાસે રહ્યા નથી. આજે સ્વજનો જેવાં પિતરાઈ ભાઈ-બહેનો સાથે આપણો સંપર્ક તૂટી ગયો છે. વાસ્તવમાં આ બધા લોકો આપણી સેફ્ટી નેટ હોય છે, જે આપણું માર્ગદર્શન કરે છે, કંઈક ખોટું કરતા હોય તો અટકાવે છે. નાનાં ગામડાંઓમાં બધા જ એકબીજાને ઓળખે છે, પરંતુ મોટાં-મોટાં શહેરોમાં લોકો પાડોશમાં રહેતા પરિવારને પણ ઓળખતા નથી. આમ આપણે બધા એલિયન્સ બની ગયા છીએ. આ એકલતા ક્યારેક પોતાની જાત તરફ તો ક્યારેક સમાજ તરફ ગુસ્સામાં પરિણમી શકે છે, માણસને હિંસક બનાવી શકે છે. બીજી બાજુ જેઓ પહેલેથી જ હિંસક વૃત્તિ ધરાવે છે તેમને એવું લાગે છે કે અહીં કોઈને કોઈની પડી નથી. તેઓ કોઈ પણ પ્રકારનો ગુનો કરશે કોઈને ખબર પડશે નહીં. આવા લોકો પોતાના ગુનાને છુપાવવા આ એકલતાનો ભરપૂર લાભ પણ ઉઠાવી શકે છે.’
વધુમાં આ એકલતાને પગલે યુવાનિયાઓ માટે તેમના બૉયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ જ સર્વસ્વ બની ગયા છે. તેઓ બધા જ સંબંધનો આનંદ ફક્ત આ એક સંબંધમાંથી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. યંગ જનરેશનની બીજી સમસ્યાઓ વિશે ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘ગ્લૅમરની દુનિયાની ચકાચૌંધથી અંજાયેલી હવેની છોકરીઓમાં બૉડી શેમિંગ ખૂબ આવી ગયું છે. આવામાં તેઓ બહુ સરળતાથી ખોટી વ્યક્તિના પ્રેમમાં પડી જાય છે. બહારથી મીઠી- મીઠી વાતો કરતા, પરંતુ અંદરખાને તેમને કન્ટ્રોલ કરવા માગતા યુવકો તેમને આકર્ષક લાગે છે. જ્યારે હકીકત તો એ છે કે આવા ઑબ્સેસિવ અને પઝેસિવ રિલેશનશિપમાંથી બને એટલા જલદી બહાર આવી જવું જોઈએ. જેઓ તમારી પાસે તમારા મોબાઇલ કે ઈ-મેઇલનો પાસવર્ડ માગે, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર શું અપલોડ કરવું અને શું ન કરવું એ માટે દબાણ કરે, તમને પોતાના નગ્ન ફોટો મોકલવા આગ્રહ કરે, ગાળો આપે, મારઝૂડ કરે તેવી કોઈ પણ વ્યક્તિ સાથે તરત સંબંધ કાપી નાખવો જોઈએ. પરંતુ આત્મવિશ્વાસના અભાવથી પીડાતી છોકરીઓ આવું કરી શકતી નથી, જેને પગલે તેઓ ક્યારેક ગંભીર ગુનાનો ભોગ પણ બની જાય છે.’
હાડમારી બનાવે છે આક્રમક
પર્સનલ સ્પેસનો અભાવ લોકોને હિંસક બનાવી રહ્યો છે’ એ મ જણાવતાં નામાંકિત સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અશિત શેઠ કહે છે, ‘હિંસા દરેક ડેવલપ્ડ સોસાયટીની લાક્ષણિકતા હોય છે. જ્યાં વસ્તુઓની છૂટ હોય, પરંતુ વસ્તી વધારાને કારણે પર્સનલ સ્પેસનો અભાવ હોય ત્યાં લોકો હિંસક થવાના જ. આવામાં જરા અમથી હાડમારી કે ડિસકમ્ફર્ટ લોકોને તરત જ આક્રમક બનાવી શકે છે. ટ્રેનમાં અને બસોમાં સીટ માટે લડતા લોકોની માનસિકતા પાછળ આ પર્સનલ સ્પેસનો અભાવ જ ભાગ ભજવતો હોય છે. તેથી હવે જરૂરી બની ગયું છે કે આપણે લોકોને તેમની લાગણીઓ વ્યક્ત કરવાના સામાજિક રીતે સ્વીકાર્ય હોય એવા સ્વસ્થ રસ્તાઓ દેખાડીએ. તેમને જગ્યાની મોકળાશ કરી આપીએ. રસ્તાઓને પહોળા કરીએ, વધુ બગીચાઓ અને જૉગિંગ પાર્ક્સ બનાવીએ. લોકોને પોતાની લાગણીઓની યોગ્ય રજૂઆત કરતાં શીખવીએ. આ માટે તેમને વધુને વધુ ચિત્રકળા, હસ્તકળા, સંગીત, નૃત્ય તથા રમતગમત જેવાં ક્ષેત્રોમાં રસ લેતા કરીએ. લોકોનો લોકો સાથે સંપર્ક વધારીએ, પરિવારજનોને નજીક લાવીએ, સોસાયટીઓમાં સાથે મળી ઉત્સવો ઊજવીએ, સામાજિક મેળાવડાઓમાં ભાગ લઈએ, લોકોને મદદ કરીએ. ’
બલકે એક રિસર્ચમાં એવું જાણવા મળ્યું હતું કે જે લોકો લાંબા સમયથી મેડિટેશન કરતા હોય છે તેમના મગજમાં ઝેડ વેવ્સ ઉત્પન્ન થાય છે, જે તેમને આવા અનુભવ આપે છે. આવો જ અનુભવ સાઇકોપૅથને ત્યારે થાય છે જ્યારે તેઓ કોઈને ટૉર્ચર કરે છે. આ રિસર્ચને આગળ વધારી એક એવું પણ સંશોધન થવું જોઈએ કે શું આ જ અનુભવ લોકોને સામાજિક કાર્યોમાં ભાગ લેવાથી તથા અન્યોને મદદ કરવાથી મળે છે?
જ્યાં વસ્તુઓની છૂટ હોય, પરંતુ વસ્તી વધારાને કારણે પર્સનલ સ્પેસનો અભાવ હોય ત્યાં જરા અમથી હાડમારી કે ડિસકમ્ફર્ટ લોકોને તરત જ આક્રમક બનાવી શકે છે. - ડૉ. અશિત શેઠ