વ્રતમાં પૂજવાલાયક નહીં, પીવાલાયક પણ છે જવારા

04 July, 2023 04:39 PM IST  |  Mumbai | Falguni Jadia Bhatt

આ ઘઉંના જવારા સ્વાસ્થ્યની દૃષ્ટિએ અમૃતસમાન હોવાનું કહેવાય છે.

વ્રતમાં પૂજવાલાયક નહીં, પીવાલાયક પણ છે જવારા

ગૌરીવ્રત અને જયાપાર્વતીના વ્રતમાં બહેનો પૂજા માટે છાબડીમાં ઘઉંના જવારા ઉગાડીને એનું પૂજન કરતી હોય છે. આ ઘઉંના જવારા સ્વાસ્થ્યની દૃષ્ટિએ અમૃતસમાન હોવાનું કહેવાય છે. હાલમાં ઘઉંના જવારાની સાથે જવના જવારાના હેલ્થ બેનિફિટ્સની પણ બોલબાલા હોવાનું ચર્ચામાં છે ત્યારે જાણીએ આ બન્ને જવારાના ગુણ અને એના ફાયદા

હાલ કુંવારી કન્યાઓ દ્વારા કરવામાં આવતા ગૌરીવ્રતના દિવસો ચાલી રહ્યા છે. આ દિવસોમાં કન્યાઓ પાંચ દિવસ મોળો ખોરાક ખાય છે અને ઘઉંના જવારાની પૂજા કરે છે. આધ્યાત્મિક દૃષ્ટિએ આ ઘઉંના જવારા પવિત્ર ગણાય છે તો વૈજ્ઞાનિક દૃષ્ટિએ ખૂબ પોષક પણ છે. બલકે એમાં એટલાં બધાં ગુણકારી તત્ત્વો રહેલાં છે કે આધુનિક વિજ્ઞાન એને સુપર ફૂડની કૅટેગરીમાં મૂકે છે. વર્ષોથી લોકો ઇમ્યુનિટી વધારવાની સાથે વજન ઘટાડવા સુધી એનો ઉપયોગ કરતા આવ્યા છે એટલું જ નહીં, કૅન્સર જેવા રોગોમાં પણ એ ઉપયોગી હોવાનું પુરવાર થઈ ચૂક્યું છે. અલબત્ત, છેલ્લા કેટલાક સમયથી આ ઘઉંના જવારાની સાથે જવના જવારાની લોકપ્રિયતા પણ વધી રહી છે. ડાયટની દૃષ્ટિએ ઘઉંના જવારાની જેમ જવના જવારામાં પણ એટલાં બધાં પોષક તત્ત્વો રહેલાં છે કે એ પણ સુપર ફૂડની કૅટેગરીમાં મુકાવા માંડ્યા છે. તો આવો આજે આ બંનેના ગુણોની વાત કરી એક વાર એમની તુલના પણ કરી જોઈએ. 

વીટ ગ્રાસની વિશેષતા

ઘઉંના જવારાની વિશેષતા વર્ણવતાં અંધેરીની ક્રિટિકૅર હૉસ્પિટલનાં ડાયટિશ્યન ડૉ. યોગિતા ગોરડિયા કહે છે, ‘અંગ્રેજીમાં વીટ ગ્રાસ તરીકે ઓળખાતું આ સુપર ફૂડ પોષક તત્ત્વોનું પાવરહાઉસ છે. એમાં મબલક માત્રામાં અમીનો ઍસિડ્સ, વિટામિન એ, બી, સી, ઈ, આયર્ન ઉપરાંત મૅગ્નેશિયમ, ફૉસ્ફરસ, સોડિયમ, પોટૅશિયમ જેવાં ખનિજ તત્ત્વો પણ રહેલાં છે. જેમનું આયર્ન ઓછું હોય, જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય કે પછી જેમના પ્લેટલેટ્સ કોઈ બીમારીને પગલે ઘટી ગયા હોય તેવા દરદીઓને ઘઉંના જવારાનો રસ પીવાની ખાસ સલાહ આપવામાં આવે છે. એમાં ઍન્ટિબૅક્ટેરિયલ, ઍન્ટિઇન્ફ્લૅમેટરી અને ફાયટોન્યુટ્રિયન્ટ્સ રહેલાં છે જે શરીરમાંથી ટૉક્સિન્સ સાફ કરી પોષક તત્ત્વોને શરીરમાં ઍબ્સૉર્બ થવામાં મદદ કરે છે. આ જૂસ આંતરડાની પણ સફાઈ કરે છે. આ જ કારણસર એ વજન ઉતારવામાં પણ મદદરૂપ થાય છે.’
પ્રમાણના દૃષ્ટિકોણથી જોઈએ તો અઢી કિલો શાકભાજીમાંથી આપણને જેટલાં પોષક તત્ત્વો મળે છે એટલાં માત્ર ૬૦ મિલી ઘઉંના જવારાના રસમાંથી મળી જાય છે. એમાં સંતરાથી વધારે વિટામિન સી હોય છે તો ગાજરથી બમણું વિટામિન એ. ઉપરાંત એમાં બધા જ પ્રકારનાં વિટામિન બી પણ રહેલાં છે. આ સાથે એમાં ઍન્ટિઑક્સિડેટિંગ પ્રૉપર્ટી પણ રહેલી છે, જે ટૉક્સિન્સ સાફ કરી લિવરનું સ્વાસ્થ્ય સુધારે છે. એ બ્લડ-પ્રેશર તથા કૉલેસ્ટરોલ પણ ઓછાં કરે છે. સાથે જ એ કૅન્સર તથા પેટના અલ્સર સામે પણ રક્ષણ પૂરું પાડે છે. આ જૂસ મેમરી લૉસ અટકાવી ઑલ્ઝાઇમર્સ સામે લડત આપતો હોવાનું તથા આંખ અને હાથ વચ્ચેનું કો-ઑર્ડિનેશન સુધારતો હોવાનું પણ કેટલાંક સંશોધનોમાં જાણવા મળ્યું છે. 

બાર્લી ગ્રાસ

બીજી બાજુ જવના જવારાની વિશેષતાઓ વર્ણવતાં અંધેરીનાં ન્યુટ્રિશનિસ્ટ કેજલ શાહ કહે છે, ‘ઘઉંના જવારાની જેમ જવના જવારામાં પણ પુષ્કળ પ્રમાણમાં વિટામિન એ, સી અને ઈ રહેલાં છે. આ ત્રણે વિટામિન સાથે મળી ફ્રી રૅડિકલ્સ સામે લડત આપી ત્વચાની લવચિકતા વધારે છે તથા શરીરના સોજા દૂર કરે છે. 
ઉપરાંત એમાં કૅલ્શિયમ, મૅગ્નેશિયમ તથા ફોલિક ઍસિડ જેવાં તત્ત્વો પણ પુષ્કળ પ્રમાણમાં રહેલાં છે. જવના જવારામાં ખાસ તો સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ એમ બંને પ્રકારનાં ડાયેટરી ફાઇબર્સ રહેલાં હોવાથી પાચનક્રિયા માટે એ ખાસ ઉપયોગી છે. સાથે જ એ કૉલેસ્ટરોલ અને બ્લડ શુગર ઓછાં કરવામાં પણ ખૂબ જ ઉપયોગી નીવડે છે.’
પ્રમાણના દૃષ્ટિકોણથી જોઈએ તો જવના જવારામાં ગાયના દૂધની સરખામણીમાં અગિયારગણું વધારે કૅલ્શિયમ રહેલું છે, પાલકની સરખામણીમાં પાંચગણું વધારે આયર્ન, સંતરા કરતાં સાતગણું વધારે વિટામિન સી, ઘઉંના લોટની તુલનામાં ચારગણું થિયામાઇન તથા જવના દાણા કરતાં બેગણું પ્રોટીન રહેલું છે. કેટલાંક સંશોધનોમાં જાણવા મળ્યું છે કે આ બાર્લી ગ્રાસ જૂસ પીવાથી ડાયાબિટીઝ ઘટે છે તથા હૃદયરોગ અને કૅન્સર સામે રક્ષણ મળે છે. બલકે એમાં ઍન્ટિડિપ્રેસન્ટ ગુણો પણ રહેલા છે. 

બેમાંથી બહેતર શું?

આટલું વાંચ્યા પછી સ્વાભાવિક રીતે કોઈને પણ એવો પ્રશ્ન થાય જ કે બંનેમાંથી કયો રસ વધુ સારો? આ પ્રશ્નનો જવાબ આપતાં કેજલ કહે છે, ‘બંને જ રસ સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. તેથી તમે કઈ તકલીફથી પીડાઓ છો કે પછી તમારો ઉદ્દેશ શું છે એના આધારે બેમાંથી એકની પસંદગી કરવી જોઈએ. બલકે જેમ આપણે મોસમ પ્રમાણે વિવિધ શાકભાજી અને ફળફળાદિનો આપણા આહારમાં સમાવેશ કરીએ છીએ એવું જ આવા સુપર ફૂડ સાથે પણ કરવું જોઈએ. આ માટે તમે ઇચ્છો તો બે મહિના વીટ ગ્રાસ જૂસ લઈ બીજા બે મહિના બાર્લી ગ્રાસ જૂસ લઈ શકો છો.’

આટલું ધ્યાન રાખજો

જોકે બંને જૂસ ન્યુટ્રિયન્ટ્સનાં પાવરહાઉસ હોવાથી વધુ પ્રમાણમાં લેવાની ભૂલ કરવી નહીં. આ મુદ્દાને વધુ વિસ્તારપૂર્વક સમજાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘આવાં જૂસ ગ્લાસ ભરીને પીવાય નહીં. એમને તો શૉટ્સ એટલે કે એક સમયે ૧૦-૧૫ મિલી જેટલા જ લેવા જોઈએ. કેટલાક લોકોને આ જુસિસ પીવાથી માથું દુખવું, બેચેની થવી તથા પેટમાં ગરબડ થઈ જવા જેવી સમસ્યાઓ પણ સતાવતી હોય છે. તેથી બહેતર તો એ જ છે કે આવા રસ એકલા લેવા કરતાં બીજા કોઈ શાક કે ફ્રૂટના જૂસ સાથે મિક્સ કરીને પીવા. તમે ઇચ્છો તો સૂપ કે સ્મૂધીમાં પણ એને ઉમેરી શકો છો. કેટલાક લોકો સૅલડમાં ડ્રેસિંગ તરીકે પણ એનો ઉપયોગ કરે છે. આજકાલ બજારમાં આ જૂસિસના રેડિમેડ બાટલા મળવા માંડ્યા છે. સાથે જ હવે તો પાઉડર સ્વરૂપે પણ એ આસાનીથી ઉપલબ્ધ છે, પરંતુ આ બંને પદ્ધતિથી એની અંદર રહેલાં પોષક તત્ત્વો નાશ પામે છે. તેથી ઘઉં કે જવના જવારા તાજા ઘરે ઉગાડી એનો તાજો રસ પીવો એ જ એના ગુણોનો લાભ ઉઠાવવા માટેનો સૌથી સાચો રસ્તો છે.’

જ્વારાના હેલ્થ બૅનિફિટ્સ ક્યારે શોધાયા?

લિથુઆનિયન હૉલિસ્ટિક હેલ્થ પ્રૅક્ટિશ્નર ઍન વિગ્મૉરે ૧૯૭૦ના દાયકામાં ઘઉંના જ્વારા અને નૅચરલ જૂસનો સારોઍવો ફેલાવો કર્યો હતો. જોકે એના મૂળિયાં એથીયે ઊંડાં છે. ૧૯૩૦માં ઍગ્રિકલ્ચરલ સાયન્ટિસ્ટ ડૉ. જ્યૉર્જ કૉલરે ઘઉંના જ્વારામાંથી એવું વિટામિન કે ને મળતું આવતું કેમિકલ શોધ્યું હતું અને જે કિડની, હાડકાં, બ્લડ ક્લૉટિંગ અને રક્તના પ્લાઝમામાં પ્રોટીન સિન્થેસિસ થવાની ક્રિયામાં મદદરૂપ થાય છે. જવ, ઓટ, લીલા વટાણા જેવી બીજી ઘણી વનસ્પતિઓના ઘાસનો એ વખતે પ્રયોગ કરવામાં આવ્યો હતો. જોકે તમામ ધાન્યોનાં ઘાસ કરતાં ઘઉંના જ્વારામાં એકદમ અલગ જ પ્રકારની હીલિંગ પ્રૉપર્ટીઝ જોવા મળી હતી.

બંને જ રસ સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. તેથી તમે કઈ તકલીફથી પીડાઓ છો કે પછી તમારો ઉદ્દેશ શું છે એના આધારે બેમાંથી એકની પસંદગી કરવી જોઈએ. તમે ઇચ્છો તો બે મહિના વીટ ગ્રાસ જૂસ લઈ બીજા બે મહિના બાર્લી ગ્રાસ જૂસ લઈ શકો છો. - કેજલ શાહ, ન્યુટ્રિશનિસ્ટ

health tips falguni jadia bhatt columnists