20 May, 2026 12:46 PM IST | Mumbai | Dr. Pankaj Parekh
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
મૉડર્ન પેરન્ટિંગના પોતાના પ્રૉબ્લેમ છે. એમાંનો એક પ્રૉબ્લેમ એટલે હાઇજીનનો અતિરેક. કોરોના પછી આમ પણ ઘરોમાં હાઇજીનનાં સ્ટાન્ડર્ડ્સ ઘણાં વધી ગયાં છે. એમાં પણ બાળક જન્મે પછી તો હાઇજીનનું મહત્ત્વ ઘણું વધી જાય છે. મેં જોયું છે કે ઘણાં ઘરોમાં તો બાળક આવ્યા પછી આખું ઘર દર બે દિવસે સૅનિટાઇઝ થાય છે. બાળકને કોઈ પણ અડે એ પહેલાં તે વ્યક્તિએ સૅનિટાઇઝ કરવું જ પડે એવા નિયમો હોય છે. જોકે સૅનિટાઇઝ કરવાની તકલીફ એ છે કે બાળક ઘરમાં રહે ત્યાં સુધી વાંધો નહીં. બહાર જાય તો તે બાળક ચોક્કસ માંદું પડી જાય છે. આવા પેરન્ટ્સ પછી અમારી પાસે આવે છે કે ડૉક્ટર અમને સમજાતું નથી કે તેની ઇમ્યુનિટી વધારવા શું કરીએ?
આપણે ત્યાં ઘણાં ઘરોમાં નાના બાળકને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન ન થાય એ માટે તેને ધૂળ અને ડસ્ટથી તો કોસો દૂર રાખવામાં આવે છે. નાનપણથી જ તેને ધૂળ-માટીનું એક્સપોઝર કઈ રીતે લેવા દેવાય? એવો પ્રશ્ન જેમને થાય તેમણે અહીં એક વસ્તુ સમજવા જેવી છે કે કોઈ પણ પ્રકારના નવા એક્સપોઝરની અસર બાળક પર દેખાય જ છે - પછી તે ૬ મહિનાનું હોય કે ૬ વર્ષનું. જેમ કે જન્મેલું બાળક સીઝન બદલાય એટલે થોડું માંદું પડે છે. મોટા ભાગના લોકો માને છે કે મોટા થયા પછી બાળક નવું એક્સપોઝર સહી શકશે, નાનું છે એટલે નહીં સહી શકે એ ખોટી માન્યતા છે.
સમજવા જેવી વાત એ છે કે તમે તેને ધૂળમાં રમવા જ નહીં દો કે એનાથી એકદમ બચાવીને જ રાખશો તો તેનામાં સામાન્ય જંતુઓ સામે રક્ષણ કરવાની ઇમ્યુનિટી ડેવલપ જ નહીં થાય એટલે તેની ઉંમર વધારે હોવા છતાં તે માંદું પડશે અને લાંબો સમય તેને એનાથી દૂર રાખશો તો તેનું શરીર એ વસ્તુઓ પ્રત્યે ઍલર્જી ડેવલપ કરશે જેને કારણે આજે જોશો તો ઘણાં બાળકોને ધૂળ-માટીની ઍલર્જી જોવા મળે છે. જેમ વધારે પડતી ગંદકી ખરાબ છે એમ વધારે પડતું હાઇજીન પણ ખરાબ છે. એ બન્ને વચ્ચે બૅલૅન્સ જાળવવું જરૂરી છે. બાળકને મેદાનમાં રમવા જવા દેવું જેટલું જરૂરી છે એટલું જ મહત્ત્વ જમતાં પહેલાં હાથ ધોવડાવવાનું છે. આમ રૂટીન હાઇજીનનું ધ્યાન જરૂરી છે પરંતુ એનો અતિરેક બરાબર નથી.
એટલે તમે બાળકને થોડુંઘણું ધૂળ-માટીનું એક્સપોઝર આપતા થાઓ. તેને બહાર લઈ જાઓ અને ત્યારે માંદું પડે તો ગભરાઓ નહીં. એવું થાય. બાળક માંદું પડે અને એમાંથી રિકવર થાય એ પણ ઇમ્યુનિટી બીલ્ડ કરવાની એક પ્રોસેસનો જ ભાગ છે એ સમજો.