એક્ઝામ કૅન્સલ થઈ જવાથી મને ડિપ્રેશન ફીલ થાય છે, શું કરું?

30 April, 2021 02:43 PM IST  |  Mumbai | Dr. Neha Patel

એક વસ્તુ માટે ખૂબ મહેનત કરી હોય એનું ફળ તો બાજુએ રહ્યું, પરંતુ એ માટેની પરીક્ષા આપવાનો મોકો જ મળે નહીં તો એ પરિસ્થિતિ અન્યાયપૂર્ણ લાગે

પ્રતીકાત્મક તસવીર

હું દસમા ધોરણમાં છું. હંમેશાં ક્લાસની ટૉપર જ રહી છું. પણ જ્યારથી એક્ઝામ કૅન્સલ થઈ ત્યારથી કાંઈ સારું લાગતું નથી. આખું વર્ષ ઘરે બેઠાં અને જાતે મહેનત કરી. બસ એક જ લક્ષ્ય હતું કે કોરોના જેવી પરિસ્થિતિમાં પણ બેસ્ટ જ માર્ક્સ લાવવા છે. અચાનક આ પ્રકારના નિર્ણયથી મારી આટલી મહેનત નિરર્થક બની ગઈ. મારામાં અને એક નૉર્મલ સ્ટુડન્ટમાં જાણે કે કોઈ ફરક જ ન રહ્યો. ઇચ્છત તો હું પણ તેમની જેમ જલસા કરી શકત, પણ મેં ન કર્યા. ભણવામાં ધ્યાન આપ્યું. હવે એનો શો ફાયદો?   

 

તમારી નિરાશા સમજી શકું છું. એક વસ્તુ માટે ખૂબ મહેનત કરી હોય એનું ફળ તો બાજુએ રહ્યું, પરંતુ એ માટેની પરીક્ષા આપવાનો મોકો જ મળે નહીં તો એ પરિસ્થિતિ અન્યાયપૂર્ણ લાગે. આજ તો જીવન પાસેથી શીખવાનું છે. પરીક્ષા ફક્ત બોર્ડમાં લેવાય એને જ નથી કહેવાતી. કોરોનાની જે પરિસ્થિતિ સામે આપણે લડી રહ્યા છીએ એ પણ એક મોટી પરીક્ષા જ છે. આ પરિસ્થિતિને એક મોટા દૃષ્ટિકોણ સાથે જોવાની જરૂર છે. જીવનના આ લર્નિંગ્સ તમને આગળ જઈને ખૂબ કામ લાગશે. અત્યારનો સમય ખૂબ કપરો છે. લાખો લોકો કોરોનાને કારણે અસરગ્રસ્ત થઈ રહ્યા છે ત્યારે એ સમજવું જરૂરી છે કે મનુષ્યના જીવનનું મૂલ્ય દરેક વસ્તુ અને પરિસ્થિતિ કરતાં વધુ જ હોવાનું. પરીક્ષા નહીં આપી શકાય, ઘણા બધા તમારા જેવા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન વ્યવસ્થિત રીતે કદાચ ન કરી શકાય, પરંતુ આ કાંઈ જીવનની છેલ્લી પરીક્ષા તો નથી. આવી કેટકેટલી પરીક્ષાઓ આવશે. આનાથી વધુ કપરી પણ આવી શકે. જેમ તમે બોર્ડની પરીક્ષાની તૈયારી કરો છો એમ જીવન તમને આવનારી બીજી મુશ્કેલ પરિસ્થિતિ માટે તૈયાર કરી રહ્યું છે એમ સમજો.

રહી વાત જાતને પ્રૂવ કરવાની તો જીવન તમને એના બીજા ઘણા ચાન્સ આપશે જ. હજી તો આખી કારકિર્દી ઘડાવાની બાકી છે. માટે હતાશ ન થાઓ. ભણતરનું સમગ્ર માળખું પરીક્ષાલક્ષી છે, પણ પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટે જ ભણવું એ બરાબર નથી. તમે જ કહ્યું કે મને ભણવું ગમે છે. તો બસ, તમને ગમ્યું એટલે તમે ભણ્યા એમ વિચારો. આ ભણતર એળે નહીં જાય. તમને ચોક્કસ ભવિષ્યમાં કામ લાગશે. માટે ચિંતા ન કરો. 

columnists