01 May, 2025 03:31 PM IST | Mumbai | Dr. Suruchi Desai
પ્રતીકાત્મક તસવીર
તમારો ખોરાક અને લાઇફસ્ટાઇલ સારાં હોય તેમ છતાં દરેક ગર્ભવતી સ્ત્રીએ પ્રેગ્નન્સી દરમિયાન અમુક સપ્લિમેન્ટ લેવાં અત્યંત જરૂરી છે. એ કયાં સપ્લિમેન્ટ છે અને એ શા માટે લેવાં જોઈએ એ આજે સમજીએ.
પ્રેગ્નન્સીના પહેલા ૩ મહિના ફોલિક ઍસિડની ગોળીઓ ખાવી જરૂરી છે. એક દિવસમાં ૫ મિલીગ્રામ ફોલિક ઍસિડની જરૂર પ્રેગ્નન્સીમાં સ્ત્રીને હોય છે. ઘણી વાર ગર્ભ ધારણ કરવાના ૧ મહિના પહેલાંથી જ ડૉક્ટર્સ આ ટૅબ્લેટ શરૂ કરવાનું કહે છે. જો ફોલિક ઍસિડની શરીરમાં ઊણપ સર્જાય તો બાળકને ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ થઈ શકે છે, જેમાં બાળકની નર્વસ સિસ્ટમ બરાબર વિકાસ પામતી નથી અને તે માનસિક રીતે અક્ષમ જન્મે છે.
જે સ્ત્રીમાં વિટામિન Dની ઊણપ હોય તેને ગર્ભ ધારણ કરવામાં જ ઘણા પ્રૉબ્લેમ્સ નડે છે. વળી એ કૅલ્શિયમના નિર્માણ માટે પણ એટલું જ જરૂરી છે અને એની ઊણપથી શરીરમાં કૅલ્શિયમની ઊણપ પણ સર્જાય છે, જેને લીધે બાળકનાં હાડકાંઓના ઘડતર પર પ્રભાવ પડે છે. આદર્શ રીતે ગર્ભ ધારણ કર્યાં પહેલાં જ સ્ત્રીએ તેનું વિટામિન D ચેક કરાવવું જરૂરી છે. જો એ ઓછું હોય તો પહેલાં એની ઊણપ પૂરી કરવી અને પછી જ ગર્ભ ધારણ કરવાની તૈયારી કરવી જોઈએ. સામાન્ય રીતે ગર્ભવતી સ્ત્રીને ૧ દિવસમાં ૧ ગ્રામ જેટલી આવશ્યકતા રહે છે.
પ્રેગ્નન્સી દરમિયાન માતાના શરીરમાં વધારે લોહીની જરૂર પડે છે. બ્લડ વધે, પરંતુ એમાં રહેલું હીમોગ્લોબિન ન વધે તો આયર્નની ઊણપ સર્જાય તો બાળક એનીમિક હોઈ શકે છે. આ ઉપરાંત આ પરિસ્થિતિમાં માતાનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. આયર્ન ટૅબ્લેટ્સ દરેક સ્ત્રીની જરૂરિયાત મુજબ ડૉક્ટર રેકમન્ડ કરતા હોય છે, જેને ક્યારથી શરૂ કરવી એ પણ દરેક સ્ત્રીની અવસ્થા મુજબ નક્કી થતું હોય છે. ગર્ભવતી સ્ત્રીને પ્રોટીન પાઉડર કે પ્રોટીનનાં સ્પેશ્યલ બિસ્કિટ રેકમન્ડ કરવામાં આવે છે જેથી બાળકનો ગ્રોથ વ્યવસ્થિત થઈ શકે. બાળકના દરેક કોષના નિર્માણ માટે પ્રોટીન અત્યંત જરૂરી ઘટક છે. ખાસ કરીને પ્રેગ્નન્સીના ૫ મહિના પછી સ્ત્રીએ તેના પ્રોટીન ઇન્ટેટેક પર ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
ગર્ભ ધારણ કરતાં પહેલાં જ બધાં જ વિટામિન્સ અને ટોટલ બ્લડ કાઉન્ટની ટેસ્ટ કરાવી દરેક સ્ત્રીએ પહેલાં જાણી લેવું જરૂરી છે કે તેને કોઈ ઊણપ છે કે નહીં. અને હોય તો એનો ઇલાજ કરાવી પછી જ પ્રેગ્નન્સી વિશે વિચારવું જોઈએ. વળી પ્રેગ્નન્સીમાં લેવાતાં સપ્લિમેન્ટ્સ ખાસ કરીને આયર્ન અને કૅલ્શિયમ બન્ને ડિલિવરી પછીના ૪ મહિના સુધી લેવાં જ જોઈએ કારણ કે આ દરમિયાન તેમનું બાળક સંપૂર્ણ માતાના દૂધ પર આશ્રિત હોય છે.