16 August, 2025 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
એ હકીકત છે કે જે લોકો ગરીબ છે, બે ટંક ખાવા માટે પણ પૈસા નથી તેમનાં બાળકો કુપોષણનો શિકાર બને છે. આપણા દેશમાં આ પ્રશ્ન ઘણો મોટો છે પરંતુ કુપોષણ ગરીબોનો રોગ નથી, કુપોષણ કોઈ પણ બાળકને થાય છે. સારાં ઘરોમાં પ્રી-ટર્મ જન્મતાં બાળકો જન્મથી જ કુપોષિત છે તો જે બાળકો ફક્ત જન્ક ખાઈ-ખાઈને ગોળમટોળ થઈ ગયાં છે એ બાળકો પણ કુપોષણનો શિકાર છે. અમુક બાળક જમવાનું જોઈને જ ભાગી જાય છે, ૧ કલાકમાં માંડ ચાર ચમચી ખાય છે એ પણ કુપોષિત છે અને જેમના ઘરમાં શું ખાવું અને શું ન ખાવું એની સમજ નથી અને બાળકો ફક્ત ફૅટ્સ ખાધા કરે છે એ બાળકો પણ કુપોષિત છે.
કુપોષણને લીધે જ્યારે બાળકનું વજન વધે નહીં કે હાઇટ વધે નહીં કે પછી હાથ-પગ નબળા રહી જાય અને પેટનો ભાગ વધી જાય જેવી કોઈ પણ તકલીફ થોડા સમયમાં આવતી નથી. એટલે કે એકાદ મહિનો બાળકને યોગ્ય જમવાનું ન મળ્યું કે પોષણ પૂરું ન પડ્યું તો આવે એવું નથી, લાંબા સમયથી બાળક કુપોષણનો શિકાર હોય ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. કુપોષણ એ કોઈ અવસ્થા નથી પરંતુ લગભગ જન્મથી ચાલી આવતી તકલીફ છે કારણ કે એ જે કારણોને લીધે આવે છે એ કારણો લાંબા ગાળાનાં હોય છે. આથી એના ઉપાયો પણ ક્વિક ફિક્સ જેવા નથી હોતા. બીજું એ કે જો તમે સમયાંતરે રસીકરણ માટે કે કોઈ પણ બીજાં કારણોસર તમારા બાળકને ડૉક્ટર પાસે લઈ જાઓ છો તો તમને જાણ થશે જ કારણ કે અમુક મહિનાઓના, વરસના વિકાસ સ્તંભ હોય એ મુજબ ડૉક્ટર તેને તપાસે છે. જો એ વિકાસ યોગ્ય નથી તો એનો ઇલાજ પણ થઈ શકે છે.
કુપોષણને કારણે બાળક પર ઇન્ફેક્શનનું રિસ્ક વધે છે. જે બાળકને પૂરતું પોષણ મળતું નથી એ બાળકની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. રોગ સામે લડી ન શકે એવું બાળક સતત માંદુ રહે છે અને એને કારણે એના વિકાસ પર સીધી અસર પડે છે. કુપોષણ કોઈ પણ ઉંમરે હાનિકારક છે પરંતુ નાનપણમાં આવતું કુપોષણ વધુ હાનિકારક છે કારણ કે પોષણની સૌથી વધુ જરૂર બાળકોને હોય છે. મગજનો ૯૦ ટકા વિકાસ ૫ વર્ષની અંદર થાય છે. આ સિવાય સ્નાયુઓ, હાડકાંનો વિકાસ પણ બાળકોમાં જ્યારે થતો હોય ત્યારે પોષણ ન મળે તો એ નબળા રહી જાય છે. પછી પાછળથી પોષણ આપવામાં આવે તો પણ એ સ્ટ્રૉન્ગ બની શકતા નથી કારણ કે એનું બંધારણ જ નબળું રહી જાય છે. ઘણાં બાળકોની હાઇટ અને વજન વધતાં નથી. આમ બાળકોમાં કુપોષણ એક મોટી સમસ્યા છે જેનો ઉપાય અનિવાર્ય છે.
ડૉ. પંકજ પારેખ