પ્રોટીન સપ્લિમેન્ટ લેવાથી કિડની ફેલ્યર થાય?

21 July, 2023 05:19 PM IST  |  Mumbai | Dr. Bharat Shah

પ્રોટીન એ શરીરની કુદરતી જરૂરિયાત છે

પ્રતીકાત્મક તસવીર

આજની જનરેશનને બહુ નાની ઉંમરથી મસલ બિલ્ડિંગનો શોખ હોય છે, મારો દીકરો વીસ વર્ષનો છે અને જિમમાં જઈને વેઇટ લિફ્ટિંગ વગેરે કરે છે એને કારણે તેના ડાયટમાં પણ પ્રોટીનની ચિંતા બહુ કરતો હોય. આટલું ઓછું હોય એમ તે વે પ્રોટીન પણ લે છે. હમણાં-હમણાં છાપામાં વાંચવામાં આવે છે કે પ્રોટીન સપ્લિમેન્ટને કારણે અચાનક જ કિડની ફેલ્યર થઈ ગયું અને વ્યક્તિને ઇમર્જન્સી ડાયાલિસિસ કરાવવું પડ્યું. આવા કિસ્સા સાંભળીને મને ચિંતા એ થાય છે કે અત્યારથી પ્રોટીન સપ્લિમેન્ટ્સ લેવાથી કિડનીની તકલીફ થઈ શકે? મેં સાંભળ્યું છે કે પ્રોટીન સપ્લિમેન્ટ્સમાં ઍડિટિવ્સ અને કેમિકલ્સ પણ ખૂબ હોય છે એ કિડનીને નુકસાન કરી શકે છે. શું દીકરો વધુ પ્રોટીન લેશો તો લાંબા ગાળે તકલીફ ખરી?
 
પ્રોટીન એ શરીરની કુદરતી જરૂરિયાત છે. જો એ જરૂરી માત્રામાં લેવામાં આવે તો કોઈ વાંધો નથી. પણ જ્યારે એની અતિ થઈ જાય ત્યારે જ સમસ્યા સર્જાય છે. યંગ એજમાં જો નિષ્ણાતની સલાહથી વે પ્રોટીન લેવામાં આવે તો એમાં કશું ખોટું નથી. મસલ બિલ્ડિંગ કરતા લોકો એક્સરસાઇઝ પણ એટલી જ કરતા હોય અને એને કારણે તેમના શરીરને પ્રોટીનની જરૂરિયાત વધારે હોય છે.

તમે જે કેસ સાંભળ્યા કે વાંચ્યા છે એના પરથી એવું સીધું તારણ ન બાંધી શકાય કે માત્ર પ્રોટીન લેવાને કારણે જ તેમની કિડની ફેઇલ થઈ ગઈ. કિડની ફેઇલ થવાનાં અનેક કારણો હોઈ શકે છે. દરેક કેસમાં એ કારણો જુદાં-જુદાં હોય છે. બની શકે કે જે-તે વ્ય્કિતને પહેલેથી જ કિડનીની તકલીફ હોય અથવા તો બ્લડપ્રેશર કે ડાયાબિટીઝ જેવી તકલીફ હોય જેને કારણે કિડનીની ક્ષમતા પહેલેથી જ જોખમાયેલી હશે. કિડનીની કામગીરી ઑલરેડી નબળી પડી ગયેલી હોય અને બેફામ પ્રોટીન લેવામાં આવ્યું હોય તો તકલીફ થઈ શકે.

તમારા દીકરાના કેસમાં  જો તે નિષ્ણાતને પૂછીને પ્રોટીન સપ્લિમેન્ટ્સ લેતો હોય તો એમાં કંઈ વાંધો નથી. કોઈ પણ પ્રકારનાં સપ્લિમેન્ટ્સનો ડોઝ જાતે નહીં, પણ નિષ્ણાતને પૂછીને નક્કી કરવામાં આવે એ જરૂરી છે. ચિંતા રહેતી હોય તો એક વાર કિડની પ્રોફાઇલ ટેસ્ટ કરીને ઑર્ગનની કામગીરી બરાબર છે કે નહીં એ ચેક કરી લેવું.

health tips life and style columnists