સર્વાઇકલ સ્પૉન્ડિલાઇટિસ હોય તો ઊંધા ન સુવાય?

12 December, 2022 05:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઊંધું સૂવાનું પૉશ્ચર હંમેશાં ખોટું કે ખરાબ નથી હોતું

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

હું ૩૨ વર્ષનો છું અને મને થોડા સમયથી ડોકના દુખાવાની તકલીફ થાય છે. મારી મૂવમેન્ટ અઘરી બની રહી હતી ત્યારે મેં ડૉક્ટરને બતાવ્યું તો તેમણે કહ્યું કે મને સર્વાઇકલ સ્પૉન્ડિલાઇટિસની તકલીફ છે. હજી શરૂઆત છે, પણ એક્સરસાઇઝ કરવી પડશે એવું તેમનું કહેવું છે. તકલીફ એ છે કે તેમણે મને ઊંધા સૂવાની ના પાડી છે. ઘણા કહે છે કે એને લીધે જાડા થઈ જવાય. હું જન્મથી પેટ પર જ સૂવું છું. આ આદત છોડવી અઘરી છે. શું પેટ પર સૂવું એ ખોટું છે? આ આદત ન છોડવી પડે એ માટે કંઈ થઈ શકે?

તમારી વાત સાચી છે. ઘણા લોકોને એવો ભ્રમ હોય છે કે ઊંધા સૂવાથી શ્વાસમાં તકલીફ થાય કે પાચન વ્યવસ્થિત ન થાય અથવા તો મેદસ્વી થઈ જવાય, પણ આ બધા ભ્રમ જ છે. ઊંધું સૂવાનું પૉશ્ચર હંમેશાં ખોટું કે ખરાબ નથી હોતું. ઊલટું એ લોઅર બૅક માટે ખૂબ સારો સ્ટ્રેચ છે અને એના પોતાના ફાયદાઓ છે, પરંતુ જો ધ્યાન ન રાખવામાં આવે તો અપર બૅકમાં તકલીફ આવી શકે છે. કદાચ એટલે જ તમને આ થયું હશે. ઊંધા સૂવાથી ફક્ત એક જ તકલીફ થાય, એ છે ડોકના દુખાવાની. બધાં જ પૉશ્ચરમાં આ રીત સૌથી ખોટી માનવામાં આવે છે, પણ હકીકત એ છે કે લગભગ ૬૦% લોકો પેટ પર સૂવાની આદત ધરાવે છે. આ આદતમાં સૌથી મહત્ત્વની તકલીફ એ છે કે ઊંધા સૂવાને કારણે ડોકની પોઝિશન ગમે તેમ થઈ જાય છે. કોઈ વિચિત્ર પોઝિશનમાં ડોક રહી જાય તો અકડાઈ જાય અને એના પર વજન આવવાને લીધે દુખાવો થઈ શકે છે. જે લોકોને ડોકનો, પીઠનો કે કમરનો દુખાવો થાય છે એ લોકો માટે પડખે સૂવું કે ઊંધા સૂવું ખૂબ જ પેઇનફુલ બની જતું હોય છે, પરંતુ જેમને આદત છે એ લોકો જો આ રીતે ન સૂએ તો તેમને ઊંઘ જ આવતી નથી. આ એક મોટો પ્રૉબ્લેમ બની જાય છે. આવા લોકો માટે સલાહ એ છે કે પહેલાં તે પોતાના દુખાવાનો ઇલાજ કરાવડાવે, દુખાવો સંપૂર્ણપણે જાય પછી એ પોતાના મનગમતા પૉશ્ચરમાં સૂઈ શકે છે. તમારે પોશ્ચર બદલવાની બિલકુલ જરૂર નથી, પરંતુ તકિયાની પોઝિશન યોગ્ય રાખો. ૨ ઇંચનો રૂનો તકિયો વાપરી જુઓ અથવા બિલકુલ તકિયા વગર સૂઈ જુઓ. તમને એનાથી ચોક્કસ ફાયદો થશે. સર્વાઇકલની તકલીફ મુખ્યત્વે તકિયાનો પ્રૉબ્લેમ હોય છે, પૉશ્ચરનો નહીં. તમારી સિટિંગ પોઝિશન સુધારો, એક્સરસાઇઝ વડે સ્નાયુ સશક્ત કરો તો વાંધો નહીં આવે.

columnists health tips life and style