માથાના દુખાવાની દવા ઍસ્પિરિનની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાથી ત્વચા ખરેખર ચમકીલી બને?

29 April, 2024 10:43 AM IST  |  Mumbai | Laxmi Vanita

આવા તો અનેક નુસખાની લાઇન લાગી છે ઇન્ટરનેટ પર. ચોખાનું પાણી કે કૉફીનો ઘરેલુ નુસખામાં ઉપયોગ કરો તો પહેલાં તમારા સ્કિન-ડૉક્ટર સાથે વાત કરી લેજો, નહીંતર પરિસ્થિતિ રિવર્સ ન કરી શકાય એ રીતે ત્વચાને નુકસાન થશે

પ્રતીકાત્મક તસવીર

વિદેશોમાં જે બ્યુટી ટ્રીટમેન્ટ કે ટિપ્સ સફળ થાય એને ભારતમાં આવતાં સમય નથી લાગતો. એવામાં એક બ્યુટી-ટિપ છે જે કદાચ ભવિષ્યમાં માથાનો દુખાવો બની શકે ખરી. અમેરિકાના સ્કિન-કૅર સ્પેશ્યલિસ્ટ માથાના દુખાવાની દવા ઍસ્પિરિનની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાની સલાહ આપતા હોય છે. સ્કિનને તેજસ્વી અને ચમકીલી બનાવવા માટે લોકો કંઈ પણ કરી શકે છે. વર્ષ ૨૦૧૫માં ઍસ્પિરિનના ઉપયોગને લઈને રિસર્ચ થયું હતું જેમાં અમુક અંશે ખીલ કે ચહેરા પરના ડાઘમાં એ ઉપયોગી થઈ શકે, પરંતુ એનો બ્યુટી-ટ્રીટમેન્ટ તરીકે ઉપયોગ કરી શકાય એવાં હજી સુધી કોઈ પ્રમાણ નથી કે સંશોધન થયાં નથી. તેમ છતાં જો અમેરિકન એક્સપર્ટ સ્કિન-કૅર માટે આવી સલાહ આપતા હોય તો શું એ સુરક્ષિત છે? જાણીએ ભારતીય ડર્મેટોલૉજિસ્ટ પાસેથી કે ઇન્ટરનેટ પરની આવી સલાહનો કેટલા અંશે ઉપયોગ કરી શકાય.

વાસ્તવિકતા શું છે?
છેલ્લાં ૧૫ પંદર વર્ષથી મલાડમાં ડર્મેટોલૉજિસ્ટ તરીકે પ્રૅક્ટિસ કરતાં ડૉ. શ્વેતા રાંભિયા કહે છે, ‘ઍસ્પિરિનમાં સૅલિસિલિક ઍસિડ હોય છે જે એને ભાંગવાથી મળે છે. સૅલિસિલિક ઍસિડ ત્વચા પરના ડાઘ અને ખીલ દૂર કરવાની પ્રોડક્ટમાં વપરાય છે. દરેકની ત્વચા અલગ હોય છે તો વિદેશમાં ભલે ઉપયોગમાં લેવામાં આવે, પરંતુ ભારતીય ત્વચા માટે ઍસ્પિરિનની પેસ્ટ યોગ્ય નથી. અમે જ્યારે સ્કિન-કૅર માટે સૅલિસિલિક ઍસિડયુક્ત પ્રોડક્ટ પ્રિસ્ક્રિપ્શનમાં લખીએ તો જરૂરિયાત પ્રમાણે આપતા હોઈએ છીએ. જેમ કે કોઈને બે ટકા તો કોઈને એના કરતાં વધારેની જરૂર પડે. જ્યારે તમે ઍસ્પિરિનની પેસ્ટ બનાવો ત્યારે એમાંથી કેટલી ગોળીનો પેસ્ટમાં ઉપયોગ કરવાથી કેટલા ટકા આ જરૂરી તત્ત્વ મળશે એનો ખ્યાલ ન આવી શકે. પરિણામે એની આડઅસર ચહેરા પર થઈ શકે. આપણી પાસે ખીલ, ડાઘ કે ચહેરાની અન્ય સમસ્યાઓ માટે સસ્તી અને સારી ક્રીમ ઉપલબ્ધ છે. એટલે ઇન્ટરનેટ પર વાંચીને ક્યારેય એ નુસખો અજમાવવો નહીં.’  

ઇન્ટરનેટના નુસખા, પડે ખર્ચીલા 
આપણે અજીબોગરીબ ઘરેલુ નુસખા અજમાવીને ત્વચાની હાલત એકદમ દયનીય થઈ જાય ત્યારે ડૉક્ટરની મુલાકાત લેતા હોઈએ છીએ. ઇન્ટરનેટના નુસખાઓ પર ચેતવણી આપતાં ડૉ. શ્વેતા કહે છે, ‘ઘણાબધા પેશન્ટ કંઈ પણ ઉપયોગ કરે. એમાં ઇન્ટરનેટના કારણે એટલીબધી માહિતી છે કે લોકો ડૉક્ટરના બદલે પોતે જ ઇલાજ કરે છે. મારા એક પેશન્ટે એવી જ રીતે તેમના ઘણાબધા મસા પર ચૂનો લગાવીને એને દૂર કરવાની કોશિશ કરી, પણ તેમની સ્કિન દાઝી ગઈ. અત્યારે લોકો ઇન્ટરનૅશનલ બ્યુટી-ટિપને અનુસરે છે જેમાં ચોખાનું પાણી, કૉફી પાઉડર, કાંદાનું તેલ વગેરેનો સમાવેશ થાય છે. એક પેશન્ટે કૉફી પાઉડરનો ઉપયોગ કર્યો હતો અને એક પેશન્ટે ચોખાનું પાણી. બન્નેને ઊલટી અસર થઈ. વિદેશમાં લોકો કાંદાનું તેલ વાપરે છે પણ કાંદા વાળ ઉગાડશે એવું કોઈ સંશોધન નથી થયું. એમાં અમુક પેશન્ટની ત્વચા એટલી સુંદર અને બેદાગ હોય તો પણ તેઓ આવા નુસખા અપનાવે અને ત્વચાને ખરાબ કરીને મારી પાસે આવે છે. ઘરેલુ નુસખા, જે કોઈ પણ પ્રકારની ત્વચાને નુકસાન ન કરે એમાં મુલતાની માટી, કુંવારપાઠું અને કાચા દૂધનો સમાવેશ થાય છે. એનો ઉપયોગ તમે ૧૦૦ ટકા કરી શકો છો.’

health tips life and style columnists